For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નેલ્સન મન્ડેલાને ગોરા શાસકોએ 27 વર્ષ જેલમાં પૂર્યા હતા..

Updated: Apr 3rd, 2024

નેલ્સન મન્ડેલાને ગોરા શાસકોએ 27 વર્ષ જેલમાં પૂર્યા હતા..

- અન્યાયી રંગભેદી નીતિ ચલાવતા ગોરા બ્રિટિશ શાસન વિરૂદ્ધ ખુલ્લી બગાવત કરનાર 

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-1

- નેલ્સન મન્ડેલાના પિતા ગામના સરપંચ અને કિંગ મેકર પણ હતા...

- ખુમારીવાળા સ્વભાવના લીધે મન્ડેલાના પિતાને સરપંચપદ ગુમાવવું પડયું હતું

અબ્રાહમ લિંકન અને મહાત્મા ગાંધી જેવા વિશ્વના મહાન રાજકીય મહાનુભાવોની કક્ષામાં દક્ષિણ આફ્રિકાના નેલ્સન મન્ડેલાનું નામ ગૌરવપૂર્વક લેવાય છે. તેમની જીવનકથા અનન્ય, અજોડ અને અનુપમ છે. મન્ડેલાના જીવન સંસ્મરણો વાચકની સંવેદનાઓને ઢંઢોળી નાંખે છે. મન્ડેલાની આ જીવનકથા શૌર્યસભર, વીરરસ પ્રધાન પણ છે. એ સમયગાળામાં ગોરાઓના જડબેસલાક લોખંડી શાસન સામે અવાજ ઉઠાવવો, એ કોઇ કાચાપોચા નેતાનું કામ જ નહોતું, પણ દેશને ગોરાઓની ચુંગાલમાંથી મુક્ત કરવા માટે મક્કમ મનોબળવાળા મન્ડેલાએ દાયકાઓ સુધી સતત સંઘર્ષ ચલાવ્યો, અનેક વિટંબણાઓ વેઠી, અને ૨૭ વર્ષ સુધી જેલવાસ સહન કર્યો.....

''LONG WALK TO FREEDOM'' પુસ્તકમાં નેલ્સન મન્ડેલાએ પુનઃ સજીવન કરેલા તેમના સંઘર્ષમય જીવનના સંસ્મરણો તેમના જ શબ્દોમાં....

 તેમની આત્મકથામાં નેલ્સન મન્ડેલા લખે છે કે, ''વાચકોને પછી ખબર પડશે કે આ પુસ્તકનો ઇતિહાસ બહુ લાંબો છે. રોબન ટાપુ પરના મારા જેલવાસ દરમિયાન ગોરા જેલરો ને સંત્રીઓથી છૂપી રીતે મેં ૧૯૭૪માં મારા જીવનના સંસ્મરણો લખવાની શરૂઆત કરી હતી. તેની હસ્તપ્રત હું હંમેશા છુપાવીને મારી પાસે રાખતો હતો. પણ એક દિવસ સંત્રીઓની નજર મારી આ હસ્તપ્રત પર પડી ગઇ અને તેમણે એ કબ્જે કરી લીધી.''

ઘણી મહેનતથી તૈયાર કરેલી હસ્તપ્રત જવાથી મન્ડેલાને સ્વભાવિક રીતે જ દુઃખ થયું. પણ પછી તેમની સાથે જેલવાસ ભોગવતા મેક મહારાજ અને ઇશુ ચીબાએ જે વાત કરી તેનાથી મન્ડેલાની વ્યથા વિસરાઇ ગઇ. વાત એમ હતી કે જેલના તેમના આ બે સાથીઓએ અગાઉથી હસ્તપ્રતની એક નકલ કરીને છૂપી રીતે જેલબહાર મોકલી આપી હતી...!

મન્ડેલાનો ૧૯૯૦માં જેલમાંથી છૂટકારો થયો તે પછી તેમણે સંસ્મરણો લખવાની ફરી શરૂઆત કરી.

'મારો જન્મ ૧૮ જુલાઈ ૧૯૧૮ના દિવસે મ્વેઝો નામના નાનકડા ગામમાં થયો હતો. ગામ નજીકથી બાશે નામની નદી  ખળખળ વહેતી હતી.

મારા જન્મનું વર્ષ ઘણી બધી રીતે મહત્વનુ છે (૧) એ વર્ષે પહેલા વિશ્વયુદ્ધનો અંત આવ્યો (૨) એ વર્ષે વિશ્વભરમાં ઈન્ફ્લૂએન્ઝાનો રોગચાળો ફાટી નીકળ્યો, જેમાં લાખ્ખો લોકોનો ભોગ લેવાયો હતો (૩) દક્ષિણ આફ્રિકાના લોકોની મુશ્કેલીઓ, હાડમારીઓ અભિવ્યક્ત કરવા માટે આફ્રિકન નેશનલ કોંગ્રેસનું એક ડેલિગેશન વર્સાલી પીસ કોન્ફરન્સમાં ગયું હતું.

મારા પિતા ગેદલા હેનરી ફકાનિસ્વા અમારા ગામના મ્વેઝોના સરપંચ હતા. થેમ્બુ જાતિના રાજાએ તેમની સરપંચપદે નિમણૂંક કરી હતી, પણ ગોરા બ્રિટિશરોના શાસનમાં સરકારની મંજૂરીની મહોર તેના પર લાગે પછી સરપંચ જાહેર કરાતા હતા.

