Mohsin Naqvi T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026માં ભારત સામે મળેલી કારમી હાર બાદ પાકિસ્તાન ક્રિકેટમાં હલચલ તેજ થઈ ગઈ છે. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ હાઇ-વોલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાનને 61 રનથી કારમી હાર આપીને આ ફોર્મેટમાં પોતાની સૌથી મોટી જીત નોંધાવી છે. પાકિસ્તાનની આ કારમી હાર બાદ માત્ર સોશિયલ મીડિયા પર જ નહીં, પરંતુ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરો અને નિષ્ણાતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો તેને પાકિસ્તાની ક્રિકેટના ઇતિહાસનો સૌથી 'અંધકારમય તબક્કો' ગણાવી રહ્યા છે. આ વચ્ચે હવે PCB અધ્યક્ષ મોહસિન નકવીએ પોતાનો રોષ ઠાલવતા ટીમને વોર્નિંગ આપી દીધી છે.
ભારત સામે મળેલી કારમી હાર બાદ મોહસીન નકવીએ પિત્તો ગુમાવ્યો
આ એકતરફી મુકાબલા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)ના અધ્યક્ષ મોહસીન નકવીએ પિત્તો ગુમાવી દીધો અને તેમણે ટીમના પ્રદર્શન પર ભારે નારાજગી વ્યક્ત કરી છે.
વાસ્તવમાં ભારત-પાકિસ્તાન મુકાબલા પહેલા જ આ મેચનો માહોલ ગરમ હતો. ભારત સામેની મેચનો પાકિસ્તાન દ્વારા બહિષ્કાર કરવાની ચર્ચાએ હેડલાઇન્સ બનાવી હતી, જેનાથી મેચનું દબાણ વધુ વધી ગયું હતું. પરંતુ મેદાન પર જે થયું તેનાથી આ હાઇ-વોલ્ટેજ મુકાબલાના રોમાંચ પર સવાલ ઊભા થયા છે.
આ હાઇ-વોલ્ટેજ મેચમાં ભારતીય ટીમનો દબદબો
સૂર્યકુમાર યાદવની કૅપ્ટનશીપમાં ભારતીય બેટ્સમેનોએ દબદબો બનાવ્યો અને બોલરોએ પણ પાકિસ્તાનને કોઈ તક ન આપી. એક અહેવાલ પ્રમાણે PCB અધ્યક્ષ મોહસીન નકવી મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર હતા, પરંતુ જેવી પાકિસ્તાનની હાર થતી દેખાવા લાગી તેઓ સ્ટેડિયમમાંથી નીકળી ગયા હતા.
મહત્ત્વપૂર્ણ મુકાબલામાં આવું પ્રદર્શન અસ્વીકાર્ય
રિપોર્ટમાં સૂત્રોના હવાલે જણાવવામાં આવ્યું છે કે, તેમણે ટીમ મેનેજર નાવેદ અકરમ ચીમાના માધ્યમથી ખેલાડીઓ સુધી પોતાની નારાજગી પહોંચાડી છે. તેમણે ખેલાડીઓને સ્પષ્ટ વોર્નિંગ આપી છે કે, 'મહત્ત્વપૂર્ણ મુકાબલામાં આવું પ્રદર્શન ન તો સમજાઈ રહ્યું છે અને ન તો તે સ્વીકાર્ય છે.'
ટીમમાં મોટા ફેરફાર નક્કી
આ હાર બાદ ટીમની અંદર પણ મંથન શરુ થઈ ગયું છે. ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ સાથે વાત કરતાં હેડ કોચ માઇક હેસને કહ્યું કે, ટીમે પોતાની સંપૂર્ણ ક્ષમતા પ્રમાણે પ્રદર્શન નથી કર્યું. મોડી રાત્રે યોજાયેલી મેનેજમેન્ટ મીટિંગમાં મોટા નિર્ણયો પર ચર્ચા થઈ અને આગામી મેચ માટે સંભવિત ફેરફારોનો સંકેત આપવામાં આવ્યો હતો. રિપોર્ટ પ્રમાણે સ્ટાર ખેલાડીઓને આરામ આપીને સલમાન મિર્ઝા, નસીમ શાહ અથવા ફખર ઝમાન જેવા વિકલ્પોને અજમાવવા પર વિચાર કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનની રાહ મુશ્કેલ
પાકિસ્તાન માટે આગળની રાહ સરળ નથી. સુપર-8 સ્ટેજમાં સ્થાન મેળવવા માટે નામિબિયા સામે જીત અનિવાર્ય થઈ ગઈ છે. ટીમે અગાઉ USA અને નેધરલૅન્ડ્સ જેવી નીચલા રેન્કિંગ વાળી ટીમોને હરાવી હતી, પરંતુ ભારત સામે મળેલી હારે તેની સ્થિતિ અસ્થિર બનાવી દીધી છે. હવે, જો નામિબિયા પાકિસ્તાન સામેની તેની અંતિમ મેચ જીતી જાય છે, તો પાકિસ્તાન ગ્રૂપ સ્ટેજમાંથી જ બહાર થઈ જશે.


