વરુઓની વિફરેલી ગેંગના હાહાકારથી જંગલવાસીઓ પરેશાન
- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- વરુ વિસ્ફોટક અને તેની ટોળકીએ જંગલવાસીઓ પર હુમલા શરૂ કર્યા. સુરક્ષા અધિકારી બબ્બન બિલાડાનો પનો ટૂંકો પડયો એટલે રીંછભાઈ ખુદ મેદાને પડયા...
'અમને બચાવો! એ પાછો આવી ગયો છે...' ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુના નેતૃત્વમાં જંગલનું એક પ્રતિનિધિ મંડળ રીંછભાઈને રજૂઆત કરવા આવ્યું. રીંછભાઈ મહારાજા સિંહના અંગત વિશ્વાસુ, રાજકીય સલાહકાર અને જંગલની આંતરિક બાબતોના મંત્રી હતા.
'કોણ પાછો આવી ગયો છે? સસલાભાઈ જંગલ જોડો યાત્રામાંથી પાછા આવ્યા છે?' રીંછભાઈએ આંખ ઝીણી કરી.
'વ... વ... વરુ પાછો આવ્યો છે.' બિલાડાસમાજના પ્રમુખ બિલાડાભાઈ બબલાએ ડરતા ડરતા જવાબ આપ્યો.
'પાકી ખાતરી છે? કોઈએ એને જોયો?' રીંછભાઈએ જંગલના પ્રતિનિધિ મંડળ પાસેથી વિગતો મેળવવાનું શરૂ કર્યું, 'ગેંગ છે કે એકલો છે?'
'હું મધરાતે વૉક કરવા નીકળ્યો ત્યારે મેં એને ઓળખી કાઢ્યો હતો. એના સહિત ચાર વરુઓની ગેંગ ગેરિલા પદ્ધતિથી હુમલા કરી રહી છે.'
'તમે છેક અહીં સુધી ધક્કો ખાધો, પણ જંગલના સુરક્ષા અધિકારી બબ્બન બિલાડાને વાત ન કરી?' રીંછભાઈએ ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુને પૂછ્યું.
'સર અમે બબ્બન બિલાડાને મળ્યા હતા. એણે બ્લેક કેટ કમાન્ડોની જે ટુકડી બનાવી છે તેને વરુની ગેંગ પાછળ મોકલી હતી. એમાંથી મોટાભાગના બિલાડાઓ ઈન્જર્ડ થઈને પાછા આવ્યા છે.'
'ઉત્પાત મચાવતા ઉંદરોને બબ્બન બિલાડાએ કાબૂમાં કર્યા હતા. એ કાબેલ અફસર છે. એનાથી ન થયું તો મુદ્દો ગંભીર ગણાય.' રીંછભાઈએ ચિંતા વ્યક્ત કરી.
'ઉંદરોની વાત જુદી છે. વરુ વિસ્ફોટક તો બબ્બન બિલાડાને કાચો ખાઈ જાય ને ઓડકાર પણ ન લે એટલો ખતરનાક છે.' કૂતરાસમાજના પ્રમુખ કૂતરાભાઈ કડકાએ બબ્બન બિલાડા પર કટાક્ષ કર્યો. બબ્બન બિલાડો રાજા સિંહ અને રીંછભાઈ બંનેનો વિશ્વાસુ અધિકારી હતો. એની ટીકા થઈ તે રીંછભાઈને ખાસ ગમ્યું નહીં. તેમણે કૂતરાભાઈ કડકાને કહ્યું, 'મને ખબર છે વરુ વિસ્ફોટક કેટલો ખતરનાક છે. કોણ કોને કાચો ખાઈ જશે એ પણ મને ખબર છે.'
વાતો ચાલતી હતી ત્યાં જ સાંસદ ગેંડાભાઈ ગુમાની પણ આવી પહોંચ્યા. આવતાની સાથે જ તેમણે રીંછભાઈને નમસ્કાર કરીને કહ્યું, 'વરુ વિસ્ફોટક કેટલાંય બચ્ચાંઓની હત્યા કરી ચૂક્યો છે. રીંછસમાજના બચ્ચાંઓ પણ ગુમ થયાના અહેવાલો છે.'
આટલું સાંભળતા જ રીંછભાઈ લાલપીળા થઈ ગયા. રીંછભાઈને થોડા વર્ષો પહેલાંની ઘટનાઓ યાદ આવી ગઈ... રીંછભાઈ મહારાજા સિંહના રાજકીય સલાહકાર બન્યા એ અરસામાં રીંછસમાજના કટ્ટર હરીફ એવા વરુ સમાજે મહારાજા સિંહને રીંછભાઈની વિરૂદ્ધ કાન ભંભેરણી કરી હતી. વરુ સમાજના ઉભરતા નેતા વરુ વિસ્ફોટકે રાજા સિંહને કહ્યું કે જો રીંછભાઈને દરબારમાંથી હટાવી દેવામાં આવે તો આખો સમાજ રાજા સિંહ માટે કામ કરશે. રાજા સિંહના વિરોધીઓ પર ગેરિલા પદ્ધતિથી હુમલો કરશે. રાજા સિંહે વિચારવાનો સમય માંગ્યો.
