For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દીયા જલાવ .

Updated: Apr 26th, 2024

દીયા જલાવ                                                       .

- બળીને ભડથું થઈ જતાં તાનસેનને ઠારે કોણ? શાંત કોણ કરે? તેના દેહને શીતળતા કોણ અર્પણ કરે? અકબર શાહને લાગ્યું કે આ કસોટીએ તો મને જ સોટી મારી.

- ચાંદની પાછલી રાતે ખીલી ઉઠી છે

- તાનસેનજી, હવે આ દીવડાઓને તમે જ્યોર્તિમય બનાવો

ક હે છે કે સંગીતકાર તાનસેન પોતાના દીપક રાગથી આંધળા દીવાઓ સળગાવી શકતો હતો. બુઝાયેલા દીવડાને પોતાની તાનથી પ્રકાશમાન બનાવી શકતો હતો.

અકબર બાદશાહે તેની પ્રત્યક્ષ કસોટી કરી હતી. કોઈક અમાસની કાળી અંધારી રાતે મહેલની ચારેબાજુ જાતજાતના અને ભાતભાતના દીપકો ગોઠવી દીધા. પેટાવ્યા નહીં. મહેલને ચારે બાજુથી અંધારાધોર કાળાશથી લગભગ અંધ બનાવી દીધો. પછી તાનસેનને કહ્યું ઃ 'તાનસેનજી, હવે આ દીવડાઓને તમે જ્યોર્તિમય બનાવો, તમારા સંગીતથી.'

'દીયા જલાવ ઝગમગ ઝગમગ...'

તાનસેને પોતાની તાન શરૂ કરી. ગાઢ અંધકારમાંય તેના તાનની તર્જની અનોખી હતી. સાંભળનાર રાજસભાને થતું હતું કે દીવડાઓ પ્રગટે કે નહીં, પણ આ સંગીત ખરેખર સ્વર્ગીય છે, સાંભળવા જેવું છે, યાદગાર છે.

પણ તાનસેન સામે તો પડકાર હતો. કોઈ પણ સંજોગોમાં દીપક પ્રકાશવાન થવા જ જોઈએ. તેણે પોતાનો રાગ ફેલાવ્યા કર્યો. ઊંચામાં ઊંચા રાગની તાન ખેંચી.

મોડી રાતે એક સાથે બધાં જ દીપકો ઝગમગી ઉઠયા. અમાસની રાત ચાંદની રાત બની રહી, પણ દીપક રાગને લઈને તાનસેનનો આખો દેહ તપી ગયો, ધગધગી ગયો, ગરમ ગરમ દીવડાઓ જેવો થઈ ગયો. પોતે જ એક ભઠ્ઠી બની ગયો. જેમ દીવડાઓમાંથી ધૂમ્રસેર નીકળતી હતી તેમજ તાનસેનના શરીરમાંથી ધૂમાડાઓ નીકળવા લાગ્યા. આગમાં મકાઈ શેકાઈ જાય તેમ તાનસેન પોતે જ જ્યોત બની ગયા. તેના દેહમાંથી અગન જ્વાળા જ્યોત બનીને ફેલાવા લાગી.

'દીયા જલાવ, દીયા જલાવ, દીયા જલાવ...' કરતાં કરતાં તાનસેન જ પ્રત્યક્ષ જલી ઊઠયા.

રાજસભા વાહવાહ બોલી ઊડી. અકબર બાદશાહે બુલંદ અવાજે કહ્યું ઃ 'ખરેખર તમે સંગીતસમ્રાટ છો, છો, છો જ. સમ્રાટ એમ તો હું પણ છું, પણ હું આ ચમત્કાર ન સર્જી શકું.'

પણ બળીને ભડથું થઈ જતાં તાનસેનને ઠારે કોણ? શાંત કોણ કરે? તેના દેહને શીતળતા કોણ અર્પણ કરે? અકબર શાહને લાગ્યું કે આ કસોટીએ તો મને જ સોટી મારી.

શહેનશાહના દરબારમાં સંગીતકારો ઘણા હતા, ઘણા ઘણા હતા. નવરત્નોની જેમ નવશ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સંગીતકારો હતા જ, પણ કોઈ પાસે એવી તાન ન હતી, કે ભડભડતા કલાકારને શીતળતા અર્પણ કરે. ફરીથી 'સામાન્ય' સજીવન અર્પણ કરે!

