શિયાળામાં ઘેટાઓનો ઊન ડોનેશન કેમ્પ
- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- મહારાજા સિંહે અપીલ કરી : 'મારાં વહાલાં ઘેટાઓ! જંગલમાં કાતિલ ઠંડી પડી રહી છે. એવા સમયે આપ સૌ ઊન ડોનેટ કરીને અન્ય પ્રાણી-પંખીઓને મદદરૂપ થાઓ!'
જંગલમાં કાતિલ ઠંડી શરૂ તે સાથે જ ગરમ કપડાંની ડિમાન્ડ વધી હતી. ઊનની અછત હોવાથી જોઈએ એટલા પ્રમાણમાં ગરમ કપડાં બનતા ન હતાં. ઊનની વધતી માંગને પહોંચી વળવા ઘેટાઓ ઊન આપે એ જ એક માત્ર રસ્તો હતો.
મહારાજા સિંહના અંગત સલાહકાર રીંછભાઈ ઊનનો મુદ્દો લઈને રજૂઆત કરવા આવ્યા : 'મહારાજનો જય હો! ઊન ખૂટી પડયું છે અને આખું પ્રોડક્શન યુનિટ બંધ કરવું પડયું છે.'
'તો ઘેટાઓનો ઊન ડોનેશન કેમ્પ કેમ ન કર્યો?' રાજા સિંહે રીંછ પર નજર નાખ્યા વગર જ સવાલ કર્યો.
'ઘેટાઓ આપનું માને છે. આપના કટ્ટર સમર્થક હોવાથી આપ અપીલ કરશો તો ડોનેશનમાં મોટી સંખ્યામાં ઘેટાઓ હાજર રહેશે.' રીંછભાઈએ અપીલ કરવા માટે જે ભાષણ લખાવ્યું હતું એ મહારાજા સિંહને થમાવ્યું.
'ઓકે! હું વિડીયો મેસેજ આપી દઉં છું.' રાજા સિંહ તૈયાર થઈને રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ગયા.
થોડી મિનિટો પછી રાજા સિંહે ઘેટાઓને અપીલ કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો : 'મારા વહાલા ઘેટાઓ! આપનો સમાજ સદીઓથી જંગલને ઠંડીથી બચાવે છે. આપની જંગલભક્તિનાં ઉદાહરણો અપાય છે. આપ સૌ જાણો છો કે જંગલમાં કાતિલ ઠંડીથી દર વર્ષે કેટલાય પ્રાણી-પંખીઓ દમ તોડી દેતા હોય છે. આપ સૌ ઊન ડોનેટ કરવા આગળ આવો અને જંગલને ઠંડીથી બચાવો. ડોનેશનના ઊનમાંથી બનેલાં કપડાં જંગલની સરકાર જરૂરિયાતમંદોને નિ:શુલ્ક આપે છે. આપ સૌ ઘેટાઓ જંગલના તારણહાર છો. વંદે જંગલમ્.. જંગલ માતા કી જય!'
ઘેટાસમાજના એક્ટિંગ પ્રેસિડેન્ટ ઘેટાભાઈ ઘાસફૂસિયાએ વિડીયો જોયો. ઘેટાભાઈ ઘાસફૂસિયા મહારાજા સિંહના ભક્ત શિરોમણી કાર્યકર તો હતા જ, સાથે સાથે થોડા સમયથી ઘેટાસમાજના કાર્યકારી પ્રમુખ પણ બન્યા હતા. મહારાજા સિંહના શબ્દો તેમના માટે આખરી હતા. તેમણે ઘેટાસમાજમાં કેમ્પેઈન ઉપાડી દીધું. ઘેટાઓને સમજાવીને ઊન ડોનેશન કેમ્પમાં હાજર રહેવા મનાવ્યા. ઘેટાભાઈ ઘાસફૂસિયાએ પણ એક ટૂંકો વિડીયો મેસેજ વહેતો કર્યો : 'મહારાજા સિંહ દિવસ-રાત જંગલમાં આટ-આટલું કરે છે તો શું આપણે એક ઊન ડોનેટ ન કરી શકીએ? જંગલભક્તિ બતાવવાનો સમય આવ્યો છે ત્યારે પીછેહઠ ન કરશો. જંગલહિતના આ કામમાં સૌ મોટાપાયે જોડાઓ અને ચામડી દેખાય ન જાય ત્યાં સુધી ઊન ડોનેટ કરજો!'
ઘેટાઓમાં ખાસ મતભેદો હોતા નથી. એક કરે એમ સૌ કરે. એક કહે એનું સૌ માને. એક આગળ ચાલે એની પાછળ સૌ પાછળ પાછળ આવે. છતાં અમુક ઘેટાઓએ ગણગણાટ કર્યો : 'ઊન આપી દીધા પછી આપણને ઠંડી નહીં લાગે?'
