For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Biparjoy વાવાઝોડાનું નામ કેવી રીતે પડ્યું? તેની તાકાત કેટલી છે? આવા જ દરેક સવાલોના જવાબ આ રહ્યાં

બિપરજોયની વાત કરીએ તો તે બંગાળી ભાષામાંથી લેવામાં આવેલો શબ્દ છે, તેનો શાબ્દિક અર્થ 'આપત્તિ' થાય

ગુજરાતના કચ્છ, જામનગર, રાજકોટ દેવભુમ દ્વારકા, પોરબંદર અને મોરબી જિલ્લામાં પવન ખૂબ જ ઝડપથી ફૂંકાશે

Updated: Jun 15th, 2023

Biparjoy વાવાઝોડાનું નામ કેવી રીતે પડ્યું? તેની તાકાત કેટલી છે? આવા જ દરેક સવાલોના જવાબ આ રહ્યાં

image : Twitter


શક્તિશાળી વાવાઝોડું  બિપરજોય ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તે આજે સાંજ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે. જેને લઈને રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં છે. તેનાથી બચવા માટે લગભગ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તે જ સમયે દરિયો પણ છેલ્લા ઘણા દિવસોથી તોફાની જોવા મળી રહ્યો છે. જોરદાર પવન અને ભારે વરસાદના કારણે ખતરાની શક્યતા વધી રહી છે. જો કે આ અંગે લોકોના મનમાં ઘણા પ્રશ્નો છે, જેમ કે તે આ વાવાઝોડું કયા વિસ્તારોને અસર કરશે, તે કેટલો સમય ચાલશે, તેનું નામ બિપરજોય કેવી રીતે પડ્યું અને આ ચક્રવાત કેવી રીતે બને છે. જાણો આવા જ 10 મહત્વના પ્રશ્નોના જવાબ...

સવાલ 1: બિપરજોય નામ કેવી રીતે પડ્યું?

જવાબ :  અહેવાલ અનુસાર 18મી સદી સુધી વાવાઝોડાને કેથોલિક સંતોના નામ આપવામાં આવતા હતા. ધીમે ધીમે સમય બદલાયો, 19મી સદીમાં તેના નામ મહિલાઓના નામ પરથી રાખવામાં આવ્યા. પછી 1979 પછી તેને એક માણસનું નામ પણ મળ્યું. બિપરજોયની વાત કરીએ તો તે બંગાળી ભાષામાંથી લેવામાં આવેલો શબ્દ છે, તેનો શાબ્દિક અર્થ 'આપત્તિ' થાય છે. બાંગ્લાદેશે આ નામ આપ્યું છે.

સવાલ 2 :  તેનાથી કેટલો વિનાશ થશે?

જવાબ : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, જૂનાગઢ અને રાજકોટ સહિત અનેક જિલ્લાઓ આ ચક્રવાતની લપેટમાં આવશે. આ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની પણ સંભાવના છે. 16 જૂને વાવાઝોડું રાજસ્થાનના કેટલાક વિસ્તારોને અસર કરશે. 15 જૂન સુધી બિપરજોયના વિસ્તારોમાં 95 ટ્રેનો રદ કરવામાં આવી છે. નિષ્ણાતોના મતે, ચક્રવાત દરમિયાન પવનની ઝડપ 150 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે. તેના લીધે પાકા-કાચા મકાનો પર અસર થશે. વીજળીના થાંલા-ટાવર્સ પડી શકે છે. માર્ગો ડેમેજ થશે. સિગ્નલ સિસ્ટમ વિખેરાઈ શકે છે. પાકને નુકસાન થશે. ફળદાર વૃક્ષો પડી શકે છે. નાની બોટ વહી જઈ શકે છે. 

સવાલ 3 : તે ક્યાં વિનાશ સર્જશે?

જવાબ : 6 જૂન, 2023 ના રોજ અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડું ઉભો થયો. શરૂઆતના દિવસોમાં તે પાકિસ્તાનના કરાચી તરફ આગળ વધ્યું, પરંતુ પછી તે તેનો માર્ગ બદલીને ગુજરાત તરફ આવી રહ્યું છે. 12 જૂને પોરબંદરથી 320 કિમી દૂર  હોવાની માહિતી બહાર આવી હતી. તેના પર હવામાન વિભાગે આજે (15 જૂન) ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સાથે બિપરજોય અથડાવાની આશંકા વ્યક્ત કરી છે. આ દરમિયાન 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાશે. તેની લપેટમાં કચ્છ, પોરબંદર, જામનગર, મોરબી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને રાજકોટ સહિતના અનેક જિલ્લાઓ આવશે.

સવાલ 4 :  તે કેટલો શક્તિશાળી હશે?

