For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગાંધી પરિવારને ખુશ કરવાની લ્હાયમાં પિત્રોડા કોંગ્રસને નુક્સાન કરી રહ્યા છે

Updated: Apr 26th, 2024

ગાંધી પરિવારને ખુશ કરવાની લ્હાયમાં પિત્રોડા કોંગ્રસને નુક્સાન કરી રહ્યા છે

- વાઇડ બોલ નાખીને પિત્રોડા ભાજપને લાભ કરી રહ્યા છે

- પ્રસંગપટ

- રાજીવ ગાંધીના કાળમાં કોંગ્રેસ સામે વિપક્ષ ઢીલા પડી ગયા હતા, જ્યારે આજે તો ખુદ કોંગ્રેસ જ વિપક્ષમાં બેઠો છે

રસાકસીભરી મેચમાં દરેક બોલ મહત્ત્વનો હોય છ. એ જ રીતે ચૂંટણી ટાણે નેતાઓનું દરેક નિવેદન મહત્ત્વનું બની જાય છે. સામ પિત્રોડા વાઇડ બોલ નાખીને ભાજપને મફતમાં રન આપી રહ્યા છે.  વાઇડ બોલ કે થ્રો બોલ નાખવાની સામ પિત્રોડાની ખાસિયત છે. આ માણસ ભલે હોંશિયાર હોય, પણ તેમનાં નિવેદનો કોંગ્રેસની બાજી બગાડી રહ્યાં છે.

કોંગ્રેસની જૂની પેઢી ૮૧ વર્ષના સામ પિત્રાડાને બોલતા રોકી શકે એમ નથી, જ્યારે નવી પેઢીને ચૂંટણી સમયે થતા નુક્સાનની ખબર પડતી હોય એમ લાગતું નથી. હકીકત એ છે કે રાજીવ ગાંધીના કાળમાં સક્રિય રહેનારા પિત્રોડાને એ ખબર નથી કે હવે રાહુલ ગાંધીના કાળમાં ચૂંટણીના કાટલાં બદલાઇ ગયાં છે. રાજીવ ગાંધીના કાળમાં કોંગ્રેસ સામે વિપક્ષ અશક્ત બની ગયા હતા, જ્યારે હવે તો ખુદ કોંગ્રેસ જ વિપક્ષ બનીને બેઠો છે.

કોંગ્રેસની ઓવરસીઝ  વિંગનું વડપણ સંભાળતા પિત્રોડા રાહુલ ગાંધીની અમેરિકાની મુલાકાતો દરમ્યાન તેમની સાથે સાથે ફરતા જોવા મળે છે. તેઓ કોંગ્રેસ કરતાં ગાંધી પરિવારને વધુ વફાદાર હોય એમ લાગી રહ્યું છે, પરંતુ ગાંધી પરિવારને ખુશ કરવાની લ્હાયમાં તેઓ કોંગ્રસને નુક્સાન કરી રહ્યા છે.

ભાજપ પાસે ચૂંંટણી પ્રચાર દરમ્યાન કોંગ્રેસ પર પ્રહાર કરવાના મુદ્દા ઓછા થતા જાય છે ત્યારે સામ પિત્રોડા જેવી વ્યક્તિઓ તેમને નવા મુદ્દાઓનું ભાથું પુરૃં પાડે છે.

દિલ્હીના શિખ વરોધી હુલ્લડો જેવા અતિ સંવેદનશીલ મુદ્દે ભૂતકાળમાં પિત્રોડાએ 'જો હુઆ સો હુઆ' એમ કહીને ઘટનાની ગંભીરતાને ઓછી આંકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પણ વિવાદ થયો હતો. ૨૦૧૯માં તેમણે કહ્યું હતું કે, 'અબ ક્યા હૈ '૮૪ કા? આપને ક્યા કિયા ઉસકી બાત કરીયે. '૮૪મેં જો હુઆ સો હુઆ...'

