For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બાવા આદમના જમાનાના કાલબાહ્ય કાયદા સુધારાયા તો ખરા, પણ...

Updated: Feb 27th, 2024

બાવા આદમના જમાનાના કાલબાહ્ય કાયદા સુધારાયા તો ખરા, પણ...

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

કેન્દ્ર સરકારે બ્રિટિશ જમાનાના કેટલાક કાલબાહ્ય (આઉટડેટેડ) કાયદામાં જરૂરી સુધારા કર્યા. આ પગલું લાંબા સમયથી પેન્ડિંગ હતું. ઇન્ડિયન પીનલ કોડ અને ક્રિમિનલ પ્રોસિજર કોડમાં આવશ્યક ફેરફારો કરાયા. આ કાયદાનો અમલ પહેલી જુલાઇથી કરાશે એવી જાહેરાત કરાઇ. એનો અર્થ એ પણ છે કે આગામી સંસદીય ચૂંટણીમાં પોતે એકસો ટકા વિજય પ્રાપ્ત કરશે એવો ભાજપને પૂરો વિશ્વાસ છે.

અહીં એક વાત સમજવાની ખાસ જરૂર છે. જૂના કાયદામાં સુધારા કરાય કે નવા કાયદા ઘડાય તેથી આમ આદમીને ન્યાય મળશે એવું માની લેવું એ નર્યો ભ્રમ છે. આમ આદમી કાયદાની આંટીઘુટી સમજતો નથી. મોટા ભાગના લોકોનો અંગ્રેેજી ભાષા પર પૂરતો કાબુ હોતો નથી. વકીલો કોર્ટમાં જે દલીલો કરે એ આમ આદમીને કયારેય સમજાતી નથી. એમાંય કાયદાની ભાષા જટિલ હોય છે. એના ટેક્નિકલ શબ્દો આમ આદમીના માથા પરથી બાઉન્સર બોલની જેમ પસાર થઇ જાય છે. અખબારોમાં પ્રગટ થતી પબ્લિક નોટિસ જેવી જાહેરખબર વાંચો તો આ મુદ્દો સમજાઇ જશે. આમ આદમી તો એનો વકીલ કહે એમ કરે છે.

ઔર એક મહત્ત્વની વાત. અત્યારે દેશની વિવિધ કોર્ટમાં કરોડો કેસ પેન્ડિંગ છે. કેટલાક કેસ તો ત્રણ-ત્રણ ચાર-ચાર દાયકાથી ઊભા છે. કેસ સાથે સંકળાયેલા વાદી-પ્રતિવાદીની બબ્બે ત્રણ-ત્રણ પેઢી પોતાને ન્યાય મળે એની વાટ જુએ છે. આવું કેમ બને છે એ સરકારે સમજવાની તાતી જરૂર છે. કેટલીક અદાલતોમાં ન્યાયાધીશ નથી તો કેટલીક અદાલતોમાં વકીલો તારીખ પે તારીખ લીધે રાખે છે. વકીલને પણ પોતાનું પેટ હોય છે. એ પોતાની કમાણી સ્થિર રાખવા કેટલીક વાર  તારીખ લીધે રાખે છે. મરો આમ આદમીનો થાય છે. જાહેર હિતના કેસને નામે અદાલતોનો સમય અને શક્તિ વેડફી નાખવામાં આવે છે. 

એ જ રીતે પોલીસની માનસિકતા આજે પણ બ્રિટિશ શાસનમાં હતી એવી રહી છે. એ માત્ર દંડાબાજીમાં રાચે છે. કાયદાનો અમલ પોલીસ પોતે પણ કરતી નથી. તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે એક પોલીસ અધિકારીને ખખડાવેલા કે કોર્ટમાં યુનિફોર્મ પહેરીને આવતા જાઓ. કેટલીક વાર પોલીસ સાચા આરોપીને બદલે ભળતા માણસને ગમે તે કેસમાં ફસાવી દે છે. 

બીજો મહત્ત્વનો મુદ્દો કાચા કેદીનો છે. સુપ્રીમ કોર્ટે એક કરતાં વધુ વખત આ મુદ્દે સરકારને ટકોર કરી છે. લાખ્ખો નિર્દોષ લોકો કાચા કેદી તરીકે જેલોમાં સબડે છે. ધરપકડ પછી ચોવીસ કલાકમાં શકમંદ વ્યક્તિને કોર્ટમાં રજૂ કરવી જોઇએ એવા કાયદાને ખુદ પોલીસ ગણકારતી નથી. વગદાર પોલિટિશિયનો જેલમાં પણ મહેલ જેવી સગવડો ભોગવે છે જ્યારે સામાન્ય આદમીએ કશું કર્યું ન હોય તો પણ કારાવાસ ભોગવે છે. કેટલાય કાચા કેદી પાસે જામીનના પૈસા હોતા નથી. 

જે ત્રણ કાયદા નવા ઘડાયા એમાં સૌથી મહત્ત્વનો કાયદો પુરાવાને લગતો છે. પુરાવાનો જૂનો કાયદો સવાસો-દોઢસો વરસ પહેલાંનો હતો. એ બદલવામાં આવ્યો એ સારી વાત છે. પરંતુ અહીં ફરી આમ આદમીને ધ્યાનમાં લેવો પડે. અદાલત સાંયોગિક અથવા નક્કર પુરાવા માગે છે. આમ આદમી કેટલીક વાર પુરાવો આપી શકતો નથી. પશ્ચિમ બંગાળના સંદેશખલી વિસ્તારની વાત લ્યો. તૃણમૂલ કોંગ્રેસના (મમતા બેનર્જીના એમ વાંચો) ટેકાથી શેખ શાહજહાંએ સંખ્યાબંધ ગરીબ મહિલાઓની લાજ લૂ્ંટી. પછી ફરી એક વાર શાસક પક્ષના સહકારથી ફરાર થઇ ગયો. હવે અદાલત આ મહિલાઓ પાસે પુરાવો માગે તો શી રીતે આપે એ વિચારો. સરકારે નવો પુરાવા ધારો આપ્યો, પણ પીડિત વ્યક્તિ એનો લાભ શી રીતે લઇ શકે એ સવાલનો જવાબ કોણ આપશે. 

બ્રિટિશ શાસન દરમિયાન રાજદ્રોહ જેવો કાયદો હતો એને દેશદ્રોહ તરીકે નવું નામ અને સ્વરૂપ અપાયું. સારી વાત છે, પરંતુ દેશદ્રોહની વ્યાખ્યા કોણ કરશે. અગાઉ સુપ્રીમ કોર્ટે સૂચક ટકોર કરેલી કે સરકાર વિરોધી નિવેદન એટલે દેશદ્રોહ નહીં. લોકશાહીમાં માત્ર મિડીયા નહીં, આમ આદમીને પણ સરકારના પગલાંનો વિરોધ વ્યક્ત કરવાનો મૂળભૂત અધિકાર છે. ફન્ડામેન્ટલ રાઇટ છે. શાસક પક્ષ ઇચ્છે ત્યારે ગમે તે વ્યક્તિ પર દેશદ્રોહનો આરોપ ઠોકી ન બેસાડે એ પણ ધ્યાનમાં રહેવું ઘટે છે. નવા કાયદાને આવકારતાં આટલી વાત ટૂંકમાં કરી. ઝાઝું કરીને વાંચજો વીરા...

Gujarat