Get The App

જંગલમાં બિગ બિલિયન્સ ડે : ડિસ્કાઉન્ટ પાછળ લાગેલી ફુદરડીની માયાજાળ

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
જંગલમાં બિગ બિલિયન્સ ડે : ડિસ્કાઉન્ટ પાછળ લાગેલી ફુદરડીની માયાજાળ 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- જંગલના ઉદ્યોગપતિ ગુલામદાસ ગધેડાની ઈ-કૉમર્સ એપનો જાહેરાતોનો મારો ચાલ્યો : 'વર્ષમાં એક જ વખત મળતો મોકો, બધી જ પ્રોડક્ટ અડધા ભાવે ખરીદો!*' શરતો લાગુ...

જંગલમાં ડિસ્કાઉન્ટ શબ્દની જબરી વેલ્યુ હતી. જંગલવાસીઓ વર્ષભર ડિસ્કાઉન્ટની શોધમાં રહેતા, પણ વર્ષમાં એક વખત ડિસ્કાઉન્ટ શબ્દ સામે ચાલીને જંગલવાસીઓ સુધી પહોંચી જતો. દિવાળી પહેલાં જંગલની ઈ-કૉમર્સ કંપનીઓ ડિસ્કાઉન્ટ શબ્દને છૂટો મૂકી દેતી. એમાં ગુલામદાસ ગધેડાની શોપિંગ એપ 'ડોન્કીઝ' સૌથી આગળ રહેતી. દિવસો સુધી ડિસ્કાઉન્ટની ઓફર એમાં ચાલતી. એક દિવસ પક્ષીઓ માટે વિશેષ ડિસ્કાઉન્ટ રહેતું. એક દિવસ પ્રાણીઓને ખાસ ડિસ્કાઉન્ટ મળતું. એક દિવસ જળચરોને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અપાતું. એક દિવસ સરીસૃપો માટે ખાસ ઓફર રહેતી. ચારેબાજુ બસ ડિસ્કાઉન્ટ-ડિસ્કાઉન્ટ-ડિસ્કાઉન્ટ... ઓફર્સ ઓફર્સ ઓફર્સ... 

આ ઓફરની એક જ મુશ્કેલી હતી - ફુદરડી. દરેક ડિસ્કાઉન્ટ પાછળ એક બહુ જ નાનકડી ફુદરડી લાગેલી રહેતી, જેનો અર્થ થતો હતો - ટર્મ્સ એન્ડ કંડિશન્સ અપ્લાઈડ. આ નાની ફુદરડી મોટો ભાગ ભજવતી. આ નાનકડી ફુદરતી ગુલામદાસ ગધેડા જેવા ઈ-કૉમર્સ કંપનીઓના માલિકોને મોટી કમાણી કરાવી આપતી. જંગલવાસીઓને બધા ગણિત સમજાયા હતા, પરંતુ ફુદરડીનું ગણિત સમજવામાં જંગલના ભલભલા અર્થશાસ્ત્રીઓ ટૂંકા પડતા હતા. ફુદરડી કેવી રીતે કામ કરતી એ સમજવા જેવું છે.

પ્રાણીઓ માટે ડિસ્કાઉન્ટ ચાલતું હતું એ દિવસે બકુલાબહેન બકરીએ 'ડોન્કીઝ' એપ ખોલીને બધું ફટાફટ જોવા માંડયું. એના ધ્યાનમાં આવ્યું કે પોતાને કામની ઘણી પ્રોડક્ટમાં તો જંગી ફાયદો થાય છે. તેણે ફટાફટ એક લિંક મોકલીને હસબંડ બાબાલાલ બકરાને મેસેજ કર્યોઃ 'મારા માટે આ ઓર્ડર કરો. માર્કેટમાં બહુ મોંઘું પડે છે. આટલું સસ્તું વર્ષમાં એક જ વખત મળશે.'

બકુલાબહેનને શિંગડાની ઉપર કેપ પહેરવાનો શોખ હતો. લિંકમાં જુદા જુદા કલર્સની એક ડઝન કેપ ઓલમોસ્ટ ૩૦ ટકા ભાવમાં મળી જાય તેમ હતી. બાબાલાલે ઓફિસના બધા કામ પડતાં મૂકીને એનો ઓર્ડર પ્લેસ કરવાનું કામ શરૂ કર્યું. એણે વિચાર્યું, 'બકુલી આ લેવા માર્કેટમાં લઈ જશે તો પૈસાનો ધુમાડો થશે. અત્યારે ઓર્ડર કરીશ તો સસ્તાંમાં પતી જશે.' ઓર્ડરમાં પેમેન્ટનો ઓપ્શન આવ્યો ત્યારે છેક લખેલું આવ્યુંઃ 'એક્સવાયઝેડ બેંકના ક્રેડિટ કાર્ડથી ઓર્ડર કરો ને આ ડિસ્કાઉન્ટનો લાભ મેળવો!'

