ચૂંટણી પૂરી થયા પછી 'જંગલ ન્યૂઝ'ના નીરસ અહેવાલો

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
ચૂંટણી પૂરી થયા પછી 'જંગલ ન્યૂઝ'ના નીરસ અહેવાલો 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- જંગલમાં ચૂંટણી પૂરી થઈ તે પછી ઘણા જંગલવાસીઓને ખાલી-ખાલી લાગતું હતું, તો ઘણાએ રાહતનો શ્વાસ લીધો હતો. ચૂંટાયેલા નેતાઓ રજા પર ઉતરી ગયા

'જંગલ ન્યૂઝ'ની વ્યુઅરશિપ ગગડી

ચૂંટણી દરમિયાન એન્કર હસીના હરણીએ મહારાજા સિંહ, રીંછભાઈ, સાંસદ ગેંડાભાઈ ગુમાની, ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુ, ઉમેદવાર વાઘભાઈ વનરક્ષક, વિપક્ષના નેતા સસલભાઈ, મુખ્યમંત્રી કાચબાભાઈ કકળાટિયા વગેરેનાં ભાષણો સતત બતાવીને સારી એવી વ્યુઅરશિપ મેળવી હતી. હસીના હરણીએ તો ટીઆરપી (તિકડમ રેટિંગ પદ્ધતિ)માં મોટો વધારો થયો હોવાનો દાવો કર્યો હતો અને પોતાની ચેનલને જંગલની સૌથી પોપ્યુલર ચેનલ ગણાવી હતી. વારંવાર જંગલના રાજકારણ અંગે વિશ્લેષણો કરાવીનેય હસીનાએ ચર્ચા જગાવી હતી. 'જંગલ ન્યૂઝ'ની પેનલમાં ચૂંટણી વ્યૂહરચનાકાર બગલાભાઈ બટકબોલાથી લઈને હોલો હઠીલો, બિલાડાભાઈ બબાલી, ઘુવડકુમાર ઘાંટાપાડુ, પાડાકુમાર પંચાતિયા સહિતનાને બોલાવીને ગરમાગરમ ચર્ચા કરાવી હતી, પણ ચૂંટણી પછી બધું અચાનક શાંત થઈ ગયું હતું. હસીના હરણી સામે કાર્યક્રમમાં શું નવું બતાવવું એનો પ્રશ્ન સર્જાયો હતો. હસીનાના અહેવાલો નીરસ બની જતાં જંગલવાસીઓ બીજેથી મનોરંજન લેવા માંડયા હતા.

સોશિયલ મીડિયાનાં નોટિફિકેશન શાંત

ચૂંટણી પછી સામાન્ય જંગલવાસીઓના સોશિયલ મીડિયા પણ નીરસ બની ગયાં હતાં. ચૂંટણી દરમિયાન તો એવી એવી અફવાઓ ચાલતી રહેતી કે દરરોજ મજા પડી જતી. વોટ્સએપમાં જે જુઠાણાં સવારથી ચાલતાં એ બંધ થઈ ગયાં હતાં. તેના કારણે જંગલવાસીઓ કલ્પનાકથા વાંચવાં-સાંભળવા-જોવાથી વંચિત રહી જતા હતા. મહારાજા સિંહ અને વિપક્ષના નેતા સસલાભાઈએ જાત-ભાતનું લખાવવા માટે જે ફ્રી-લાન્સર્સ લેખકોની ટીમ બનાવી હતી તેમની પાસેય કામ ઘટી ગયું હતું. એ સૌ નવી ચૂંટણીમાં નવાં જુઠાણાં ચલાવી શકાય તે માટે સંશોધનો કરવામાં વ્યસ્ત થઈ ગયા હતા. સોશિયલ મીડિયામાં સવારથી નોટિફિકેશન આવતાં એના બદલે ચૂંટણી પછી મોબાઈલમાં કોઈ મેસેજ ટોન સંભળાતો નહીં.

