Get The App

'જંગલક્રશ' હોંશીલી હરણીની ગરબા ઈવેન્ટના પાસ માટે પડાપડી

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
'જંગલક્રશ' હોંશીલી હરણીની ગરબા ઈવેન્ટના પાસ માટે પડાપડી 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- જંગલક્રશ બનેલી હોંશીલી હરણીના નવાં ગરબા સ્ટેપ્સ ધૂમ મચાવતાં હતાં ને એને જોવા માટે યુવા હરણો ભારે ઉત્સુક હતા. જંગલમાં નવરાત્રિમાં બધું મળી જતું, બસ એક પાસની માથાકૂટ દરરોજ સર્જાતી...

જંગલમાં નવરાત્રિની ધૂમ મચી હતી. જ્યાં સાંભળો ત્યાં સૂરીલા, બેસૂરા, અર્ધ-બેસૂરા, પા-બેસૂરા, અઠંગ-બેસૂરા ગાયકો રીમિક્સ ગરબાની ધમાલ મચાવતા હતા. આવા ગાયકો માટે નવરાત્રિ 'ધનરાત્રિ' બની જતી.

જંગલના ઉદ્યોગપતિઓ - ગુલામદાસ ગધેડો અને પપ્પુ પોપટ માટેય કમાણીના દિવસો હતા. એ બંનેએ પાર્ટી પ્લોટથી લઈને ફૂડઝોન બનાવ્યા હતા. નવરાત્રિમાં ઘરોમાં રસોઈ બનતી ન હતી, કારણ કે માદાઓને તૈયાર થવામાં સમય લાગતો. નરો એમ માનતા કે રસોઈ બનાવવાની જવાબદારી માદાઓ પર છે અને માદાઓ રસોઈ ન બનાવે તો ખાધા વગર થોડું ચાલવાનું છે? એટલે ફૂડકોર્ટ, રેસ્ટોરન્ટ્સમાં ભીડ જામી જતી. ખાસ તો પપ્પુ પોપટની પકોડા એન્ડ ભજિયા ઈન્ડસ્ટ્રીના બધા જ આઉટલેટ્સ ઉભરાઈ જતાં.

જંગલમાં નવરાત્રિ આધારિત આખું જુદું અર્થતંત્ર ગોઠવાયેલું હતું. કોઈ ડિઝાઈનર કપડાં બનાવીને કમાણી કરતું, તો કોઈ કપડાં-જ્વેલરી ભાડે આપીને રોજગારી મેળવતું. એ બધામાં ઊંચી ડિમાન્ડ રહેતી પાર્ટી પ્લોટના પાસની. દરરોજ સાંજ પડે કે ચારેબાજુથી પોકારો શરૂ થતાંઃ 'પાસ આપો... પાસ આપો..'

ઘણા ટીખળી જંગલવાસીઓ એમાંથી આનંદ પણ લેતા. વરુભાઈ વાંકા દરરોજ ફેસબુકમાં પોસ્ટ મૂકીને કહેતા કે આજે ફલાણા પાર્ટી પ્લોટના ઢીંકણી સંખ્યાના પાસ છે. એ લેવા માટે મિનિટોમાં મેસેજો શરૂ થઈ જતા. વરુભાઈ વાંકા આટલું લખીને પછી કલાકો સુધી ગુમ થઈ જતા. સાંજે ફરી ઓનલાઈન થઈને જાહેરાત કરતાઃ 'મિત્રો! આજના બધા જ પાસ આપી દેવાયા છે. હવે કાલે વાત.' હકીકતમાં એની પાસે એકેય પાસ ન હોય.

જોવાની વાત એ હતી કે ખાવા-પીવા કે ડિઝાઈનર કપડાં-જ્વેલરી પાછળ ખર્ચ કરતાં જંગલવાસીઓને ગરબાના પાસ પાછળ ખર્ચ કરવાનું બહુ ગમતું નહીં. આ ખૈલેયાઓ માનતા કે મફતના પાસની જે મજા છે એ ખરીદવામાં નથી!

એમાં એક દિવસ પપ્પુ પોપટે જાહેરાત કરીઃ 'બે દિવસ પછી અમારા પાર્ટી પ્લોટમાં જંગલક્રશ હોંશીલી હરણી ગરબા રમશે. તમેય હોંશીલી હરણી સાથે ગરબા રમવા ઈચ્છો છો? તો અત્યારે જ બુકિંગ કરાવી લો! શરૂઆતમાં પાસ લેનારાને ખાસ ડિસ્કાઉન્ટ મળશે.'

