Get The App

મહારાજા સિંહની ચિત્તાના વિસ્તારમાં હરણો માટે 'ઘરનાં ઘર'ની યોજના

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
મહારાજા સિંહની ચિત્તાના વિસ્તારમાં હરણો માટે 'ઘરનાં ઘર'ની યોજના 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- હરણ સમાજની વર્ષો જૂની માગણી હતી કે ઘર વગરનાં હરણ-હરણીઓને આવાસ યોજના હેઠળ ઘર આપવામાં આવે. વારંવારની રજૂઆત બાદ આખરે જંગલની સરકારે તેમના માટે યોજના લોન્ચ કરી...

'મહારાજ સિંહને વંદન!' રીંછભાઈ ઉતાવળે મહારાજા સિંહ પાસે આવીને તુરંત બોલવા માંડયા: 'મહારાજ એક મુશ્કેલી આવી પડી છે. તમારે કશુંક કરવું પડશે.'

'તને મેં આંતરિક બાબતોનો મંત્રી એટલે બનાવ્યો છે કે તું જાતે થોડી મુશ્કેલીઓનો ઉકેલ આપ. મારે જંગલની સરકાર ચલાવવા ઉપરાંત પણ વિદેશી જંગલમાં કાર્યક્રમો હોય છે અને ચૂંટણી પ્રચારની જવાબદારી તો ખરી જ. અને હા સરકારી યોજનાઓ માટે ફોટોસેશનમાં મારો ખાસ્સો સમય જાય છે. છતાં તમે બધા મુશ્કેલીઓ લઈને આવી જાઓ છો!' રાજા સિંહ આક્રમક મૂડમાં જણાતા હતા. તેમણે રીંછભાઈને આવતાની સાથે જ ખખડાવી નાખ્યા.

'સોરી મહારાજ!' રીંછભાઈ કમરેથી કઢંગી રીતે વળ્યા ને પછી ફરી બોલ્યાઃ '... પણ આ વખતે તમારા ડ્રીમ પ્રોજેક્ટનો મુદ્દો છે એટલે...' રીંછભાઈ ઘણાં વર્ષોથી મહારાજા સિંહના અંગત સલાહકાર હતા એટલે નસ બરાબર પારખતા હતા. 'ડ્રીમ' અને 'પ્રોજેક્ટ' એ બે શબ્દો સિંહના કાને પડયા એટલે એ થોડા નરમ પડયાઃ 'શું પ્રશ્ન છે?'

'મહારાજ! પ્રોજેક્ટ ચિત્તા અને પ્રોટેક્ટ ચિત્તાની યોજના સામે સવાલો ઉઠયા છે.' રીંછભાઈએ મહારાજા સિંહના પંજામાં મોબાઈલ થમાવીને કહ્યુંઃ 'સિંહજી! 'જંગલ ન્યુઝ'નો આ અહેવાલ જુઓ!' સિંહે આખો વિડીયો રિપોર્ટ જોવાનું શરૂ કર્યું.

***

'જંગલ ન્યુઝ'નો અહેવાલ કંઈક આવો હતો: 'નમસ્કાર! હું છું હસની હરણી અને આપ જોઈ રહ્યા છો જંગલ ન્યુઝ... તો અમે તમારા માટે ચિત્તાઓના હાહાકારની ખબર લઈ આવ્યા છીએ. સામાન્ય જંગલવાસીઓ ચિત્તાઓથી પરેશાન થઈ ગયા છે. યાદ રહે, ચિત્તાઓ મહારાજા સિંહના માનીતા છે અને મહારાજા સિંહ તેમને ખૂબ ફંડ અને રક્ષણ આપે છે. મહારાજા સિંહના બધા પંજા આ ચિત્તાઓની માથે હોવાથી બેબાક બની ગયેલા ચિત્તાઓ જંગલવાસીઓને પરેશાન કરે છે. અમારી સાથે જોડાયા છે અમારા વિશેષ પ્રતિનિધિ લક્કડખોદ લપલપ..'

હસીનાએ લક્કડખોદ પાસેથી અહેવાલ મેળવ્યોઃ 'તો લક્કડખોદ દર્શકોને આખી ઘટના જણાવો!' લક્કડખોદ લપલપે ખૂબ ઊંચા અવાજમાં ઉત્સાહથી બોલવા માંડયુંઃ 'ચોક્કસ, હસીનાજી. હું આપને જણાવું કે ક્યાંકને ક્યાંક આ ચિત્તાઓનો ત્રાસ વધ્યો છે. મહારાજા સિંહના ખાસ હોવાથી તેમણે સામાન્ય જંગલવાસીઓને પરેશાન કરવાનું શરૂ કર્યું છે.' લક્કડખોદે એ જ વાતો રિપીટ કર્યા પછી મહત્ત્વની જાણકારી આપીઃ 'ચિત્તાઓ તેમને ફાળવેલા વિસ્તારમાંથી બહાર નીકળીને હરણો-સસલા-શિયાળો પર તૂટી પડે છે. હવે તો ગાય-ભેંસ-બકરીઓની પણ ફરિયાદ આવી છે. તે એટલે સુધી કે ચિત્તાઓ ઘાસાહારી પ્રાણીઓ માટે બનેલાં કૂંડાઓની નજીક અને રસ્તાઓ પર બેખોફ ફરી રહ્યા છે.'

