For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

87 એક્ટ્રેસ-મોડલના રેપિસ્ટ હાર્વેની સજા રદ કરાતાં આક્રોશ

Updated: Apr 27th, 2024

87 એક્ટ્રેસ-મોડલના રેપિસ્ટ હાર્વેની સજા રદ કરાતાં આક્રોશ

- વેઈનસ્ટેઈન સામે ફરી કેસ ચાલશે એટલે તેની હવસનો શિકાર બનેલી સ્ત્રીઓએ ફરી કોર્ટમાં આવી જુબાની આપવી પડશે 

- હાર્વે વેઈનસ્ટેઈન હોલિવુડમાં બહુ મોટું માથું છે. હાર્વેએ પોતાના ભાઈ બોબ સાથે મળીને સેક્સ, લાઈઝ એન્ડ વીડિયો ટેપ, ધ ક્રાઈંગ ગેમ, પલ્પ ફિક્શન, ફ્લર્ટિંગ વિથ ડિઝાસ્ટર, શેક્સપીયર ઈન લવ જેવી અનેક યાદગાર ફિલ્મો બનાવી છે પણ 2020માં બળાત્કારના કેસમાં સજા થતાં હાર્વેની પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ ગયેલી. એન્જેલિના જોલી, ગ્વાનેથ પોલ્ટ્રો, કારા ડેલવિને, લિયા સેડોક્સ, રોઝાના આરક્વેટા, મીરા સોરવીનો જેવી ખ્યાતનામ અભિનેત્રીઓએ પોતે વેઈનસ્ટેઈનની ગંદી હરકતોનો શિકાર બનાવી હોવાનું જાહેર કરતાં વેઈનસ્ટેઈનને બૂચ લગી ગયેલો. હવે આ કેસના ચુકાદાને કોર્ટે રદ કરીને ફરી ટ્રાયલનું ફરમાન કર્યું છે.

હોલીવુડના સૌથી પ્રખ્યાત ફિલ્મ નિર્માતાઓમાંથી એક હાર્વે વેઈનસ્ટેઈનને ચાર વર્ષ પહેલાં બળાત્કારના કેસમાં ૨૩ વર્ષની કેદની સજા થઈ ત્યારે સૌને હવસખોર હાર્વેને તેનાં કરમોની સજા મળી હોય એવું લાગેલું. ૮૭ મોડલો અને એક્ટ્રેસે વેઈનસ્ટેઈને તેમની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હોવાનો કે પછી અન્ય રીતે પોતાની હવસ સંતોષવાની ફરજ પાડી હોવાનું સત્તાવાર રીતે કહેલું જ્યારે તેની ૧૦૦થી વધારે યુવતીઓએ આક્ષેપ કરેલા. વેઈનસ્ટેઈન ઓછામાં ઓછી ૨૦ વર્ષથી આ ગંદી હરકતો કરતો હોવાના આરોપ તેની સામે હતા તેથી કોઈને તેના માટે હમદર્દી નહોતી. બલ્કે વેઈનસ્ટેઈન જેલમા સડવાને લાયક છે એવું જ સૌનું માનવું હતું. 

હવે ચાર વર્ષ પછી આ કેસમાં એન્ટિ-ક્લાઈમેક્સ આવી ગયો છે. ન્યુ યોર્કની અપીલ્સ કોર્ટે હાર્વેને દોષિત ગણાવતા ચુકાદાને રદ કરીને ફરી ટ્રાયલનું ફરમાન કરતાં સૌ હતપ્રભ બની ગયાં છે. ન્યુ યોર્કની કોર્ટ ઓફ અપીલ્સે ૪ વિરૂધ્ધ ૩ જજની બહુમતીથી આપેલા ચુકાદામાં વેઈનસ્ટેઈનને દોષિત ઠેરવવાવા ઉત્સાહમાં ન્યાયતંત્રના વિશેષાધિકારોનો દુરૂપયોગ કરાયો હોવાનું ઠરાવ્યું છે. વેઈનસ્ટેઈન સામે કોઈ આરોપો નહીં મૂકનારી મહિલાઓની જુબાનીને મંજૂરી અપાઈ અને તેમની સાથે વેઈનસ્ટેઈને કરેલા કહેવાતા સેક્સ્યુઅલ એસોલ્ટને આધારે વેઈનસ્ટેઈનને દોષિત ઠેરવીને ટ્રાયલ કોર્ટે ભૂલ કરી છે એવું જાહેર કરીને આ ભૂલને સુધારવા માટે ફરી કેસ ચલાવવા અદાલતે ફરમાન કર્યું છે.

