Get The App

જંગલમાં નવરાત્રિ : ડોન્કીકુમાર ડિસ્કોના રીમિક્સ ગરબાની ધૂમ

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
જંગલમાં નવરાત્રિ : ડોન્કીકુમાર ડિસ્કોના રીમિક્સ ગરબાની ધૂમ 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- બેહદ બેસૂરા સિંગર ગધાજી ગાયનપ્રેમીએ પોસ્ટ લખી : 'ખૈલેયાઓ મારા સૂરના તાલે ઝૂમવા તૈયાર થઈ જાઓ! નવે નવ દિવસ મારા કર્ણપ્રિય અવાજમાં તમને ગરબા સંભળાવીશ...'

જંગલના બેહદ બેસૂરા ગરબા સિંગર ગધાજી ગાયનપ્રેમીએ સોશિયલ મીડિયામાં નવરાત્રિનો આખો પ્રોગ્રામ શેર કર્યો ઃ 'ખૈલેયાઓ મારા સૂરના તાલે ઝૂમવા તૈયાર થઈ જાઓ! આજથી નવે નવ દિવસ હું જુદા જુદા સ્થળોએ તમને મારા કર્ણપ્રિય અવાજમાં ગરબા સંભળાવીશ. ગરબાને તેના મૂળ સ્વરૂપે માણો... આજે જ મારા નામનો કોડ નાખીને માતબર ડિસ્કાઉન્ટ મેળવો...'

જંગલમાં નવરાત્રિનો એટલો ક્રેઝ હતો કે સૂરીલા, પા-સૂરીલા, અર્ધ-સૂરીલા, સેમી-બેસૂરા, બેસૂરા, નિહાયત બેસૂરા એમ તમામ પ્રકારના ગરબા ગાયકોની ડિમાન્ડ રહેતી. તેમના સૂર-તાલ, નામ, પોપ્યુલારિટી પ્રમાણે વળતર મળતું. ગધાજી ગાયનપ્રેમી જૂની પેઢીના ગાયક હતા ને પરંપરાગત ગરબા જ ગાતા. ગધાજી પોતે એમ માનતા કે તેઓ જંગલના શ્રેષ્ઠ ગાયક છે, પણ હકીકતે તેઓ જંગલના શ્રેષ્ઠ બેસૂરા ગાયક હતા. તાલીમ પામેલા ગાયકોનો પણ ક્યારેક એકાદ સૂર હલી જતો હોય છે, પરંતુ ગધાજીના ગાયનમાં એકાદ સૂરનો જ માંડ મેળ બેસતો હતો. પણ ગધેડા સમાજમાં તેઓ ઘણાં લોકપ્રિય હતા. તે એટલે સુધી કે એક જમાનામાં કોઈક રીતે તેમણે જંગલની સરકારના રેડિયોની ગાયનની પરીક્ષા પાસ કરી લીધેલી અને એમાં પણ તેમનો અવાજ સાંભળવા મળતો.

દર વર્ષે નવરાત્રિમાં ગધાજી ગાયનપ્રેમી સોશિયલ મીડિયામાં નવરાત્રિના પ્રોગ્રામની જે પોસ્ટ મૂકે એની સેંકડો જંગલવાસીઓ રાહ જોતા. એટલા માટે નહીં કે તેઓ જ્યાં ગરબા ગાવા જાય છે ત્યાં જવું હોય, પરંતુ એટલા માટે કે જે દિવસે જે પાર્ટી પ્લોટમાં ગધાજી ગાયન કરવાના હોય ત્યાં ન જવાની ખબર પડે. બધા જંગલવાસીઓના કાનોમાં એટલી શક્તિ ન હતી કે એ ગધાજીને સહન કરી શકે. અમુક જંગલવાસીઓ તો ગધાજીને બેસૂરા માનવા તૈયાર ન હતા. એમના મતે ગધાજીને નિહાયત બેસૂરાની કેટેગરીમાં મૂકવા જોઈએ.

