Get The App

નોકરી-ધંધા મૂકી દો, માત્ર મારો પ્રચાર કરો : કાચબાભાઈ કકળાટિયા

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
નોકરી-ધંધા મૂકી દો, માત્ર મારો પ્રચાર કરો : કાચબાભાઈ કકળાટિયા 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- કાચબાભાઈ કકળાટિયાને ચૂંટણીમાં મહારાજા સિંહની સામે તો લડાઈ લડવાની જ હતી, પરંતુ પોતાના જ ગઠબંધનના સાથી કાચબાભાઈએ પણ મોરચો ખોલ્યો હતો...

'આપણે શું કરવું જોઈએ?' મુખ્યમંત્રી કાચબાભાઈ કકળાટિયાએ આગામી ચૂંટણીની ચર્ચા માટે બેઠક બોલાવી ત્યારે હાજર નેતાઓને પૂછ્યું.

'મહારાજા સિંહ પાસે છે એવા મજબૂત કાર્યકરોની ટીમ જોઈશે. એમના પ્રચાર વગર પરિણામ નહીં મળે.' 

કાચબાભાઈના મિત્ર-સલાહકાર અને નેતા કરચલાભાઈ કરતબબાજે ઉમેર્યું, 'આપણે જે કામ કર્યું છે એનો પ્રચાર તો કરવો જ પડશે, પરંતુ જે કામ નથી કર્યું એનો ખાસ પ્રચાર કરવો પડશે અને એ કામ ડેડિકેટેડ કાર્યકરો જ કરી શકશે.'

'હું કાલે જ કાર્યકરોની બેઠક બોલાવીને સૌને સૂચના આપી દઈશ.' કાચબાભાઈ કકળાટિયાએ મીટિંગ આટોપી લીધી.

*

કાચબાભાઈ કકળાટિયા દરિયાના મુખ્યમંત્રી હતા. છેલ્લી બે-ત્રણ ચૂંટણીથી કાચબાભાઈ ચૂંટાઈ આવતા હતા, કાચબાભાઈએ રાજકારણમાં ઝંપલાવ્યું ત્યારે જે વાયદાઓ કર્યા હતા એના પર દરિયાઈ જીવોને ભરોસો બેઠો હતો. તેમણે દરિયાઈ જીવોને કંઈક આવા વાયદાઓ કર્યા હતા: 'હું તમને તુરંત મફત સારવાર મળે એવી વ્યવસ્થા ગોઠવીશ. તમારાં બચ્ચાઓને દરિયામાં મગરમચ્છો વચ્ચે કેવી રીતે જીવી શકાય એની નિ:શુલ્ક તાલીમ મળશે. દરિયામાં જે કચરો ઠલવાય છે તે મહારાજા સિંહની જંગલની સરકારના ભ્રષ્ટ અધિકારીઓની મીઠી નજર હેઠળ ઠલવાય છે. એ હું બંધ કરાવી દઈશ. સૌને ખોરાક મળી રહે એવી વ્યવસ્થા કરીશ. સૌને ધાર્મિક યાત્રાઓ કરાવીશ.'

દરિયાઈ જીવોને કાચબાભાઈની વાતમાં વિશ્વાસ બેઠો હતો. એ પહેલાં દરિયામાં મહારાજા સિંહની પાર્ટીના નેતાઓ અને વિપક્ષના નેતા સસલાભાઈની પાર્ટીના નેતાઓ પણ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા, પરંતુ દરિયાઈ જીવસૃષ્ટિને એના કામથી સંતોષ ન હતો. તેમને પરિવર્તન જોઈતું હતું. બરાબર એવા સમયે કાચબાભાઈ અને કરચલાભાઈની જોડીએ ચૂંટણીમાં ઝંપલાવીને સત્તા મેળવી હતી.

એ ઘટનાને વર્ષો વીતી ગયાં હતાં. કાચબાભાઈએ જે વાયદાઓ કર્યા હતા એમાંથી અમુક કામ થયાં હતાં. અમુક કામો અટકી ગયાં હતાં. દરિયામાં હજુ કચરો ઠલવાતો હતો. કાચબાભાઈ એવી દલીલ કરતા હતા કે દરિયાની સત્તા તેમની હોવા છતાં એના પર મહારાજા સિંહનો અંકુશ છે. રાજા સિંહ જાણી જોઈને તેમને કામ કરવા દેતા નથી. મહારાજા સિંહની સરકાર સામે કાચબાભાઈને વારંવાર માથાકૂટો થતી હતી. એમાં એવો અહેવાલ આવ્યો કે કાચબાભાઈ અને કરચલાભાઈ મળીને દરિયાઈ વનસ્પતિમાંથી કંઈક પીણુ બનાવીને જંગલોમાં વેચી નાખે છે. એ આરોપ હેઠળ રાજા સિંહના અંગત સલાહકાર રીંછભાઈએ તો કાચબા-કરચલાને પકડીને જેલમાં પૂરી દીધા.

