For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિલંબિત ન્યાયની બદનામી .

Updated: Apr 19th, 2024

વિલંબિત ન્યાયની બદનામી                                     .

ભારત એક વિલંબિત ન્યાયિક પ્રણાલિકા ધરાવતા દેશ તરીકે વૈશ્વિક બદનામી ધરાવે છે, જે બહુરાષ્ટ્રીય કંપનીઓના રોકાણના નિર્ણયોમાં પણ ભૂમિકા ભજવે છે. મહાકાય કંપનીઓ ભારતમાં રોકાણ કરતાં પહેલાં જે ચેકલિસ્ટ હાથમાં લે છે એમાં ન્યાયતંત્રની પ્રતિષ્ઠા પણ તપાસવાની હોય છે. ચાલુ સપ્તાહમાં સુનાવણી પૂર્ણ કર્યા બાદ દેશના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડે કહ્યું કે ઉચ્ચ ન્યાયાલય (હાઈકોર્ટે)ના ન્યાયાધીશો દ્વારા નિર્ણયોને લાંબા સમય સુધી અનામત રાખવાનું વલણ દેશના સમગ્ર ન્યાયતંત્ર માટે ચેતવણી સમાન છે. જે કેસમાં ચુકાદો ત્રણ મહિના માટે અનામત રાખવામાં આવ્યો છે તેના વિશે વિવિધ રાજ્યોના વડા ન્યાયાધીશો પાસેથી માહિતી માગતા, મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે તેમને જાણવા મળ્યું છે કે એવા કિસ્સાઓ પણ છે કે જ્યાં ચુકાદો ૧૦ મહિના માટે અનામત રાખવામાં આવ્યો છે. સૌથી ખરાબ, તેઓએ જોયું કે ઘણા ન્યાયાધીશોએ કેસોને આંશિક રીતે સાંભળ્યા પછી આગળ ધપાવ્યો, અને મુદત વીત્યે તેઓએ ફરીથી સાંભળવાની ફરજ પડી.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું તેમ, ૧૦ મહિના માટે ચુકાદો અટકાવવો એ ન્યાયિક સમયનો વેડફાટ છે, કારણ કે સંબંધિત ન્યાયાધીશને આટલા લાંબા સમય સુધી મૌખિક દલીલો ભાગ્યે જ યાદ હોય. આ પહેલી વાર નથી જ્યારે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને ઝડપ વધારવા માટે કહ્યું હોય. ઈ. સ. ૨૦૨૨ માં ફોજદારી કેસની સુનાવણી કરતી બે જજની બેન્ચે કહ્યું હતું કે સંબંધિત ઉચ્ચ અદાલતોને તમામ દલીલો પૂર્ણ થયા પછી શક્ય તેટલી વહેલી તકે ચૂકાદો સંભળાવવાની સલાહ આપવામાં આવે છે. જોકે, સુપ્રીમ કોર્ટ હાલમાં એક દુર્લભ યોગાનુયોગમાંથી પસાર થઈ રહી છે જ્યારે ન્યાયાધીશોનો કોરમ પૂર્ણ થઈ ગયો છે. હાઈકોર્ટમાં ૩૨૯ જગ્યાઓ ખાલી છે. નવાઈની વાત નથી કે સમયની સાથે હાઈકાર્ર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યા વધી રહી છે.

કારણ કે હાઇકોર્ટ અને તાબાની અદાલતો મળીને દેશની વ્યવસ્થામાં ન્યાયની ફ્રન્ટલાઇન બનાવે છે. આવી સ્થિતિમાં દેશના નાગરિકોને મોટા પાયે ન્યાય મળવો મુશ્કેલ બને છે. ચોક્કસપણે, કોર્ટમાં લાંબા સમયથી પેન્ડિંગ કેસ ભ્રષ્ટાચારની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. ન્યાયિક નિમણૂકોને લઈને વહીવટી તંત્ર અને ન્યાયતંત્ર વચ્ચેના મતભેદોને કારણે પણ સ્થિતિ વણસી છે, પરંતુ ન્યાયાધીશોની સંખ્યામાં ઘટાડો એ વિલંબિત દાસ્તાનનો જ એક ભાગ છે. સમગ્ર ન્યાયવ્યવસ્થા ખરાબ સ્થિતિમાં છે, ખાસ કરીને નીચલા સ્તરની. સરકાર પોતે માને છે કે કોર્ટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ અને સહાયક સ્ટાફની સંખ્યા અને તપાસ એજન્સીઓ અને કોર્ટની સૂચનાઓને સમજવા અને તેનું પાલન કરવા માટે વકીલ-પ્રતિવાદીઓના અભાવે પણ ન્યાયતંત્રના ચિત્રને અસર પહોંચાડી છે.

વારંવારની સ્થગિતતા અને અપીલોએ પણ અદાલતો પર બોજ વધાર્યો છ, જે કેન્દ્ર અને રાજ્ય સરકારોના કાયદાઓમાં વિસ્તરણને કારણે પહેલેથી જ દબાણ હેઠળ છે. તેની અસર ભારતના મુખ્ય આર્થિક ભાગીદારો દ્વારા મોડલ દ્વિપક્ષીય રોકાણ સંધિ દસ્તાવેજની પ્રક્રિયામાં જોઈ શકાય છે, જે જણાવે છે કે વિદેશી રોકાણકારોએ ભારતીય સિસ્ટમમાં તમામ ન્યાયિક ઉપક્રમોનું ચુસ્ત પાલન કરવું પડશે. તે પછી જ તેઓ મધ્યસ્થીનો પ્રયાસ કરી શકે છે. વોડાફોનને ભારતીય અદાલતોમાં તેના પૂર્વવર્તી ટેક્સ કેસનો ઉકેલ લાવવામાં ૧૩ વર્ષ લાગ્યાં અને આ એક ચેતવણીનો સંકેત છે. આ કેસને કારણે ટેકનોલોજીની દુનિયામાં ભારતની ઘણી બદનામી થઈ છે. હાઈકોર્ટની વર્તણૂક પર જસ્ટિસ ચંદ્રચુડની ટિપ્પણીઓ સમસ્યાના માત્ર એક પાસાને નિર્દેશ કરે છે, પરંતુ તે આપણને યાદ અપાવે છે કે કેન્દ્રીય અને રાજ્ય સ્તરે ન્યાયિક સુધારા પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.

ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને મજબૂત આર્થિક, સામાજિક અને રાજકીય વ્યવસ્થા જાળવવા માટે તેને વિશ્વ કક્ષાની ન્યાયિક વ્યવસ્થાની જરૂર છે. ભારત સરકારના અગ્રતાક્રમોમાં ન્યાયતંત્ર કોઈ ને કોઈ વિવાદમાં છે. હમણાં જ એકવીસ પૂર્વ ન્યાયાધીશોએ સર્વોચ્ચના મુખ્ય ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડને લાંબો પત્ર લખીને આપ્યો છે જેનો સારાંશ એ છે કે દેશનાં કેટલાક રાજકીય દુરિત તત્ત્વો ન્યાયતંત્રને પોતાની ઈચ્છા પ્રમાણે ચલાવવા દબાણ કરે છે જે લોકશાહી પરનો ખતરનાક આંતરિક હુમલો છે. હવે નવી સરકારે એ જોવાનું રહે છે કે સર્વોચ્ચ અદાલતની ટકોર પ્રમાણે હાઈકોર્ટમાં ન્યાયાધીશોની રિક્તતાની પરિપૂર્તિ ઝડપથી કરે અને ન્યાયતંત્ર વિલંબ ન કરે.

Gujarat