For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મસ્કે લોન્ચિગના પ્રોગ્રામની વિગતોની પથારી ફેરવી નાંખી

Updated: Feb 7th, 2024

મસ્કે લોન્ચિગના પ્રોગ્રામની વિગતોની પથારી ફેરવી નાંખી

- ટેસ્લાના પ્રોટોટાઈપ મોડલ  Roadsterના લોન્ચિગ અગાઉ

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-3

- મસ્કના કહેવાથી એબરહાર્ડે પબ્લિક રિલેશન હેડ જેસ્સિકાની હકાલપટ્ટી કરવી પડી

- પર્સનલિ કે પ્રોફેશ્નલિ કોઈ સાથે સુમેળભર્યો સંબંધ રાખવાનું મસ્કના સ્વભાવમાં નથી..

આ બધા વચ્ચે ૨૦૦૬ના મે મહિનામાં જે ન્યૂઝ છપાયા તેમાં ટેસ્લાના સ્થાપક તરીકે માત્ર એબરહાર્ડ અને ટારપેનિંગ - એમ બે જણના નામનો જ ઉલ્લેખ કરાતા મસ્કે મનોમન નક્કી કર્યૂં કે ભવિષ્યમાં હવે મારા નામનું પત્તું આ રીતે કોઇ કાપી ન નાંખે તે માટે મારે કાંઇક કરવું પડશે.

મસ્કે ટેસ્લા મોટર્સના પબ્લિક રિલેશન હેડ જેસ્સિકા સ્વિટઝરને વિશ્વાસમાં લીધા વગર જ ઇન્ટરવ્યૂ આપવા માંડયા. ઉલ્લેખનીય છે કે આ જેસ્સિકાની નિમણૂંક એબરહાર્ડે કરી હતી.

ટેસ્લા મોટર્સના ભાવિ પ્લાનની વિગતો પણ કોઇને પૂછ્યા વગર જ મસ્કે જાહેર કરવા માંડતા જેસ્સિકા મૂંઝવણમાં ને મુશ્કેલીમાં મુકાઇ ગઇ.

એક વખત એબરહાર્ડ સાથે કારમાં જતી વખતે જેસ્સિકાએ કહ્યું, તમે કંપનીના CEO છો. છતાં ઇલોન મસ્ક કેમ બધાને ઇન્ટરવ્યૂઝ આપતા ફરે છે?

એબરહાર્ડે કહ્યું, એમને ઇન્ટરવ્યૂ આપવાની ઇચ્છા છે, તો આપવા દેને, હું તેમની સાથે દલીલબાજીમાં ઊતરવા નથી માંગતો.

મસ્ક અને એબરહાર્ડ વચ્ચે ખુલ્લો સંઘર્ષ જુલાઇ ૨૦૦૬માં શરૂ થયો, જ્યારે ટેસ્લા કારના પ્રોટોટાઇપ મોડલના લોન્ચિગ માટેનો પ્રોગ્રામ ઘડાયો. કંપનીની પી.આર. હેડ જેસ્સિકાનો વિચાર લોસ એન્જેલસ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉત્તરે ૧૦ કિ.મી. દૂર આવેલા સાન્તા મોનિકા એરપોર્ટ પર એક શાનદાર કાર્યક્રમ યોજવાનો હતો, જેમાં સંખ્યાબંધ સેલેબ્રિટિઓને આમંત્રિત કરી મહેમાનોને ટેસ્લાના પ્રોટોટાઇપ મોડલમાં બેસાડી ટેસ્લાની રાઇડ કેટલી આલ્હાદક છે, તેની અનુભૂતિ કરાવવાનો હતો. 

પ્રોટોટાઇપ મોડલના લોન્ચિંગનો આ પ્લાન મસ્કને બતાવવા માટે એબરહાર્ડ અને જેસ્સિકા લોસ એન્જેલસ ગયા.

