Get The App

જંગલની સરકારનું બજેટ : તમામ વર્ગો માટે સ્પેશિયલ યોજનાઓ

Updated: Feb 6th, 2025


Google NewsGoogle News
જંગલની સરકારનું બજેટ : તમામ વર્ગો માટે સ્પેશિયલ યોજનાઓ 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- યંગ અજ્ઞાનતા પ્રોત્સાહન યોજનાથી લઈને યુવાનો બેરોજગારીથી પરેશાન ન થાય તે માટે સોશિયલ મીડિયામાં વ્યસ્ત રાખવા સુધીની જોગવાઈઓ બજેટમાં થઈ હતી...

યંગ અજ્ઞાનતાને પ્રોત્સાહન

બજેટમાં જંગલની યુવાપેઢીને ધ્યાનમાં રાખીને એક સ્પેશિયલ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. એને નામ અપાયું - યંગ અજ્ઞાનતા પ્રોત્સાહન યોજના. યુવાપેઢી આસપાસની ઘટનાઓ, મહારાજા સિંહ અને વિપક્ષના નેતા સસલાભાઈના મુદ્દે બેદરકાર રહે તે માટે જંગલની સરકાર ફંડ આપશે. સોશિયલ મિડીયામાં ફોરવર્ડ કરવા રાજા સિંહની પ્રશંસા, જંગલનો ટ્વિસ્ટેડ ઈતિહાસ અને ધાર્મિક કોન્ટેન્ટ નિયમિત મળી રહે તેવી વ્યવસ્થા પણ આ યોજનામાં થશે. રાજા સિંહના અંગત વિશ્વાસુ રાજકીય સલાહકાર રીંછભાઈએ આ યોજનાનો આઈડિયા આપતા રાજા સિંહને કન્વિન્સ કર્યા કે જો યુવાપેઢીમાં અજ્ઞાનતા વધશે તો લાંબા ગાળે આપણાં હિતમાં રહેશે. યુવા પેઢી જ્ઞાન મેળવશે તો દલીલો કરશે. દલીલો કરશે તો ચૂંટણીમાં એની અસર દેખાશે. એના બદલે અજ્ઞાન રહે તો જંગલ માટે અને જંગલની સરકાર માટે ફાયદો છે. એક નહીં તો બીજી રીતે યુવાનો મોટી સંખ્યામાં અજ્ઞાની બને તેવા પ્રયાસો કરવાના ભાગરૂપે બજેટ રજૂ કરતી વખતે કહેવાયું કે જરૂર પડયે અધવચ્ચે ફંડ જોઈશે તો પણ રાજા સિંહ અલગથી વ્યવસ્થા કરી આપશે.

બેરોજગારીનો ઉકેલ - અનલિમિટેડ ડેટાપેક

સસ્તાં અનલિમિટેડ ડેટાપેક માટે અલગથી ફંડ અપાયું હતું. એનાથી યુવાનો સોશિયલ મીડિયામાં મેક્સિમમ રીલ્સ જોવામાં સમય વીતાવશે. એટલું જ નહીં, ગેમ્સમાં કલાકો કાઢશે. પરિણામે એ સૌ જંગલના રાજકીય-આર્થિક-સામાજિક પ્રશ્નો તરફ બેદરકાર રહેશે. એમાં સૌનું હિત જળવાતું હતું. રોજગારીની માગણી ન કરે તો સરકારને નવી નોકરીઓના સર્જનની ચિંતા નહીં. સરકારી ભરતીની પણ ચિંતા નહીં. બહુ નોકરીની ડિમાન્ડ કરતાં થોડા યુવાઓને કોન્ટ્રાક્ટથી નોકરી આપીને વાત પૂરી થઈ જાય તો બચેલું સરકારી ફંડ રાજા સિંહ અને તેમના મંત્રાલયની સુખાકારીમાં વાપરી શકાય એવું રાજા સિંહ દૃઢપણે માનતા હતા. ડેટાપેકની યોજના માટે રાજા સિંહે જંગલના ઉદ્યોગપતિ ગુલામદાસ ગધેડાની મોબાઈલ ડેટા પ્રોવાઈડર કંપની સાથે કરાર કર્યો હતો. યુવાપેઢીને સસ્તાં ડેટાપેકના બદલામાં જંગલની સરકાર મહત્ત્વના ઘણા કોન્ટ્રાક્ટ ગુલામદાસ ગધેડાને આપતી હતી. આ યોજનાના સંદર્ભમાં બજેટ બાદ રાજા સિંહે પ્રસન્ન થઈને કહ્યુંઃ 'હવે જંગલની યુવાપેઢીને નોકરીનો પ્રશ્ન જ નહીં રહે. તેમની પાસે સમય જ બચશે નહીં. આ યોજના ક્રાંતિકારી સાબિત થશે.'