એ આખી વાત રીંછભાઈએ સાંભળી લીધી. રીંછ અને વરુઓ વચ્ચે પરંપરાગત સ્પર્ધા. વરુઓ રીંછની સરખામણીએ ભારે ચપળ. તીક્ષ્ણ દાંતથી રીંછોને ઈજાગ્રસ્ત કરીને નાસી જાય. વરુઓ ઈચ્છતા ન હતા કે તેમના પરંપરાગત હરીફ સમાજનો કોઈ નેતા રાજા સિંહનો ખાસ બની જાય. બીજી તરફ રાજા સિંહે વિચારવાનો સમય માગ્યો એટલે રીંછભાઈને ચિંતા થઈ. રાજા સિંહ પોતાના ફાયદા માટે કંઈ પણ કરી શકે એ જાણતા રીંછભાઈએ વરુ વિસ્ફોટકને પાઠ ભણાવવાનું નક્કી કર્યું.
રીંછભાઈએ વરુને સીધો કરવા માટે મિશન શરૂ કર્યું. એક રાતે રીંછભાઈ તેમની ટૂકડી લઈને વરુ વિસ્ફોટકના અડ્ડા પર ત્રાટક્યા. રીંછભાઈ ચપળતામાં વરુને પહોંચી શકે તેમ ન હતા, પરંતુ તેમણે માસ્ટરસ્ટ્રોક એવો માર્યો કે વરુ સમાજમાં માથાભારે ગણાતા વરુભાઈ વાંકાને મિશનમાં ભેગા રાખ્યા હતા. રીંછભાઈએ બહુ કુશળતાથી વરુની સામે વરુની લડાઈ કરાવી દીધી. બરાબરની ફાઈટમાં વરુભાઈ વાંકાં આખરે વરુ વિસ્ફોટક સામે ભારે પડયા. એણે વરુ વિસ્ફોટકના એક પગમાં ભારે ઈજા પહોંચાડી દીધી. જેમ તેમ કરીને નાસી છૂટેલો વરુ વિસ્ફોટક એ દિવસ પછી ક્યારેય દેખાયો ન હતો.
ઘણાં વર્ષો પછી પાછા ફરેલા વરુ વિસ્ફોટકે પ્લાનિંગ સાથે કેટલાય મહિનાઓ સુધી જંગલમાં હુમલા કરીને હાહાકાર મચાવી દીધો. જંગલવાસીઓની રજૂઆત પછી રીંછભાઈએ ખુદ મેદાને પડવાનું નક્કી કર્યું. ધારાસભ્ય વાંદરાભાઈ વટપાડુના નેતૃત્વમાં આવેલા પ્રતિનિધિ મંડળને ધરપત આપીને રવાના કર્યા બાદ રીંછભાઈએ જંગલના સાઈબર એક્સપર્ટ ફ્રોગભાઈ ફ્રોડની મદદથી વરુના મોબાઈલનું લોકેશન પકડયું.
મધરાતે હુમલો કર્યા બાદ વહેલી સવારે આરામ કરી રહેલા વરુ વિસ્ફોટક અને તેની ટૂકડી પર રીંછભાઈ ભારે ચુપકીદીથી ત્રાટક્યા. રીંછભાઈની ટીમમાં આ વખતે વરુ વાંકાની સાથે વરુઓની ખાસ તાલીમ પામેલી આખી ખતરનાક ટૂકડી હતી. એ સૌ વિફરેલી ગેંગ પર તૂટી પડયા. વરુ વિસ્ફોટક સહિત આખીય ટીમ પકડાઈ ગઈ. રીંછભાઈએ એ તમામને જેલભેગા કરી દીધા.
મહિનાઓ પછી...
એકથી વધુ એજન્સીઓને રીંછભાઈએ વરુ વિસ્ફોટકની સામે છૂટી મૂકી દીધી છે. એક પછી એક જુદા જુદા ગુનામાં સતત પૂછપરછ થતી રહે છે. નવા નવા ચાર્જ લાગતા રહે છે. વરુભાઈ વિસ્ફોટકની જામીન અરજીઓ રિજેક્ટ થતી રહે છે.
એ બધું તો વરુ વિસ્ફોટકથી સહન થઈ જતું હતું, પણ એના માટે શરમજનક બાબત તો એ હતી કે બબ્બન બિલાડો એને જેલમાં ટોર્ચર કરતો હતો!