મહારાજા સિંહની ચિત્તાઓને નવા વર્ષની ગિફ્ટ
- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- ચિત્તાઓ માટે મહારાજા સિંહનો પ્રેમ જાણીતો હતો. પ્રોજેક્ટ ચિત્તા અને પ્રોટેક્ટ ચિત્તાની બબ્બે યોજનાઓ બાદ હવે રાજા સિંહે ચિત્તા કોરિડોર બનાવવાની જાહેરાત કરી
નવી નવી યોજનાઓ જાહેર કરવામાં ભારે કુશળ મહારાજા સિંહ નવા વર્ષના ઉદ્બોધનમાં કંઈક નવી જાહેરાત કરવા ધારતા હતા. તેમણે મુખ્ય સલાહકાર અને અંગત વિશ્વાસુ રીંછભાઈને બોલાવીને સલાહ લીધી. રીંછભાઈએ કહ્યું, 'મહારાજ! વાઘોને તમે થોડા સમય પહેલાં જ નવેસરથી ફંડ આપી દીધું છે.
દીપડાઓ અંદરખાને વિપક્ષના નેતા સસલાભાઈને સમર્થન કરે છે એટલે એની યોજના જાહેર કરવાનો કોઈ ફાયદો નથી. સિંહસમાજના વિસ્તારને તો તમે હમણાં જ સ્પેશિયલ સ્ટેટસ આપ્યું. ગાય-ભેંસ-બકરી-બળદ-પાડા-ઘેટાં-કૂતરાં-બિલાડાં-વાંદરાં-ગધેડા-ગીધ-હોલા-કાગડા તો આપણા સિવાય કોઈને મત આપવાના નથી. તમારી જંગલવાદની નીતિ એમને ગમે છે.'
'એ મને ખબર છે, પરંતુ મારે નવા વર્ષે ચર્ચામાં રહેવા કંઈક બોલવું છે. તું કંઈક આઈડિયા આપ!'
'...તો પછી ચિત્તાઓને લગતી કંઈક જાહેરાત કરો!' રીંછભાઈએ ઊંડો વિચાર કરીને સલાહ આપી.
'વેલ ડન, રીંછડા... વેલ ડન!' રાજા સિંહ ખુશ થઈ ગયા. તેમણે રીંછભાઈને રવાના કરીને મંથન કરવા માંડયું
***
નવા વર્ષ પછી સારું મૂહર્ત જોઈને રાજા સિંહે જંગલવાસીઓ જોગ સંબોધન કર્યું. એમાં પોતાની સરકારની વિવિધ યોજનાઓની વાતો કર્યા બાદ ચિત્તા સમાજ માટે નવી જાહેરાત કરી : 'મારા પ્યારા જંગલવાસીઓ! આપ સૌ જાણો છો કે ચિત્તાઓનું આપણાં જંગલમાં કેટલું મહત્ત્વ છે? ચિત્તાના કારણે આપણું જંગલ સંપૂર્ણ થઈ ગયું. અત્યાર સુધી અમારો સિંહ સમાજ, વાઘ સમાજ, દીપડા સમાજ તો હતો જ, પરંતુ અમારા હિંસક સમાજમાં ચિત્તાઓ ઘટતા હતા. જંગલમાં અત્યાર સુધી જેટલા રાજા થયા તેમણે એ દિશામાં કોઈ કામ ન કર્યું, પરંતુ મેં ચિત્તાને પ્રોત્સાહન આપ્યું. મેં પ્રોજેક્ટ ચિત્તા શરૂ કર્યો અને આખાય જંગલમાં ચિત્તા માટે અનુકૂળ વાતાવરણ બનાવ્યું. એ પાછળ મેં માતબર બજેટ ફાળવ્યું.'
લાંબો પોઝ લઈને મહારાજા સિંહે ભાષણ આગળ ચલાવ્યું, 'મને ઘણા જંગલવાસીઓ આવીને કહેતા હતા કે ચિત્તા માટે માતબર ફંડ આપવાને બદલે આપણા જંગલમાં ભૂખ્યે મરતાં પ્રાણી-પંખીઓ માટે કંઈક વિશેષ યોજના લાવો, પરંતુ એ સૌ મારા ઈરાદાઓને તોડી શક્યા નહીં. મને જંગલના ભૂખમરાના આંકડા બતાવતા હતા, પરંતુ હું જાણતો હતો કે આ તો એક ષડયંત્ર છે, કારણ કે જંગલમાં કોઈ ભૂખ્યે મર્યું જ નથી. કદાચ કોઈને સમયસર ભોજન ન મળ્યું હોય ને એનાથી તેમનો જીવ ગયો હોય તો એ માટે હું કે મારી સરકાર જવાબદાર નથી. આયોજન કરીને સમયસર ભોજન મેળવવાની જવાબદારી જંગલવાસીઓની છે.'