પણ એમની વાત તરફ ખાસ કોઈએ ધ્યાન આપ્યું નહીં. મહારાજા સિંહ અને ઘેટાસમાજના કાર્યકારી પ્રમુખ ઘેટાભાઈ ઘાસફૂસિયાએ કહી દીધું એટલે ફાઈનલ. કોઈએ ખાસ વિરોધ ઉઠાવ્યો નહીં.
નક્કી થયેલા દિવસે ઠેર-ઠેર ડોનેશન માટે સેટઅપ ગોઠવાઈ ગયું. આખાય જંગલમાં ઘેટાઓ પાસેથી ઊન મેળવવાની કવાયત શરૂ થઈ. વહેલી સવારથી જ ઘેટાઓ ઊન ડોનેશન કરવા ઉમટી પડયા. જે શિયાળાની સવારે મીઠી નિંદર કરતા હતા તેમને ઉઠાડી ઉઠાડીને હાજર કરી દેવાયા. એક પછી એક ઘેટાઓનો વારો આવતો ગયો. ચામડી સુધી ઊન ઉતારી લેવાયું. ઘણાં નરમ ઘેટાઓની તો ચામડી ઉતરડાઈ ગઈ, છતાં મક્કમ રહીને ઘેટાઓ ઊન ડોનેટ કરતા રહ્યા.
એમ તો જંગલની સરકારે ડોનેશન પછી ઘેટાઓને હળવો નાસ્તો આપવાની વ્યવસ્થા ગોઠવી હતી. થોડું ઘાસ અપાતું હતું અને ઘેટાઓને થોડીવાર ગરમાવો મળે તે માટે ભઠ્ઠો પણ ચાલતો હતો. તુરંત ઊન ઉતરી જતું હોવાથી ઘણાં ઘેટાઓને હાડમાં ઠંડી ચડતી હતી.
એ બધી અગવડતા વચ્ચે પુણ્ય કર્યું હોવાની વાતે ઘેટાઓ ખુશ હતા. તેમણે જંગલના હિતમાં જે દાન આપ્યું છે તેમાંથી કેટલાય પ્રાણી-પંખીઓને વિનામૂલ્યે ગરમ કપડાં મળશે એ વાત તેમને સંતોષ આપતી હતી. ડોનેશનના અંતે ઊનનો ઘણો જથ્થો એકઠો થયો હતો. મહારાજ સિંહની અપીલ કારગત નીવડી હતી.
થોડા દિવસ પછી જંગલની સરકારે જરૂરિયાતમંદ પ્રાણી-પંખીઓને ગરમ કપડાંનું વિતરણ કર્યું હતું. પણ હા, સરકારી ગરમ કપડાં મેળવવા માટે જંગલવાસીઓએ જરૂરિયાતમંદ હોવાના એકથી વધુ પુરાવા આપવા પડતા હતા. જંગલની સરકારે મહારાજ સિંહનો ફોટો લગાવીને મફલર, ટોપી, સ્વેટર, મોજાં જેવી ચીજવસ્તુઓ આપી હતી. ઊનના જથ્થાના પ્રમાણમાં પ્રોડક્ટ ઓછી હતી, પરંતુ સરકારી અધિકારીઓને પૂછાતું તો જવાબ મળતો : 'ઊનમાંથી પ્રોસેસ થાય ત્યારે અડધું ઊન જ કામ લાગે છે.'
થોડા દિવસમાં જ ફરિયાદ ઉઠી કે જંગલની સરકારે આપેલા ગરમ કપડાં નબળી ગુણવત્તાના છે. અધિકારીઓનો ખુલાસો કંઈક આવો હતો: 'તમને એનો ઉપયોગ કરતા નથી આવડતું.'
થોડા દિવસ પછી વિપક્ષના નેતા સસલાભાઈએ પોસ્ટ લખી : 'જંગલવાસીઓને જે ગરમ કપડાં અપાયા હતા એમાં નકલી ઊનનો ઉપયોગ થયો હતો. અસલી ઊન તો મહારાજા સિંહે તેમના ઉદ્યોગપતિ દોસ્ત ગુલામદાસ ગધેડાની કંપનીમાં આપી દીધું હતું. ગુલામદાસની ગારમેન્ટ ફેક્ટરીમાંથી ટોપ ક્વોલિટીનાં ગરમ કપડાં બનીને અન્ય જંગલોમાં ઊંચા દામે વેચાઈ રહ્યાં છે.'
મહારાજા સિંહને શાંતિ એ વાતે હતી કે સસલાભાઈની વાત તરફ કોઈએ ખાસ ધ્યાન આપ્યું ન હતું...