પતંગોત્સવ પછી નવા માળા બનાવવાનું ફંડ આપો : પક્ષીસમાજની રજૂઆત
- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- વૃક્ષો પર ઠેર-ઠેર લટકતા ધારદાર દોરામાંથી બચીને સેંકડો પક્ષીઓ વાસી ઉત્તરાયણ પછી મળેલા પક્ષીસમાજના મહાસંમેલનમાં આવી પહોંચ્યાં. આખા સમાજે પતંગોત્સવમાં માર્યા ગયેલા પક્ષીઓને ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપી
પક્ષીસમાજની એપ 'પાંખ'માં ઉત્તરાયણના દિવસે જ મેસેજ આપી દેવાયો હતો : 'વાસી ઉત્તરાયણ પછી તુરંત પક્ષીસમાજનું વાર્ષિક મહાસંમેલન યોજાશે. વૃક્ષોમાં ધારદાર દોરાઓ હશે એટલે સૌ સાચવીને આવજો!'
નિયત સમયે શરૂ થયેલા કાર્યક્રમનું સંચાલન કરતાં કબૂતર કાનાફૂસિયાએ હોદ્દેદારોનું શબ્દોથી સ્વાગત કર્યું: 'પ્રમુખ શ્રી ગગનભાઈ ગરૂડ, માર્ગદર્શક હીરજીભાઈ હંસ, મહામંત્રી કાગડાભાઈ કંકાસિયા, ખજાનચી હોલાજી હઠીલા, મહિલા પાંખનાં પ્રમુખ કાબરબેન કલબલાટિયાનું હું સંગઠન મંત્રી તરીકે સ્વાગત કરું છું. વધુ સમય ન બગાડતા હું પ્રમુખ ગગનભાઈને વિનંતી કરીશ કે તેઓ કંઈક કહે.' સમય ન બગાડવાનું કહીને કાર્યક્રમના સંચાલકો જ સૌથી વધુ સમય બગાડતા હોય છે. એનો નમૂનો આપતા કબૂતર કાનાફૂસિયાએ સમય બગાડયો: 'ગગનભાઈ ગરૂડના પ્રમુખ તરીકેના કાર્યકાળમાં પીડિત પરિવારોને અને મૃતક પક્ષીઓના પરિવારજનોને આર્થિક વળતર આપીએ છીએ. ઈજાગ્રસ્ત પક્ષીઓને તેમની ઈજાના તબીબી રિપોર્ટના આધારે મેડિકલ બિલ આપવા ઉપરાંત ત્રણથી છ મહિના સુધીના દાણા-પાણીની વ્યવસ્થા થાય છે. આવા આપણા પ્રમુખને પાંખના ફડફડાટથી સૌ વધાવી લઈએ...'
કબૂતર કાનાફૂસિયો માઈક આપે એની રાહમાં છેક માઈકની નજીક આવીને બેસી ગયેલા ગગનભાઈ ગરૂડને આખરે માઈક મળ્યું. તેમણે મૃતક પક્ષીઓને શ્રદ્ધાંજલિ આપી: 'વંદે વિષ્ણુ! આપણા સૌના પરિવારજનો વધુ એક પતંગોત્સવમાં માર્યા ગયા છે. તેમની ખોટ ક્યારેય પૂરાશે નહીં. હું આપણાં ઈષ્ટદેવ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરીશ કે આ પક્ષીઓના આત્માને શાંતિ આપે. આપણે સૌ બે મિનિટનું મૌન પાળીશું.' ભારે હૈયે આખાય પક્ષી સમાજે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી.
પરિવારના સભ્યો ગુમાવનારાં ઘણાં પક્ષીઓ પારાવાર પીડામાં હીબકે ચડી ગયાં હતાં. આખું વાતાવરણ થોડી વાર માટે ગમગીન થઈ ગયું. ગગનભાઈ ગરૂડે ઈજાગ્રસ્ત પક્ષીઓને આ વર્ષે નક્કી થયેલી સહાયની જાણકારી આપી : 'પાંખોમાં ગંભીર ઈજા થઈ છે તેમને છ મહિનાની ચણ મળશે. ડૉક્ટરની સારવારનું બિલ ચૂકવી આપવામાં આવશે. પંજાઓમાં ઈજા પહોંચી છે તેવા પક્ષીઓને ડાળીએ લટકી શકવામાં મુશ્કેલી પડતી હોવાથી તેમના માટે થોડા સપાટ વૃક્ષોની જગ્યા ફાળવી આપવામાં આપશે, પરંતુ એમાં તેઓ કાયમી વસવાટનો દાવો કરી શકશે નહીં. મૃતકોના પરિવારને વર્ષોથી જે રકમ આપીએ છીએ એ રકમ અને દાણો-પાણી મળશે. પતંગોત્સવમાં ખપી ગયેલા જે પેરેન્ટ્સનાં બચ્ચાંઓ બહુ નાનાં હશે તેમની કેર માટે વોલેન્ટરી માદાઓની મદદ મળે તેવી વ્યવસ્થા ગોઠવાશે.'
