For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મતપત્રક કે મશીન દ્વારા વોટિંગઃ સુપ્રીમ કોર્ટને ઊંઠાં ભણાવવાનો મિથ્યા પ્રયાસ

Updated: Apr 23rd, 2024

મતપત્રક કે મશીન દ્વારા વોટિંગઃ સુપ્રીમ કોર્ટને ઊંઠાં ભણાવવાનો મિથ્યા પ્રયાસ

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

- અમેરિકા અને બ્રિટને ઈવીએમ મશીન વાપરવાના બંધ કર્યા માટે આપણે પણ કરવા એ કેવું લોજિક! 

વિશ્વની સૌથી મોટી ગણાતી ભારતની લોકશાહીના સૌથી મોટા ચૂંટણી પર્વનો શુક્રવાર, ૧૯ એપ્રિલથી શુભારંભ થઇ ચૂક્યો. એકવીસ રાજ્યોની ૧૦૨ બેઠકોનું મતદાન થઇ ચૂક્યું. સુુપ્રીમ કોર્ટમાં, જોકે મતદાન કેવી રીતે યોજવું એ વિશે વિપક્ષોએ (સ્થાપિત હિતોએ એમ વાંચો) કરેલી અરજીનો ચુકાદો સર્વોચ્ચ અદાલતે રિઝર્વ રાખ્યો છે. વિદ્વાન જજોએ બંને પક્ષોની દલીલો સાંભળતાં સાંભળતાં કરેલાં નિરીક્ષણો ખૂબ મહત્ત્વનાં છે.

દાખલા તરીકે, માનનીય જસ્ટિસ દીપંકર દત્તાએ કહ્યું કે મતપત્રકો દ્વારા મતદાન થતું હતું ત્યારે માથાભારે પરિબળો બૂથ કેપ્ચરીંગ કરી જતાં હતાં એ ભૂલાવું ન જોઇએ.... ક્યા બાત હૈ. જસ્ટિસ દત્તાને સલામ કરવી જોઇએ. એમની વાત સો ટકા સાચી છે. તમને યાદ કરાવું. પત્રકાર શિરોમણી (અને પાછળથી રાજકારણમાં પ્રવેશેલા) અરુણ શૌરીની બહેન ટીવી પત્રકાર નલિની સિંઘે જાનના જોખમે આવા બૂથ કેપ્ચરીંગની વીડિયો ઊતારીને એ ટીવી ચેનલ પર દેખાડી ત્યારે ખળભળાટ મચી ગયો હતો. 

એ વખતે કેન્દ્રમાં કોંગ્રેેસ સરકાર હતી. ઝારખંડ કે ઉત્તરાખંડની સ્થાપના હજુ થઇ નહોતી. ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં આ રીતે બિનધાસ્ત સંખ્યાબંધ મતપેટીઓ ગુંડાઓ ઉપાડી ગયા હતા. એક કહેતાં એક પણ રાજકીય પક્ષ કે નેતાના પેટનું પાણી હાલ્યું નહોતું. આજે એ જ પક્ષોના કહેવાતા પ્રતિનિધિઓ મતપત્રક દ્વારા મતદાનની માગણી દેશની સર્વોચ્ચ અદાલતમાં કરી રહ્યા છે.

આ મુદ્દો બીજી રીતે તપાસવા જેવો છે. એક અબજ ચુમાલીસ કરોડની વસતિ ધરાવતા ભારત દેશમાં આજની તારીખે ધારો કે ૭૫થી ૮૦ કરોડ મતદારો છે. એટલે ૮૦ કરોડ મતપત્રક તૈયાર હોવાં જોઇએ. બાર ઇંચ બાય પંદર ઇંચના ૮૦ કરોડ મતપત્રકો માટે કેટલાં વૃક્ષો કાપવાં પડે? આડેધડ વૃક્ષો કપાવાથી અત્યારે જ મોસમ અનિશ્ચિત થઇ ચૂકી છે. ક્યાંક ધોધમાર વરસાદ પડે છે તો ક્યાંક અસહ્ય બફારો અને ગરમી છે. ક્યાંક બરફ ઓગળી રહ્યો છે અને ક્યાંક કઇ ઋતુ છે એ જ સમજાતું નથી. એવા સમયે મતપત્રક માટે વધુ વૃક્ષો કાપીને આપણે આપણા પગ પર જ કુહાડો મારવા જેવું શા માટે કરવું?

ધારો કે આ બધો કાગળ વિદેશથી મંગાવીએ. એ પછી બંધારણે માન્ય કરેલી ઓગણત્રીસ કે ત્રીસ ભાષામાં મતપત્રકો છાપવાનો કેટલો ખર્ચ આવે? આ કાગળનાં બંડલો દેશના ખૂણે ખૂણે પહોંચાડવાનો ખર્ચ કેટલો આવે? અત્યારે દેશનાં કેટલાંક રાજ્યોમાં ગમે ત્યારે વરસાદ આવે છે. મતપત્રકો ભીંજાય નહીં એ માટેની વ્યવસ્થા પાછળ કેટલો ખર્ચ આવે? આટઆટલી લમણાફોડ પછી અસામાજિક પરિબળો બૂથ કેપ્ચરીંગ કરે તો શું કરશો?

અને મતપત્રક પર મતદાન થયા પછી મતગણતરી માટે કેટલું માનવબળ અને કેટલો સમય વ્યતીત થશે એનો વિચાર પણ કરવા જેવો છે. એક તરફ ચૈત્ર વૈશાખનો દઝાડતો તાપ અને બીજી બાજુ સમયસર મતગણતરી પૂરી કરીને પરિણામો જાહેર કરવાની કવાયત! આપણા વિરાટ દેશમાં આ કવાયત આ લખવા કે વાંચવા જેટલી સરળ નથી. આ બાબતે તમે વિચાર કરો એ દરમિયાન આપણે સુપ્રીમ કોર્ટમાં રજૂ થયેલી વાતો તરફ પાછાં ફરીએ. ફરિયાદ પક્ષે એવી દલીલ કરી કે અમેરિકા અને બ્રિટન જેવા દેશોએ ઇવીએમ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન) વાપરવાનું બંધ કર્યું છે. આ દલીલ સાવ નિરર્થક છે. વિદેશોમાં કયો નિર્ણય કેમ લેવામાં આવ્યો એનો વિચાર પહેલાં થવો ઘટે. અમેરિકા અને બ્રિટને મશીન વાપરવાના બંધ કર્યા માટે આપણે કરવા એ કેવું લોજિક! ઔર એક વાત. અમુક તમુક સ્થળે મશીન સાથે ચેડાં થાય છે એવી દલીલ ફરિયાદ પક્ષે કરી. એના જવાબમાં સરસ નિરીક્ષણ વ્યક્ત થયું કે કયું મશીન કયા પ્રદેશમાં જવાનું છે એનો નિર્ણય પહેલેથી કરવામાં આવતો નથી.  સુપ્રીમ કોર્ટના વિદ્વાન જજોએ આ કેસનો ચુકાદો રિઝર્વ રાખીને બહુ સમજદારી દાખવી છે. વિદ્વાન જજોને ધન્યવાદ!

Gujarat