મસ્ક સાથેની એ મીટિંગને યાદ કરતા જેસ્સિકા કહે છે, ત્યાં પરિસ્થિતિ ખૂબ વણસી ગઇ હતી. મસ્કે પ્રોગ્રામની રજેરજની  માહિતી માંગી, એ ત્યાં સુધી કે તેમણે કેટરિંગમાં કેટલો ખર્ચ કરવાના છો?  અને મેનૂમાં કેટલી તેમજ કઈ કઈ આઈટમો રાખવાના છો ? એની વિગત પણ મને પૂછી.

જેસ્સિકા કહે છે, મેં પણ આક્રમક મુડમાં જવાબ આપતા મસ્ક એક ઝાટકા સાથે ખુરશીમાંથી ઊભા થઇ રૂમની બહાર જતા રહ્યા.

એ પછી જે કાંઇ થયું તેની વાત કરતા એબરહાર્ડ કહે છે, પ્રોટોટાઇપ લોન્ચિગ માટેના પ્રોગ્રામની બધી વિગતોની મસ્કે પથારી ફેરવી નાંખી અને પછી મને કહે કે જેસ્સિકાને કાઢી મુક...

એબરહાર્ડે તે પછી જેસ્સિકાને રવાના કરી દેવી પડી.

મસ્કે પ્રોટોટાઇપ મોડલ - રોડસ્ટરના (Roadster)  લોન્ચિગ કાર્યક્રમના આયોજનનનું કામ પોતાના હાથમાં લઇ લીધું - આમંત્રિતોની યાદી,  કેટરિંગની આઇટમોનું સિલેકશન - આ બધું તો જાણે બરાબર છે, પણ કયા પ્રકારના કે કઇ ડિઝાઇનના નેપકિન્સ મંગાવવા અને કેટલી કિંમતના મંગાવવા તેનો નિર્ણય પણ મસ્કે પોતે જ લઇ લીધો.

આ બધું થયા પછી પણ સમસ્યા એ સર્જાઇ કે કાર્યક્રમની બધી ''ક્રેડિટ''; કાર્યક્રમનો બધો જશ એબરહાર્ડને જ મળ્યો. મસ્કનો ઉલ્લેખ તો કંપનીના માત્ર એક ઇન્વેસ્ટર તરીકે જ ન્યૂઝમાં કરાયો હતો. 

પબ્લિક રિલેશન ઓફિસર જેસ્સિકાને કાઢી મુક્યા બાદ પબ્લિસિટિ વિભાગનો હવાલો ટેસ્લા કંપનીના વાઇસ પ્રેસિડન્ટને સોંપાયો હતો.

એટલે મસ્કે ગુસ્સામાં વાઇસ પ્રેસિડન્ટને કડક ભાષામાં ઇ-મેલ મોકલ્યો, ''અત્યાર સુધીમાં અખબારો - ટીવીમાં મારો ઉલ્લેખ માત્ર એક ઇન્વેસ્ટર તરીકે થઇ રહ્યો છે, તે ખૂબ અપમાનજનક અને ખરાબ છે. ટેસ્લાની હેડ લાઇટ્સથી માંડી તેના ડોર, વિન્ડો, બોનેટ વિગેરેની ડિઝાઇનમાં સુધારા-વધારા મેં કરાવ્યા છે. ટેસ્લાનો આઇડિયા અમલમાં મુકાયો તેના દશ વર્ષ અગાઉના સમયગાળાથી ઇલેકિટ્રક ટ્રાન્સપોર્ટમાં મને રસ પડયો હતો. દરેક મોટા પબ્લિકેશન સાથે મારે હવે સીધી વાત કરવી પડશે.''

મસ્કે કંપનીના વી.પી.ને આ ઇ-મેલ મોકલ્યો તેના બીજા જ દિવસે મસ્કને બીજો આંચકો લાગ્યો. ન્યૂયોર્ક ટાઇમ્સમાં ટેસ્લા વિશેના એક લેખમાં તો મસ્કના નામનો ઉલ્લેખ સુધ્ધા કરાયો નહોતો...! મસ્કને વધારે ખરાબ લાગે એવી વાત તો એ હતી કે ન્યૂયોર્ક ટાઇમ્સના એ લેખમાં એબરહાર્ડનો ટેસ્લાના ચેરમેન તરીકે નામોલ્લેખ કરાયો હતો.