પ્રમુખના ભાષણ પછી કબૂતર કાનાફૂસિયાએ મદદ અંગેની ટેકનિકલ વિગતો જણાવી. નોંધણી કરાવનારા પક્ષીઓ એક્સપર્ટ ડોક્ટરનું ઈજા-સર્ટિફિકેટ જગ્યા પર જ મેળવી શકે એવી સવલત આ વખતે આપવામાં આવી હતી. કબૂતર કાનાફૂસિયાની ટેકનિકલ માહિતી બાદ અન્ય હોદ્દેદારોએ પણ પીડિત પરિવારોને સાંત્વના આપતાં ભાષણો કર્યાં. ભોજન પહેલાં કોઈને કંઈ રજૂઆત કરવી હોય એ કરી શકશે એવું સંચાલક કબૂતર કાનાફૂસિયાએ કહ્યું કે તરત જ ચક્રધર ચકલાએ રજૂઆત કરી: 'પ્રમુખ સાહેબ, મહારાજા સિંહની સરકાર પક્ષીઓને સહાય આપવાની યોજનાઓ ચલાવે છે, પરંતુ કેટલાય પક્ષીઓ સહાય મેળવી શકતા નથી. સહાયની યોજના માત્ર કાગળ પર ચાલે છે.'
'આપણે એ વિશે રાજા સિંહને ફરીથી યાદ કરાવીશું!' પ્રમુખને બદલે કાગડા કંકાસિયાએ જવાબ આપ્યો.
'તમે રાજા સિંહની પાર્ટીમાં કામ કરો છો. તમારે પક્ષીસમાજ માટે રાજા સિંહને મનાવવા જોઈએ!' મસ્તરામ મોરે કાગડા કંકાસિયાને ઉદ્દેશીને કહ્યું એનાથી કાર્યક્રમમાં કોલાહલ થઈ ગયો.
કોલાહલ થોડો શમ્યો કે મસ્તરામ મોરે જ ફરીથી કહ્યું, 'ઈલેક્શન પહેલાં પતંગોત્સવ પછી જે પક્ષીઓના માળા વિખેરાઈ જાય છે તેમને નવા માળા બનાવવા આર્થિક ફંડ ઉપરાંત માળા બનાવી આપનારાની પ્રોફેશનલ મદદની યોજના રાજા સિંહે લોંચ કરી હતી, પરંતુ હજુ સુધી એકેય પક્ષીઓને આ યોજનાનો લાભ મળ્યો નથી. આ વર્ષે લાભ મળશે?' ગગન ગરૂડે માઈક લઈને મસ્તરામ મોરને જવાબ આપ્યો, 'મોરભાઈ તમારો આક્રોશ હું સમજી શકું છું. તમે પક્ષીસમાજની ચિંતા કરો છો એ સારી વાત છે. અમે આ મુદ્દે ફરીથી રજૂઆત કરીશું.'
'પતંગોત્સવ પછી તુરંત જ નવા માળા અને ઈજાગ્રસ્તોની વીમા પૉલિસી આપો!' કોઈનો તીણો અવાજ સંભળાયો.
'નવા માળાની સહાય આપો!'
'ઈજાગ્રસ્તોને પૉલિસી આપો!'
આખાય પક્ષીસમાજે નારો લગાવ્યો. માહોલ તંગ બની ગયો એટલે ત્યારે જ મહારાજ સિંહ પાસે રજૂઆત લઈને જવાનું નક્કી થયું. આખાય પક્ષીસમાજે વિશાળ રેલી યોજીને રાજા સિંહના દરબાર તરફ કૂચ કરી. સિં૬હના દરબાર સુધી પહોંચે ત્યાં જ રસ્તામાં ધારદાર દોરીઓ સાથેના પતંગો જોવા મળ્યા.
તપાસ કરતાં જાણવા મળ્યું: રાજા સિંહના વિશેષ મહેમાનો કાચ પાયેલી દોરીથી પતંગો ઉડાવે છે. આગળ જવું જોખમી છે.
આ સાંભળીને પક્ષીસમાજને માળામાં ભરાઈ જઈને જીવ બચાવવાનું વધારે સલામત લાગ્યું...
પક્ષી સમાજની ગતિવિધિ પર નજર રાખતા સિંહના ખબરીઓએ જાણકારી આપી : 'રાજાજી પક્ષીઓ દોરીઓ જોઈને ડરી ગયા છે. રજૂઆતની વાત ટલ્લે ચડી ગઈ છે.'
સિંહે ખુશ થતાં કહ્યું, 'જોયોને કાચની દોરીનો કમાલ!'