એલિફન્ટ આલ્કોહોલિકના 'ડ્રિન્ક-એન્ડ-ડ્રાઈવ'થી જંગલમાં હાહાકાર
- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- જંગલના ટ્રાફિક અધિકારીઓ ભારે કડકાઈથી કામ લેતા હતા, પરંતુ એલિફન્ટ આલ્કોહોલિક પાસે એમની કડકાઈ ચાલતી ન હતી. એ ભલભલાને ધક્કે ચડાવ્યા પછીય જામીન પર છૂટી જતો હતો
જંગલમાં આલ્કોહોલિક ક્લબ દિવસે દિવસે મોટી થતી જતી હતી. એક તરફ ઉંદર આલ્કોહોલિક તો શરાબના મોટા મોટા કેન ઢીંચી જતો હતો. પપીતા પિયક્કડનો તો શરાબનો મોટો ધંધો હતો. એ હવાઈ માર્ગે બધું સેટ કરીને જંગલમાં ક્યાંકથી શરાબ પહોંચાડી દેતો હતો. ડોન્કી દારૂડિયો દારુથી એટલો ગંધાતો કે એની નજીક કોઈ જતું નહીં. શકરો શરાબી સોફિસ્ટિકેટેડ ડ્રિન્ક કરતો એટલે બહુ બદનામ થયો ન હતો.
આ બધામાં એલિફન્ટ આલ્કોહોલિકની તો વાત જ જુદી હતી. એને પીધા પછી જ બહાર નીકળવાની ચાનક ચડતી. તેની પાસે મોટી કાર હતી, જંગલમાં સૌ એ કારને 'મોટા હાથી' કહેતા, કારણ કે એલિફન્ટ આલ્કોહોલિકનો આખો પરિવાર એમાં સવાર થઈને બહાર નીકળતો ત્યારેય એ કાર ઝીંક ઝીલી લેતી. એલિફન્ટ આલ્કોહોલિક દરરોજ રાતે સૂંઢમાં ભરી ભરીને ભરચક શરાબ પીએ ને પછી ડ્રાઈવ કરવા નીકળી પડે.
એને રસ્તામાં સામેથી આવતા વાહનો ક્યારેય બબ્બે દેખાય, ક્યારેક દેખાય જ નહીં. ક્યારેક રસ્તો બહુ પહોળો દેખાય, ક્યારેક રસ્તો સાંકળો થતો લાગે. આવી ચિત્તભ્રમની દશામાં દરરોજ ડ્રાઈવ કરવા નીકળતા એલિફન્ટને કોઈ જ ટ્રાફિક અધિકારીઓ રોકતા નહીં.
આમેય જંગલમાં ટ્રાફિક અધિકારીઓની પદ્ધતિ અકળ હતી. બબ્બન બિલાડો અને મગર માથાભારે ટ્રાફિકની વ્યવસ્થા સંભાળતા. આ બંને પાસે વળી જંગલની સુરક્ષા અને વહીવટી જવાબદારી પણ હતી એટલે કોન્ટ્રાક્ટ પર સહાયકોની ભરતી કરીને કામ ચલાવતા. એમાંનો સૌથી કાબેલ સહાયક હતો ચતુરકુમાર શિયાળ. ૧૧ માસના કરારથી કામ કરતા ચતુરકુમારને લાગતું કે બધું મારાથી જ થાય છે. દિવસે એ હાહાકાર મચાવી દેતો. જંગલવાસીઓ પાસેથી લાઈસન્સ, પીયુસી, વીમા પોલિસી તપાસતો. હેલમેટ ન પહેર્યું હોય તો તુરંત દંડ વસૂલતો. એક ડોક્યુમેન્ટ હાજર ન હોય તો દંડ ભરવા માટે છેક જંગલની દૂરની સરકારી કચેરીએ ચાલતા મોકલતો.
આ જ ચતુરકુમાર શિયાળ અમુક ભાંગફોડિયાઓને દિવસે તો શું, મધરાતેય જવા દેતો. વાંદરા સમાજના યુવાનેતા બબલુ બંદરનો મધરાતે જંગલમાં ત્રાસ હતો. એ એના દોસ્તો સાથે કાર અને બાઈકની રેસ લગાવતો, પણ ટ્રાફિક અધિકારીઓમાં કાર્યવાહીની હિંમત ન હતી, કારણ કે બબલુ બંદરની પહોંચ છેક ઉપર સુધી હતી અને તે વળી મહારાજા સિંહના યુવા કાર્યકરોમાં સ્થાન પામતો હતો.
