For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ખુશામત કે ચાપલૂસી કરવાનું મસ્કના સ્વભાવમાં નથી..

Updated: Mar 5th, 2024

ખુશામત કે ચાપલૂસી કરવાનું મસ્કના સ્વભાવમાં નથી..

- સારાંશ - વિનોદ ડી. ભટ્ટ - ભાગ-૭

- પ્રાથમિક શાળામાં તોફાની વિદ્યાર્થીઓએ નાનકડા મસ્કની બહુ પીટાઇ કરી હતી

- સ્કૂલમાં કોઇને કોઇ તોફાની છોકરો મસ્કને ગાલ પર એક-બે થપ્પડ મારી જતો

- બાળપણમાં મસ્કના પિતા તેને અવાર નવાર ઇડિયટ કહીને ખૂબ ખખડાવતા રહેતા હતા

પરિવારજનો નાનકડા મસ્કને તાબડતોબ હોસ્પિટલ લઇ ગયા, જ્યાં ડોકટરે તેનો ઊંડો ઘા સાફ કરીને ટાંકા લેવાની હજી તો શરૂઆત કરી ત્યાં જ મસ્ક બોલી ઊઠયો, ના, પહેલા મને તમે બધા ખાતરી આપો કે મને કરડનાર એ જર્મન શેફર્ડને તમે નહીં ફટકારો, એને કોઇ શિક્ષા નહીં કરો. તમે એને કોઇ પ્રકારની શિક્ષા નહીં કરવાનું વચન આપો, તો જ હું ટાંકા લેવા દઇશ, નહીં તો મારે સારવાર જ કરાવવી નથી.

તમે એ જર્મન શેફર્ડને મારી તો નહીં નાંખોને? મસ્કે પરિવારજનોને સવાલ પૂછ્યો. જવાબમાં બધાએ ના પાડી, પછી જ માસૂમ મસ્કે ડોકટરને ટાંકા લેવા દીધા.

બાળપણની આ ઘટના યાદ કરતા ઇલોન મસ્ક થોડીવાર ચૂપ રહ્યા, પછી દૂર સુધી નજર દોડાવી બે ક્ષણ તાકી રહ્યા,  બાદ નિસાસો નાંખતા કહ્યું, છેલ્લે તો એ લોકોએ પોતાનું ધાર્યૂં જ કર્યૂં. જર્મન શેફર્ડ ડોગને બંદૂકની ગોળીથી ઉડાવી જ દીધો...!

દાયકાઓ વીતી ગયા બાદ પણ મસ્કને સ્કૂલનો એક એવો બનાવ યાદ છે, જે તેને હજી મનોમન પીડયા કરે છે, આ ઘટના યાદ કરતા આજે પણ મસ્કના મનમાં વિચારતા ગૂંચવાડા ઊભા થયા કરે છે.

હકીકત એમ છે કે મસ્ક તેના કલાસમાં સૌથી નાની  ઉંમરનો વિદ્યાર્થી હતો. સ્કૂલમાં સાથી વિદ્યાર્થીઓ સાથે હળવા-મળવાનું તેના સ્વભાવમાં નહોતું, ખાસ તો કલાસના કોઇ વિદ્યાર્થીનો ઇશારો કે સંકેત સમજવાની તેનામાં ક્ષમતા નહોતી. વળી બીજાની ખુશામત કરવાની કે કોઇની ચાપલૂસી કરવાનું તો એના સ્વભાવમાં જ નહોતું.

પરિણામ એ આવ્યું કે કિશોર વયનો મસ્ક તેના આવા સ્વભાવને કારણે દાદાગીરી કરતા તોફાની છોકરાઓનું રોજ નિશાન બનતો, દરરોજ કોઇને કોઇ તોફાની છોકરો, તેને ગાલ પર એકાદ-બે થપ્પડ મારી જતો હતો કે પછી તેના નાક પર જોરથી મુક્કો મારીને દોડી જતો હતો.

શાળા જીવન દરમિયાનની આ પીડાદાયક ઘટનાઓને યાદ કરતા મસ્ક કહે છે, નિશાળમાં તમને ક્યારેય કોઇ છોકરાએ નાક પર મુક્કો ના માર્યો હોય કે ગાલ પર તમાચો ના ઠોકી દીધો હોય ત્યાં સુધી તમને એ વાતનો ખ્યાલ નહીં આવે કે આવા બનાવ તમારી બાકીની જિન્દગી પર કેવી અસર પહોંચાડતા રહે છે.

એક દિવસ સ્કૂલમાં સવારના સમયે તોફાની છોકરાઓની ટોળીમાંના એક છોકરાએ મસ્કને ધક્કો મારતા, મસ્કે તેને સામે ધક્કો મારીને પાછો હડસેલી દીધો; પરિણામે બન્ને વચ્ચે બોલાચાલી થઇ. એ વખતે તો વાત આટલેથી જ પતી ગઇ પણ એ પછી રિસેસમાં પેલો તોફાની બારકસ મસ્કને શોધતો શોધતો આવી પહોંચ્યો. મસ્ક એ વખતે લોબીની એક બાજુ ઊભો ઊભો સેન્ડવિચ ખાઇ રહ્યો હતો. નજીકમાં તેનો નાનો ભાઇ કિમ્બલ ઊભો હતો. પેલાએ પાછળથી મસ્કના માથામાં એક જોરદાર થપાટ મારીને પાડી નાંખ્યો; તોફાની બારકસના બીજા જોડીદારોએ મસ્કને ઢસડીને દાદર પરથી નીચે પાડયો. મસ્ક ગડથોલુ ખાઇને આઠ-દસ પગથિયા નીચે ગબડી પડયો.

