ભાષણોમાં ટ્વિસ્ટ આપવાની કળા રાજા સિંહ પાસેથી શીખ્યો : કાચબાભાઈ
- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર
- જંગલમાં કોઈને કોઈ સ્થળે ચૂંટણી ચાલતી રહેતી હતી. તેના ભાગરૂપે દરિયામાં ચૂંટણીની તૈયારી શરૂ થઈ હતી. દરિયાની સત્તા કાચબાભાઈ કકળાટિયા પાસે હતી. તેમણે ફરીથી સત્તા મેળવવા પૂરજોશ મહેનત આદરી હતી...
જંગલના રાજકારણમાં રાજા સિંહનો દબદબો હોવા છતાં સસલાભાઈએ થોડા ઘણા સમર્થકો જાળવી રાખ્યા હતા. જંગલમાં મુખ્ય સ્પર્ધા રાજા સિંહ અને વિપક્ષના નેતા સસલાભાઈ વચ્ચે રહેતી હતી. આ બંને સિવાયના એક નેતાએ રાજકારણમાં પોતાની ખાસ વોટબેંક બનાવી હતી અને સિંહ-સસલાની લડાઈ વચ્ચે દરિયાનો ગઢ જાળવી રાખ્યો હતો. એ નેતાનું નામ હતું - કાચબાભાઈ કકળાટિયા.
કાચબાભાઈ કકળાટિયા નામ પ્રમાણે બધી બાબતોમાં કકળાટ, ધરણાં, આંદોલનો કરતા હતા. જવાબદારીમાં ગળું મફલર ફરતે બાંધી લેતા હતા, પણ રાજકારણમાં બહુ સ્માર્ટ હતા. એ રાજા સિંહ ને વિપક્ષના નેતા સસલાભાઈ એમ બંનેનો વિરોધ કરતા. એમાંથી જ તેમનું રાજકારણ ચમકી ગયું હતું. તેમણે દરિયામાં પહેલી વખત ચૂંટણી આ મુદ્દે જીતી હતી: 'મહારાજા સિંહે દરિયાના વિકાસમાં ધ્યાન આપ્યું નથી ને સસલાભાઈના નેતાઓ પાસે દરિયાની સત્તા હતી ત્યારે પણ સ્થિતિ સુધરી નથી. હું આ દરિયામાં પરિવર્તન લાવી દઈશ.'
તેમના વાયદાઓ પર ભરોસો કરીને દરિયાના મતદારોએ તેમને ચૂંટી કાઢ્યા હતા. દરિયાના મુખ્યમંત્રી બન્યા પછી કાચબાભાઈએ એક યોજના શરૂ કરી દરિયાઈ જીવસૃષ્ટિના સ્વાસ્થ્યને લગતી. એમાં દરિયાના જીવોને મફતમાં સારવાર મળવા લાગી. એ જ રીતે બચ્ચાંઓને શિકાર કેમ કરવો એની તાલીમ ફ્રીમાં મળવા માંડી. શિકારથી કેમ બચવું એના તાલીમ વર્ગો પણ કાચબાભાઈએ નિ:શુલ્ક શરૂ કરાવ્યા.
જે કામ કાચબાભાઈ કરી શકે નહીં એના માટે રાજા સિંહને જવાબદારી ઠેરવીને કહેતા : મારે તો દરિયાનો સંપૂર્ણ વિકાસ કરી નાખવો છે, પરંતુ મહારાજા સિંહની સરકાર મને અમુક કામો કરતા અટકાવે છે, કારણ કે દરિયાનો અંકુશ જંગલની સરકાર પાસે પણ રહે છે. દરિયાને સ્પેશિયલ સ્ટેટસ આપવું જોઈએ.
આવી પરિસ્થિતિમાં દરિયામાં વધુ એક ચૂંટણી નજીક આવી ગઈ. કાચબાભાઈએ ફરી દરિયાની સત્તા મેળવવા પૂરજોશમાં તૈયારી આદરી. કાચબાભાઈ દરરોજ નવી નવી યોજનાઓ, નવા નવા વાયદાઓ વેરતા હતા. તો સામે રાજા સિંહે હોલા હઠીલાને કાચબાભાઈ કકળાટિયા સામે મોરચો માંડવાનું કામ સોંપ્યું. હોલો હઠીલો યુવા નેતા હતો અને અગાઉ મહારાજા સિંહના ઓનલાઈન પ્રચારની જવાબદારી સારી રીતે નિભાવી ચૂક્યો હતો. હોલો હઠીલો મહારાજા સિંહના રાજકીય વિચારમાં એક્સપર્ટ ગણાતો હતો. સૌથી મોટી વાત તો એ હતી કે હોલો પોતાને વિદ્વાન ગણાવતો હતો.
