હલવો ખવડાવવામાં રાજા સિંહ પર ભેદભાવનો સસલાભાઈનો આરોપ

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
હલવો ખવડાવવામાં રાજા સિંહ પર ભેદભાવનો સસલાભાઈનો આરોપ 1 - image


- આપનાં તો અઢાર વાંકાં-અષ્ટાવક્ર

- સરકારી ખર્ચે મહારાજા સિંહના મહેલમાં ગરમાગરમ હલવો બન્યો ને દરબારીઓએ ભરપેટ ખાધો, પરંતુ હલવાનો એક કોળિયો પણ ચાખવા ન મળ્યો એટલે સસલાભાઈ વિફર્યા...

'સસલાભાઈને વંદન! એક મહત્ત્વની વાત જાણવા મળી છે...' લંગૂરભાઈ લપલપ દોડતા આવીને કહેવા માંડયા, 'મહારાજા સિંહના મહેલમાં તમારો ફેવરિટ ગાજરનો હલવો બન્યો હતો, પણ તેમના દરબારીઓ અને ખાસમખાસ અધિકારીઓ સિવાય કોઈને ચાખવા મળ્યો નથી.'

લંગૂરભાઈ લપલપ સસલાભાઈની પાર્ટીના સિનિયર અને કહ્યાગરા નેતા હતા. સિનિયર હતા એ ખાસ અગત્યનું ન હતું, કહ્યાગરા હતા એ મહત્ત્વનું હતું. રાજા સિંહની તમામ એક્ટિવિટી પર નજર રાખવાનું કામ સસલાભાઈએ લંગૂરભાઈ લપલપને સોંપ્યું હતું. લંગૂરભાઈએ જંગલમાં બધે માહિતીતંત્ર ગોઠવ્યું હતું. મહારાજા સિંહની નજીકમાં તૈનાત  કૂતરા- ટીમે હલવો સૂંઘી લીધો હતો અને એની જાણકારી લંગૂરભાઈને આપી હતી.

'હલવો બન્યો એ મહત્ત્વનું નથી.. હલવાનો ખર્ચ કોણે ઉઠાવ્યો એ મહત્ત્વ છે.' સસલાભાઈએ ઉમેર્યું, 'એની કંઈ માહિતી છે?'

'જી! હરણલાલ હલવાઈને ખાસ હલવો બનાવવા બોલાવાયા હતા. સરકારી ખર્ચે હલવો બન્યો હતો. હરણલાલજ  હલવાના સામાનમાં સરકારી ખર્ચનું બિલ પણ જોયું હતું.'

'શાબ્બાશ!' સસલાભાઈએ લંગૂર લપલપની પીઠ થપથપાવીને શાબાશી આપી. ઊંડા વિચારમાં આંખો સ્થિર કરીને સસલાભાઈ બોલ્યા : 'આને ભેદભાવ કહેવાય. સરકારી ખર્ચે હલવો બને એના પર સૌ જંગલવાસીઓનો સરખો અધિકાર છે. મને રાજા સિંહે એક કટોરી ભરીને હલવો ચાખવા મોકલ્યો હોત તો વાંધો ન હતો, હવે હું આનો મુદ્દો ઉઠાવીશ.'

સસલાભાઈએ તાકીદે સૌ સિનિયર નેતાઓની બેઠક બોલાવી.  ઊંટભાઈ ઉટપટાંગે આઈડિયા આપ્યો : 'મને લાગે છે કે આપ એક આંદોલન શરૂ કરો!'

'વાત સાચી છે, જંગલ જોડો જેવું કંઈક કરો!' બતકભાઈ બટકબોલા પણ એમાં સહમત થયા 

'હલવા મુદ્દે હલ્લાબોલ!' લંગૂરભાઈ લપલપે સૂત્ર આપ્યું.

લાંબી ચર્ચા-વિચારણાના અંતે સસલાભાઈએ હલવાને જંગલનો રાજકીય મુદ્દો બનાવવાનું નક્કી કર્યું. બીજા દિવસે સસલાભાઈએ પૂરી તૈયારી કરીને ભાષણ આપ્યું : 'જંગલવાસીઓ! મહારાજા સિંહ તેમના ખાસમખાસ જંગલીઓને હલવો ખવડાવી રહ્યા છે. રીંછભાઈ, હરણભાઈ, હાથીભાઈ હરખપદૂડા વગેરે દરબારીઓ મહારાજા સિંહના મહેલમાં જઈને સરકારી ખર્ચે બનેલો ગરમાગરમ હલવો ભરપેટ આરોગે છે. એ તો ઠીક, સરકારી અધિકારીઓ મગર માથાભારે અને બબ્બન બિલાડો પણ હલવો ખાવા સિંહના મહેલે પહોંચી ગયેલા. હું તમને સવાલ પૂછું છું, શું આ યોગ્ય છે?'

