Get The App

આણંદમાં ભોજન સમારંભમાં વધેલું ભોજન ગરીબોને ખવડાવાય છે

- દરરોજ 200થી 300 ભૂખ્યા ગરીબોને ભોજન પીરસવાનો સેવાયજ્ઞા

Updated: Feb 8th, 2019

GS TEAM


Google News
Google News
આણંદમાં ભોજન સમારંભમાં વધેલું  ભોજન ગરીબોને ખવડાવાય છે 1 - image


આણંદ.તા, 7 ફેબ્રુઆરી 2019, ગુરુવાર

આણંદ શહેર સહિત જિલ્લાભરમાં લગ્ન તેમજ અન્ય શુભપ્રસંગોની મોસમ પૂરબહારમાં ખીલી છે ત્યારે લગ્ન સમારંભમાં યોજાતા ભોજન સમારંભ દરમ્યાન મોટાભાગે જમવાની ચીજવસ્તુઓ સહિતની સામગ્રી મોટાપ્રમાણમાં વધતી હોય છે. જેને ધ્યાને લઈ આણંદ શહેરમાં લાગણી ગુ્રપ દ્વારા આવા ભોજન સમારંભો દરમ્યાન વધતી ભોજનની ચીજવસ્તુઓ જે-તે સ્થળેથી મેળવી આણંદ શહેરના રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના વિવિધ વિસ્તારમાં રહેતા ગરીબ તેમજ ભિક્ષુક લોકોને ખવડાવી સમાજ સેવાનું એક અનોખુ ઉદાહરણ પુરુ પાડવામાં આવી રહ્યું છે.

હાલ આણંદ શહેર સહિત જિલ્લાભરમાં લગ્ન તેમજ અન્ય શુભપ્રસંગોની મોસમ પુરબહારમાં ખીલી છે. આવા શુભપ્રસંગો દરમ્યાન યજમાન દ્વારા આમંત્રિત મહેમાનો માટે વિવિધ જાતના પકવાન સાથે ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. જો કે આવા શુભ પ્રસંગો દરમ્યાન મહેમાનોની નિર્ધારીત સંખ્યા કરતા વધુ પ્રમાણમાં ભોજન તૈયાર કરવામાં આવતું હોય છે. જેથી શુભ પ્રસંગ બાદ કેટલીક વખત ભોજનની સામગ્રી વધી પડતી હોય છે ત્યારે આવુ ભોજન વ્યર્થ ન જાય અને ગરીબોના પેટ સુધી પહોંચે તે માટે આણંદ શહેરમાં આવેલ લાગણી ગુ્રપ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. 


આ ગ્રુપ દ્વારા આણંદ શહરે તથા આસપાસના ગામોમાં ઉજવવામાં આવતા પ્રસંગ દરમ્યાન બનાવવામાં આવેલ જમવાનું વધ્યું હોય તો તે ફેંકી દેવાને બદલે તેઓને સંપર્ક કરવાથી આ ગુ્રપ દ્વારા વધેલું જમવાનું જે-તે સ્થળેથી વાહનમાં ભરી લઈ જવામાંં આવે છે. જેની માટે તેઓ દ્વારા વિવિધ હેલ્પલાઈન નંબરો આપવામાં આવ્યા છે. આ ગુ્રપ દ્વારા આ ભોજન શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા ગરીબ અને ભિક્ષુક લોકો સુધી પહોંચાડવામાં આવે છે.

આ અંગે લાગણી ગુ્રપના સદસ્ય અર્શીતભાઈ તેમજ હાર્દિકભાઈ દ્વારા જણાવ્યું હતું કે અમો કોઈપણ લગ્ન પ્રસંગ દરમ્યાન બનાવવામાં આવેલ ભોજનની વધેલી સામગ્રી જે તે વ્યક્તિ દ્વારા ફોન કરી જાણ કરવામાં આવતા જે તે સ્થળેથી વાહનમાં ભરી આવી સામગી આણંદ શહેરના રેલ્વે સ્ટેશન, વીટકોસ બસ સ્ટેન્ડ પાસે તેમજ સુપરમાર્કેટ નજીક અને નવા બસ સ્ટેન્ડ સહિત અન્ય વિસ્તારોમાં રહેતા ભિક્ષુકો તેમજ ગરીબો સુધી પહોંચાડી તેમને જમવાની વ્યવસ્થા કરીએ છે.

 છેલ્લા ૧૫ દિવસથી શરૂ થયેલ આ સેવાયજ્ઞા દરમ્યાન દરરોજ ૨૦૦ થી ૨૫૦ માણસોને જમવાનું પહોંચાડી રહ્યા છીએ. આ માટે  વોલીએન્ટર મિત્રો દ્વારા વિવિધ પાર્ટીપ્લોટ તેમજ વાડીઓનો સંપર્ક કરી તેઓને જો આ રીતે ભોજન વધે તો સંપર્ક કરી અમોને જાણ કરવા જણાવવામાં આવે છે. જેને પગલે દરરોજ ૨૦૦ થી ૩૦૦ વ્યક્તિઓને ભોજન પીરસવામાં આવી રહ્યું છે.

Tags :