કળાની દુનિયાના બધા ઉચ્ચાસને બેઠેલા ચમત્કારિક ગાયકો, વાદકો, સ્વરકારો, સૂરકારો! તેમાંથી કોઈ જ શીતલ પ્રસાદ બની શકતા ન હતા.

સમજો કે તાનસેનની અંતિમ યાત્રા અહીં જ પ્રજ્જવળી ઊઠી. સ્મશાનની આગ, સ્મશાનની હોળી, સ્મશાનની ધગધગતી જ્વાલાઓ અહીંથી જ પૂનમના ચાંદને પડકારવા લાગી. ત્યાં જ... ત્યાં જ...ત્યાં જ...

એક તીણો સૂરીલો સ્વર ગૂંજી ઊઠયો ઃ

બરસો રે... બરસો રે... બરસો રે....

કાલે  બાદરવા પિયા પે બરસો

જૈસી મોરી અંખિયાં બરસે

બરસો રે... બરસો રે... બરસો રે...

એ સ્વર તાનસેનની રાગિણી ચમત્કારિક દૈવી ગાયિકા તાનીનો હતો. એવી અને એટલી તન્મયતાથી તાનીને પોતાના સ્વર અને સૂરને સાતમાં આકાશ સુધી પહોંચાડયા કે બારે મેઘ ભેગા થઈ ગયા. કાળા ડિબાંગ વાદળો તાનસેનના ધગધગતા દેહ પર ઠંડી ધાર વરસાવવા લાગ્યા.

ટાઢક વળી, તપતો દેહ, શીતલ થયો. જે ચમત્કારિક રાગ રાગિણી થકી તાનસેને દીપકો ઝગમગાવ્યા હતા, એ જ ચમત્કારિક વર્ષા રાગથી તાનીએ પોતાના સંગીતસાથીને  બચાવી લીધો.

શહેનશાહ અકબર અને સંગીત-પર્વ માણતી રાજસભાએ આજે બે ચમત્કારો દીઠા. બે અદ્ભુત આંતરમુખી સંગીતકારોની ગાયકી માણી.

કહે છે કે એ સંગીત-કસોટી વર્ષની ઉજ્જવળમાં ઉજ્જવળ પૂનમની રાતે યોજાઈ હતી.

શરદ પૂનમની એ રાતે ચાંદો સોળે કળાએ ખીલે છે, ખીલે જ છે. પણ તે રાતે પૂનમનો એ ચાંદો પણ ભીંજાઈ ગયો. અથવા કહો કે તેની આંખો બરસતી રહી. તાનીએ વરસાવેલી એ ચાંદની રાતે ચાંદાની આંખોય એ ચોખ્ખી ધોઈ નાખી. એવી સ્વચ્છ બનાવી દીધી, એવી નિર્મળ બનાવી દીધી કે મધરાત પછીની પૂનમની એ મહારાત્રી વધુ પરિપૂર્ણ પૂર્ણિમા બની રહી.

કહે છે કે શરદ પૂનમની રાતે એટલે જ શ્રધ્ધાળુઓ મોડી રાત સુધી જાગે છે, સંગીત માણે છે. તાનસેન તો ભારતભરનો હતો, પણ તાની ગુજરાતની હતી! નવરાત્રીથી શરદપૂનમની ઝળહળતી રાત્રી સુધી ઠેરઠેર, ખાસ કરીને ગુજરાતમાં સંગીતકારો, ઉષ્માભર્યું, સ્વર્ગીય સંગીત ગજવે છે, ગૂંજે છે, માણે છે, તાણે છે, વખાણે છે, વહાણે છે.

કહેવાય છે તેમ, સંગીતકાર તાનસેને પછી રાજાઓને રીઝવવાનું છોડી દીધું હતું અને બાકીનું પાછળનું જીવન પોતાના સંગીતગુરૂ હરિદાસની નિશ્રામાં હરિચરણે વીતાવ્યું હતું.

હરિદાસના એ આશ્રમમાંથી શરદ પૂનમથી માંડીને કાર્તકી પૂર્ણિમા સુધી તાન-હરિના અણમોલ રાગ-સ્વર સંભળાય છે, સંભળાયા જ કરે છે.

મન તડપત હરિ દરશન કો આજ

મોહે તુમ બીન બિગડે સઘળે કાજ...

Gujarat