સોશિયલ મીડિયા પર તો હવસખોર હાર્વે અને ચુકાદો આપનારા જજ સામે લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે કે, હાર્વે જેવા વિકૃત હવસખોરોને લાંચ ખાઈને છાવરવામાં આવી રહ્યા છે. વેઈનસ્ટેઈન સામે ફરી કેસ ચાલશે એટલે તેની હવસનો શિકાર બનેલી સ્ત્રીઓએ ફરી કોર્ટમાં આવીને જુબાની આપવી પડશે. તેમની સાથે થયેલી હરકતોને ફરી યાદ કરવી પડશે. 

ન્યુ યોર્કની કોર્ટના ચુકાદા પછી પણ હાર્વેએ જેલમાં જ રહેવું પડશે કેમ કે હાર્વેને ૨૦૨૨માં બળાત્કારના બીજા કેસમાં ૧૬ વર્ષની સજા થઈ છે પણ આ ચુકાદાએ દુનિયાભરમાં સૌથી વધારે ગાજેલા સેક્સ્યુઅસ હેરેસમેન્ટ કેસની યાદોને ફરી તાજી કરી દીધી છે.

હાર્વે વેઈનસ્ટેઈન હોલિવુડમાં બહુ મોટું માથું છે. હાર્વેએ પોતાના ભાઈ બોબ સાથે મળીને એન્ટરટેઈનમેન્ટ કંપની મીરામેક્સ બનાવી હતી કે જેણે અનેક સફળ ફિલ્મો આપી. મીરામેક્સમાથી છૂટા થયા પછી હાર્વે-બોબે વેઈનસ્ટેઈન કંપની બનાવી હતી. વેઈનસ્ટેઈન બ્રધર્સે સેક્સ, લાઈઝ એન્ડ વીડિયો ટેપ, ધ ક્રાઈંગ ગેમ, પલ્પ ફિક્શન, ફ્લર્ટિંગ વિથ ડિઝાસ્ટર, શેક્સપીયર ઈન લવ જેવી અનેક યાદગાર ફિલ્મો બનાવી. 

હાર્વે વેઈનસ્ટેઈનને શેક્સપીયર ઈન લવ ફિલ્મના નિર્માણ માટે ૧૯૯૮માં ઓસ્કાર એવોર્ડ પણ મળ્યો છે. 