પાર્ટી કાર્યકરો નવરાધૂપ બન્યા

ભક્ત શિરોમણી કાર્યકર ઘેટાભાઈ ઘાસફૂસિયા પાસે ચૂંટણી વખતે બિલકુલ સમય ન હતો. બેનરો લગાવવાથી લઈને ઓનલાઈન પ્રચાર કરવાનું કામ સતત આવતું રહેતું. સૂત્રોચ્ચારો કરવા માટે રેલીઓમાં એની રાહ જોવાતી. એને એક મિનિટ પણ નવરાશ મળતી નહીં. કંઈ ન હોય તો છેલ્લે વિરોધી પક્ષના કાર્યકરો સાથે બોલાચાલી કે મારપીટ કરવાનો ટાસ્ક મળતો. વરુભાઈ વિસ્તારક જેવા કાર્યકરો જંગલમાં ડોર-ટુ-ડોર પ્રચાર કરતા હતા અને મહારાજા સિંહ અંગે જાત-ભાતની વાતો જંગલવાસીઓને કરતા. હોલો હઠીલો, કાગડાભાઈ કંકાસિયા પાસે આમ કંઈ કામ ન હતું ને આમ એક મિનિટ ફ્રી રહી શકાતું નહીં એટલું કામ હતું, પણ ચૂંટણી પૂરી થતાં આ સૌ કાર્યકરો નવરાધૂપ બની ગયા હતા. તેમને બિચારાને આ નવરાશ બહુ અઘરી પડતી, કારણ કે નોકરી-ધંધા તો હતા નહીં કે એમાંથી કંઈક કમાણી થાય. એમના માટે તો ચૂંટણી પ્રચાર જ નોકરી-ધંધો.

થાકેલા નેતાઓ વેકેશનમાં મૂડમાં

લાંબી ચૂંટણીમાં સતત એક્ટિવ રહેનારા નેતાઓને ભારે થાક લાગ્યો હતો. એ કંઈ થોડા કાર્યકરો હતા કે વગર વળતર સતત કામ કરે ને છતાં થાકે નહીં! સાંસદ ગેંડાભાઈ ગુમાની ઝટપટ આભાર કાર્યક્રમો પૂરા કરીને જંગલસફારીએ ઉપડી ગયા. ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુ પોતે ચૂંટણી લડયા ન હતા, પરંતુ મહારાજા સિંહને દેખાડવા માટે એક્ટિવ રહેવું પડયું હતું. થાકેલા વાંદરાભાઈ આરામ કરવા માટે કેળાના બાગમાં પહોંચી ગયા. વિપક્ષના નેતા સસલાભાઈ કોઈ સારી જગ્યાએ વેકેશન કરવાનો પ્લાન બનાવતા હતા તે વખતે જ ખુદ મહારાજા સિંહ વિદેશી જંગલોમાં ઉપડી ગયા. રીંછભાઈએ કેટલાય દિવસની ઊંઘ અધૂરી રાખી હતી. એ બધો હિસાબ ક્લિયર કરવા તેમણે દિવસ-રાત ઘસઘસાટ ઊંઘ કરવા માંડી. રાજા સિંહ અને રીંછભાઈની ગેરહાજરીમાં અન્ય દરબારીઓને પણ ખાસ કંઈ કામ હતું નહીં. એ બધાએ આરામ કરવાનું ઠરાવ્યું.

અધિકારીઓ રજા પર ઉતરી ગયા

મહારાજા સિંહના દરબારમાં કોઈ નેતાઓ હાજર હતા નહીં એટલે અધિકારીઓ માટે કશું કામ બાકી રહ્યું ન હતું. વહીવટી અધિકારી મગરભાઈ માથાભારેએ મહારાજા સિંહના ટેબલ પર રજા રિપોર્ટ મૂકી દીધો. મંજૂર થાય કે ન થાય એની ચિંતા વગર મગરભાઈ જલક્રીડા કરવા ઉપડી ગયા. એનું જોઈને સુરક્ષા અધિકારી બબ્બન બિલાડાએ પણ રીંછભાઈને રજા રિપોર્ટ મેઈલ કરી દીધો. રીંછભાઈ તો ભરઊંઘના મૂડમાં હતા એટલે દિવસો સુધી મેઈલ ચેક કરે એવી શક્યતા ન હતી. વહીવટી અને સુરક્ષા અધિકારીઓ રજા પર ઉતરી ગયા એનું જોઈને નીચેના બધા કર્મચારીઓએ ઓફિસમાં જ રજા જાહેર કરી દીધી. જંગલવાસીઓ પેન્ડિંગ કામ લઈને આવતા તો જવાબ મળતોઃ'સાહેબો રજા પર છે'.

જંગલવાસીઓએ રાહતનો શ્વાસ લીધો

સતત ઘોંઘાટ, સભાઓ-રેલીઓનાં ભાષણો, કાર્યકરોના પ્રચાર અને સોશિયલ મીડિયાનાં નોટિફિકેશનથી થાકેલાં હીરજી હંસ, જ્ઞાાની ગાયબહેન, મંગલા માછલી, બકુલાબહેન બકરી, મસ્તરામ મોર, કબૂતર કાનાફૂસિયો વગેરે આવી શાંતિ બદલ હાશકારો અનુભવતાં હતાં.  


Google NewsGoogle News