આ બધું એનાલિસિસ તો જે જંગલવાસીઓને સંગીત-ગાયનમાં ખબર પડતી હોય એ કરતા. બધા જંગલવાસીઓને એવી બધી પિંજણમાં રસ ન હતો. એમને તો પોપ્યુલર ટ્રેન્ડમાં રસ હતો. ને કદાચ એટલે જ ગધેડા સમાજનો યુવા સિંગર ડોન્કીકુમાર ડિસ્કો જંગલની નવી પેઢીમાં બેહદ પોપ્યુલર હતો. પ્રતિષ્ઠિત ફિલ્મી એવોર્ડ સમારોહ ઓસ્કરમાં પર્ફોર્મ કરી આવ્યા પછી ડોન્કીકુમાર સેલિબ્રિટી સિંગર બની ગયો હતો. સૂર તો એનાય હલી જતા હતા, પરંતુ આધુનિક મ્યૂઝિક ઈન્સ્ટ્રુમેન્ટની મદદથી એ હલી ગયેલા સૂરમાં સંગીત ભરી દેવામાં આવતું એટલે એનું બેસૂરાપણું સહન થઈ શકતું. ડોન્કીકુમાર ડિસ્કોની સ્માર્ટનેસ એ હતી કે તેમણે રીમિક્સ પર ફોકસ કર્યું હતું. રીમિક્સમાં મજા એ હતી કે એમાં શબ્દો અને અવાજ કરતાં મ્યૂઝિક ઈન્સ્ટ્રુમેન્ટની ધમાલ વધારે મહત્ત્વની હતી. જેટલી ધમાલ વધારે એટલો ઉત્સાહ પણ વધારે.

ને નવરાત્રિમાં એવા રીમિક્સની ધૂમ મચી જતી. રીમિક્સ ગરબામાં અવાજ કે સંગીતનું એટલું મહત્ત્વ ન હતું, જોશથી ગરબે રમવાનો એકમાત્ર મોટિવ હોય એટલે બીજી બધી બાબતો ગૌણ બની જતી. ડોન્કીકુમાર ડિસ્કો જંગલની યંગ જનરેશનને શું જોઈએ છે એ બરાબર જાણતો હતો. તેણે ગધાજી ગાયનપ્રેમી જે જૂના ગરબા ગાતા હતા એમાંથી જ થોડા ગરબા પસંદ કર્યા. એ ગરબાની ધૂનમાં થોડો ફેરફાર કર્યો અને રિધમ વધારી દીધી. વચ્ચે વચ્ચે એકાદ નવી લાઈન, નવા સમય પ્રમાણે ઉમેરી દીધી ને વળી રીલ્સમાં સેટ થાય એવા ટૂકડા ગોઠવી દીધા. બસ, જંગલના ગરબા પ્રેમીઓને આ જ તો જોઈતું હતું.

ડોન્કીકુમાર ડિસ્કો નવરાત્રિના થોડા દિવસ પહેલાં ગરબા રીલિઝ કરતો. નવરાત્રિ શરૂ થાય ત્યાં સુધીમાં એ ગરબા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા. પરિણામે એ ફરીથી ચર્ચામાં આવી જતો. પપ્પુ પોપટ જેવા પાર્ટી પ્લોટના ઓર્ગેનાઈઝર્સ ડોન્કીકુમારની પોપ્યુલારિટી જોઈને એને મોં માગ્યા દામ પણ આપતા.

આ નવરાત્રિમાં તો ડોન્કીકુમાર ડિસ્કોએ ગુલગુલ ગધેડી સાથે મળીને ગરબા તૈયાર કર્યા હતા. એમાં બંને ગરબા સ્ટેપ્સ પણ લેતા હતા. ક્યૂટ ગુલગુલ ગધેડી ઉભરતી સિંગર-ડાન્સર હતી. તેણે જૂના ગરબાના રીમિક્સમાં જે લચકથી ડાન્સ સ્ટેપ્સ કર્યા, જે હરકતો કરી એનાથી ગધેડાસમાજના કેટલાય ગધેડાઓના સપનામાં એ આવતી હતી. એટલું જ નહીં, આખાય જંગલમાં એનો કાન ફાડી નાખે એવો તીણો અવાજ ભારે વાયરલ થયો હતો. ડોન્કીકુમાર ને ગુલગુલની જોડીએ નવરાત્રિના ઍલ્બમમાં જે ડિઝાઈનર કપડાં પહેર્યા હતા એવા કપડાંની ડિમાન્ડ એટલી વધી ગઈ કે દરજીડાભાઈ ડિઝાઈનર ઉર્ફે ટેલર બર્ડનું બધું જ કલેક્શન વેચાઈ ગયું. એ વેચાણમાંથી ડોન્કીકુમારને ૨૦ ટકાનો બેઠો હિસ્સો મળ્યો.

આ બધું ગધાજી ગાયનપ્રેમીના કાને પડયું. એણે વિચાર્યું, 'આમાં શી મોટી વાત છે? રીમિક્સ તો રમતા રમતા થાય.'

બે દિવસ પછી ગધાજીનો રીમિક્સ ગરબા ઍલ્બમ આવી ગયો. એક તો ગધાજી નિહાયત-અઠંગ બેસૂરા અને એમાં રીમિક્સ.. બાકી શું રહે?

એ ગરબા સાંભળ્યા પછી ઘણાં જંગલવાસીઓએ કાનના પડદા ફાટી ગયાની ફરિયાદ શરૂ કરી છે...


Google NewsGoogle News