For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બાળપણની દુ:ખદ યાદો હજી મસ્કનો પીછો નથી છોડતી..

Updated: Mar 13th, 2024

બાળપણની દુ:ખદ યાદો હજી મસ્કનો પીછો નથી છોડતી..

- બાળપણના અનુભવોથી મસ્કના મનમાં એક વાત ઘર કરી ગઈ છે : જિન્દગી દુ:ખ/પીડા છે..

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-8

- ઈલોન મસ્કના ચંચળ સ્વભાવનું પત્ની જસ્ટિન દ્વારા સચોટ વિશ્લેષણ

- મસ્કનો નાનોભાઈ કિમ્બલ મોટાભાઈ-ભાભીના રોજના ઝઘડા જોઈ ડઘાઈ જતો

બન્ને ભાઇઓ તેમના પિતા વિશેની વાત આગળ વધારતા કહે છે કે અમારા પિતા ઘણી વખત આવી પાયા વગરની કલ્પી કાઢેલી મનઘડંત વાતો કરતા રહે છે. તેમનું વ્યક્તિત્વ જેકિલ-એન્ડ-હાઇડ (Jekyll-and-Hyde) જેવું છે. હમણાં બહુ જ ડાહી ડાહી અને ફ્રેન્ડલિ વાતો કરતા હોય અને બીજી જ મિનિટે તેઓ ગુસ્સે થઇ કલાક સુધી ગમે તેમ બેફામ બોલવાનું શરૂ કરી દે છે.

મસ્કને પેલા તોફાની બારકસે માર્યા પછી એ ઘેર આવ્યો ત્યારે તેને સાંત્વન આપી સહાનુભૂતિના બે સારા શબ્દો કહેવાના બદલે પિતાએ એને ખૂબ ખખડાવ્યો અને જ્યાં સુધી ખખડાવવાનું પુરૃં ન થયું, ત્યાં સુધી મસ્કને પિતાએ ત્યાંથી ખસવા નહોતો દીધો. ઇલોનને જ્યારે પણ ખખડાવે તે પછી દર વખતે પિતાજી અંતે એને કહેતા કે તું તો સાવ નકામો છે. આવી સ્થિતિ મસ્ક માટે માનસિક અત્યાચારરૂપ  બની જતી હતી. કોઇપણ સ્થિતિને ''ટેરિબલ'' બનાવી દેવાનું મારા પિતા  સારી રીતે જાણતા હતા.

ઇલોનના પિતા એરોલ મસ્ક કહે છે, સાઉથ આફ્રિકામાં હિંસાખોરી (Violence) એ તો લર્નિંગ એક્સપીરિયન્સના એક ભાગરૂપે છે. હિંસાખોરીમાંથી જ જીવનના કેટલાક પાઠ શીખવા મળે છે એવું એરોલ મસ્કનું કહેવું છે. તેઓ વાતને આગળ વધારતા કહે છે,  બે જણ તમને નીચે પાડી દે છે, જ્યારે ત્રીજો તમારા મોઢા પર લાકડીના ફટકા મારે. સ્કૂલમાં દાખલ થનાર નવા વિદ્યાર્થીઓને એ સ્કૂલમાં તેમના પહેલા જ દિવસે તોફાની બારકસ જેવા વિદ્યાર્થીઓ સાથે લડવા-ઝઘડવાની ફરજ પાડવામાં આવે છે.

આટલું કહ્યા પછી મસ્કના પિતા કબૂલ કરે છે કે હું મારા છોકરાઓ સાથે ગલીના દાદા જેવો વ્યવહાર કરતો હતો. અને પછી પોતાનો અભિગમ વધુ સ્પષ્ટ કરતા કહે છે, ''મોટો થઇને ઇલોન પણ આવી જ આપખુદી બીજાઓ સાથે કરશે.''

ઇલોન મસ્કના કિસ્સામાં બન્યું છે એવું કે તેમના પિતાની આ પ્રકારની આપખુદશાહી જેવી કે ગલીના દાદા જેવી વર્તણૂંક તેમના (મસ્કના) મગજમાં ઘર કરી ગઇ છે. મસ્કે તેમના મગજમાંથી આ બધી જૂની યાદો અને બાળપણના અનુભવોને મિટાવી જેવા ઘણી કોશિશ કરી છે, પણ તેઓ તેમના મનોજગતમાંથી આ બધી કડવી વાતોને 'મગજવટો' આપી શક્યા નથી.

આનું પરિણામ એ આવ્યું છે કે ઇલોન મસ્કના મુડનું ચક્કર બદલાતું રહે છે : ક્યારેક એકદમ હળવા મુડમાં હોય તો થોડીવાર પછી તદ્દન ઉગ્ર મુડમાં આવી જતા તેમને વાર નથી લાગતી. કદીક તેઓ એકદમ લાગણીશીલ હોય તો બીજી જ મિનિટે તેઓ તદ્દન અલિપ્ત બની જાય છે. તેમની આસપાસના લોકોનું કહેવું છે કે તેઓ સંવેદનશીલ હોય તેની થોડીવારમાં જ અચાનક તેઓ તદ્દન નિ:સ્પૃહી અને અનાસકત બની જાય પણ ક્યારેક તેમનું પિશાચી કે શયતાની સ્વરૂપ જોઇને નિકટના લોકો પણ ગભરાઇ ઉઠે છે.  જો કે મસ્ક તેમના પિતાની જેમ પોતાના બાળકો સાથે આપખુદી વર્તાવ ક્યારેય નથી કરતા, બાળકોની તેઓ ખૂબ સારી સંભાળ રાખે છે. પરંતુ મસ્કની માતાના કહેવા મુજબ મસ્ક ક્યારે તેના પિતા જેવો બની જશે તે કહેવાય નહીં, મસ્ક તેના પિતા જેવો જ ક્યારેક વર્તાવ કરી બેસશે, એવો સતત ભય રહેતો હોય છે.