મહારાજા સિંહે કેમેરા સામે બે-ત્રણ હરકતો કર્યા પછી ભાષણ આગળ વધાર્યું : 'ટૂંકમાં, મારી યોજનાને અસફળ બનાવવા કેટલાય મેદાને પડયા હતા, પરંતુ મેં નિશ્વય કર્યો હતો કે ચિત્તાઓને આ જંગલમાં દોડતા કરીશ પછી જ નિરાંતનો શ્વાસ લઈશ. ને મેં એ કરી બતાવ્યું. આજે આપણા જંગલમાં ચિત્તાઓ આવી ગયા છે. સાંથીઓ! એ પછી પણ મારા વિરોધીઓએ મારો પ્રોજેક્ટ અસફળ બનાવવા કેટલાય ષડયંત્રો કર્યા. કેટલાક દીપડાઓને ચિત્તાઓ સાથે ઝઘડો કરાવ્યો. એ લડાઈમાં ઘણા ચિત્તા ખપી ગયા, પણ મારા ઈરાદા તોડી શકાયા નહીં. હું ફરીથી ચિત્તા લાવ્યો અને પ્રોજેક્ટ ચિત્તાની જેમ પ્રોટેક્ટ ચિત્તાની નવી યોજના લાગુ પાડી. એ પાછળ નવેસરથી ફંડ આપ્યું.'
મહારાજા સિંહનું નવા વર્ષનું આ સંબોધન લાખો જંગલવાસીઓ ઓનલાઈન સાંભળતા હતા. રાજાના સમર્થકો તો લાઈવ ભાષણ સાંભળીને સોશિયલ મીડિયામાં કમેન્ટ્સ પણ કરવા લાગ્યા હતા. થોડીવારમાં તો સિંહની તરફેણમાં ટ્રેન્ડ બની ગયો. હેશટેગ ચિત્તા, હેશહેટ લાયનચિત્તાફ્રેન્ડશિપ, હેશટેગ મહારાજાસિંહ, હેશટેગ રાજાસિંહનુંસુશાસનથી કમેન્ટ્સ થવા માંડી. સિંહે ચાલુ ભાષણે લાઈવ ટ્રેન્ડનું અપડેટ મેળવી લીધું ને તેના આધારે ભાષણમાં ફેરફાર કરીને આગળ ચલાવ્યું : 'મારા પ્રોજેક્ટ ચિત્તા અને પ્રોટેક્ટ ચિત્તાની ભવ્ય સફળતા પછી હું હવે શરૂ કરી રહ્યો છું - ચિત્તા કોરિડોર.'
સોશિયલ મિડીયામાં થોડી જ પળોમાં હેશટેગ ચિત્તાકોરિડોરથી પોસ્ટ થવા માંડી.
રાજા સિંહે જાહેરાત કરી : 'ચિત્તા કોરિડોર બનાવવા માટે હું એક સમિતિની રચના કરી રહ્યો છું. એ સમિતિના ચેરમેન હશે ટાઈગરભાઈ ત્રાસદાયક. અખિલ જંગલીય વાઘ સમાજના પ્રમુખ ટાઈગરભાઈ આ કોરિડોરની રૂપરેખા તૈયાર કરી આપશે. વાઘોના રસ્તામાં ચિત્તા ન આવે અને ચિત્તાના રસ્તામાં વાઘો ન આવે એવી અદ્ભુત વ્યવસ્થા અમે કરવાના છીએ.'
રાજા સિંહની આ જાહેરાતથી ચિત્તાઓમાં ઉત્સાહ હતો. તેમને જંગલમાં એક અલગ હિસ્સો રાજાએ આપ્યો હતો, પરંતુ હવે નવો કોરિડોર બનવાનો હોવાથી તેમને પગ છૂટા કરવા માટે અલાયદો માર્ગ મળશે. ચિત્તાઓ રાજા સિંહ તરફથી મળેલી નવા વર્ષની ગિફ્ટથી ખુશ હતા. રાજા સિંહે પોતાના સિંહ સમાજને પણ જુદો સ્પેશિયલ વિસ્તાર આપી દીધો હતો એટલે તેમનેય વાંધો ન હતો. આ જાહેરાતથી સૌથી વધુ નારાજ હતા દીપડાઓ.
ગેરિલા પદ્ધતિથી ઠેર-ઠેર હુમલા કરીને હાહાકાર મચાવવાના ઈરાદે દીપડાઓ મધરાતે એકઠા થઈ રહ્યા હતા ત્યાં જ 'જંગલ ન્યૂઝ'માં બ્રેકિંગ આવ્યા : કેટલાક દીપડાઓ પર મની લોન્ડરિંગનો આરોપ... ચિંતાશીલ બેઈજ્જતદાસ ઈમાનદાર (સીબીઆઈ) પોપટે દીપડાઓના રહેઠાણો પર દરોડા પાડયા.
દરોડાના સમાચાર સાંભળીને ગેરિલા હુમલા કરવા એકઠા થયેલા બળવાખોર દીપડાઓ વિખેરાઈ ગયા...