વાપી રેલવે સ્ટેશન નજીકથી 42 કિલો ગાંજાના જથ્થા સાથે એક પકડાયો : 21 લાખનો મુદ્દામાલ જપ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vapi Railway Station : વાપી રેલવે સ્ટેશન નજીક વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઓરિસ્સાથી સેલવાસા લઇ જવાતા રૂ.21 લાખની કિંમતના 42 કિલો ગાંજાના જથ્થા સાથે એક આરોપીને દબોચી લીધો હતો. પકડાયેલ આરોપી સંજય ઉર્ફે સંજય મારવાડી પ્રકાશ લુંબાજી પરમાર (ઉ.વ.25, રહે. ફલેટ નં.15, પ્રતિભા કોમ્પ્લેક્ષ, બાલાજી મંદીર રોડ, સેલવાસા, દાદરાનગર હવેલી. મુળ રહે. બાલી, રાજસ્થાન) ઓરિસ્સાથી મુંબઇ થઇ દાદરા-નંદુરબાર ખાનદેશ એક્સપ્રેસ ટ્રેન મારફતે વાપી ઉતર્યો હતો.
વલસાડ જિલ્લામાં માદક દ્રવ્યની હેરાફેરીનું દુષણ દૂર કરવા પોલીસ ગુનાઓ નોંધી રહી છે, પણ હજી આ દુષણ નસ્તેનાબુદ નહી થયાનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે પી.આઇ. ડી.ડી.પરમાર અને ટીમે વાપી રેલવે સ્ટેશનના પૂર્વ તરફ વોચ ગોઠવી હતી. તે વેળા બાતમી મુજબના વર્ણનવાળા શખ્સને અટકાવી પુછપરછ કરી હતી. બાદમાં પોલીસે તેની પાસે રહેલા થેલામાં તપાસ કરતા સફેદ કલરના વનસ્પતિજન્ય પાવડર ભરેલો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે એફએસએલની મદદથી હાથ ધરેલા પરિક્ષણમાં ગાંજો હોવાનું બહાર આવતા રૂ.21 લાખની કિંમતના 42 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે એક આરોપીની ધરપકડ કરી હતી. વાપી ટાઉન પોલીસે આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવા કવાયત આદરી છે. પોલીસે જથ્થો કોને આપવાનો હતો અને નેટવર્કના મૂળ સુધી પહોંચવા આરોપીની સઘન પુછપરછ આદરી છે.