હોંશીલી હરણી એના ડાન્સ સ્ટેપ્સ માટે જંગલમાં બેહદ પોપ્યુલર હતી. સોશિયલ મિડીયામાં એના વીડિયો ધૂમ મચાવતા. નવરાત્રિ પહેલાં જ તેણે 'હટકે સ્ટેપ્સ વિથ હોંશીલી'ની આખી સીરિઝ ચલાવી હતી. એમાં એ જાત-ભાતનાં સ્ટેપ્સ શીખવતી હતી, એને ગરબાનાં સ્ટેપ્સ કહેવાય કે નહીં એનોય જુદો મુદ્દો બન્યો હતો. હોંશીલીના ફેનફોલોવિંગમાં હરણાઓ મોટી સંખ્યામાં હતા. હરણાઓને ગરબાનાં નવાં સ્ટેપ્સ શીખવામાં ખાસ રસ ન હતો, પરંતુ હોંશીલી જે નાજૂક-નમણી હરકતોથી સ્ટેપ્સ શીખવતી અને ક્યુટ એક્સપ્રેશન આપતી એના કેટલાય હરણાઓ દીવાના હતા. ખાસ એ જોવા માટે ઘણાએ તો 'હટકે સ્ટેપ્સ વિથ હોંશીલી'ના બધા જ વીડિયો ૪૮-૪૮ વખત જોઈ કાઢ્યા હતા.

આવી આ હોંશીલી સાથે ગરબા રમવાની તક હોય તો કોણ મૂકે? પપ્પુ પોપટના પાર્ટી પ્લોટમાં પાસ લેવા પડાપડી થઈ ગઈ. ચારેબાજુ એ રાતના પાસ લેવા ઈન્ક્વાયરીઓ થવા માંડી. જંગલમાં બસ એક જ સવાલઃ 'હોંશીલીના પાસ છે?' જેની પાસે હોંશીલીના પાસ હતા એમણે તો સોશિયલ મીડિયામાં પાસના ફોટો પાડીને દેખાડો શરૂ કર્યો. દેખાદેખી જંગલવાસીઓની પ્રિય પ્રવૃત્તિમાંથી એક હતી. પપ્પુ પોપટના પાસ જેમને મફતમાં ન મળ્યા તેમણે આખરે સોંઘા-મોંઘા ખરીદી લેવાનું શરૂ કર્યું.

હોંશીલી સાથે ગરબા રમવા ઈચ્છતા જંગલના સૌ યુવા નરોએ ભાડે ટ્રેડિશનલ કપડાં ભાડે લઈ લીધાં. ક્યારે નીકળવું, કોની સાથે નીકળવું, ક્યાં જમવું એ બધી જ તૈયારી કરી લીધી કે ઈવેન્ટના આગલા દિવસે હોંશીલી હરણીએ ઈન્સ્ટાગ્રામમાં વીડિયો શેર કર્યોઃ 'મારા સૌ ચાહકોને જણાવતા મને ખેદ છે કે પ્રેક્ટિસ કરતી વખતે મારો એક પગ મચકોડાઈ ગયો છે, તેથી આવતી કાલે હું તમારી સાથે ગરબા નહીં રમી શકું. નવી તારીખ નક્કી કરીને આપ સૌને જણાવીશ. આપને અગવડ પડી એ બદલ સોરી. તમારા સૌના સહયોગ માટે થેન્ક્યુ.' 

હસીનાએ સોરીની સાથે ક્રાઈંગ ઈમોજી મૂક્યું અને થેન્કયુની સાથે પિંક હાર્ટ મૂક્યું. ચાહકો માટે આ બંને ઈમોજી એક રીતે તીર હતાં. જો નિશાના પર લાગી ગયાં તો કામ બની જાય. ઘણા અઠંગ ચાહકોએ હસીનાએ આપેલું કારણ માની લીધું અને તેના હાર્ટના ઈમોજીથી જાણે હસીના સાથે મુલાકાત થઈ ગઈ હોય એવો સંતોષ માની લીધો.

પણ બાકીના કેટલાય પહોંચ્યા પપ્પુ પોપટના પાર્ટી પ્લોટની ટિકિટ બારીએ રીફંડ મેળવવા. ભારે બબાલ થઈ. પપ્પુ પોપટે એક પણ પાસનું રીફંડ આપવાની ઘસીને ના પાડી દીધી અને પાસમાં ફૂદરડી કરીને લખેલી શરતોમાંથી એક શરત મોટેથી વાંચી સંભળાવીઃ

'પાસમાં લખેલા ગેસ્ટ હાજર નહીં રહે તો વિવાદનો મુદ્દો બનશે નહીં. એના બદલે અન્ય કોઈ ગેસ્ટ સાથે ગરબા કરાવાશે.'


Google NewsGoogle News