For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોલેજ કાળમાં મોનિટર મન્ડેલા ધર્મસંકટમાં મુકાઈ ગયા..

Updated: Apr 10th, 2024

કોલેજ કાળમાં મોનિટર મન્ડેલા ધર્મસંકટમાં મુકાઈ ગયા..

- કોલેજમાં અભ્યાસકાળ દરમિયાન નેલ્સન મન્ડેલાના જીવનના કેટલાક રસપ્રદ પ્રસંગો..

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-2

- નિયમ ભંગ કરનાર  સ્ટુન્ડન્ટસને દંડ કરવાના બદલે મન્ડેલાએ છોડી દીધા..

- ગોરા મેજિસ્ટ્રેટને મોઢામોઢ ના પાડી દેનાર મન્ડેલાના ફ્રેન્ડ પોલની ખુમારી

પાંચ વર્ષની નાની ઉંમરથી જ હું અમારા ઘેટા-બકરા અને વાછરડા ચરાવવા ગામના ગોચરમાં લઈ જતો હતો. ખુલ્લા ખેતરોમાં ગોફણથી ઊડતાં પક્ષીઓને નીચે પાડવાનું હું બાળ વયથી જ શીખી ગયો..

નેલ્સન મન્ડેલાએ "Long Walk to Freedom"  નામના તેમના જીવન વૃંતાત પુસ્તકમાં કોલેજ કાળના કેટલાક રોચક પ્રસંગોનું સુંદર નિરૂપણ કર્યં છે...

'વર્ષ ૧૯૩૭માં ૧૯ વર્ષની ઉંમરે ટ્રાન્સકે પ્રાંતના પાટનગર ઉમતારાથી ૧૭૫ માઈલ દક્ષિણપશ્ચિમે આવેલા ફોર્ટ બ્યૂફોર્ટની વેસલીયન કોલેજમાં મેં પ્રવેશ લીધો. ઓગણીસમી સદીમાં ફોર્ટ બ્યૂફોર્ટ, બ્રિટિશરોનું એક મહત્વનું આઉટપોસ્ટ હતું, જ્યાં મોટી સંખ્યામાં ગોરાઓએ આવીને સ્થાનિક આદિવાસીઓની જમીનો પચાવી પાડી હતી, જેના કારણે સ્થાનિકો ઘરબાર વિહોણા બની ગયા હતા. લગભગ એક સદી સુધી આદિવાસીઓએ આ અન્યાય સામે ગોરાઓ વિરૂધ્ધ સંઘર્ષ કર્યો હતો. જેમાં કેટલાય આદિવાસી શૂરવીરોનો ભોગ લેવાયો હતો.

કોલેજના બીજા વર્ષ દરમિયાન મને અમારી ડોર્મિટ્રીનો મોનિટર બનાવાયો હતો. અલગ અલગ મોનિટરોને જુદી જુદી ડયૂટિ સોંપાતી હતી. મને નાઈટ ડયુટિ સોંપાઈ હતી. એક રાતે એવી ઘટના બની કે મારા માટે મોટું ધર્મસંકટ ઊભું થયું કે નિયમ ભંગ કરનાર છોકરાઓને માર ેદંડ કરવો કે નહીં?

વાત એમ હતી કે અમારી ડોર્મિટ્રીમાં ટોઈલેટસની વ્યવસ્થા નહોતી, એ માટે અમારે ડોર્મિટ્રીથી લગભગ ૧૦૦ ફૂટ દૂરના આઉટહાઉસમાં જવું પડતું હતું.

સામાન્ય સંજોગોમાં તો વિદ્યાર્થીઓ પેશાબ-પાણી માટે ૧૦૦ ફૂટ દૂરના આઉટહાઉસમાં જતા-આવતા રહેતા હતા, પણ વરસાદની તેમજ ભારે ઠંડીની મોસમમાં રાતના સમયે કાદવ-કિચડ કે ઝાડી-ઝાંખરાવાળા કાચા રસ્તે છેક આઉટહાઉસ સુધી જવાનું મુશ્કેલભર્યૂં બની જતું હોવાથી કેટલીક વખત છોકરાઓ ડોર્મિટ્રીની ગેલેરીમાં બહાર ઊભા ઊભા પેશાબ કરી ગંદકી ફેલાવતા હતા.