દરિયાની ચૂંટણી પહેલાં કાચબાભાઈ કકળાટિયા અને હોલા હઠીલા વચ્ચે મોરચો મંડાયો હતો, બરાબર ત્યારે જ જંગલમાં નવું વર્ષ ઉજવાયું. એ ઉજવણી ચાલતી હતી ત્યારે હોલા હઠીલાએ કાચબાભાઈના નામે એક વિદ્વતાપૂર્ણ પત્ર લખ્યો.
શ્રી કાચબાભાઈ કકળાટિયાજી,
આપનું નવું વર્ષ શુભ રહે. નવા વર્ષ દરમિયાન આપનું સ્વાસ્થ્ય ખૂબ સારું. આપણે સૌ નવા વર્ષે સંકલ્પો લેતા હોઈએ છીએ. હું પણ આપને આ વર્ષે ખાસ સંકલ્પો લેવા માટે ભલામણ કરી રહ્યો છું. મને આશા છે કે આપ આ સંકલ્પો લેશો અને દરિયાની જીવસૃષ્ટિ સહિત આખા જંગલમાં ઉદાહરણ પૂરું પાડશો.
નીચેના સંકલ્પો આપ લેશો એવી મારી ભલામણ છે:
- આપ રાજકીય જૂઠાણા ચલાવવાની બૂરી આદત છોડી દો.
- વારંવાર ખોટી કસમો ખાવ છો એ ટેવ છોડી દો.
- ભાષણોમાં ડ્રામા અને ઈમોશનલ અત્યાચાર બંધ કરો.
- દરિયાઈ જીવસૃષ્ટિને ગેરમાર્ગે દોરતા નિવેદનો આપવાનું બંધ કરી દો.
- ભાષણોમાં ટ્વિસ્ટ આપવાની કળા કરો છો એ બંધ કરી દો.
લિ. હોલાજી હઠીલા.
કાચબાભાઈને પત્ર મળ્યો, તેમણે બે-ચાર વખત આખો પત્ર વાંચ્યો. પછી કોરો કાગળ અને પેન લઈને નવો પત્ર લખવા બેસી ગયા.
શ્રી મહારાજા સિંહજી,
નવા વર્ષે આપનું આરોગ્ય સારું એવી શુભકામના.
યુવા નેતા હોલા હઠીલાનો પત્ર મળ્યો તેનો મને આનંદ છે. તેમણે મને જૂઠ્ઠું ન બોલવાની સલાહ આપી છે. વળી, ભાષણો ટ્વિસ્ટ ન કરવાની ભલામણ પણ કરી છે. જાહેરમાં ડ્રામા ન કરવા અને ઈમોશનલ ન થવાનો અભિપ્રાય આપ્યો છે. આ તકે મારે સૌ જંગલવાસીઓને, દરિયાઈ જીવસૃષ્ટિને એક ખાસ વાત કહેવી છે. જો હું અત્યારે તમારું ઋણ નહીં સ્વીકારું તો હોલાજી જેવા ઘણા ઊભરતા નેતાઓ આ રહસ્ય જાણી શકશે નહીં.
આપ સદા મારા માટે પ્રેરણામૂર્તિ રહ્યા છે. આપને જોઈને હું ભાષણો ટ્વિસ્ટ કરવાની કળા શીખ્યો છું. આપને ડ્રામા કરતા જોઈને હું ડ્રામા કરતા શીખ્યો, આપને લાગણીસભર થતાં જોઈને હું ઈમોશનલ થતાં શીખ્યો, આપને કસમો ખાતા જોઈને હું કસમો ખાતા શીખ્યો. હું આ સઘળી કળા એક ઝાટકે બંધ કરી દઈશ તો એ આપનું અપમાન ગણાશે. હોલાજી કહે છે એ પ્રમાણે આપ નવા વર્ષનો સંકલ્પ લો ત્યારે મને પણ જાણ કરશો. હું તમારા પગલે ચાલીને તુરંત સંકલ્પ લઈશ.
લિ. આપનાથી પ્રેરિત
કાચબો કકળાટિયો.
પત્ર વાંચ્યા પછી રાજા સિંહે હોલાને એક લાઈનમાં ખુલાસો પૂછ્યો : તેં કાચબા કકળાટિયાને પત્ર કોને પૂછીને લખ્યો?
વિદ્વાન હોલાજી હજુ જવાબ શોધવામાં વ્યસ્ત છે...