Get The App

મહેમદાવાદમાં 5, ખેડામાં સવા 3 ઇંચ વરસાદ

- ખેડા જિલ્લામાં રવિવારે મેઘરાજાની તોફાની ઇનિંગ : વાવણીલાયક વરસાદથી ખેડૂતો ગેલમાં

- જિલ્લામાં ૬ કલાકમાં જ ૪૦૦ મી.મી.થી વધુ વરસાદ, માતરમાં ત્રણ, કઠલાલ બે, કપડવંજમાં પોણા બે, નડિયાદ, મહુધા, વસોમાં એક એક ઇંચ વરસાદ, ગળતેશ્વર અને ઠાસરામાં હળવા ઝાપટાં

Updated: Jun 20th, 2021

GS TEAM


Google News
Google News
મહેમદાવાદમાં 5, ખેડામાં સવા 3 ઇંચ વરસાદ 1 - image


નડિયાદ : ખેડા જિલ્લામાં રવિવારે વરસાદે રમઝટ જમાવી હતી. જિલ્લામાં ૬ કલાકમાં જ ૪૦૦ મિલિમીટરથી વધુ વરસાદ પડી ગયો હતો. મહેમદાવાદ અને ખેડા તાલુકામાં વરસાદે કાળો કહેર વર્તાવતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. જિલ્લાના અનેક વિસ્તારોમાં જળબંબાકાર થયો હતો. ઠેરઠેર રસ્તાઓ પર પાણી ફરી વળતા અને વૃક્ષો ધરાશાઈ થતા વાહનચાલકો હેરાન થયા હતા. મહેમદાવાદમાં આભ ફાટતા છ કલાકમાં સવાસો મિલિમીટર જેટલો વરસાદ ખાબક્યો હતો. રસ્તાઓમાં પાણી ફરી વળતા વાહનચાલકો હેરાનપરેશાન થઈ ગયા હતા. માતર અને ખેડા તાલુકામાં પણ છ કલાકમાં વરસાદે હાહાકાર મચાવી દીધો હતો. તંત્ર દ્વારા થતી પ્રિમોન્સુન કામગીરીઓ છતાં પહેલા જ વરસાદમાં હાલાકી પડતાં જિલ્લાવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે જિલ્લામાં વરસાદે તોફાન મચાવીને જિલ્લાવાસીઓની રવિવારની રજા ધોઈ નાખી હતી. જિલ્લામાં પડેલા મુશળાધાર વરસાદને લીધે ઠેરઠેર વૃક્ષો ધરાશાઈ થઈ ગયા હતા અને નિચાણવાળા વિસ્તારોના ઘરોનાં આંગણે જળબંબાકાર જોવા મળ્યો હતો. ઘણા વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી અને તોફાની પવનને લીધે છાપરા તેમ જ બેનરો ઊડી ગયા હતા. મહેમદાવાદ, ખેડા અને નડિયાદમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. સવારે ૧૦થી સાંજે ૪ વાગ્યા સુધીમાં જ આ ત્રણ તાલુકાઓમાં સવા બસો મિલિમીટર જેટલો વરસાદ પડયો હતો. જ્યારે પારવાર વરસાદ છતાં ગળતેશ્વર, વસો અને ઠાસરા તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. જોકે ડાકોર શહેરમાં વિસ્તારોમાં નદીઓ ઊભરાઈ આવી હોય તેવાં દ્રશ્યો જોવાં મળ્યાં હતાં. ડાકોર રણછોડરાયજીના મંદિર પાસે પણ ઘૂંટણભેર પાણી ભરાઈ ગયા હતા.