નાઈટ ડયૂટિમાં મારે આનું પણ ધ્યાન રાખવાનું હતું કે કોઈ છોકરો ગેલેરીમાં ઊભો રહી ખુલ્લામાં પેશાબ કરી દુર્ગંધ અને ગંદકી ન ફેલાવે.

આખી રાત જાગવાનો તો મને મહાવરો હતો, એટલે નાઈટ ડયૂટિમાં મને સ્હેજેય તકલીફ પડતી નહોતી.

જે વિદ્યાર્થીઓ ગેલેરીમાં ઊભા રહીને પેશાબ કરતા હોય તેમના નામની યાદી બનાવવાની જવાબદારી મોનિટરને સોંપાઈ હતી, તેથી મારે આ યાદી બનાવી, ગંદકી ફેલાવતા વિદ્યાર્થીઓને દંડ કરવાનો હતો.

ચોમાસાની એક રાતે હું મારી ડયૂટિ પર હતો ત્યારે વરસાદ વરસતો હોવાથી મેં ૧૫ જેટલા વિદ્યાર્થીઓને ગેલેરીમાં ઊભા ઊભા પેશાબ કરતા ઝડપી પાડી, તેમના નામો ડાયરીમાં ટપકાવી લીધા.

છેલ્લે મોડે મોડે મળસ્કે મેં જોયું તો ગેલેરીના બીજા છેડે રૂમમાંથી કોઈ બહાર નીકળ્યું. એણે આજુબાજુ નજર દોડાવી, કોઈ તેને જોતું તો નથીને? એની ખાતરી કરીને પછી ગેલેરીમાં ઊભા રહી પેશાબ કર્યો. હું છુપાઈને ઊભો હોવાથી તેણે મને જોયો નહોતો.

પેશાબ કરીને તે બીજી બાજુ ફર્યો કે તુરત દોડીને મેં તેને કહ્યું, ''દોસ્ત, તું ગેલેરીમાં પેશાબ કરતો પકડાઈ ગયો છું.''

પણ તેનો ચહેરો જોતાં જ હું ચમકી ઊઠયો. ગેલેરીમાં પેશાબ કરનાર તો મારી જેમ મોનિટર હતો, જેને બીજી ડયૂટિ સોંપાઈ હતી.

મારી સામે ધર્મસંકટ ઊભું થઈ ગયું. ગેલેરીમાં ઊભા ઊભા પેશાબ કરનાર ૧૫ છોકરાઓના નામોની યાદી મેં બનાવી હતી ૧૬મા તરીકે મારે આ મોનિટરનું નામ લખવું પડે.

સામાન્ય રીતે એક મોનિટર નિયમભંગ માટે અન્ય મોનિટરને પકડે તો પણ તેનું નામ નહીં લખવાનો એક વણલખ્યો નિયમ હતો, પરંતુ મને આ નિયમ યોગ્ય નહોતો લાગતો, રાત્રે નિયમભંગ કરનાર ૧૫ વિદ્યાર્થીઓના નામ લખીને બીજે દિવસે તેમની પાસેથી દંડ વસૂલવાની કડક કાર્યવાહી હું કરૃં, પણ નિયમભંગ કરનાર મોનિટર હોવાથી તેને હું છોડી દઉં, એ મને યોગ્ય નહોતું લાગતું. હું મોટા ધર્મસંકટમાં મુકાઈ ગયો. મારે હવે શું કરવું?

