પ્રિ-મોન્સૂન પ્લાનિંગને પડકાર ફેંકવા મેદાને પડેલો મચ્છર સમાજ

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
પ્રિ-મોન્સૂન પ્લાનિંગને પડકાર ફેંકવા મેદાને પડેલો મચ્છર સમાજ 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- જંગલમાં હજુ તો પહેલો વરસાદ થયો ન થયો ત્યાં તો મચ્છર સમાજ સક્રિય થઈ ગયો. પ્રાણી-પંખીઓને પરેશાન કરવા માટે માદાઓએ 'લવ બાઈટ' કોડનેમથી મિશન શરૂ કર્યું હતું

'જંગલની સરકારે જડબેસલાક પ્રિ-મોન્સૂન પ્લાનિંગ કરી નાખ્યું છે. જંગલમાં ક્યાંય વરસાદી પાણી ભરાશે નહીં. મચ્છરોનો નાશ કરવા માટે દવાનો છંટકાવ કરી દેવાયો છે. મચ્છરજન્ય રોગચાળો કાબૂમાં રહે તે માટે સરકારી અધિકારીઓએ દિવસ-રાત મહેનત કરી છે. મચ્છરોના ઉપદ્રવથી આ વર્ષે જંગલવાસીઓને રાહત મળશે.'

જંગલની સરકારે ચીપકાવેલા પોસ્ટરની વિશેષતા એ હતી કે એમાં એક તરફ મહારાજા સિંહનો મોટો ફોટો હતો અને બીજી તરફ માદા મચ્છરોનો નગણ્ય ગુ્રપ ફોટો દેખાતો હતો. પ્રતીકાત્મક રીતે જંગલની સરકારે એવું બતાવ્યું કે મહારાજા સિંહની સામે મચ્છર સમાજની કોઈ વિસાત નથી.

મચ્છરોમાં નરો સ્વભાવે શાંત અને શાકાહારી હતા. ઉપદ્રવ મચાવવાથી દૂર રહેતા. એ ભલા ને એના ખાબોચિયાં ભલાં. વધી વધીને ગણગણાટ કરીને સંતોષ માની લે, એ સિવાય બીજી કોઈ માથાકૂટમાં ન પડે. પોસ્ટર લાગ્યાં એનાથી મચ્છર સમાજના નરોને ખાસ કોઈ ફરક ન પડયો, પરંતુ માદાઓનું લોહી ઉકળી ઉઠયું. છ કરોડ વર્ષ જૂની 'કિલિંગ બાઈટ'ની લોહિયાળ પરંપરા ધરાવતા સમાજની માદાઓને સરકારનો આ દાવો પસંદ ન આવ્યો. વર્ષ દર વર્ષ જંગલની સરકાર પ્રિ-મોન્સૂનના આયોજનો કરતી. મચ્છરજન્ય રોગચાળો અંકુશમાં રહે તે માટે દવાઓના છંટકાવ અને વિવિધ તરકીબો અજમાવતી ને દર વર્ષે મચ્છર સમાજની લડાયક માદાઓ સરકારનો એ પ્લાન નિષ્ફળ બનાવતી. દર વર્ષે અસંખ્ય જંગલવાસીઓને માદા મચ્છરો મલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયાના રોગચાળામાં પટકાવીને પછી જ સંતોષ માનતી. દર વખતે સરકારના પ્રિ-મોન્સૂન પ્લાનિંગના લીરા ઉડતા. હોસ્પિટલોમાં જગ્યા ન રહે એટલા જંગલવાસીઓને બીમાર કરીને જ માદા મચ્છરો શાંતિથી બેસતી.

સરકારના દાવાનું પોસ્ટર વાંચીને ઉકળી ઉઠેલી માદાઓએ તાત્કાલિક બેઠક યોજી. જંગલમાં જે સ્થળે સૌથી વિશાળ ગંદા પાણીનું ખાબોચિયું હતું ત્યાં મચ્છર સમાજની ખૂંખાર માદાઓ એકઠી થઈ. સમાજનાં અધ્યક્ષા શ્રી મચ્છરીબહેન મલેરિયલે ગુસ્સામાં લાલચોળ થઈને કહ્યુંઃ 'આ જંગલની સરકારે આપણને ફરીથી પડકાર ફેંક્યો છે. આપણે આજથી જ મિશન શરૂ કરવું પડશે. જ્યાં તક મળે ત્યાં બાઈટ કરો અને બીમારીઓ  ફેલાવીને હાહાકાર મચાવી દો!'

જેની પૂર્વજ માદાઓ ઈજિપ્તના જંગલમાં તરખાટ મચાવીને વિખ્યાત થયેલી તેની વંશજ એડિસ ઈજિપ્તિએ કહ્યુંઃ 'આપણે એ મચ્છર બહેનોની વંશજો છીએ જેમણે જંગલોમાં યલ્લો ફિવર, ઝિકા, ચિકનગુનિયાનો કેર વર્તાવ્યો. આ પ્રાણીઓ અને પક્ષીઓ ન હતાં ત્યારેય આપણો સમાજ જંગલોમાં હતો. આપણને પડકાર ફેંકે એનું શું પરિણામ આવે તે બતાવવાનો સમય આવી ચૂક્યો છે.'