વેઈનસ્ટેઈન હવસખોર હોવાના આક્ષેપો ૧૯૭૦થી થતા હતા, વેઈનસ્ટેઈન કાસ્ટિંગ કાઉચ કરે છે, ફિલ્મોમાં રોલ માટે આવતી યુવતીઓને  પોતાની સાથે શારીરિક સંબંધો બાંધવાની ફરજ પાડતો હોવાની ચર્ચા હોલીવુડમાં ચાલ્યા કરતી હતી પણ કોઈ આગળ આવતું નહોતું.  વેઈનસ્ટેઈમ પાવરફુલ હતો અને તેની ફિલ્મોમાં કામ કરવાથી કરીયર બની જતી તેથી યુવતીઓ ચૂપ રહેતી. ૨૦૧૭માં ન્યુ યોર્ક ટાઈમ્સ અને ધ ન્યુયોર્કરમાં સ્ટોરી છપાઈ કે, વેઈનસ્ટેઈને એક ડઝનથી વધારે એક્ટ્રેસ પર રેપ કે સેક્સ્યુએસ એસોલ્ટ કર્યો છે.  આ સ્ટોરીના પગલે વેઈનસ્ટેઈન લાઈમલાઈટમાં આવ્યો અને મીડિયા તેનાં  કરતૂતોની ખણખોદમાં લાગી ગયું. મીડિયાના કારણે વેઈનસ્ટેઈનની હવસનો ભોગ બનેલી સ્ત્રીઓમાં હિંમત આવી ને ખૂલીને બોલવા માંડી. વેઈનસ્ટેઈને ક્યારે, કઈ રીતે કોને હવસનો શિકાર બનાવી તેની વાતો બહાર આવવા માંડતાં મહિનામાં તો  વેઈનસ્ટેઈન સામે આક્ષેપો કરનારી સ્ત્રીઓની સંખ્યા વધીને ૧૦૦ને પાર થઈ ગઈ હતી.૨૦૧૭માં અમેરિકન એક્ટ્રેસે  પાઝ દ લા હુએર્તાએ વેઈનસ્ટેઈન સામે બળાત્કારની પહેલી ફરિયાદ નોંધાવી. એક્ટ્રેસ રોઝ મેકગોવાને પણ વાઇનસ્ટેઈન પર બળાત્કારનો આરોપ મૂક્યો. પછી તો મોડલો તથા અભિનેત્રીઓની લાઈન જ લાગી ગઈ. એન્જેલિના જોલી, ગ્વાનેથ પોલ્ટ્રો, કારા ડેલવિને, લિયા સેડોક્સ, રોઝાના આરક્વેટા, મીરા સોરવીનો જેવી ખ્યાતનામ અભિનેત્રીઓએ પોતે વેઈનસ્ટેઈનની ગંદી હરકતોનો શિકાર બનાવી હોવાનું જાહેર કરતાં વેઈનસ્ટેઈનને બૂચ લગી ગયેલો. 

વેઈનસ્ટેઈનને પોતાની કંપનીમાંથી અને ઓસ્કાર એકેડમીમાંથી વેઈનસ્ટેઈનને તગેડીને જેલભેગો કરાયેલો. ૨૦૨૦માં તેને પહેલા કેસમાં ૨૩ વર્ષની ને પછી ૨૦૨૨માં બીજા કેસમાં ૧૬ વર્ષની સજા થતાં ૭૦ વર્ષના વેઈનસ્ટેઈનની બાકીની જીંદગી જેલમાં જ જશે એવું લાગતું હતું ત્યાં આ નવો ટ્વિસ્ટ આવી ગયો.  

વેઈનસ્ટેઈનન કિસ્સો એ વાતનો પુરાવો છે કે, ભારત હોય કે અમેરિકા, કાગડા બધે કાળા છે. જેની પાસે પૈસો અને પાવર હોય એ બધું મેનેજ કરી શકે છે, ન્યાયતંત્રને પણ કેમ કે ન્યાયતંત્રમાં પણ બેસે તો માણસો જ છે ને ?

વેઈનસ્ટેઈન પાસે પુષ્કળ પૈસો છે અને કનેક્શન્સ પણ છે. પાંચ દાયકા કરતાં વધારે સમય એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ગાળનારા વેઈનસ્ટેઈને મોડલ અને એક્ટ્રેસીસને મોકલીને ઘણાં મોટાં માથાંની સેવા કરી છે. એ લોકો તેને જેલમાંથી બહાર લાવવા સક્રિય બન્યાનું કહેવાય છે. વેઈનસ્ટેઈનને સજા થઈ ત્યારે 'મીટુ'  ચળવળ તેની ટોચે હતી. એ વખતે વેઈનસ્ટેઈન સામે હળવું વલણ લેવાય તો ભડકો થઈ જાય તેથી વેઈનસ્ટેઈનના સાગરિતોએ રાહ જોઈ. હવે બધું ઠંડુ પડી ગયું છે એટલે તક જોઈને તેમણે ઘા મારી દીધો છે. વેઈનસ્ટેઈને ૧૬ વર્ષની સજા થઈ એ કેસમાં પણ અપીલ કરી જ છે અને તેમાં પણ ફરી ટ્રાયલ ચલાવવાનો આદેશ આવતાં વેઈનસ્ટેઈનના જેલમાંથી બહાર આવી જશે. કેસ ભલે ને ચાલ્યા કરે.