મસ્કે આ વખતે એબરહાર્ડ અને કંપનીએ નિમણૂંક કરેલી PCGC  નામની પબ્લિક રિલેશન્સ એજન્સી - એમ બન્નેને ઇ-મેલ પાઠવ્યો. તેમાં લખ્યું કે, ''ન્યૂયોર્ક ટાઇમ્સના પ્રકાશિત થયેલા આર્ટિકલથી મારૃં અસહ્ય અપમાન થયું છે અને હું ખૂબ મૂંઝવણભરી તથા શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયો છું.

આ આર્ટિકલમાં મારૃં તો નામ સુધ્ધા ઉડાવી દેવાયું છે એટલું જ નહીં પણ કંપનીના ચેરમેન તરીકે એબરહાર્ડનું નામ લખાયું છે. જો ફરીવાર આવું કાંઇક લખાશે, તો લખી રાખજો કે PCGC  સાથે ટેસ્લાના સંબંધનો તત્કાળ અંત આવી જશે.''

ડિરેકટર બોર્ડના આ બધા આંતરિક વિખવાદોને બાજુએ રાખીને ટેસ્લાની વાત આગળ ચલાવીએ તો પ્રોટોટાઇપ Roadster ના લોન્ચિગ કાર્યક્રમમાં ટેસ્લાનું અત્યંત આકર્ષક મોડલ જોઇને મહાનુભાવો એટલા બધા પ્રભાવિત થયા કે કેલિફોર્નિયાના ગવર્નર આર્નોલ્ડ સ્વારઝેનગર, કે જેમણે કંપનીના એક સહસ્થાપક સ્ટ્રોબેલ સાથે ટેસ્ટ ડ્રાઇવ લીધો હતો, તેમણે ટેસ્લા કારના બુકિંગ માટે તુરત જ એક લાખ ડોલરનો ચેક આપી દીધો. એજ રીતે હોલીવુડના એકટર જ્યોર્જ ક્લોનેએ પણ એક લાખ ડોલરનો ચેક જમા કરાવ્યો. સૌથી વધારે આશ્ચર્ય તો લોસ એન્જેલસ સિટિમાં મસ્કના પડોશમાં રહેતા જો ફ્રાન્સિસે સર્જ્યું હતું. 'Girls Gone wild'' નામની ટીવી સિરિયલના નિર્માતા જો ફ્રાન્સિસે ટેસ્લા કારના બુકિંગ માટે સશસ્ત્ર ગાર્ડસ સાથેની બખ્તરબંધ ટ્રકમાં ૧૦૦,૦૦૦ ડોલર રોકડા મોકલાવ્યા હતા..!

જુદી જુદી કારોનો જેમને ખૂબ શોખ હતો, તે સ્ટીવ જોબ્સે (Apple ના સ્થાપક) ટેસ્લાના રોડસ્ટરનો ફોટો બતાવી એપલના એક બોર્ડ મેમ્બર મિકિ ડ્રેકસલરને કહ્યું, ''આટલું સારૃં એન્જિનિયરિંગ સર્જન કરવાનું કાર્ય એક બ્યૂટિફૂલ આર્ટ'' છે.

પર્સનલિ કે પ્રોફેશ્નલિ કોઇની સાથે સુમેળભર્યો સંબંધ રાખવો કે કે કોઇની સાથે પાર્ટનર થવું એ મસ્કના સ્વભાવમાં જ નથી. Zip2 અને PayPal એ બે કંપનીઓનો દાખલો એક વાત પુરવાર કરે છે કે મસ્ક નવું કાર્ય કરવા માટે અથવા નવી કંપની શરૂ કરવાની પ્રેરણા અને પ્રોત્સાહન આપી શકે છે, પણ ક્યારેક તે સહકર્મચારીઓને ખૂબ ગભરાવી મુકતા અને દબડાવતા હતા. તેમના પર રીતસરની દાદાગીરી કરતા હતા.

(ક્રમશઃ)

Gujarat