લક્કડખોડ લપલપના અહેવાલ પછી હસીનાએ વિપક્ષના નેતા સસલાભાઈની બાઈટ ચલાવી. સસલાભાઈએ કહ્યુંઃ 'ચિત્તાઓને પ્રોટેક્ટ કરીને મહારાજા સિંહ આખાય ઘાસાહારી સજીવોને અન્યાય કરી રહ્યા છે. હું તેમના માટે ન્યાયયાત્રા કાઢીશ.' હસીના હરણીએ વિપક્ષી મુખ્યમંત્રી કાચબાભાઈ કકળાટિયાની સોશિયલ મીડિયા પોસ્ટ પણ વાંચી સંભળાવી. કાચબાભાઈએ આકરા શબ્દોમાં ચિત્તાઓની ઝાટકણી કાઢી હતીઃ 'જંગલમાં સિંહ-વાઘ-દીપડા જેવા હિંસક સમાજો હોવા છતાં રાજા સિંહે ચિત્તાઓને આ જંગલમાં પ્રોટેક્શન આપીને બહુમતી સમાજની લાગણી દુભાવી છે. આ અન્યાય સહન ન કરી શકાય. હું ધરણા આપીશ!'

***

આખોય અહેવાલ જોયા પછી રાજા સિંહ બબડયાઃ 'મને આમાં ચિત્તાઓનો કંઈ વાંક દેખાતો નથી. ચિત્તા બિચારા પગફેર કરવા માટે ફરવા ન જાય તો શું કરે? ફરવા જાય ત્યારે ભૂખ લાગે તો શું કરે? સસલા અને હરણાઓએ આ વાત સમજવી જોઈએ.'

'મહારાજ! આપની વાત સાચી છે, પરંતુ બહુમતી સમાજોની લાગણીને ધ્યાનમાં રાખીને કોઈ નિર્ણય કરવો પડશે. નહીંતર જંગલના જુદા જુદા ભાગમાં ચૂંટણી આવે છે એમાં તેની અસર થઈ શકે છે. એક તો આ 'જંગલ ન્યુઝ'ના અહેવાલમાં વારંવાર પ્રોજેક્ટ ચિત્તા અને પ્રોટેક્ટ ચિત્તા માટે તમે જે ફંડ આપો છો એની સામે સવાલો ઉઠે છે. વિપક્ષના નેતાઓ કહે છે કે ચિત્તાઓને બહારથી લાવીને સરકાર માતબર ખર્ચ કરે છે, પરંતુ અહીં હરણા-સસલાઓને ઘર બનાવી આપવા માટે ફંડ નથી.'

'એક મિનિટ એક મિનિટ!' રીંછભાઈની વાત સાંભળીને જ મહારાજા સિંહના દિમાગમાં ઝબકારો થયો. પળ-બેપળ વિચારીને રાજા સિંહ બોલ્યાઃ 'ઉકેલ તો તારી વાતમાંથી મળી ગયો છે. વિપક્ષના નેતાઓ જે મુદ્દે આપણી ટીકા કરે છે એ જ મુદ્દે આપણે ચિત્તાઓની સમસ્યાનું સમાધાન શોધી લઈએ. તું મારું ભાષણ રેકોર્ડ કર. બાકીનું બધું મારા પર છોડી દે!'

***

થોડી કલાકો પછી મહારાજા સિંહે વિડીયો નિવેદનમાં જાહેરાત કરીઃ 'ઘર વગરનાં હરણો માટે 'રાજા સિંહ આવાસ યોજના' શરૂ કરું છું. આ ઘરના ઘરની યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકશો. આજે જ રજિસ્ટ્રેશન કરો ને યોજનાનો લાભ મેળવો!'

હજારોની સંખ્યામાં ફોર્મ ભરાયા. એમાંથી શરૂઆતમાં ૪૦૦ હરણોને યોજનાના લાભ માટે પસંદ કરાયાં. તેમને નવાનક્કોર ઘર ફાળવી દેવાયાં, પણ જ્યાં ઘર ફાળવ્યા હતા એ વિસ્તાર ચિત્તાઓનો હતો!


Google NewsGoogle News