ભારતીય મુસ્લિમોએ પોતે પીડિત હોવાની માનસિકતામાંથી બહાર આવવુ પડશેઃ ઝફર સરેશવાલા
image : Twitter
જેદ્દાહ( સાઉદી અરબ),તા. 22 જૂન 2023,ગુરૂવાર
પીએમ મોદીના સમર્થક ગણાતા અને મૌલાના આઝાદ નેશનલ ઉર્દૂ યુનિવર્સિટીના પૂર્વ ચાન્સેલર ઝફર સરેશવાલાએ સાઉદી અરબમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, મુસ્લિમો સાથે ભારતમાં ભેદભાવ થાય છે પણ આવુ ગણતરીના જ તત્વો કરતા હોય છે.
તેમણે કહ્યુ હતુ કે, ભારતીય મુસ્લિમોએ ભેદભાવની ફરિયાદો કરવાની જગ્યાએ શિક્ષણ પર ફોકસ કરવાની જરુર છે.મુસ્લિમ સમુદાય હંમેશા આંદોલન જ કરીને આગળ નહીં વધી શકે.પોતે પિડિત હોવાની માનસિકતામાંથી પણ બહાર આવવુ પડશે.મુસ્લિમોએ વિચારવુ પડશે કે દુનિયા આગળ વધી ગઈ છે અને હવે અભ્યાસના દરેક ક્ષેત્રમાં વિશેષજ્ઞ બનવા પર ધ્યાન આપવુ પડશે.તો જ મુસ્લિમ સમુદાયના લોકો પોતાની આગવી ઓળખ ઉભી કરી શકશે.
સરેશવાલાએ કહ્યુ હતુ કે, સિવિલ સર્વિસમાં મુસ્લિમોની ભાગીદારી બહુ ઓછી છે.તમે જો રેસમાં સામેલ જ નહીં થાવ તો જીતવાની આશા નહીં રાખી શકો.ભારતમાં પોતાના હિન્દુ ભાઈ બહેનો સમક્ષ મુસ્લિમોએ સારી ઈમેજ ઉભી કરવાની જરુર છે.આવુ નહીં કરીએ ત્યાં સુધી ભારતીય મુસ્લિમો સતત સંઘર્ષ કરતા રહેશે.