ઈન્ફ્લુએન્સર્સ સિંહથી ઈન્ફ્લુએન્સ થાય તેવી યોજના

જંગલમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર નામનો એક નવો વર્ગ ક્રિએટ થયો હતો. હજારો-લાખો-કરોડો ફોલોઅર્સ ધરાવતા આ ઈન્ફ્લુએન્સર રાજા સિંહથી ઈન્ફ્લુએન્સ થાય તેવી યોજના પહેલી વખત લોંચ થઈ હતી. રાજા સિંહ આમ તો આખાય જંગલની જવાબદારીના ભાર હેઠળ બહુ વ્યસ્ત રહેતા, પરંતુ નવી યોજનાના ભાગરૂપે રાજા સિંહ નિયમિત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સાથે મુલાકાત કરવાના હતા. તેમની સાથે ભોજન લેવાના હતા અને સેલ્ફી પડાવવાના હતા. વળી, એ ઈન્ફ્લુએન્સરને ગિફ્ટ આપવાથી લઈને તેમની રીલ્સમાં રાજા સિંહના વખાણ કરવાનો જે ચાર્જ થાય એ પણ આ યોજનાના ફંડમાંથી આપવાનો હતો. જંગલની સરકારે જાહેરાત કરી કે આગામી પાંચ વર્ષમાં આ યોજનાનું ફંડ ૧૦ ગણું કરવાની ધારણા છે.

સુંદર યુવા માદાઓને બ્યુટી પ્રોડક્ટની લહાણી

માદા કલ્યાણ વિભાગને મળતા ફંડમાંથી ઘણો હિસ્સો આ નવી યોજનામાં ફાળવાયો. સુંદર યુવા માદાઓને વધુને વધુ રીલ્સ બનાવવા પ્રોત્સાહિત કરવાના હેતુથી બ્યૂટી પ્રોડક્ટ ગિફ્ટ કરવામાં આવશે. જે માદાઓ હજુ સુધી રીલ્સ બનાવતી નથી તેમને સોશિયલ મીડિયામાં સક્રિય થવા પ્રેરિત કરાશે. જંગલના સોશિયલ મીડિયા એન્જિનીયરિંગ એક્સપર્ટ્સ તો આ યોજનાને બહુ જ મહત્ત્વની ગણાવી રહ્યા છે. તેમના મતે બેરોજગાર યંગ નરોનો સ્ક્રીનટાઈમ આ યોજનાથી વધશે અને જંગલની ઘણી સમસ્યાઓ આપોઆપ ઘટશે.

સ્વૈચ્છાએ ગરીબી જતી કરો

બજેટમાં સૌથી ચર્ચિત યોજના હતી - ગરીબી જતી કરો. ઘણા બજેટ એક્સપર્ટ્સ આ યોજનાનું એનાલિસિસ કરતા હતા. જંગલની સરકારે આ બાબતે વધુ સ્પષ્ટતા કરી ન હતી. પરંતુ જે પ્રાથમિક માહિતી આપી હતી એ પ્રમાણે આ અભૂતપૂર્વ યોજનામાં એવી ગોઠવણ થઈ કે જે ગરીબો સ્વૈચ્છિક રીતે ગરીબી જતી કરવા તૈયાર હોય તેમને સરકારી ખર્ચે સર્ટિફિકેટ આપવામાં આવશે ને તેમને મધ્યમવર્ગમાં વિનામૂલ્યે સ્વિચ કરી દેવામાં આવશે. ગરીબોને સર્ટિફિકેટ લેવા આવવાનો ખર્ચ સરકાર આ યોજનામાંથી આપશે. સરકારે કહ્યું કે તેનાથી સેંકડો ગરીબોના જીવનધોરણ સુધરશે. તેમનું સામાજિક સ્ટેટસ મોભાદાર બનશે. જેમ અગાઉ રાજા સિંહે સબસિડીઓ જતી કરવાની હાકલ કરી ત્યારે સેંકડો જંગલવાસીઓએ પોતાની સરકારી સબસિડી જતી હતી એમ આ યોજના હેઠળ પણ ઘણા ગરીબો તેમની ગરીબી જતી કરશે - એવો રાજા સિંહને વિશ્વાસ હતો. આ યોજના રાજા સિંહની દિમાગની ઉપજ હતો. કેટલાય સિંહ સમર્થક અર્થશાસ્ત્રીઓ કહેતા હતા કે આ યોજના માસ્ટરસ્ટ્રોક સાબિત થશે. સેંકડો વર્ષોથી જંગલમાં નાબુદ ન થયેલી ગરીબી આ એક જ યોજનાથી નાબુદ થઈ જશે. ખુદ રાજા સિંહે બજેટ પછી કહ્યુંઃ 'મારા પ્યારા જંગલવાસીઓ! આ યોજના વિકસિત જંગલની દિશામાં પહેલું કદમ છે. આપણાં જંગલને હવે વિકસિત થતાં કોઈ રોકી શકે તેમ નથી.'


Google NewsGoogle News