લગ્નના ઘોડા અને રેસના ઘોડાને જુદા પાડવા સસલાભાઈનું મહાસંમેલન
- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- લાંબા મનોમંથન બાદ વિપક્ષના નેતા સસલાભાઈએ તારણ કાઢ્યું કે મહારાજા સિંહ સામે તેની પાર્ટી વારંવાર હારે છે એનું કારણ ઘોડાઓ છે. તેમણે તાત્કાલિક બેઠક બોલાવી
વિપક્ષના નેતા સસલાભાઈએ તેમના અંગત વિશ્વાસુ કમ સલાહકાર લંગૂર લપલપિયાને બોલાવીને સૂચના આપી, 'તમામ ઘોડાઓની બેઠક બોલાવો, તાત્કાલિક!'
'જી, સસલાજી!' લંગૂર લપલપિયા એટલો કહ્યાગરો હતો કે એણે બીજો કોઈ સવાલ ન કર્યો. માત્ર વ્યવસ્થાના સંદર્ભમાં પૂછ્યું, 'ઘોડા સિવાય બીજા કોઈને મીટિંગમાં આમંત્રણ આપવાનું છે? આઈ મીન... આપણે ચિંતનશિબિર ગોઠવવાની હશે તો સિનિયર નેતાઓ પણ સલાહ-સૂચન, માર્ગદર્શન માટે જોઈશે.'
'તમને યોગ્ય લાગે એ સૌને બોલાવી લો. પણ ઘોડાઓને ખાસ બોલાવજો!' સસલાભાઈએ રાજા સિંહના ભાષણનો ટુકડો સાંભળતા સાંભળતા બેધ્યાન થઈને બે-ચાર સૂચનો કરીને લંગૂરભાઈને રવાના કર્યા.
લંગૂર લપલપિયાએ સત્તાવાર જાહેરાત કરીઃ 'સસલાભાઈના માર્ગદર્શનમાં પાર્ટીની મહાબેઠક યોજાશે. સૌ ઘોડાઓ સહિત સૌ સમર્થકો મોટી સંખ્યામાં આવે ને ખાસ સિનિયર નેતાઓ તેમના ઝભ્ભાના ખિસ્સામાં ભાષણોની ચિઠ્ઠી લઈને આવી પહોંચે. આપણે સૌ મહારાજા સિંહના અન્યાયી શાસન સામે કેમ લડત આપવી તેની ચર્ચા કરીશું. ભલે નેતાઓ એના એ છે, છતાં આ મહાસંમેલન જુદું છે. દાયકાઓ પછી આ પ્રકારનું મહાસંમેલન મળશે.'
સસલાભાઈ આ વખતે કંઈક નવું કરી રહ્યા છે એમ ધારીને 'જંગલ ન્યૂઝ'ની એન્કર હસીના હરણીએ ખાસ કવરેજ કર્યું. એમાં અગાઉ આ પ્રકારનું મહાસંમેલન ક્યારે યોજાયું હતું એની વિગતો આપી. સસલાભાઈના મહાસંમેલનમાં મોટા નિર્ણયો લેવાશે તે પહેલાં ભરપેટ ભોજનની વ્યવસ્થામાં છે એનુંય હસીનાએ રિપોર્ટિંગ કર્યું. વાનગીઓનું લિસ્ટ જોઈને નેતાઓને મહાસંમેલનમાં ભાગ લેવાનો ઉત્સાહ જાગ્યો.
નક્કી થયેલા દિવસે મહાસંમેલન યોજાયું. દૂર-દૂરથી આવેલા સમર્થકો-નેતાઓએ સૌપ્રથમ તો જાત-ભાતના નાસ્તા આરોગ્યા. પાર્ટીના સિનિયર નેતાઓ તો ભાષણો લખીને આવી ગયા હતા. સસલાભાઈની પાર્ટીના નેતાઓ માટે આ વાતની કોઈ નવાઈ ન હતી. થોડા થોડા સમયે સસલાભાઈ પરાજય માટે ચિંતનશિબિર ગોઠવતા. દરેક વખતે સૌ સિનિયર નેતાઓ સલાહો આપતા, જુનિયર નેતાઓ, કાર્યકરો સાંભળતા. સિનિયર નેતાઓ માટે ભાષણો આપવાની નવાઈ ન હતી, જુનિયરો માટે સાંભળવાની નવાઈ ન હતી. બધા જાણતા હતા કે આમાંનું કંઈ લાગુ પાડવાનું નથી.
મહાસંમેલનમાં લંગૂરભાઈ લપલપિયાએ સૌથી પહેલાં ભાષણ આપ્યું. હાર માટે ચૂંટણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે યોગ્ય નથી એવો મત આપીને તેમણે ભાષણ પૂરું કર્યું. સસલાભાઈની પાર્ટી માટે અનેક વખત બફાટ કરીને મુશ્કેલી સર્જી દેનારા બતક બફાટિયાએ હારનું કારણ આપતા જણાવ્યું, 'જ્યાં ચૂંટણી હોય ત્યાં માનનીય સસલાભાઈની સભાઓ ઘટે તો કદાચ પરિણામ મળશે.'
