For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુડી પડવો પર્વના ગૂઢાર્થો જીવન ઉપયોગી અને સમજવા જેવા છે

Updated: Apr 9th, 2024

ગુડી પડવો પર્વના ગૂઢાર્થો જીવન ઉપયોગી અને સમજવા જેવા છે

- ટુ ધ પોઇન્ટ-અજિત પોપટ

આજે ચૈત્ર સુદ એકમ. ગુડી પડવો. મરાઠી પ્રજાનું એક સલૂણું પર્વ. આ પર્વ માત્ર મરાઠી પ્રજા પૂરતું મર્યાદિત નથી. આપણા સૌને માટે આ પર્વ મહત્ત્વનું છે. આજથી ચૈત્રી નવરાત્રિ શરૂ થાય છે. એનો પણ અનેરો મહિમા છે. આરોગ્યની સુખાકારી માટે પણ ચૈત્ર મહિનો મહત્ત્વનો છે. આ દરેક મુદ્દાને વિગતવાર સમજવાની આજે જરૂર છે. દરેક મુદ્દો માનવજીવનની પ્રગતિ માટે ઉપકારક છે. ક્યાંથી વાતનો આરંભ કરીશું?

ચૈત્રી નવરાત્રિ અને સાધનાથી વાતના શ્રી ગણેશ કરીએ. સાધના શબ્દથી ચોંકવાની જરૂર નથી. સાધના એટલે ઘરબાર ત્યજીને જંગલમાં જઇને પલાંઠી મારીને બેસી જવાની વાત નથી. સાધના શબ્દ જેટલો અઘરો લાગે છે એટલો નથી. સાધના કોઇ પણ વ્યક્તિ સમાજમાં રહીને પણ કરી શકે છે. તમે સાધના શબ્દનો શો અર્થ શો કરો છો એના પર આધાર છે. સાવ સાદીસીધી ભાષામાં કહીએ તો સાધના એટલે તમે જે કંઇ કામ કરતાં હો એ પૂરેપૂરી તન્મયતાથી, પૂરેપૂરી સમર્પિતતાથી કરો તો તમે પણ સાધક છો.

ઓશો આ વાત એક સરસ દ્રષ્ટાંતથી સમજાવતા. એક સ્થળે મંદિર બંધાઇ રહ્યું હતું. કડિયા, સલાટો, શિલ્પીઓ વગેરે પરિશ્રમ કરી રહ્યા હતા. એક દિવસ ત્યાંથી એક સાધુ નીકળ્યા. એમને કશોક વિચાર આવ્યો. એમણે એક શ્રમિકને પૂછયું, શું કરો છો, ભાઇ?

પોતે શું કરી રહ્યો છે એ નરી આંખે જોઇ શકાતું હોવા છતાં સાધુએ આવો સવાલ પૂછયો એટલે પેલાએ તોછડાઇથી કહ્યું, પથરા તોડું છું, દેખાતું નથી? સાધુ સહેજ મલક્યા અને આગળ ચાલ્યા. બીજા એક જણને પૂછયું, શું કરો છો, ભાઇ? પેટની આગ બુઝાવવા મજૂરી કરું છું, મહારાજ... પેલાએ જવાબ આપ્યો. સાધુ ફરી મલક્યા અને આગળ ચાલ્યા.

 ફરી એક સલાટને પૂછયું, શું કરો છો, ભાઇ? પેલાએ ઊંચું જોયું. સાધુને જોઇને પ્રણામ કર્યા અને કહ્યું, પ્રભુનું મંદિર બનાવવાની તક મળી છે એટલે ભક્તિ સમજીને આ પાષાણમાં પ્રાણ પૂરવાના પ્રયાસ કરું છું. સાધુ ખુશ થયા અને એને આશીર્વાદ આપીને પોતાને માર્ગે આગળ ચાલ્યા.

કામ તો ત્રણે શ્રમિક એક જ કરી રહ્યા હતા, પણ દરેકની એ કામની વ્યાખ્યા જુદી હતી. કામ કરવા ખાતર કરવું અને કામને સમર્પિતતાથી કરવું એ બંનેમાં ઘણો ફરક છે. ગુરુ દ્રોણ પાંડવો અને કૌરવોની પરીક્ષા લઇ રહ્યા હતા ત્યારે એક માત્ર અર્જુનને ઝાડ પર બેઠેલા પક્ષીની ફક્ત આંખ દેખાતી હતી. એ હતી કામ પ્રત્યેની સમર્પિતતા. અર્જુન વિદ્યાર્થી હતો અને વિદ્યાર્થીની સમર્પિતતા એટલે એકધ્યાને, એકચિત્તે અભ્યાસ. 

રહી વાત આરોગ્યની. આજનું આધુનિક તબીબી વિજ્ઞાાન પણ હવે સ્વીકારે છે કે ખાંડ અને નમક એ બે સફેદ ખાદ્ય પદાર્થ આરોગ્ય માટે હાનિકારક છે. આયુર્વેદ કહે છે કે ચૈત્ર માસમાં નમક ઓછામાં ઓછું ખાવું જોઇએ. ભલે નમક તમામ વાનગીના સ્વાદનું મૂળ ગણાતું હોય, આ માસમા નમક એકદમ ઓછું ખાવાથી નરવા રહેવાય છે. આ માસમાં સૌથી ઉત્તમ છે કટુ રસ. કડવા લીમડાનો રસ રોજ સવારે નરણે કોઠે એકાદ કપ જેટલો પી જવો. ત્યારબાદ અર્ધા કલાક પછી ચા-કોફી લઇ શકાય. ચૈત્ર મહિનામાં કડવો લીમડો અમૃત સમાન બની રહે છે. સ્વાદ ભલે કડવો હોય, એના ગુણ મીઠ્ઠા મધુર છે. આરોગ્યની તમામ ફરિયાદો ચૈત્ર મહિનામાં લીમડાનો રસ લેવાથી દૂર થઇ જાય.

આયુર્વેદમાં સંશમની વટી નામની એક અત્યંત ગુણકારી ટીકડી આવે છે. આ ગોળી કડવા લીમડાના અર્કમાંથી બને છે. કડવો લીમડો બીજી રીતે પણ ઉપકારક છે. કાળઝાળ ઉનાળામાં કડવા લીમડાની નીચે બેસવાથી કુદરતી ઠંડકનો અનુભવ થાય છે. આજે તો ટેલિવિઝન પર આવતી ધૂળ જેવી જાહેરખબરોએ ટૂથપેસ્ટનો મહિમા વધારી દીધો છે.

 હજુ થોડાં વરસ પહેલાં કડવા લીમડાના દાતણથી દાંત સાફ કરવાની સેંકડો વરસ જૂની પરંપરા હતી. આ દાતણથી મુખના તમામ રોગો દૂર રહેતા. આમ સ્વાદમાં કડવો લીમડો વાસ્તવમાં ખૂબ ઉપયોગી છે. ચૈત્ર મહિનાના આવા છે ગૂઢાર્થ. સમજદાર કો ઇશારા કાફી હૈ.

Gujarat