સરકાર નિયુક્ત ગામના સરપંચને સ્ટાઈપેન્ડ પણ ચુકવાતું હતું.  જો કે ગોરાઓના શાસનમાં ગામના સરપંચનું ગૌરવ ગોરા હાકેમો દ્વારા જળવાતું નહોતુ.

મારા પિતા કડક સ્વભાવના હતા અને તેમના સંતાનોને (અર્થાત મારા સહિત બધાને) શિસ્તમાં રાખવા સોટીનો પણ ઉપયોગ કરતા હતા. તેઓ ક્યારેક અતિ જિદ્દી અને જક્કી વલણ અખત્યાર કરતા હતા, તેમનો આ અવગુણ કમનશીબે સંતાનોમાં વારસામાં ઊતર્યો છે...

સાલ ૧૯૦૦ની શરૂઆતના વર્ષોમાં ડાલિન્ડીબોના રાજાના શાસન દરમિયાન મારા પિતાનો થેમ્બુલેન્ડનો વડાપ્રધાન તરીકે પણ ઉલ્લેખ થતો હતો. ડાલિન્ડીબોના પછી તેમના રાજકુંવર જોગીન્તાબાના શાસનમાં પણ સલાહકાર તરીકે મારા પિતાનો રાજ દરબારમાં દબદબો રહ્યો હતો.

મારા પિતા જો કે લખી કે વાંચી નહોતા શક્તા પણ તેઓ ખૂબ સારા વક્તા હતા, હજારો શ્રોતાઓને તેઓ તેમના વાક્ચાતુર્યથી જકડી રાખી શક્તા હતા.

ઘણાં વર્ષો પછી મને જાણવા મળ્યું હતું કે મારા પિતા રાજાઓના સલાહકાર હતા એટલું જ નહીં તેઓ ''કિંગમેકર'' પણ હતા...!

મારા પિતાને ચાર પત્નીઓ હતી, ત્રીજો નંબર મારી માતા, નોસેકેની ફાનિનો હતો. ચારેય પત્નીઓના ઘર અલગ અલગ અને એકબીજાથી માઈલો છેટા હતા. મારા પિતા થોડા થોડા દિવસ દરેકના ઘેર જઈને રહેતા હતા. મારા પિતાને કુલ ૧૩ સંતાનો હતા. ૪ છોકરા ને ૯ છોકરીઓ. મારી માનું હું સૌથી મોટું સંતાન, અને મારે નાની ૩ બહેનો હતી, પરંતુ મારા પિતાના ચાર છોકરાઓમાં હું સૌથી નાનો હતો.

મારો જન્મ થયો તે પછીના ટૂંકા સમયગાળામાં જ એક વિવાદના લીધે મારા પિતાને સરપંચપદ ગુમાવવું પડયું હતું. મારા પિતા સદાય ન્યાયના પક્ષે રહેતા હતા. તેઓ ચુસ્તપણે પ્રમાણિક હતા, ન્યાય માટે તેઓે બળવાખોરીની હદે જતા હતા,  અને તેમનો આ ગુણ મારામાં ઊતર્યો છે.

વિવાદ થવાનું કારણ મારા પિતાનો ન્યાયી સ્વભાવ હતો. કોઈ કારણસર લોકલ મેજિસ્ટ્રેટે તેમને સમન્સ મોકલ્યો હતો, પણ મારા પિતાએ સ્પષ્ટ જવાબ મોકલી આપ્યો કે તમારા સમન્સ મુજબ હું તમારી સમક્ષ હાજર નથી થવાનો...

એ દિવસોમાં પણ મેજિસ્ટ્રેટના સમન્સનો કોઈ અનાદર કરી શક્તું નહોતું. સમન્સનો અનાદર એટલે તમારી ઉદ્ધતાઈ કે તોછડાઈની ચરમસીમા ગણાતી હતી. પરંતુ મારા પિતા એમ માનતા કે તેમના પર એટલે કે ગામના સરપંચ પર મેજિસ્ટ્રેટની કોઈ કાનૂની સત્તા નથી.

પણ મેજિસ્ટ્રેટે તેમના સમન્સની અવજ્ઞાાને મારા પિતાની બળવાખોરી ગણીને તુરંત મારા પિતાને સરપંચ પદેથી ઊતારી  મુક્યા, આમ મન્ડેલા પરિવારનું સરપંચ પદ છીનવાઈ ગયું. એ જમાનામાં ગોરા હાકેમોના હુકમની ન્યાય સંગતતાની કોઈ તપાસ થઈ શક્તી નહોતી. 

એ જમાનામાં મારા પિતાની ગણના ધનાઢ્ય ઉમરાવ તરીકે થતી હતી. પણ સરપંચપદ જવાની સાથે તેમની સમૃદ્ધિ, તેમની જમીન, ઢોર-ઢાંખર અને સરપંચ તરીકેની આવક-બધાથી અમે વંચિત થઈ ગયા.

વિકટ સ્થિતિમાં અમે મુકાઈ ગયા હોવાથી મારી માતા અમને બધાને લઈ મ્વેઝો ગામ છોડીને ઉત્તર દિશામાં આવેલા મ્વેઝોથી થોડા મોટા ગામ ડયુનુમાં રહેવા જતી રહી, જ્યાં મારા સગા-સંબંધીઓએ અમને ટેકો આપ્યો હતો. અહીં અમારૃં જીવન ધોરણ મ્વેઝો ગામમાં હતું, તેનાથી ઊતરતું હતું પણ મારા બાળપણના કેટલાક સુખી વર્ષો મેં અહીં વીતાવ્યા છે, જેના સુખદ સંસ્મરણો હજી મારા મનમાં રમ્યા કરે છે. 

(ક્રમશઃ)

Gujarat