બીબીએની ચૂંટણી અંગે એડવોકેટ હાઉસમાં ડિબેટ યોજાઇ
કેટલાક વકીલોના નામે બે થી ત્રણ વખત ફી ભરાઇ
વડોદરા.વડોદરા વકીલમંડળની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે મતદારોની સંખ્યાના મુદ્દે વિવાદ સર્જાયો છે.બરોડા બાર એસોસિએશનમાં કુલ મતદારો ૩,૭૦૦ છે.તેની સામે ૬ હજાર જેટલા મતદારોની ફી ભરાઇ છે.કેટલાક વકીલોના નામે બે થી ત્રણ વખત ફી ભરવામાં આવી છે.
બરોડા બાર એસોસિએશનની ચૂંટણીના મુખ્ય ચૂંટણી કમિશનર અતુલ મિસ્ત્રીએ જણાવ્યું છે કે,જાગૃત મતદારો તરફથી જણાવવામાં આવ્યું છે કે,કેટલાક વકીલો જેઓના નામ હાલની મતદારયાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.તે પૈકી કેટલાક વન બાર વન વોટ હેઠળ બાર એસોસિએશનના સભ્ય તરીકે નોંધાયેલા નથી.તેમજ કેટલાક વકીલોના નામે ખોટીરીતે ફી ભરીને સભ્ય બનાવવામાં આવ્યા છે.જે સભ્યો ખોટીરીતે મતદાન કરશે કે ખોટા મતદારને મતદાન કરવા માટે પ્રોત્સાહન આપશે તેઓની વિરૃદ્ધ કડક પગલા ભરવામાં આવશે.કેટલાક વકીલોને જાણ જ નથી કે તેમના નામ પર કોણે ફી ભરી?
આજે એડવોકેટ હાઉસમાં ચૂંટણી સંદર્ભે એક ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઉમેદવારો દ્વારા પોતાના સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા.જેમાં નવા એડવોકેટ હાઉસનું વહેલી તકે બાંધકામ,મોબાઇલ પર ઓપરેટ થાય તેવી ઇ લાયબ્રેરી તેમજ વકીલનો વીમા કવચ અને એડવોકેટ હાઉસમાં અદ્યતન સુવિધા વાળી લાયબ્રેરીના નિર્માણના મુદ્દાઓ મુખ્ય હતા.