મસ્કની પહેલી પત્ની જસ્ટિન કહે છે કે તમારા પિતા બાળપણમાં તમને જો વારંવાર ઇડિયટ કહીને ટોક્યા કરતા હોય તો તમારામાં લાગણીશીલતા જગાવવા માટેનો ''વાલ્વ'' તદ્દન બંધ થઇ જાય છે, જેના પગલે મસ્ક નિષ્ઠુર અને સંવેદનહીન શાયદ બની શકે છે પણ તેનું બીજું સકારાત્મક પાસું એ છે કે એનાથી મસ્ક મોટું જોખમ લઇ શકતા ''Innovator'' પણ બન્યા છે.

મસ્કના વર્તાવ અને સ્વભાવ વિશેનું પોતાનું અર્થઘટન આગળ વધારતા જસ્ટિન કહે છે (મસ્કે બાળપણમાં શાળામાં તોફાની વિદ્યાર્થીઓનો માર ખાધો અને ઘેર પિતા વારંવાર વિના કારણે ખખડાવ્યા કરતા, એથી) મસ્કે તેમના મગજની ભયગ્રંથિનું દ્વાર જ બંધ કરી દેવાનું શીખી લીધું. તમે જો ડરવાનું / ગભરાવાનું બંધ કરી દીધું તો કદાચ તમારે બીજી કેટલીક લાગણીઓ, જેમ કે આનંદ અને સહાનુભૂતિની લાગણી પણ બંધ કરી દેવી પડે.

મસ્કના બીજા પત્નીનું કહેવું છે કે બાળપણના બનાવો, અનુભવોથી તેમના મનમાં એક વાત ઘર કરી છે કે Life is Pain. જિન્દગી એક દુ:ખ, પીડા માત્ર છે.

આ વાત સાથે સહમત થતા મસ્ક કહે છે પ્રતિકૂળ અને આપત્તિજનક સંજોગોએ મારૃં ઘડતર કર્યૂં છે. આથી દુ:ખ કે પીડા-વ્યથા સહેવાની મારી ક્ષમતા ઘણી વધી ગઇ છે.

તેમનો ઉછેર અને તેમના મગજનું હાર્ડવાયરિંગ (Hardwiring) મસ્કને ક્યારેક ક્યારેક કઠોર અને નિષ્ઠુર તેમજ તરંગી, મનસ્વી કે આવેશમય પણ બનાવી દે છે. સાથે સાથે  જોખમ લેવાની તેમની ક્ષમતા પણ અસાધારણરીતે ઘણી વધારી દે છે. બહુ ઠંડા કલેજે એ બધી ગણતરી કરી શકે છે.

જોખમ લેવાનું મસ્કને બહુ ગમે છે, ક્યારેક જોખમ લેવાનું તેમને વળગણ વળગી જાય છે. મસ્ક એ પૈકીના એક માણસ છે કે જેઓ વાવંટોળ આવવાનો હોય તેવા સંજોગોમાં પોતાને ખૂબ ચેતનવંતા મહેસૂસ કરે છે.

તેમના માસૂમ દીકરા નેવાડાની ચીર વિદાય પછી ઇલોન મસ્ક અને પત્ની જસ્ટિન ફરી સંતાન પ્રાપ્તિ માટે આતુરતાથી ઝુરવા માંડયા. જસ્ટિનને કૃત્રિમ ગર્ભાધાન માટે તેઓ ગાયનેકોલોજિસ્ટને મળ્યા.

વર્ષ ૨૦૦૪માં જસ્ટિને જોડીયા બાળકોને જન્મ આપ્યો. - ગ્રીફિન અને ઝેવિયર. બે વર્ષ બાદ જસ્ટિન ફરી IVF (In Vitro Fertilizatiaon) દ્વારા સગર્ભા બની. આ વખતે જસ્ટિનને ટ્રિપ્લેટસ - ત્રણ બાળકો જન્મ્યા.- કાઇ, સેકસોન અને ડેમિઅન.

લગ્ન જીવનના શરૂઆતના સમયગાળાને યાદ કરતા જસ્ટિન કહે છે, ત્યારે અમે સિલિકોન વેલિમાં એક નાનકડા ફલેટમાં રહેતા હતા અને અત્યારે અમે લોસ એન્જેલસમાં ૬૦૦૦ સ્કવેર ફૂટના આલિશાન બંગલામાં રહીએ છીએ. 

મસ્ક અને પત્ની જસ્ટિનના સ્વભાવ અલગ હોવાથી બન્ને વચ્ચે ઘરસંસારમાં ઘર્ષણ ચાલ્યા કરતું હતું. પણ વચ્ચે વચ્ચે બન્નેના સંબંધમાં પ્રણયની નજાકતનો ગુલાબી રંગ પણ છલકાઇ જતો હતો.

સામાજિક સંબંધો રાખવામાં મસ્ક કાચા હતા પણ સેલેબ્રિટિઓની પાર્ટીમાં જવાનું અને ત્યાં વહેલી સવાર સુધી આનંદ-પ્રમોદ લૂંટવાનું મસ્કને પસંદ પડતું હતું.

ગૃહસ્થ જીવનમાં તેમના  મૂળભૂત સ્વભાવ પ્રમાણે મસ્ક ઘણી વખત પિત્તો ગુમાવી જસ્ટિન સાથે ઘર્ષણમાં ઊતરી પડતા હતા.

(ક્રમશ:)

Gujarat