સભામાંથી સૌનો અવાજ આવ્યો: 'બિલકુલ યોગ્ય નથી.'

સસલાભાઈએ ભાષણ આગળ ચલાવ્યું : 'મહારાજા સિંહે મોંઘા મોંઘા ડ્રાય ફ્રૂટ્સ નાખીને દેશી ઘીમાં હલવો બનાવવા માટે હરણલાલ હલવાઈને બોલાવ્યા હતા. દોસ્તો! તેમને માત્ર એક કોળિયો હલવો ચાખવાની પરમિશન મળી હતી. હરણલાલને તેમના ઘરે પત્ની-બચ્ચાંઓ માટે હલવો લઈ જવાની છૂટ આપવામાં આવી ન હતી. બોલો, આ અન્યાય છે કે નહીં?'

સભામાં સોંપો પડી ગયો. જંગલની સરકાર અને મહારાજા સિંહ કેવડું મોટું કૌભાંડ કરે છે એ સૌના ધ્યાનમાં આવ્યું. થોડો ગણગણાટ થયો: 'આપણા પૈસામાંથી હલવાની મહેફિલો જામે છે ને આપણને તો ચાખવા જ નથી મળતો...'

કોલાહલ શાંત થયો કે સસલાભાઈએ ભાષણ આગળ વધાર્યું : 'મહારાજા સિંહનો હલવો જંગલના માત્ર ૨-૩ ટકા જંગલવાસીઓ જ ખાઈ રહ્યા છે. ગરીબ બળદો, બિચારી ગાય-બકરીઓ, મુખ્યપ્રવાહથી દૂર સરીસૃપોની સદંતર અવગણના થઈ રહી છે.'

'ભેદભાવ બંધ કરો... બંધ કરો!' સભામાં નારો લાગ્યો. સસલભાઈએ ભાષણ આગળ વધીને ધડાકો કર્યો, 'મહારાજા સિંહના મહેલમાં હલવો ખાવામાં ઉદ્યોગપતિઓ - ગુલામદાસ ગધેડો અને પપ્પુ પોપટ પણ હતા. ગુલામદાસ ગધેડાને મહારાજા સિંહે આગ્રહ કરી કરીને પાંચ વાટકા ભરીને હલવો ખવડાવ્યો. પપ્પુ પોપટ પણ ત્રણ કટોરી હલવો ઝાપટી ગયો. એ કોના ખર્ચે બન્યો હતો?' સસલાભાઈએ સવાલ કર્યો. સભામાંથી બૂલંદ અવાજો આવ્યા: 'આપણા ખર્ચે... આપણા ખર્ચે...'

'દોસ્તો! આ જુઓ! મને મહારાજા સિંહના મહેલનો હલવા સેરેમનીનો એક ફોટો મળ્યો છે. ધ્યાનથી જુઓ!' સસલાભાઈએ સૌને એક ફોટો બતાવ્યો અને ઉમેર્યું, 'આ ફોટામાં તમને ગધેડા, ઘેટા, રીંછ, મગર, પોપટ, હાથી, બિલાડા, સિંહો, વાઘો દેખાશે. પણ શું તમે ક્યાંય બળદો, બકરાં-કૂતરાં, માછલાં, સસલા દેખાયા?'

સસલાભાઈએ બતાવેલો ફોટો સૌ ધ્યાનથી જોતા હતા. સસલભાઈએ આક્રમક અંદાજમાં ઉમેર્યું, 'સામાન્ય જંગલવાસીઓને હલવો આપવામાં રાજા સિંહ ભેદભાવ કરે છે અને હું આ ભેદભાવનો વિરોધ કરું છું!'

'હલવાનો ભેદભાવ બંધ કરો... બંધ કરો બંધ કરો...' સસલાભાઈના સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યો.

મોકો જોઈને સસલાભાઈએ પણ ગોખી રાખેલો નારો આપીને વાત પૂરી કરી : 'એકલા એકલા હલવો ખાય... તેને પૂંછડે ગૂમડા થાય!'

સસલાભાઈના સમર્થકોએ નારો ઉપાડી લીધો:

'એકલા એકલા હલવો ખાય...'

'તેને પૂંછડે ગૂમડા થાય!'


Google NewsGoogle News