*

જંગલના નેતાઓની ભલામણો પછી આ બંને જેલમાંથી છૂટયા. કાચબાભાઈને સમજાયું કે રાજા સિંહ અને રીંછભાઈ સામે લડવા માટે જંગલમાંથી જ કોઈનું સમર્થન જોઈશે. તેમણે આખાય જંગલ અને દરિયાના વિપક્ષના નેતા સસલાભાઈ સાથે ગઠબંધન કર્યું. કાચબાભાઈ અને સસલાભાઈના પૂર્વજો વચ્ચે જંગલમાં સદીઓ પહેલાં દોડની સ્પર્ધા થયેલી. સસલાભાઈ ઝોંકે ચડયા એમાં કાચબો મેદાન મારી ગયેલો, ત્યારથી બંને સમાજો વચ્ચે ઘર્ષણ ચાલતું હતું, પરંતુ રાજા સિંહના કોમન થ્રેટ સામે એક થયા વિના છૂટકો ન હતો. બંને સમાજો વચ્ચે, મુખ્યમંત્રી કાચબાભાઈ કકળાટિયા અને વિપક્ષી નેતા સસલાભાઈ વચ્ચે ગઠબંધન થયું તો ખરું, પરંતુ એમાં આંતરિક ઘર્ષણ ઓછું થયું ન હતું. 

એક દિવસ કાચબાભાઈએ જાહેરાત કરી : 'હું દરિયામાં મારી પાર્ટીના ઉમેદવારો જ ઊભા રાખીશ. સસલાભાઈ સાથે દરિયાની ચૂંટણીમાં ગઠબંધન નહીં થાય. જંગલમાં ચૂંટણી હોય ત્યારે ગઠબંધન કરીશું.'

આ ડીલથી સસલાભાઈને તો નુકસાન જ હતું. તેમણે વળતી જાહેરાત કરી : 'મેં 'જંગલ જોડો' યાત્રા કરી હતી, હવે હું 'સમુદ્ર જોડો' યાત્રા કરીશ!'

કાચબાભાઈ માટે આ નવો પડકાર હતો. એક તો રાજા સિંહ અને રીંછભાઈ તેમને દરિયાની ચૂંટણીમાં હરાવવા મેદાને પડયા હતા. બીજી તરફ સસલાભાઈ પણ 'સમુદ્ર જોડો' યાત્રા કરીને કાચબાભાઈની વોટબેંકમાં ગાબડું પાડે તો પરેશાની બમણી થઈ જાય. તેમણે પાર્ટીના નેતાઓને બોલાવીને સલાહ-સૂચન-માર્ગદર્શન માંગ્યું. એના આધારે બીજા જ દિવસે કાર્યકરોની બેઠક બોલાવીને ભાષણ આપ્યું : 'મહારાજા સિંહ અને સસલાભાઈને હરાવવા માટે આપ સૌએ રાત-દિવસ મહેનત કરવી પડશે. તમારે આપણાં કામનો પ્રચાર કરવાનો છે.' 

કાર્યકરોએ ઉત્સાહથી કહ્યું, 'આપણે સૌને હરાવી દઈશું. અમે ધૂંઆધાર પ્રચાર કરીશું!'

કાર્યકરોનો ઉત્સાહ જોઈને કાચબાભાઈ પણ ઉત્સાહમાં આવ્યા. તેમણે કહ્યું, 'રાજા સિંહ જે રીતે કામ કરે એનો બે ગણો પ્રચાર કરે છે એવો પ્રચાર તમે કરજો.' 

ગરદન બે-ત્રણ વખત આમથી તેમ કરીને કાચબાભાઈએ કહ્યું, '...અને બીજું સૂત્ર ખાસ ધ્યાનથી સાંભળજો! જે કામ કર્યું જ નથી એનો પ્રચાર ત્રણ ગણો કરજો!'

કાર્યકરો થોડા મૂંઝવણમાં મૂકાયા કે આટલો બધો પ્રચાર કરવાનો સમય કેવી રીતે કાઢવો? એ મૂંઝવણ સમજીને કાચબાભાઈએ ત્રીજું સૂત્ર આપ્યું : 'નોકરી-ધંધા મૂકી દો, માત્ર મારા પ્રચારમાં ધ્યાન આપો!'

અચાનક કાચબાભાઈના જૂના સાથી કવિ કલકલિયા કુમાર આવી પહોંચ્યા. તેમણે કહ્યું, 'જોજો, આને રાજા સિંહ જેલમાં પૂરી દેશે. તમારું શું થશે?'

બીજી જ પળે કાર્યકરો વિખેરાઈ ગયા. એમાંથી ઘણા ગણગણતા હતા : 'સાચી વાત છે, કાચબાભાઈને તો રાજા સિંહ ગમે ત્યારે જેલમાં પૂરી દેશે. પછી આપણી તો નોકરી ને નેતા બેય જાય, કરવાનું શું?'


Google NewsGoogle News