'આપણે મિશન સાથે કામ કરવું જોઈએ. કોડવર્ડથી કામ કરીએ તો મજા આવશે.' ચિકનગુનિયા ફેલાવતી એક યુવા માદાએ ઉત્સાહથી સૂચન કર્યું.

'ગુડ આઈડિયા! આપણે અત્યારે જ મિશનને નામ આપી દઈએ.' અધ્યક્ષા મચ્છરીબહેન મલેરિયલે ઉમેર્યું, 'તમારામાંથી જે માદા નામ આપશે એને વધુમાં વધુ ગંદો વિસ્તાર ફાળવામાં આવશે. એ તમારું ઈનામ હશે. તમારી પાસે અડધો કલાકનો સમય છે. વિચારવા માંડો!'

આ જાહેરાત પછી થોડીવાર ગણગણાટ થઈ ગયો. કેટલીક માદાઓ દિમાગ પર જોર આપીને વિચારવા માંડી. તો જે નજીકમાં રહેતી હતી એ ઉડીને ઘરે જતી રહી. પરિવારના સભ્યો પાસેથી સજેશન્સ મેળવ્યાં. અડધો કલાક પછી આખરે ફરીથી મિશનનું નામ નક્કી કરવા સૌ માદા મચ્છરો એકઠી થઈ.

'બોલો! કોઈને સારું નામ મળ્યું?' મચ્છરીબહેન મલેરિયલે પૂછ્યું.

એક પછી એક નામનાં સૂચનો આવ્યાં. 'કિલિંગ બાઈટ', 'કિલ કિસ', 'ડેન્જરસ ડંખ' જેવાં નામો વચ્ચે આખરે એડિસ ઈજિપ્તિએ આપેલું નામ ફાઈનલ થયું. મચ્છરીબહેન મલેરિયલ ઉપરાંત સમાજના ઉપપ્રમુખ મચ્છરભાઈ મંદવાડ, સંગઠન મંત્રી મૉસ્કિટો મોગરોએ વાટાઘાટોના અંતે મિશનનું જે નામ ફાઈનલ કર્યું હતું એ હતુંઃ 'લવ બાઈટ.' સમાજની યુવા માદાઓ મિશનમાં મોટી સંખ્યામાં જોડાય તેને ધ્યાનમાં રાખીને 'કિલિંગ બાઈટ' અને 'કિલ કિસ' જેવાં ડેન્જર નામોની સરખામણીએ સોફ્ટ અને પ્રેમાળ નામ 'લવ બાઈટ' પર નિર્ણાયકોએ પસંદગી કરી હતી.

ઉત્સાહમાં આવેલી માદાઓએ ગણગણાટ કરી મૂક્યો. એડિસ ઈજિપ્તિને જંગલનો સૌથી ગંદો વિસ્તાર ફાળવાયો અને તેને મનગમતી ટીમ બનાવવાની પણ ફ્રીડમ મળી. ગંદો વિસ્તાર હોય તો ત્યાં ઓછામાં ઓછી મુશ્કેલી પડતી હોવાથી માદા મચ્છરોમાં એવા વિસ્તારની ડિમાન્ડ રહેતી. જેનું પર્ફોર્મન્સ ગત સીઝનમાં નબળું હતું એને સજા રૂપે સ્વચ્છ વિસ્તારો મળ્યા. ત્યાં સરકારી કર્મચારીઓ સતત દવાનો છંટકાવ કરતા અને મચ્છરોનો નાશ થાય તેવા પ્રયાસો કરતા એટલે એવા સ્થળોએ માદા મચ્છરો માટે અસ્તિત્વનો જંગ સર્જાતો.

'લવ બાઈટ' કોડનેમથી જંગલની સરકારના પ્રિ-મોન્સૂન પ્લાનિંગના લીરા ઉડાવવા મેદાને પડેલા મચ્છર સમાજને એમાં ધારી સફળતા મળી. હજુ તો આખી સીઝન બાકી હતી ત્યાં જ સેંકડો જંગલવાસીઓ 'લવ બાઈટ'નો શિકાર બનીને રોગચાળામાં પટકાયા.

જંગલવાસીઓમાં હોબાળો થયો. પ્રિ-મોન્સૂન પ્લાનિંગ સામે સવાલો ઉઠયા એટલે સરકારે બચાવ કરતા કહ્યુંઃ 'પ્રિ-મોન્સૂન પ્લાનિંગ તો જડબેસલાક જ હતું, પરંતુ જંગલ વિરોધી તત્ત્વો મચ્છર સમાજને ઉશ્કેરે છે એટલે ફિયાસ્કો થયો. આ વર્ષે સહન કરી લો, આવતા વર્ષે સરકાર વધુ મજબૂતાઈથી કામ કરશે!'


Google NewsGoogle News