મગર સમાજની ગુસ્તાખીથી મહારાજા સિંહ ખફા
- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- જંગલમાં આવેલા પૂરનો લાભ લઈને મગરો જંગલના રહેણાક વિસ્તારોમાં આંટા મારવા લાગ્યા. રાજા સિંહ સામે બેફામ બનેલા મગર સમાજને કાબૂમાં લેવાનો પડકાર સર્જાયો
જંગલમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પૂરપ્રકોપ સર્જાયો. જંગલવાસીઓ પરેશાન થઈ ગયા. એ પરેશાનીમાં વધારો કર્યો મગર સમાજે. પૂરનો લાભ લઈને મગરો પાણીમાં તરતાં તરતાં જંગલના ખૂણે-ખૂણે પહોંચી ગયા. નદીના પાણીનો એકનો એક માહોલ જોઈને કંટાળી ગયેલા મગરોએ જંગલની સહેલ કરી. વૃક્ષોની છાલ સાથે શરીર ખસીને આનંદ લીધો. લીસાં રસ્તામાં આળોટીને ગાબડાં પાડયા. જળચરોનો એકનો એક ખોરાક ખાઈને થાકેલા મગરોએ જંગલના નાના-મોટા સજીવોને આખાને આખા ગળી જઈને નવા ભોજનનો લુત્ફ ઉઠાવ્યો.
મગર સમાજના હાહાકારથી જંગલવાસીઓ ડરી ગયા. ફરિયાદ પહોંચી જંગલની સરકાર સુધી. મહારાજા સિંહના રાજકીય સલાહકાર અને આંતરિક બાબતોના મંત્રી રીંછભાઈએ આખો ઘટનાક્રમ જાણ્યો અને મહારાજા સિંહ સાથે અરજન્ટ બેઠક ગોઠવી.
***
'મહારાજ! આપને અરજન્ટ બ્રીફિંગ કરવું પડે એમ છે.' રાજા સિહના દરબારમાં પહોંચીને રીંછભાઈ ઉત્તેજનાથી બોલવા માંડયા: 'જંગલમાં કેટલાય વિસ્તારોમાં પૂર આવ્યું છે અને તેના કારણે...'
રીંછભાઈને અધવચ્ચે અટકાવીને રાજા સિંહે કહ્યું, 'પૂરના કારણે તારાજી થઈ છે? પૂરથી જંગલવાસીઓને સલામત સ્થળે ખસેડવાની સ્થિતિ ઉભી થઈ છે? એ તો નોર્મલ છે. થોડા દિવસમાં બધું બરાબર થઈ જશે.'
'જી મહારાજ! આટલી જ વાત હોત તો હું આપને પરેશાન કરવા આવ્યો ન હોત. પૂર પછી ખાડા પડી જાય કે જંગલવાસીઓના રહેઠાણોમાં પાણી ભરાઈ જાય કે પછી કેટલાક વિસ્તારો સંપર્ક વિહોણા થઈ જાય કે રસ્તાઓ સદંતર ધોવાઈ જાય તો એ ખાસ ચિંતાનો વિષય નથી. એટલું તો સહન કરવા જંગલવાસીઓ મેન્ટલી તૈયાર હોય છે, પણ આ વખતે વાત થોડી જુદી છે.'
'ફટાફટ બોલ. શું થયું છે?' મહારાજા સિંહે મો...ટું બગાસું ખાધું.
'મગર સમાજ ફરવા નીકળી પડયો છે એટલે જંગલવાસીઓમાં ફફડાટ ફેલાયો છે.' રીંછભાઈએ ચિંતા વ્યક્ત કરી.
'..તો એમાં મુશ્કેલી શું છે?' રાજા સિંહને લાગ્યું કે આવા સરસ વરસાદી વાતાવરણમાં મસ્ત ઊંઘ આવે છે ને આ રીંછ બોર કરે છે.
'જંગલવાસીઓ મગરોથી ડરે છે. મગરો માટે આપણે નિયમ બનાવ્યો હતો કે ગમે ત્યારે જંગલમાં આવવું નહીં. ફરવા આવવું હોય તો સરકારને જાણ કરવી. મગરોને કાંઠા વિસ્તારમાં ૩૦ ફૂટ સુધી જ ફરવાની પરવાનગી મળી છે.' રીંછભાઈએ ગાઈડલાઈન વાંચી સંભળાવી.