કોંગ્રસમાં તેમને ખૂબ માન મળે છે. ૧૯૮૯માં તેઓ ટેલિકોમ કમિશનના પ્રથમ ચેરમેન બન્યા હતા અને મનમોહન સિંહના વડપણવાળી સરકારમાં ૨૦૦૫થી ૨૦૦૯ સુધી તેઓ નોલજ કમિશનના બોસ હતા. કેબિનેટ કક્ષાની રેન્કમાં આવતા વડાપ્રધાનના સલાહકારની પોસ્ટ પર તેઓ સક્રિય હતા. હવે તેઓ રાહુલ ગાંધીના પડદા પાછળના સલાહકારોમાંના એક છે.

૨૦૧૯ની લોકસભાના જંગમાં પણ પિત્રોડાએ મધ્યમવર્ગ પર વધુ ટેક્સ લદાશે એમ કહીને વિવાદ ઉભો કર્યો હતો.

ચૂંટણી સમયે દરેક પક્ષના નેતાઓએ સાચવીને બોલવાનું હોય છે. પ્રતિસ્પર્ધી પક્ષ કોઈ પણ નિવેદનોનો ગેરલાભ ના ઉઠાવી જાય તે જોવાનું હોય છે. ભાજપ બહુ સાવચેતીથી રમી રહ્યો છે. વાતાવરણ અને માહોલ એવો છે કે બહુ બોલકા નેતાઓની જીભ આસાનીથી લપસી શકે છે. અલબત્ત, વ્યક્તિગત હુમલા અને સામૂહિક નીતિ વિષયક હુમલામાં ફર્ક હોય છે.

વારસાગત સંપત્તિ ભારતમાં બહુ સંવેદનશીલ મુદ્દો છે. પિત્રોડાએ વારસાગત સંપત્તિના મામલે લોકોની દુખતી નસ દબાવી છે. વારસાગત સંપત્તિ પર ટેક્સ નાખવો જોઇએ તે વાત કરીને પિત્રોડાએ સિક્સ મારી છે એમ કોંગ્રેસને લાગ્યું હતું, પણ ભાજપે તરત જ બાઉન્ડ્રી લાઇન પર કેચ કરીને નિવેદનનો ફિયાસ્કો કરી નાખ્યો છે.

કોંગી નેતાઓનાં નિવેદનોમાં રહેલાં છિદ્રોને તરત શોધી ભાજપ વળતો પ્રહાર કરવામાં બહુ ચપળતા બતાવે છે. રાજકીય જંગમાં આવી ત્વરિત પ્રતિક્રિયા બહુ ઉપયોગી બની જાય છે. કોંગ્રેસ ખુલાસો કરે ત્યાં સુધીમાં તો ભાજપે મતદારો સુધી પહોંચી જઈને વાતને મોટું સ્વરૂપ આપી દીધું છે. મેઇનસ્ટ્રીમ અને ડિજિટલ મીડિયામાં હાલ વારસાગત સંપત્તિનો મુદ્દો ધૂમ ચર્ચાઈ રહ્યો છે 

ભારતીયોના મનમાં છુપાયેલી સંવેદનાઓને છંછેડવાનો પ્રયાસ ચૂંટણી ટાણે પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષને લાભ કરી આવે છે. સામ પિત્રોડા સ્પષ્ટવક્તા છે, પરંતુ કોંગ્રેસને નુક્સાન કરી રહ્યા છે. સામ પિત્રોડા જેવાઓ એમ માને છે કે તેમનાં નિવેદનો પક્ષને મદદરુપ બનશે, પરંતુ અમેરિકા અને ભારતની પ્રજાની વિચારસરણીમાં ફેર છે. વારસાઇ કે ધાર્મિક મુદ્દે વિવાદ ઊભો કરનારની પડખે પ્રજા ઊભી રહેતી નથી તે ભૂલવું ન જોઇએ.

કોઈ પિત્રોડાને કહો કે કોંગ્રેસ હાલ સત્તા પર નથી, પણ વિપક્ષમાં છે અને ઓલરેડી ખરાબ હાલતમાં છે...

Gujarat