બાબાલાલ પાસે એક્સવાયઝેડ કંપનીનું ક્રેડિટ કાર્ડ ન હતું. એની પાસે એબીસીડી બેંકનું હતું, વાયઝેડ બેંકનું પણ હતું. હવે એ ક્રેડિટ કાર્ડ વગર શિંગડાની કેપનો ઓર્ડર કરે તો ૩૦ ટકાને બદલે ૬૦ ટકામાં પડે. બાબાલાલે ફટાફટ દોસ્તોને ફોન કરીને એક્સવાયઝેડના ક્રેડિટ કાર્ડનો મેળ કર્યો. ફાઈનલી ઓર્ડર પણ થઈ ગયો. ડિલિવરી મળી ગઈ. ઓફર્સના કારણે બચત થઈ હોવાથી બાબાલાલ ખુશ દેખાતા હતા. થોડા દિવસ પછી જે મિત્રનું ક્રેડિટ કાર્ડ હતું એણે બિલ મોકલ્યું. બિલ જોઈને બાબાલાલ ડઘાઈ ગયા. ફરીથી ડોન્કીઝનો ઓર્ડર જોયો. ઓર્ડર પ્લેસ કરતી વખતે તો ફુદરડી ખાસ ધ્યાનમાં આવી ન હતી. હવે જોયું તો લખ્યું હતું ઃ એક્સવાયઝેડ ક્રેડિટ કાર્ડમાં ૫ાંચ ટકા પ્રોસેસિંગ ફી લાગશે. ઓફર્સ માટે શરૂઆતના ૧૦૦ ગ્રાહકો માટે...

બાબાલાલે બિલ પે કર્યા વગર છૂટકો ન હતો. ને તોય પરેશાની ખતમ થઈ ન હતી. બકુલાબહેન દર થોડા દિવસે એક વખત કહેતાં હતાંઃ 'આ ઓનલાઈનમાં સસ્તું ભલે મળે છે, પણ ક્વોલિટીમાં જોઈએ એવી મજા નથી આવતી!'

બાબાલાલને નડેલી ફુદરડી મહાસીર માછલાનેય નડી, પણ જરા જુદી રીતે. 

બિગ બિલિયન્સ ડેઝ ચાલતા હતા એવા એક દિવસે મંગળા માછલી એના બોયફ્રેન્ડ મહાસીર માછલા સાથે ડેટ પર આવી હતી. એનું ધ્યાન સતત મોબાઈલમાં હતું. એ 'ડોન્કીઝ' એપમાં ઓફર્સ જોયા કરતી હતી એ જોઈને મહાસીરે કહ્યું, 'તને કંઈ ગમતું હોય તો ઓર્ડર કરી દઉં?'

બસ, જાણે આ વાક્યની રાહ જોતી હોય એમ મંગળા બોલી, 'આઈ લાઈક ધીસ આઈલાઈનર, બટ ઈટ્સ ટૂ એક્સપેન્સિવ! અત્યારે ઓફર છે એટલે ૫૦ ટકા ડિસ્કાઉન્ટમાં મળે છે, છતાં મારે આટલો ખર્ચ નથી કરવો.'

'ઈટ્સ ઓકે. આઈ વિલ પે! લાવ, હું ઓર્ડર પ્લેસ કરી દઉં.' ક્રેડિટ કાર્ડના ચક્કરમાં પડયા વગર તેણે નો-કોસ્ટ ઈએમઆઈથી ઓર્ડર કરી દીધો. એમાં એને પ્રોસેસિંગ ફી સિવાય તો કંઈ હિડન ચાર્જ ન લાગ્યો, પણ ફુદરડીએ અહીં એનું કામ કર્યું હતું. આઈલાઈનર આવી ગઈ પછી મંગળાએ ફરિયાદ કરીઃ 'આ મેં જોયેલી એવી નથી. રિટર્ન કરી દઈશ, પ્લીઝ?'

પણ તે રિટર્ન થાય એમ ન હતી. ગુલામદાસે બીજી બધી પ્રોડક્ટની રિટર્ન પોલિસી અને કોસ્મેટિક્સની રિટર્ન પૉલિસી જુદી રાખેલી. ફુદરડીની શરતો વાંચી ત્યારે મહાસીરને ખ્યાલ આવ્યો કે આ પ્રોડક્ટ કંપની પાછી રાખશે નહીં. ગર્લફ્રેન્ડને નારાજ કરવી પરવડે નહીં. આખરે મંગળાને જોઈતી પ્રોડક્ટ ફરી ઓર્ડર કરીને નવેસરથી હપ્તા શરૂ કરાવ્યા. હવે મહાસીર દર મહિને ટૂ એક્સપેન્સિવ આઈલાઈનરના બબ્બે હપ્તાં ભરે છે.

ફ્લેટ ડિસ્કાઉન્ટ, અપ ટુ ૫૦ પર્સેન્ટ, બાય વન ગેટ ટુ ફ્રી, આટલા હજારની શોપિંગમાં આટલાનું ડિસ્કાઉન્ટ.... આ અને આવા કેટલાય ડિસ્કાઉન્ટમાંથી બહુ ઓછા જંગલવાસીઓને ફાયદો થતો.

મોટાભાગના ડિસ્કાઉન્ટના લાભાર્થીઓને ફુદરડી કાયમ નડતી ને ઈ-કૉમર્સ કંપનીઓને ફુદરડી કાયમ ફળતી.


Google NewsGoogle News