For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પુત્ર, પિતા, પતિ, મિત્ર, શત્રુ, શિષ્ય અને રાજા- ગમે તે દ્રષ્ટિએ જુઓ, રામ અનોખા તરી આવશે

Updated: Apr 16th, 2024

પુત્ર, પિતા, પતિ, મિત્ર, શત્રુ, શિષ્ય અને રાજા- ગમે તે દ્રષ્ટિએ જુઓ, રામ અનોખા તરી આવશે

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

આવતી કાલે ચૈત્ર સુદ નોમ. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો જન્મદિવસ. અયોધ્યામાં નવું રામ મંદિર બન્યા પછી અને શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા થયા પછી આ પહેલો જન્મદિવસ છે. ચોમેર હર્ષોલ્લાસ છવાય એ સ્વાભાવિક છે. સંસદીય ચૂંટણી પર રામ મંદિર અને ભગવાન શ્રી રામની હાજરીથી શો ફેર પડશે એ તો આવનારા દિવસો દર્શાવશે. એક વાત નક્કી કે વ્યક્તિ તરીકે રામના વ્યક્તિત્વના એક કરતાં વધુ પરિમાણ છે. મથાળામાં કહ્યું એમ તમે કોઇ પણ દ્રષ્ટિથી જુઓ. અન્ય દિવ્ય અવતારોની તુલનામાં રામ નોખા તરી આવશે. ભારત નહીં, વિશ્વની કોઇ પણ માતા રામ જેવો પુત્ર ઇચ્છશે. સંતાનો રામ જેવા પિતા હોવાની અપેક્ષા રાખશે. રામ જેવો મિત્ર મળે એ વિરલ સદ્ભાગ્ય ગણાય. અરે, રામ જેવો શત્રુ મળે એ પણ પરમ સદ્ભાગ્ય ગણાવું જોઇએ. દશાનન રાવણે ભલે રામ માટે ગમે તેવાં ઉચ્ચારણો કર્યાં હોય, રામ કદી સૌજન્ય ચૂક્યા નથી. રાવણ પરાજિત થયા પછી અંતિમ શ્વાસ લઇ રહ્યો હતો ત્યારે પણ એના સદ્ગુણ રામ ભૂલ્યા નહોતા. એમણે લક્ષ્મણને કહ્યું કે જા, રાવણ રાજ્ય નીતિશાસ્ત્રનો અજોડ વિદ્વાન છે. એની પાસે જઇને રાજ્ય નીતિશાસ્ત્ર શીખી આવ. 

શિષ્ય તરીકે પણ રામ સર્વોત્તમ નીવડે છે. શસ્ત્રાસ્ત્રોની તાલીમ વિશ્વામિત્ર પાસેથી લીધા પછી એ વિદ્યાનો વિનિયોગ રામ ઋષિમુનિઓને તેમના દૈનંદિન કાર્યોમાં પરેશાન કરતા અસુરો-અસામાજિક પરિબળોને દંડ દેવામાં કરે છે. હાલના પોલિટિશીયનો ભલે રામ વિશે ગમે તેવા અભિપ્રાયો બકે, ગૂહરાજ અને ભીલ મહિલા શબરીનો મહિમા રામે કર્યો છે એવો બીજો દાખલો સમકાલીન ઇતિહાસમાં શોધ્યો જડે નહીં. ભગવાન શ્રી કૃષ્ણે જેમ દુર્યોધનના મેવા-મીઠાઇ ત્યજીને વિદૂરની ભાજીનો મહિમા વધાર્યો એમ રામે શબરીનાં એઠાં બોર આરોગીને દલિત મહિલાનો અદકેરો મહિમા કર્યો. ક્યારેક વિચારવા જેવું છે. આપણી સંસ્કૃતિનાં ત્રણ પ્રતીકો છે- શબરીનાં બોર, વિદૂરની ભાજી અને સુદામાના તાંદુલ.

વિદ્વાનો અને સમીક્ષકો માત્ર બે બાબતોમાં રામ વિશે જુદો અભિપ્રાય ધરાવે છે. પહેલી બાબત પતિ રામની છે. તમે વાલ્મીકિ કે તુલસીદાસ બેમાંથી એક પણનું રામાયણ વાંચ્યું હોય તો ખ્યાલ આવે. સીતામાતાએ એેક કરતાં વધુ વખત પોતાની પવિત્રતાના પુરાવા રૂપે અગ્નિપરીક્ષા આપી છે. છતાં રામ પત્નીનો ત્યાગ કરતાં અચકાતાં નથી. આ પત્નીત્યાગમાં પતિ પર રાજા હાવી થઇ જાય છે. સીતામાતા પોતાને વનમાં લઇ જતા લક્ષ્મણને પૂછે છે કે મને શા કારણે વનમાં લઇ જાઓ છો. લક્ષ્મણ જવાબ આપી શકતા નથી અને માત્ર આંસુ સારે છે.

યોગાનુયોગે પતિ અને રાજા બંને દ્રષ્ટિએ આ મુદ્દો લાગુ પડે છે.  જરાક વિચારવા જેવું છે. આજે રામરાજ્યની વાતો થાય છે, પણ એમ રામરાજ્ય રેઢું નથી પડયું. ત્રણ-ત્રણ ચાર-ચાર વખત અગ્નિપરીક્ષા આપ્યા છતાં માત્ર એક ધોબીના કહેવાથી રાજા રામ સીતામાતાનો ત્યાગ કરે છે, એવું આજે કયો પોલિટિશીયન કરી શકવાનો હતો? આજે તો પોતે આચરેલા કૌભાંડ સામે અવાજ ઊઠાવનારને સદાને માટે મૂગો કરી દેવાની કવાયત આચરવામાં આવે. એ જ વ્યવહારુ શાસક ગણાય. ચોરી ઉપર શિરજોરી કરનાર નેતા રામરાજ્ય સ્થાપવાની ગુલબાંગો મારે એ આજના રાજકારણની કરુણતા છે. એવો પોલિટિશીયન જ સફળ નેતા ગણાય છે. 

રામ વિશે આવું માનનારા વિદ્વાનો રામને પતિ તરીકે નિષ્ફળ ગણે છે. સીતામાતાને સતત અન્યાય થાય છે. એમની ધીરજ અને સહનશક્તિનો જોટો જડે એમ નથી. જીવનભર સહન કરવા છતાં એમના પતિપ્રેમમાં ઓટ આવતી નથી. પ્રેમની પરાકાષ્ઠા તો ત્યારે આવે છે જ્યારે સીતામાતા ધરતીમાતા પાસે આશ્રય માગે છે. ભગવતી વસુંધરે દેહિ મે વિવરમ્ એટલું કહ્યા પછી પતિને સંબોધીને કહે છે, જન્મજન્માંતરેપિ ત્વમેવ ભર્તા, ન ચ વિપ્રયોગઃ જન્મોજનમ તમે જ મારા પતિ થાઓ, પરંતુ આપણો વિરહ ન થાઓ.... કથાકારો રામનો ગમે તેટલો બચાવ કરે, પતિ તરીકે રામ એકસો ટકા શ્રેષ્ઠ ભરથાર પુરવાર થતા નથી.

ભગવાન શ્રી વશિષ્ઠે રામના રાજ્યાભિષેકનું મુહૂર્ત કાઢેલું અને રામે વનમાં જવું પડયું એ પરથી જ્યોતિષીઓ વિશે લોકોક્તિ વહેતી થઇ- ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે !

Gujarat