જંગલમાં ચૂંટણી પરિણામો : રાજા સિંહ અને સસલાભાઈ બંનેના સમર્થકો મૂંઝવણમાં

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
જંગલમાં ચૂંટણી પરિણામો : રાજા સિંહ અને સસલાભાઈ બંનેના સમર્થકો મૂંઝવણમાં 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- ચૂંટણી પછી બાજ સમાજે મતોની ગણતરી કરીને પરિણામ જાહેર કર્યું : 'સિંહને રાજા બનવું હશે તો કાચિંડા કલરબદલુનું સમર્થન મેળવવું પડશે.'

'સૌ આવી ગયા હોય તો આપણે રાજા નક્કી કરી લઈએ?' જંગલમાં ચૂંટણી કરાવવાની જવાબદારી જેમની હતી એ બાજ સમાજની ચૂંટણી સમિતિએ પૂછ્યું.

'અમારા સહયોગી નેતા કાચબાભાઈ કકળાટિયાને રાજા સિંહે પાણીના તળાવમાં નજરકેદ કર્યા છે. એ નહીં આવે ત્યાં સુધી પરિણામ જાહેર નહીં થાય.' વિપક્ષના નેતા સસલાભાઈએ ચૂંટણી સમિતિ સામે વિરોધ નોંધાવ્યો.

'આ શું છે બધું?' બાજ સમિતિએ રાજા સિંહ અને રીંછભાઈ સામે જોઈને નારાજગી બતાવી.

'કાચબાભાઈએ તળાવનું પાણી અમારી પરવાનગી વગર વેચી નાખ્યું હોવાથી તપાસ ચાલી રહી છે.' રીંછભાઈએ બાજ સમાજને ખાતરી આપી. છતાં વિપક્ષના નેતા સસલાભાઈ અને પાર્ટી પ્રમુખ લંગૂરભાઈ લપલપિયાએ હોબાળો મચાવ્યો.

'કાચબાભાઈને તુરંત લઈ આવો!' બાજ સમાજે સુરક્ષા અધિકારી બિલાડા બબાલીને આદેશ આપ્યો. થોડીવારમાં કાચબાભાઈ કકળાટિયા મત ગણતરીના સ્થળે આવી ગયા. વિપક્ષના સૌ કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું.

'આજે સિંહ જીતશે તો રીંછભાઈ રાજા બની જશે.' કાચબાભાઈએ આવતાવેંત ધડાકો કર્યો. આ ઘટસ્ફોટથી સિંહ સમર્થકો, જંગલવાસીઓમાં કોલાહલ મચી ગયો. બધા રીંછભાઈ સામે પંજા લાંબાં કરી કરીને અંદરોઅંદર ગુસપુસ કરવા માંડયા.

'એવું કશું નથી...' રાજા સિંહ બબડયા. રીંછ સામે જોઈને ધીમેકથી બોલ્યા: 'એવું છે?' સિંહના મોં પર ચિંતાની લકીરો ઉપસી આવી.

'રાજા તો સિંહ જ બનશે. કાચબાભાઈ આવી સનસનાટી મચાવીને તેમના પર જે આરોપ લાગ્યો છે એને આડા પાટે ચડાવી રહ્યા છે.' રીંછભાઈએ સ્પષ્ટતા કરીને ઉમેર્યું, 'સિંહજી જ અમારા નેતા છે. તેમની સરકાર બનશે કે તરત કાચબાભાઈએ પાણી બારોબાર વેચી દીધું એની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. માનનીય ચૂંટણી સમિતિના સભ્યોને વિનંતી છે કે હવે પરિણામો જાહેર કરે!'

'જે કરવું હોય એ મત ગણતરી પછી કરજો! સૌ નેતાઓ આવી ગયા છે તો અમે હવે પરિણામ જાહેર કરીએ છીએ...' ચૂંટણી સમિતિના પાંચેક સભ્યોએ અંદરોઅંદર કંઈક વાતચીત કરી. થોડીવારે એક બાજે મોટા અવાજે કહેવા માંડયું: 'જંગલના રાજા બનવા માટે જે મતદાન થયું એમાં સૌથી વધુ મતો રાજા સિંહને મળ્યા છે.'

જંગલના રાજકારણમાં માદા સશક્તીકરણનું પ્રતીક ગણાતાં વાઘણબહેન તાડુક્યાં: 'કોને કેટલા મતો મળ્યા એ જણાવો. કાગળ પર લખેલું બતાવો. આમ મોબાઈલમાંથી જોઈને પરિણામ જણાવો છે તે બરાબર નથી.'

'કાગળ બતાવો! કાગળ બતાવો!' વિપક્ષી મોરચાએ સૂત્રોચ્ચાર કર્યો.