મનોમંથન બાદ મેં નક્કી કર્યં કે જો મોનિટરને મારે છોડી મુકવાનો હોય તો ગેલેરીમાં ઊભા રહીને પેશાબ કરનાર બીજા ૧૫ વિદ્યાર્થીઓને હું શા માટે દંડ કરૃં? આમ કરવું એ તો ૧૫ વિદ્યાર્થીઓને અન્યાય કર્યા બરાબર ગણાય.

છેવટે મેં નિયમભંગ કરનાર પેલા ૧૫ વિદ્યાર્થીઓના નામની યાદી ફાડી નાંખી. નિયંભંગ બદલ મોનિટરને જો દંડ નહીં તો, પછી બીજા ૧૫ને પણ દંડ નહીં.!

કોલેજ કાળનો બીજો એક બનાવ ગોરા અફસર સામે બગાવત કરનાર મારા એક ખાસ ફ્રેન્ડનો છે.

કોલેજના બીજા વર્ષ દરમિયાન પોલ મહાબને નામના મારા એક ફ્રેન્ડને શિયાળુ વેકેશન મારી સાથે ગાળવા માટે મેં નિમંત્રણ આપ્યું. પોલ કોલેજ કેમ્પસમાં જાણીતો સ્ટુડન્ટ હતો કારણ તેના પિતા ખૂબ જાણીતા મહાનુભાવ હતા. પોલના ડેડી ઝાછેઅસ મહાબને આફ્રિકન નેશનલ કોંગ્રેસના બે વખત પ્રેસિડન્ટ જનરલપદે રહી ચૂક્યા હતા. એ વખતે મને આફ્રિકન નેશનલ કોંગ્રેસ વિશે ઝાઝી માહિતી નહોતી. આફ્રિકન નેશનલ કોંગ્રેસ સાથે મારો મિત્ર પોલ પણ સંકળાયેલો હોવાથી તેની છાપ બળવાખોર તરીકેની પડી ગઈ હતી.

સાઉથ આફ્રિકામાં ગોરા બ્રિટિશરોનું શાસન હતું અને આફ્રિકન મૂળના બ્લેક લોકો સાથે ગોરા શાસકોનો વર્તાવ ખૂબ જ અન્યાયી અને ભેદભાવવાળો હતો. સાઉથ આફ્રિકાના બ્લેક લોકો સાથે ગોરા હાકેમો અતિ તોછડાઈથી પેશ આવતા હતા. ગોરાઓ બ્લેક લોકોને ધિક્કારતા હતા. આ અન્યાય સામે આફ્રિકન નેશનલ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો અવાજ ઉઠાવી અવારનવાર વિરોધમાં દેખાવો/ સૂત્રોચ્ચાર પણ કરતા હતા.

પોલ મારી સાથે શિયાળુ વેકેશન ગાળવા આવ્યો તે દરમિયાન એક દિવસ હું અને પોલ ટ્રાન્સકે પ્રાંતના પાટનગર ઉમતારા ટાઉનમાં ગયા હતા.

અમે બન્ને જણ ટાઉનની પોસ્ટ ઓફિસ બહાર ઊભા હતા, એ વેળા ત્યાંના લોકલ મેજિસ્ટ્રેટ અમારી નજીક આવ્યા. એ ગોરા મેજિસ્ટ્રેટે પોલને કહ્યું, પોસ્ટ ઓફિસમાં જઈ મારા માટે ટપાલ ટિકિટો ખરીદી લાવ.

એ સમયગાળામાં સાઉથ આફ્રિકામાં ગોરાઓનું શાસન હોવાથી કોઈપણ ગોરો અફસર કે કોઈ ગોરો સામાન્ય જન ગમે તે બ્લેકને ઊભો રાખી આવા નાના-મોટા કામ સોંપતા હતા અને પેલો બ્લેક સ્વાભાવિકરીતે જ ગોરાઓ પ્રત્યેના અહોભાવ કે ડરના માર્યા, ગોરાની સૂચના મુજબ તેનું કામ કરી આપતા હતા.

(ક્રમશઃ)

Gujarat