જવાબ : આ મામલે IMDના DG મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા મુજબ, બિપરજોય ચક્રવાત આજે સાંજે 4 થી 8 વાગ્યાની વચ્ચે દરિયાકાંઠે ત્રાટશે. તેની સૌથી વધુ અસર ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના જખૌ બંદર પર પડશે. આ સિવાય આ ચક્રવાત પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં પણ ટકરાશે. ગુજરાતના કચ્છ, જામનગર, રાજકોટ દેવભુમ દ્વારકા, પોરબંદર અને મોરબી જિલ્લામાં પવન ખૂબ જ ઝડપથી ફૂંકાશે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં સવારે 125 થી 135 કિમી પ્રતિ કલાક અને સાંજ સુધીમાં 150 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે. સાથે જ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. તેની અસર બીજા દિવસે પણ જોવા મળશે. આ દરમિયાન રાજસ્થાનના વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ પડી શકે છે.

સવાલ 5 :  કેટલું નુકસાન થઈ શકે?

જવાબ : અહેવાલ અનુસાર આ વાવાઝોડાને કારણે 1700થી વધુ ગામડાઓ, 75 દરિયાકાંઠાના શહેરો અને 41 બંદરો જોખમમાં છે. અત્યાર સુધીમાં 74000 લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા છે. સાથે જ હજારો માછીમારોને પણ આની અસર થશે. બિપરજોયને ધ્યાનમાં રાખીને, નિષ્ણાતો કહે છે કે ગુજરાતે ઓડિશા પાસેથી શીખવું જોઈએ, જ્યાં સામાન્ય રીતે દર વર્ષે ચક્રવાત આવે છે. અન્ય દરિયાકાંઠાના રાજ્યો કરતાં ઓડિશા સારી રીતે તૈયાર રહે છે.

સવાલ 6 : સરકારો કેટલી તૈયાર છે?

જવાબ : આ વાવાઝોડાને જોતા ગુજરાતમાં SDRFની 10 ટીમો અને NDRFની 18 ટીમો તૈનાત કરવામાં આવી છે ત્રણ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ સાથે માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તે જ સમયે, અત્યાર સુધીમાં 21000 થી વધુ બોટ પાર્ક કરવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે વરિષ્ઠ મંત્રીઓને આગોતરા આયોજન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની જવાબદારી સોંપી છે. તેમને તાત્કાલિક ગ્રાઉન્ડ પર પહોંચવાની સૂચના આપવામાં આવી છે. છ જિલ્લામાં પહેલેથી જ આશ્રય ગૃહો બનાવવામાં આવ્યા છે. આ સાથે બીચથી 10 કિલોમીટરના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે.

સવાલ 7 : તેનાથી પાકિસ્તાનને કેટલું નુકસાન થશે?

જવાબ : બિપરજોય ચક્રવાત પવનની ઝડપ સાથે આજે બપોરના સુમારે પાકિસ્તાનના કરાચીને પાર કરે તેવી સંભાવના છે. આ દરમિયાન 135 થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સાથે જ ભારે વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.કરાચી વચ્ચે ભૂસ્ખલન થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

સવાલ 8 : અન્ય રાજ્યોમાં તેની અસર?

જવાબ : ગુજરાત અને રાજસ્થાનના કેટલાક વિસ્તારો સિવાય દેશના બાકીના રાજ્યો પર તેની કોઈ ખાસ અસર થશે નહીં. જોકે અહેવાલ અનુસાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ સહિત ઉત્તર-પૂર્વના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. તે જ સમયે, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની અપેક્ષા છે. જ્યારે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી અને યુપીમાં બિપરજોયની ઈફેક્ટ દેખાશે. અહીં આગામી દિવસોમાં વરસાદી માહોલ જોવા મળશે. પશ્ચિમ ભારતની વાત કરીએ તો અહીં ગોવા અને મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની અપેક્ષા છે. જોકે ચક્રવાતની વધુ અસર ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળશે. તે જ સમયે, દક્ષિણ ભારતના કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદ ચાલુ રહેશે. પરંતુ બિહાર, ઝારખંડ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઓડિશાના કેટલાક વિસ્તારો હીટવેવથી પ્રભાવિત થશે.

સવાલ 9 : ચોમાસાની ગતિ પર અસર?

જવાબ : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય ચક્રવાતને કારણે, ચોમાસું વધુ તીવ્ર થવાની ધારણા છે. આ વાવાઝોડાને કારણે તમામ ભેજ ગુજરાતમાંથી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફ જશે. જેના કારણે આ વિસ્તારોમાં ચોમાસું પહોંચી શકે છે. આજ પછી આ વિસ્તારોમાં પ્રિ-મોન્સુન વરસાદની શક્યતા વધી જશે.

સવાલ 10 : ચક્રવાત કેવી રીતે બને છે?

જવાબ : અહેવાલ અનુસાર, સાયક્લોન શબ્દ ગ્રીક ભાષાના સાયક્લોસ પરથી લેવામાં આવ્યો છે. તેનો અર્થ સાપની કુંડળી થાય છે. તેને એવું એટલા માટે પણ કહેવામાં આવે છે કારણ કે તે સમુદ્રમાં વીંટળાયેલા સાપની જેમ દેખાય છે. આ ગોળાકાર વાવાઝોડા છે જે ગરમ સમુદ્રો પર રચાય છે. બીજી બાજુ, જ્યારે તેઓ જમીન પર પટકાય છે, ત્યારે તેઓ તેમની સાથે ભારે વરસાદ અને ભારે પવન લાવે છે.


Gujarat