આ બફાટ સામે સસલા સમર્થક નેતાઓએ ધ્યાન આપ્યું નહીં. સસલાભાઈના અંગત બનવા મથતા ઊંટભાઈ ઉટપટાંગે ટૂંકા ભાષણમાં કહ્યું, 'સસલાજીની જંગલજોડો યાત્રાઓ બને એટલી વધારવી જોઈએ. સિનિયર નેતાઓના અનુભવનો લાભ લેવાથી રાજા સિંહને હરાવી શકાશે.'
આવાં ચીલાચાલુ સૂચનો પછી વારો આવ્યો સસલાભાઈનો. વિપક્ષના નેતા સસલાભાઈએ તેમના અંદાજમાં પહેલા જ વાક્યમાં ધડાકો કર્યોઃ 'મેં આપણી હારનું ખૂબ મનોમંથન કર્યું. જંગલજોડો યાત્રાઓ કરી ત્યારેય હું વિચારતો રહ્યો. મને કારણ મળી ગયું છે. આપણી પાર્ટીની હાર માટે જવાબદાર છે ઘોડાઓ!'
આ વાક્ય સાંભળીને ઘોડાઓ હણહણી ઉઠયા. તીખા સ્વભાવના ઘોડાઓએ તો ગરદન ઊંચી કરીને સસલા સામે ડોળા કાઢ્યા. ઘોડાઓના અવાજથી હોય કે પછી બીજું કંઈ કારણ હોય, સસલાભાઈએ વાક્યમાં ફેરફાર કર્યો - 'ચૂંટણી જીતવામાં ઘોડાઓનું પ્રદાન ચાવીરૂપ છે, પરંતુ આપણે એમની પસંદગીમાં ભૂલ કરીએ છીએ. પસંદગી ઘોડાઓની જ થવી જોઈએ, પરંતુ એ ઘોડાઓને રેસનો અનુભવ હોવો જોઈએ.'
સુધારા સાથેનું વાક્ય ઘોડાઓએ સાંભળ્યું કે તેમનો હણહણાટ થોડો શમ્યો. રેસમાં ભાગ લઈ ચૂકેલા ઘોડાઓને વાતમાં થોડોક દમ લાગ્યો.
સસલાભાઈએ ભાષણ આગળ ચલાવ્યુંઃ 'જુઓ, આ મહાસંમેલન યોજવા પાછળનું કારણ એવું છે કે મારે લગ્નના ઘોડા અને રેસના ઘોડાઓને અલગ પાડવા છે. લગ્નના ઘોડા ભૂલથી રેસમાં ચાલ્યા જાય છે અને રેસના ઘોડાને લગ્નમાં મોકલી દેવામાં આવે છે. આવી ગરબડ થતી હોવાથી આપણે દરેક ચૂંટણીમાં ફટકો પડે છે. હું ઘોડાઓને વિનંતી કરીશ કે સૌ બાયોડેટા લઈને લાઈનમાં આવી જાય. આપણે અત્યારે જ એમને અલગ તારવી દઈએ!'
ને સસલાભાઈએ બાયોડેટા જોઈને ઘોડાઓને બે ભાગમાં વહેચવાની મહેનત આદરી. સસલાભાઈ બોલતા સંભળાયા ઃ 'તમારા સૌનું મહત્ત્વ છે, પરંતુ વ્યવસ્થાના ભાગરૂપે હું આ ભાગ પાડી રહ્યો છું. રેસનો અનુભવ હશે તેમને ચૂંટણીમાં અગત્યનું રાજકીય કામ મળશે. લગ્નના ઘોડા હશે તેમને માત્ર સામાજિક કામ કરવા દેવાશે. અનુભવ વધશે પછી તેમને રેસમાં ઉતારાશે'
આ ચાલતું હતું ત્યાં બતક બફાટિયાએ સસલાભાઈની નજીક આવીને માહિતી આપીઃ 'સસલાજી! આપ જેને રેસના ઘોડા કહો છો એ તો ગધેડાઓ છે, તમે એમના સામું જોયા વગર બાયોડેટાના આધારે ભાગ પાડી રહ્યા છો.'
આ જાણકારી તો સસલાભાઈની પાર્ટીના બધા સિનિયર નેતાઓને હતી, પરંતુ તેમણે સસલાભાઈને રોકવા ડહાપણ ડોળવાનું યોગ્ય ન માન્યું. સસલાભાઈએ આત્મવિશ્વાસથી કહ્યું, 'હું ગધેડાઓને ઘોડા બનાવીશ!'
એ સાંભળીને સૌ ઘોડા સભામાંથી નારાજ થઈને નીકળી ગયા...