જિલ્લામાં સૌથી વધુ મહેમદાવાદ તાલુકામાં ૧૨૧ મિલિમીટર જેટલો વરસાદ પડતા તાલુકાવાસીઓ તોબા પોકારી ઊઠયા હતા. ખેડા તાલુકામાં  ૮૫ અને માતરમાં ૭૪ મિલિમીટર વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ સામાન્યથી ભારે વરસાદને લીધે લોકોનો રોજિંદો વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર ડભાણ પાસે વિશાળકાય વૃક્ષ ધરાશાઈ થઈ ગયું હતું. હાઈવે પર આવેલી ખાલસા પંજાબ હોટેલ પાસે ઘટાદાર અને વરસો જૂનું વૃક્ષ હતું, જે આજે વરસાદી વાતાવરણમાં તોફાની પવનને લીધે ધરાશાઈ થઈ ગયું હતું. આ કારણે અમદાવાદ તરફથી વડોદરા જતો તમામ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. ડાયવર્ઝન આપીને ટ્રાફિક ચાલુ કરાવવામાં આવ્યો હતો. વન વિભાગની ટીમ દ્વારા સાંજ સુધી વૃક્ષ હટાવીને રસ્તો ખોલવાની કામગીરી ચાલી રહી હતી. મહેમદાવાદ શહેરમાં સવારથી બપોર સુધીમાં જ સવાસો મિલિમીટર જેટલો વરસાદ ખાબક્યો હતો. તે કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ખાસ તો તાલુકા પંચાયત કચેરી પાછળનો વિસ્તાર, રેલવે સ્ટેશન ગરનાળુ, મુખ્ય બજાર સહિત અનેક વિસ્તારો વરસાદી પાણીથી ઊભરાઈ ગયા હતા.

જિલ્લાના વડામથક નડિયાદમાં સવારથી  જ વરસાદી વાતાવરણ જામેલું હોવાથી લોકોની ચહલપહલ ઓછી થઈ ગઈ હતી. બપોર સુધીમાં વરસાદે રમઝટ જમાવતા નગરના મુખ્ય વિસ્તારોમાં પાણીમાં ગરકાવ જોવા મળ્યા હતા. પારસ સર્કલ, વાણિયાવાડ, બસસ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં ઢીંચણભેર પાણી ભરાઈ ગયા હતા અને વાહનચાલકોએ પારાવાર મુશ્કેલી વેઠવાની આવી હતી.

 ઠેરઠેર લોકો વાહનોને હાથેથી ખેંચીને પાણીમાંથી બહાર કાઢતા જોવા મળ્યા હતા. ખેડા તાલુકામાં સવારથી બપોર સુધીમાં જ ૮૫ મિલિમીટર જેટલો વરસાદ પડતા ઠેરઠેર પાણી ઊભરાવવા લાગ્યા હતા. ખેડા શહેરના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. સ્થાનિકો પાસેથી મળતી માહિતી પ્રમાણે ખેડા બસ સ્ટેશન ચોકડી પાસે તો હાલત સાવ બદતર બની હતી. 

અહીં મુલ્કીભવન શોપિંગ સેન્ટરની આગળની ગટરની સાફસફાઈ ઘણા સમયથી કરાઈ ન હોવાનું જાણવા મળે છે. તે કારણે ગટરમાં કચરો ભરાઈ ગયો હતો અને  ચોકઅપ થઈ ગયું હતું. સ્થાનિક દુકાનદારો પણ તેમનો કચરો અહીં ગટરમાં નાખી દેતા હોવાનું જાણવા મળ્યું છે. આ બધા કારણે ગટરો ચોકઅપ થઈ જવાની સમસ્યા વકરી હોવાની બૂમરાણ મચી છે. આ ખેડા-મહેમદાવાદ રોડની બન્ને બાજુ આવેલી ગટરો ખેડા પાલિકા અને પી.ડબલ્યુ.ડી. વિભાગમાંથી કોની જવાબદારીમાં આવે છે તે બાબતે અસ્પષ્ટતા હોવાથી આ વિસ્તારના લોકોએ હાલાકી ભોગવવી પડતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

જિલ્લામાં સવારથી બપોર સુધી પડેલો વરસાદ

તાલુકો વરસાદ(મિ.મિ.)

કઠલાલ ૪૮

કપડવંજ ૩૭

ખેડા ૮૫

ગળતેશ્વર

ઠાસરા

નડિયાદ ૨૭

મહુધા ૨૨

મહેમદાવાદ ૧૨૧

માતર ૭૪

વસો ૨૨

કુલ ૪૪૬

Tags :