અદ્લ એવું જ એલિફન્ટ આલ્કોહોલિક માટે હતું. એ શરાબ ઢીંચીને મધરાતે રમરમાટ નીકળતો. જંગલના કાચા-પાકા બધા રસ્તા પર બેફામ કાર ચલાવતો. એની નજીકથી પસાર થતાં વાહન ચાલકો ક્યારેક ડરીને બાજુમાં ખસી જતા. ક્યારેય નાનો-મોટો ધક્કો લાગી ગયો હોય તો પણ સમસમીને ઉભા રહી જતા. કોઈ હિંમત કરીને ચતુરકુમાર શિયાળ પાસે જાય તો ચતુર સીધો એની જ જડતી લઈ લેતો : 'ક્યાં ગયો હતો? અત્યારે છેક ક્યાંથી આવે છે? કામ વગર બહાર કેમ નીકળ્યો હતો? લાઈસન્સ સાથે રાખ્યું છે? પીયુસી કેમ રાખતો નથી?'
આવા અંધાધૂંધ સવાલોનો સામનો કર્યા પછીય એકાદ ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડ તો ભરવો જ પડતો એટલે ધીમે ધીમે જંગલવાસીઓએ ફરિયાદ કરવાનું જ બંધ કરી દીધું. એમાં એલિફન્ટ આલ્કોહોલિકને ફાવતું મળી ગયું. પહેલાં તો એ સપ્તાહમાં બે-ચાર વખત નીકળતો. પછી દરરોજ ડ્રિન્ક્સ બાદ ડ્રાઈવ માટે નીકળી પડતો. એનું જોઈને બીજા શોખીનોમાં હિંમત આવી. જંગલમાં ડ્રિન્ક્સ-એન્ડ-ડ્રાઈવનો જોખમી ટ્રેન્ડ બની ગયો.
ટ્રાફિકના અધિકારીઓ દિવસે સામાન્ય જંગલવાસીઓને નિયમોનો હવાલો આપીને ત્રાસ આપતા. રાતે ડ્રિન્ક્સ-એન્ડ-ડ્રાઈવનો તમાશો જોતા. એમને પણ આ રમતમાં જાણે રસ પડવા માંડયો હતો કે હવે એલિફન્ટ આલ્કોહોલિક અને તેના જેવા બીજા શરાબીઓ કોને ધક્કે ચડાવશે? અનેક જંગલવાસીઓ હિટ-એન્ડ-રનનો શિકાર બન્યા. સસલાઓનું ટોળું કામથી બહાર ગયું હતું તો એલિફન્ટ આલ્કોહોલિકે બધા પર કાર ફેરવી દીધી. સોશિયલ મિડીયામાં વીડિયો વાયરલ થયો. એલિફન્ટ આલ્કોહોલિક સામે કાર્યવાહીની માગણી ઉઠી. ચતુરકુમાર શિયાળને તપાસ પછી અહેવાલ આપ્યો કે એલિફન્ટ આલ્કોહોલિક ઓવરસ્પીડિંગ કરતો હતો, પરંતુ શરાબ પીધો હોય એવા પુરાવા મળ્યા નહીં. એલિફન્ટ સામે ઓવરસ્પીડનો કેસ થયો પણ થોડા દિવસ પછી વાત ભૂલાઈ ગઈ.
આવા ઘણા કિસ્સા બન્યા છતાં એલિફન્ટ આલ્કોહોલિક સહિતના શરાબીઓમાં દારુ પીને ડ્રાઈવનો ક્રેઝ ઘટયો નહીં. એક વખત બિલાડાના ટોળા પર એલિફન્ટની કાર ફરી વળી. એ પછી ટ્રાફિક અધિકારી બબ્બન બિલાડો સફાળો જાગ્યો. તેણે હુકમ કર્યો : 'મારા સમાજ પર કાર ફેરવનારા એલિફન્ટની ધરપકડ કરો!'
ધરપકડ થઈ. પૂછપરછ થઈ. બીજા દિવસે તો એલિફન્ટ આલ્કોહોલિક જામીન મેળવીને મુક્ત થઈ ગયો. દિવસો પછી કોઈએ જાણકારી મેળવી કે એલિફન્ટના પિતા કોઈ મોટા મંદિરમાં મુખ્ય હાથી હોવાથી તેમની ઉપર સુધી પહોંચ છે.
સોશિયલ મીડિયામાં જંગલવાસીઓએ ડ્રિન્ક્સ-એન્ડ-ડ્રાઈવ મુદ્દે કાર્યવાહીની માગણી કરી એટલે ટ્રાફિક વિભાગે કાર્યવાહી કરવા વિચાર્યું. બહુ વિચારણાને અંતે ટ્રાફિક અધિકારીઓએ જંગલમાં ઠેર-ઠેર બોર્ડ માયાંર્ : 'દારુ પીને વાહન ચલાવતી વખતે કાળજી રાખો!'