બાજે ઈશારો કરીને આખી ફાઈલ મંગાવી. એમાં દરેક નેતાને વિસ્તાર પ્રમાણે મળેલા મતોની યાદી હતી. કૂતરા, ઘેટા સમાજે કેટલા ટકા વોટિંગ કર્યું, બળદોના વિસ્તારમાંથી ક્યા નેતાને વધુ મતો મળ્યા, સમુદ્રી સજીવો કોના તરફ વળ્યા. એ બધું જ એ ફાઈલમાં વિગતવાર લખ્યું હતું.

બાજોની પાંચ સભ્યોની સમિતિએ વિગતવાર પરિણામ આપ્યું: 'રાજા થવા ઈચ્છતા વિપક્ષના નેતા સસલાભાઈને બહુમતી માટે જોઈએ એટલા મતો મળ્યા નથી.'

'સિંહને કેટલા મતો મળ્યા?' લંગૂરભાઈ લપલપિયાના સીધા સવાલ પછી ચૂંટણી પંચે જાહેરાત કરી: 'અત્યારના રાજા સિંહને પણ રાજા બનવા માટે જરૂરી મતો તો નથી જ મળ્યા, પણ...'

બાજ આગળ કંઈ કહે એ પહેલાં સસલાભાઈ, તેમના ખાસ દોસ્તાર બની ગયેલા બારહસિંગાભાઈ, લંગૂર લપલપિયા, વાઘણબહેન, કાચબાભાઈ કકળાટિયાએ ગુસપુસ કરીને રાજા બનવા માટેનાં આયોજનો શરૂ કરી દીધાં. જંગલમાંથી બીજા ક્યા નેતાનો સાથ મળી શકે છે એની ગણતરીઓ શરૂ કરી.

'...પણ રાજા સિંહ જેટલા મતો કોઈને મળ્યા નથી એટલે હાલ પૂરતા એ જ રાજા રહેશે, કારણ કે મુખ્યમંત્રી કાચિંડાબાબુ કલરબદલુએ રાજા સિંહને સમર્થન આપીને તેમના ભાગના મતો રાજા સિંહને આપવાની જાહેરાત કરી છે.'

સસલાભાઈ, કાચબાભાઈ કકળાટિયા, વાઘણબહેન સહિતના વિપક્ષના સૌ નેતાઓ થોડા શાંત થયા. લંગૂર લપલપિયાએ કટાક્ષમાં કહ્યું: 'કાચિંડો ગમે ત્યારે રંગ બદલશે. રાજા સિંહને ફાવે તો સારું. હવે તો સિંહ કાચિંડાને પૂછી પૂછીને પાણી પીશે!'

'અમને ફાવશે. તમે અમારી ચિંતા ન કરો!' રીંછભાઈએ લંગૂર સામે જોઈને ઘૂરકિયા કર્યા ને આવેશમાં ઉમેર્યું: 'રાજા તો સિંહ જ રહેશે!'

બંને પક્ષે બોલાચાલી વધે અને ઘર્ષણ થાય તે પહેલાં બાજે પરિણામનો છેલ્લો ભાગ વાંચી સંભળાવ્યો: 'સસલાભાઈ જંગલવાસીઓમાં ઘણા પોપ્યુલર થયા છે. તેમને આ ચૂંટણીમાં બમણા મતો મળ્યા છે. બારહસિંગાભાઈએ તેમના વિસ્તારમાં રાજા સિંહ કરતાં વધુ મતો મેળવીને નવો ઈતિહાસ બનાવ્યો છે. વાઘણબહેને તેમની તરફના જંગલવાસીઓના મતો જાળવી રાખ્યાં છે. કાચબાભાઈ કકળાટિયાએ તેમની સમુદ્રી વોટબેંક કબજે કરી છે.'

રિઝલ્ટ સાંભળ્યા પછી સિંહ અને સસલાભાઈ બંને વિચારમાં પડી ગયા. વિજય સરઘસ કાઢવું કે નહીં એ વાતે સિંહના સમર્થકો મૂંઝાયા. સિંહનો સંકેત આવે એની રાહ જોતા બેસી રહ્યા. પ્રદર્શન સુધર્યું એનું સેલિબ્રેશન કરવું કે નહીં એ વાતે સસલાભાઈના સમર્થકો પણ અવઢવમાં હતા.

કોઈ સૂચનાઓ ન આવી એટલે બંનેના સમર્થકોએ પોતપોતાની રીતે ઉજવણી કરી.

એ દરમિયાન મતદારો સોશિયલ મિડિયામાં પોસ્ટ લખતા હતા: જોયું! આપણે એવું મતદાન કર્યું કે બધા ખુશ છે!'


Google NewsGoogle News