For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બિલ્લીને કમ્પ્યુટર આવડી ગયું... .

Updated: Apr 26th, 2024

બિલ્લીને કમ્પ્યુટર આવડી ગયું...                              .

- 'અરે મમ ચકી! મારા પર વિશ્વાસ કર. તું તો મને સમજવાનો પ્રયત્ન કર. બધાં મને ખોટી માને છે. તું તો મને સાચી માન!'

દિગ્ગજ શાહ

એ ક હતી ચકલી. એનું નામ મમ. મમ તો ભાઈ ખૂબ જ મસ્ત ચકી. જ્યારે જુઓ ત્યારે મસ્ત મજાનાં સ્ટાઈલિશ કપડાં પહેરીને ટનાટન તૈયાર જ હોય. ખાસ તો એના ચહેરા પર સ્માઇલ હોય. એ બધાને પ્રેમથી બોલાવે. બધા જ એના દોસ્ત. લડાઈ, ઝગડા, દુશ્મની કોઈ સાથે નહીં!

મમ ચકી પોતે મોજમાં રહે અને બીજા બધાને મોજમાં રાખે.

મમ ચકીને કમ્પ્યુટર ઓપરેટીંગ સિસ્ટમ પર ફર્સ્ટ ક્લાસ માસ્ટરી. એ બધાને કમ્પ્યુટર પ્રેમથી શિખવાડે!

એક દિવસ સીસી બિલ્લી એને કહે: 'જો મમ ચકી! તું મને પંદર દિવસમાં કમ્પ્યુટર ઓપરેટીંગ સિસ્ટમ શિખવાડી દે તો હું તને પંદર દિવસ સુધી દરરોજ આઈસ્ક્રીમ ખવડાવીશ.'

મમ ચકી કહે: 'જો સીસી બિલ્લી! તને કમ્પ્યુટરમાં રસ પડે. શિખવાની ધગશ હોય. મહેનત કરવાની તૈયારી હોય તો અપુન તેરેકુ ફટાફટ કોમ્પ્યુટર સિખા દેગી રે..!'

સીસી બિલ્લી કહે: 'હું ખૂબ જ મહેનત કરીશ. મને જલ્દી કમ્પ્યુટર શિખવાડી દે. મને કમ્પ્યુટર નથી આવડતું એટલે ખૂબ જ શરમ આવે છે... અને હું બધા કરતા પાછળ રહી જાઉં છું. પ્લીઝ... હેલ્પ મી ડિયર!'

મમ ચકી કહે: 'પહેલાં તું મને પંદર દિવસ નહીં, ત્રીસ દિવસ સુધી આઈસ્ક્રીમ ખવડાવીશ એવું પાક્કું પ્રોમિસ કર! અને મારી સાથે ચીટિંગ નહીં કરવાની!'

સીસી બિલ્લી કહે: 'ના, ના.. એવું નહીં જ કરું. પાક્કું પ્રોમીસ!'

મમ ચંકી કહે: 'ઓકે! ચાલો તમે મને હમણાં જ આઈસ્ક્રીમ ખવડાવો. પછી હું તમને કમ્પ્યુટર શિખવાડું છું!'

સીસી બિલ્લી કહે: 'અરે ડિયર! હમણાં આઈસ્ક્રીમ ખવડાવવાનાં પૈસા નથી. પછી જરૂર ખવડાવીશ. પ્રોમીસ!'

મમ ચકલી કહે: 'મને ખબર છે તું બધાને ખોટા પ્રોમીસ કરે છે. તારો કોઈ વિશ્વાસ જ નથી કરતું. તારી આ ખરાબ અન ગંદી ટેવ સુધાર.'

સીસી બિલ્લી કહે: 'અરે મમ ચકી! મારા પર વિશ્વાસ કર. તું તો મને સમજવાનો પ્રયત્ન કર. બધાં મને ખોટી માને છે. તું તો મને સાચી માન!'

મમ ચકલી કહે: 'હું તો મજાક કરતી હતી. બાકી મારે તારી જોડેથી કશું જ નથી જોઈતું. આઈસ્ક્રીમ નથી ખાવો તારો. આઈસ્ક્રીમ હું તને દરરોજ ખવડાવીશ. બસ, તું પંદર દિવસ ધ્યાનથી કમ્પ્યુટર રસ લઈને શીખ. હું કમ્પ્યુટર શિખવાડવાના કોઈ પાસેથી પૈસા નથી લેતી. કોઈનો આઇસ્ક્રીમ પણ નથી ખાતી.'

સીસી બિલ્લી કહે: 'હા... મમ ચકલી! તું ખૂબ જ સરસ મારી ડિયર ફ્રેન્ડ છે. મને ખબર છે તું મારી પરીક્ષા લઈ રહી હતી. હું પ્રોમીસ કરું છું. કમ્પ્યુટર ખૂબ જ રસ લઈને મહેનતથી શીખીશ. ખોટા પ્રોમીસ નહીં જ કરું. ગુડ...ગુડ... સીસી બિલ્લી થઈને બતાવીશ. પ્લીઝ, મારા પર વિશ્વાસ કરીને મને મદદ કર ડિયર મમ!'

મમ ચકલી ખુશ થઈને કહે: 'યે હુઇ ન બાત! હમ સાથ-સાથ હૈ. હમ તુમકો કમ્પ્યુટર શિખા દેગી... ટેન્શન નહીં લેને કા..!'

સીસી બિલ્લીએ ખુશ થઈને મમ ચકલીને ત્રણવાર થેંક્યુ... થેંક્યુ... થેંક્યુ... કહ્યું.

બીજા દિવસથી મમ ચકી સીસી બિલ્લીને ખૂબ જ પ્રેમથી પણ જરા કડક ટીચર થઈને કમ્પ્યુટર શિખવાડવાનું શરૂ કરી દીધું. 

સીસી બિલ્લીને ચક્કર આવતા. માથું દુખે. એને કાંઈ જ સમજણ ન પડે. છતાં એ કમ્પ્યુટર શીખવા ધગશથી મહેનત કરતી રહી. 

મમ ચકીએ કંટાળ્યા વગર સીસીને પંદર દિવસની જગ્યા એ ત્રણ મહિના સુધી કમ્પ્યુટર શિખવાડયું. 

સીસી બિલ્લીની મહેનત રંગ લાવ્યો. એ હવે કમ્પ્યુટરમાં માસ્ટર થઈ ગઈ હતી.

મમ ચકી ખૂબ જ ખુશ થઈ. આહા...  આખરે સીસી બિલ્લીને કમ્પ્યુટર આવડી ગયું!

સીસી બિલ્લી એક દિવસ આઇસ્ક્રીમનું મોટું ફેમિલી પેકેટ મમ ચકીનાં ઘરે જઈને આપી આવી  અને થેંક્યું કહ્યું.

મમ ચકીએ સીસી બિલ્લીને શાબાશ કહ્યું અને બંનેએ સાથે આઇસ્ક્રીમ ખાધી. પછી બંને સાથે ફરવા નીકળી ગયાં! 

Gujarat