For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચૂંટણીના ફાઈનલ આંકડા જાહેર, ભાવનગર લોકસભા બેઠક પર 53.92 ટકા મતદાન નોંધાયુ

Updated: May 9th, 2024

ચૂંટણીના ફાઈનલ આંકડા જાહેર, ભાવનગર લોકસભા બેઠક પર 53.92 ટકા મતદાન નોંધાયુ

- ચૂંટણી પૂર્ણ થયા બાદ તંત્રએ અંદાજીત 53.73 ટકા મતદાનનો આંકડો જાહેર કર્યો હતો 

- 5,70,888 પુરૂષ, 4,62,728 સ્ત્રી અને 13 અન્ય મળી કુલ 10,33,629 મતદારોએ મતદાન કર્યુ, ગત લોકસભાની ચૂંટણીની સરખામણીએ 4.97 ટકા ઓછું મતદાન નોંધાયુ 

ભાવનગર : લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ગત મંગળવારે મતદાન યોજાયુ હતુ, જેમાં ભાવનગર લોકસભા બેઠક પર આશરે પ૩.૭૩ ટકા મતદાન નોંધાયુ હોવાનુ તંત્રએ જણાવ્યુ હતુ પરંતુ આજે બુધવારે ચૂંટણી તંત્રએ સત્તાવાર આંકડા જાહેર કર્યા છે, જેમાં ભાવનગર લોકસભા બેઠક પર પ૩.૯ર ટકા મતદાન નોંધાયુ છે. ગત ચૂંટણીની સરખામણીએ મતદાન ઘટયુ છે તેથી નિરશ મતદાન રહ્યુ છે તેમ કહી શકાય. ૧૩ ઉમેદવારના ભાવિ ઇવીએમમાં કેદ થઈ ગયુ છે.  

ભાવનગર લોકસભા બેઠક પર ગત મંગળવારે આશરે પ૩.૭૩ ટકા નિરશ મતદાન નોંધાયુ હતુ પરંતુ આજે બુધવારે ચૂંટણી તંત્રએ સત્તાવાર ફાઈનલ આંકડો જાહેર કર્યો છે, જેમાં ભાવનગર લોકસભા બેઠક પર પ૩.૯ર ટકા મતદાન નોંધાયુ છે, જેમાં પ,૭૦,૮૮૮ પુરૂષ, ૪,૬ર,૭ર૮ સ્ત્રી અને ૧૩ અન્ય મળી કુલ ૧૦,૩૩,૬ર૯ મતદારોએ મતદાન કર્યુ હતું. ચૂંટણી તંત્રની કામગીરી મોડીરાત સુધી ચાલી હતી તેથી સત્તાવાર આંકડા મોડા જાહેર કરવામાં આવ્યા હતાં. આ ચૂંટણીમાં ગત લોકસભા-ર૦૧૯ની ચૂંટણીની સરખામણીએ આશરે ૪.૯૭ ટકા ઓછું મતદાન નોંધાયુ છે. ગત લોકસભાની ચૂંટણીમાં આશરે પ૮.૮૯ ટકા મતદાન નોંધાયુ હતું. મતદાન ઘટતા રાજકીય પાર્ટીઓની ચિંતા વધી છે અને ખાસ કરી સત્તાધારી ભાજપના નેતાઓ મુંઝવણમાં હોવાનુ ચર્ચાય રહ્યુ છે. ઓછું મતદાન કોને ફળે છે અને કોને નડે છે ? તેની રાહ જોવી જ રહી. 

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપ અને આપ બંને પાર્ટીના ઉમેદવાર જીતના દાવા કરે છે ત્યારે આગામી તા. ૪ જૂને પરિણામના દિવસે કયાં ઉમેદવારોનો દાવો સાચો પડશે ? તે જાણવા મળશે. હાલ ૧૩ ઉમેદવારનુ ભાવિ ઇવીએમમાં સીલ થઈ ગયુ છે અને ચૂંટણી તંત્રએ હાલ ઇવીએમ સ્ટ્રોંગરૂમમાં ગોઠવી દીધા છે. મતદાનના દિવસે ગરમી વધુ હોવાથી મતદાન ઓછું થયુ, ક્ષત્રિય આંદોલનની ઇફેકટ, ચૂંટણીમાં કોઈ મહત્વનો મુદ્દો નહીં હોવાથી મતદાન ઓછું થયુ સહિતની ચર્ચા લોકમુખે થઈ રહી છે. 

ચૂંટણી તંત્રની કામગીરી સવાર સુધી ચાલી 

ભાવનગર લોકસભાની ચૂંટણી ગત મંગળવારે સાંજે ૬ કલાકે પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ ચૂંટણીની કામગીરી સવાર સુધી ચાલી હોવાનુ જાણવા મળેલ છે. ભાવનગર લોકસભા બેઠક પર હેઠળ સાત વિધાનસભા બેઠક આવે છે, જેમાં ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ભાવનગર ગ્રામ્ય, તળાજા, પાલિતાણા, બોટાદ અને ગઢડા બેઠકનો સમાવેશ થાય છે. મતદાન પૂર્ણ થયા બાદ કર્મચારીઓએ ફરી તેના સેન્ટર પર ઇવીએમ સાથે પહોંચવાનુ હોય છે. શહેરની બંને વિધાનસભાના ચૂંટણી કર્મચારીઓ પોતાના સેન્ટર પર વહેલા પહોંચી ગયા હતા અને તેઓએ મોડીરાત્રીના ઇવીએમ સ્ટ્રોંગરૂમમાં જમા કરાવ્યા હતા, જયારે અન્ય પાંચ બેઠકના ચૂંટણી કર્મચારીઓ ગામડાના મતદાન મથકથી આવતા હોવાથી મોડા પહોંચ્યા હતા, આ વિધાનસભાના ઇવીએમ વહેલી સવારે સ્ટ્રોંગરૂમમાં જમા કરાવવામાં આવ્યા હતાં. આ ઉપરાંત સ્કૂટીનીની કામગીરી કરવામાં આવી હતી તેથી કલેક્ટર કચેરીનો સ્ટાફ ગઈકાલ મંગળવારથી લઈ આજે બુધવારે સાંજ સુધી કામમાં વ્યસ્ત જોવા મળ્યો હતો.  

Gujarat