'ઠીક છે. જંગલમાં નિયમો માત્ર કાગળ પર દેખાડવા માટે છે. એમ નિયમો પાળીએ તો તો આપણે જ ભરાઈ પડીએ.' રાજા સિંહે કંટાળાથી રીંછભાઈ સામે જોઈને ઉમેર્યું, 'એ સિવાય કંઈ હોય તો બોલ!'
'એક મિનિટ!' રીંછભાઈએ 'જંગલ ન્યૂઝ'ની યુટયૂબ ચેનલ ઓપન કરીને એક વીડિયો બતાવ્યો. મગર સમાજના પ્રમુખ મગરભાઈ મુખિયાએ 'જંગલ ન્યૂઝ'ના સંવાદદાતા લક્કડખોદ લપલપને બાઈટ આપતા કહેલું: 'અમારો સમાજ એટલો શક્તિશાળી છે કે લાખો-કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ પર ભારેખમ શરીર લઈને ચાલીએ તો ખાડા પાડી દઈએ. આ જુઓ! હું ચાલ્યો ત્યાં બધે રોડ ઉખડી ગયો છે. અમે સિંહ, વાઘ, દીપડા જેવાં જંગલી પ્રાણીઓ જેટલાં જ ખતરનાક છીએ. અમારું વિકરાળ મોં ખોલીએ તો ભલભલા જંગલવાસીઓ ઢીલા પડી જાય.'
'...તો તમે આવું પરાક્રમ બતાવીને રાજા સિંહને શું મેસેજ આપો છો?' લક્કડખોદ લપલપે પૂછ્યું એના જવાબમાં મગરભાઈ મુખિયા બોલ્યા: 'અમારા સમાજની રાજકારણમાં અવગણના થાય છે. રાજા સિંહના દરબારીઓમાં અમારા સમાજનો એકેય પ્રતિનિધિ નથી. જો અમને રાજકીય મહત્ત્વ નહીં મળે તો દરેક પૂરનો લાભ લઈને અમે રાજા સિંહના સુશાસનની પોલ ખોલી દઈશું!'
વીડિયો જોઈને રાજા સિંહ લાલઘૂમ થઈ ગયા. બગાસાં ગાયબ થઈ ગયા, ઊંઘ ઉડી ગઈ. તેમણે આદેશ આપ્યો : 'મગર મુખિયાને મારી સામે હાજર કરો!'
'જી મહારાજ!' આદેશ માથે ચડાવીને રીંછભાઈ રવાના થયા.
***
મહારાજા સિંહ સાથે વાટાઘાટો માટે મળવાનું છે એમ કહીને મગરભાઈ મુખિયાને રાજા સિંહના દરબારમાં હાજર કરાયા. રાજા સિંહે મગર મુખિયાના નુકીલા દાંતથી પૂછડી સુધી ઊડતું નિરીક્ષણ કર્યા પછી કહ્યું: 'તારે શું જોઈએ છે?'
'મહારાજ! હું તમારા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સને એક્સપોઝ કરીશ. તમે ન તો મગરોને કાબૂમાં રાખી શકો છો, ન તો પૂર રોકી શકો છો, ન તો રસ્તા સારા બનાવી શકો છો, ન તો જંગલવાસીઓનું રક્ષણ કરી શકો છો. આ બધું જ હું જંગલવાસીઓને કહીશ!'
મગર મુખિયાના આ નિવેદનથી દરબારમાં સોંપો પડી ગયો. કોઈ આટલું બેખોફ થઈને મહારાજા સિંહ સામે બોલી શકે એ વાત દરબારીઓ માટેય નવી હતી.
રાજા સિંહે ગુસ્સાથી લાલ-પીળા થઈને ઊંચા અવાજમાં કહ્યું: 'મૂર્ખ! તારા જેવા મગરમચ્છોને તો હું બાળપણમાં હરાવી દેતો હતો.'
'સોરી મહારાજ! પણ હું ત્યારેય હાર્યો ન હતો ને હજુય હારતો નથી!'
રાજા સિંહે ધારીને જોયું તો મગર મુખિયો ઓળખાયો. આ એ જ હતો જેની સામે બાળપણમાં રાજા હાર્યા હતા, પણ સિંહે સૌને એવું કહ્યું હતું કે હું જીતી ગયો છું.
રાજા સિંહના મોં પરથી રંગ ઉડી ગયો. જૂની દોસ્તીની દુહાઈ આપીને સિંહ મગર મુખિયાને ભેટી પડયા. રાજા સિંહ પાસે બીજો કોઈ ઓપ્શન પણ ન હતો!