વેઈનસ્ટેઈનની હવસખોરીએ 'મીટુ' ચળવળને વિશ્વવ્યાપી બનાવી

વેઈનસ્ટેઈનના કારણે 'મીટુ' ચળવળ વિશ્વવ્યાપી બની હતી. ૨૦૦૬માં અમેરિકાની સામાજિક કાર્યકર તરાના બુર્કેએ સોશિયલ નેટવર્ક માયસ્પેસ પર આ શબ્દો વાપરેલા. તરાના બ્લેક યુવતીઓ પોતા પર થયલા પર બળાત્કાર અને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ  સામે અવાજ ઉઠાવે તે માટે ઝુંબેશ ચલાવતી હતી. 

તરાના નાની ઉંમરે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો ભોગ બનેલી. એક ૧૩ વર્ષની છોકરીએ પોતાના પર બળાત્કાર થયાનું તરાનાને કહ્યું ત્યારે તરાના કહેવા માગતી હતી કે, મીટુ.  મતલબ કે હું પણ સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો ભોગ બનેલી જ છું. તરાના એ બે શબ્દો ના બોલી શકી પણ આ શબ્દો તેના મનમાં વસી ગયા. તરાનાએ ઝુંબેશ શરૂ કરી ત્યારે એ શબ્દોનો ઉપયોગ કર્યો પણ તેને વિશ્વવ્યાપી એક્ટ્રેસ અલિસા મિલાનોએ બનાવ્યા. 

વેઇનસ્ટેઈન સામે પહેલી વાર રેપનો આક્ષેપ થયો ત્યારે ઓક્ટોબરમાં ૨૦૧૭માં મિલાનોએ ટ્વિટર પર 'મીટુ' હેશટેગ બનાવીને વેઈનસ્ટેઈનની હવસનો શિકાર બનેલી યુવતીઓને આગળ આવવા હાકલ કરેલી. ટોચની એક્ટ્રેસ અને મોડલો વેઈનસ્ટેઈનનાં કરતૂતોનો ભાંડો ફોડવા આગળ આવતાં આ શબ્દો આખી દુનિયામાં ફેલાઈ ગયા. 

'મીટુ'ના કારણે અકબરનું મંત્રીપદ ગયું, નાના પાટેકર સામે એક્ટ્રેસે ફરિયાદ કરી

ભારતમાં પણ 'મીટુ' ઝુંબેશને કારણે ઘણી સેલિબ્રિટીઝ ચર્ચામાં આવી ગઈ. તેમાં ઉડીને આંખે વળગે એવો દાખલો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના રાજ્ય કક્ષાના વિદેશ પ્રધાન એમ.જે. અકબરનો હતો. 

રાજકારણમાં આવતાં પહેલાં અકબર ઘણાં અંગ્રેજી અખબારોના એડિટર રહી ચૂક્યા હતા. કોંગ્રેસના સભ્ય બનીને રાજકારણમાં આવેલા અકબર પછીથી નરેન્દ્ર મોદીનો ચઢતો સિતારો જોઈને ભાજપમાં આવી ગયેલા. ભાજપે તેમને મિનિસ્ટર બનાવી દીધેલા. અકબર સાથે ભૂતકાળમાં કામ કરનારી ચાર યુવતીઓએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ કરતાં અકબરે મંત્રીપદ ખોવું પડેલું. 

બીજો બહુ ગાજેલો કિસ્સો આપણે એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ નાના પાટેકર સામે કરેલો જાતિય સતામણીનો આક્ષેપ હતો. તનુશ્રીએ આ ઘટના બની ત્યારે નાના પાટેકર સામે સિને એસોસિએશનમાં ફરિયાદ કરેલી પણ કશું નહોતું થયું. 'મીટુ' ઝુંબેશને પગલે તેણે ફરી પોતાની સતામણીનો મુદ્દો ઉઠાવેલો. 

આ સિવાય ગાયક કૈલાશ ખેર, અભિનેતા રજત કપૂર અને આલોકનાથ, ડિરેક્ટર વિકાસ બહલ સહિતના એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રના ટોચના લોકો સામે પણ આક્ષેપો થયેલા પણ વેઈનસ્ટેઈનના કેસમાં થયું એમ કોઈને સજા ના થઈ.

Gujarat