મસ્કના નાનાભાઇ કિમ્બલે એ ઘટના યાદ કરતા ઉમેર્યૂં, મસ્ક નીચે ગબડયો એ સાથે જ તોફાની છોકરાઓ ધડાધડ પગથિયા ઊતરીને મસ્ક પર ચઢી બેઠા અને બધાએ માથામાં, ગાલ પર, નાક પર અને આખા શરીરે જ્યાં લાગ મળે ત્યાં મસ્કને ધડાધડ પીટવા માંડયો. તોફાનીઓએ મસ્કના બન્ને ગાલ પર એટલા બધા તમાચા ઠોક્યા કે મસ્કનો આખો ચહેરો સુજી ગયો. 

તોફાની બારકસો મસ્કની ભરપેટ ધુલાઇ કરીને ભાગી ગયા. એ પછી બીજા બધા ત્યાં ટોળે વળ્યા અને સ્કૂલમાંથી મસ્કને સીધા હોસ્પિટલમાં લઇ ગયા. એક અઠવાડિયા સુધી મસ્કની સ્કૂલ પડી.

વર્ષો વીત્યા પછી પણ મસ્કને નાકની અંદરના ભાગના ટિસ્યુમાં થયેલી આંતરિક ઇજાની સારવાર માટે સર્જરી કરાવવી પડી હતી. સ્કૂલમાં તોફાની છોકરાઓએ મસ્કને માર્યો, એના ઘા તો સમય જતા થોડા દિવસમાં રૂઝાઇ ગયા પણ અતિ સંવેદનશીલ તેમજ ગંભીર હકીકત એ છે કે મસ્કને શાળામાં તોફાનીઓએ માર્યો તેની ઇજાઓની તુલનામાં મસ્કની લાગણીઓ પર તેના પિતાએ જે કૂઠારાઘાત કર્યા તેનાથી કિશોરવયના મસ્કના મનો વિશ્વમાં જે આઘાત લાગ્યો હતો તેની પીડા હજી મોટી ઉંમરે પણ મસ્કને કનડયા કરે છે.

મસ્કના પિતા ઇરોલ મસ્ક એન્જિનિયર હતા. સાથે સાથે તેઓ ધૂર્ત, શઠ (ઇર્યેી) હતા.

શાળામાં  તોફાની છોકરાનો માર ખાઇને આવ્યા પછી પોતાના નાનકડા દીકરા મસ્કનો પક્ષ લેવાને બદલે બાપે પેલા મસ્તીખોર બારકસની તરફેણ કરતાં કહ્યું, એ છોકરાએ થોડા દિવસ પહેલા જ એના પિતા ગુમાવ્યા છે, એના પિતાએ આપઘાત કર્યો હતો. અને ઇલોને તેને સ્ટુપિડ કહ્યા હતા..! બીજા લોકોને સ્ટુપિડ કહેવાની મસ્કની મનોવૃત્તિ છે. આ સ્થિતિમાં હું પેલા સામાવાળા છોકરાનો કઇ રીતે વાંક કાઢી શકું?

સ્કૂલમાં માર ખાધા પછી મસ્કને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવો પડયો હતો. હોસ્પિટલમાંથી રજા અપાયા પછી એ ઘેર આવ્યો ત્યારે પણ મસ્કને શાંતિ મળી નહોતી. ઘેર આવતામાં જ તેને બાપના કડવા વેણ સાંભળવા પડયા હતા.

બાપે તેને ખૂબ ખખડાવ્યો. એ ઘટના તાજી કરતા મસ્ક કહે છે, હોસ્પિટલમાંથી મને રજા અપાઇ અને હું ઘેર આવ્યોને બાપાએ મને ધમકાવવાનું શરૂ કરી દીધુ, મને કહે સાલા, ઇડિયટ તું કોઇ કામનો નથી. સાવ નકામો છે. મારે એક કલાક સુધી ઊભા ઊભા પિતાનો ભારે ઠપકો સાંભળવો પડયો હતો.

મસ્કનો નાનો ભાઇ કિમ્બલ પણ એ વખતે ત્યાં હાજર હતો, પિતાએ મસ્કને જે નિષ્ઠુરતાથી ખખડાવ્યા એનાથી કિમ્બલ ડઘાઇ ગયો હતો. વર્ષો બાદ એ આઘાતજનક ઘટનાને યાદ કરતા કિમ્બલ કહે છે; મારા જીવનની આ બહુ જ દુઃખભરી યાદ છે. મારા પિતાએ તે વખતે જાણે સંપૂર્ણપણે ભાન ગુમાવી દીધું હતું. તેઓ અત્યંત ક્રોધાવેશમાં આવી ગયા હતા.

તેઓ આ રીતે અવારનવાર મગજ પરનો કાબૂ ગુમાવીને ભયંકર ગુસ્સે થઇ જતા હતા. તેમનામાં દયા, કરૂણા કે અનુકંપાનો છાંટોય નથી.

મસ્ક અને નાનો ભાઇ કિમ્બલ, આ બન્ને ભાઇઓને તેમના પિતા સાથે બોલવાનો વ્યવહાર નથી. બન્ને ભાઇઓના કહેવા મુજબ  મસ્કને તોફાની વિદ્યાર્થીએ માર્યો પછી અમારા પિતાએ કહ્યું 'તું કે ઇલોને જ પેલા તોફાનીને આક્રમક બનવા માટે ઉશ્કેર્યો હતો, પરંતુ તેમની આ વાત તદ્દન કપોળ કલ્પિત છે. હકીકત એ છે કે મસ્કની પીટાઇ કરનાર એ છોકરાને પછી પોલીસે 'જૂવેનાઇલ પ્રિઝન'- બાળકો માટેની જેલમાં ધકેલી દીધો હતો.

Gujarat