For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી ટિકટોક પર, બાઈડેન માટે વિમો

Updated: Apr 25th, 2024

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી ટિકટોક પર, બાઈડેન માટે વિમો

- ટિકટોક અમેરિકાની સુરક્ષા માટે ખતરારૂપ છે, દેશની સુરક્ષા માટે ખતરો હોય ત્યારે અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય મહત્ત્વનું રહેતું નથી

- અમેરિકન યંગસ્ટર્સમાં ટિકટોકનો જબરદસ્ત ક્રેઝ છે. અમેરિકામાં ટિકટોકના 17 કરોડ યુઝર્સ હોવાનું કહેવાય છે. તેમાંથી 52 ટકા યુઝર્સ ૨૪ વર્ષથી ઓછી ઉંમરના છે જ્યારે 87.4 ટકા યુઝર્સ 45 વર્ષથી ઓછી ઉંમરના છે. 18 વર્ષથી વધુ ઉંમરના યુવાઓ ટિકટોક પર દરરોજ સરેરાશ 54 મિનિટ ગાળે છે એવું બિઝનેસ ઓફ એપ્સનો સર્વે કહે છે. 14 વર્ષથી 18 વર્ષનાં ટીનેજર્સ તો રોજના ત્રણ-ચાર કલાક ટિકટોકમાં ખર્ચે છે.  તેમની પાસે મતાધિકાર નથી તેથી તેમની ચિંતા નથી પણ 18 વર્ષથી વધારે ઉંમરનાં યુવક-યુવતીઓ બાઇડેનની બેન્ડ બજાવી શકે છે. 

અમેરિકાના પ્રમુખ જો બાઇડેને ચાઈનીઝ વીડિયો એપ ટિકટોક માટેના 'બાન-ઓર-સેલ' બિલ પર સહી કરતાં જ ઘમાસાણ મચ્યું છે. આ બિલ હેઠળ ટિકટોકની માલિક કંપની બાઈટડાન્સને પોતાનો હિસ્સો કોઈ અમેરિકન કપનીને વેચી દેવા ૯ મહિનાની મુદત અપાઈ છે. એક વાર અમેરિકન ખરીદદાર નક્કી થઈ જાય પછી ૯૦ દિવસમાં ટિકટોક વેચવાના કરાર કરી લેવાના રહેશે. 

આ બિલ પ્રમાણે બાઈટડાન્સ ૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમાં પોતાનો હિસ્સો અમેરિકન કંપનીને ના વેચે તો અમેરિકાની સરકાર તમામ એપ સ્ટોર પરથી ટિકટોકને દૂર કરાવી દેશે.  કોઈ પણ મોબાઈલ ફોનમાં ટિકટોકનો ઉપયોગ નહીં કરી શકાય ને તેના પર સપૂર્ણ પ્રતિબંધ આવી જશે. કોઈ પણ ક્લાઉડ હોસ્ટિંગ પ્લેટફોર્મ પણ બાઈટડાન્સ હોસ્ટિંગ સર્વિસ પૂરી નહીં પાડી શકે. 

બાઈટડાન્સે આ બિલને અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો નિર્ણય લીધો છે. ટિકટોકનો દાવો છે કે, આ બિલ અમેરિકન બંધારણના ફસ્ટ એમેન્ડમેન્ટનું ઉલ્લંઘન કરે છે કે જેમાં અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનું રક્ષણ કરવાનો અધિકાર નાગરિકોને અપાયો છે. સામે બાઇડેન સરકારનું કહેવું છે કે, ટિકટોક અમેરિકાની સુરક્ષા સામે ખતરારૂપ છે. દેશની સુરક્ષા સામે ખતરો હોય ત્યારે અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય મહત્વનું રહેતું નથી. 

ટિકટોક સામે બાઇડેન સરકારે ગંભીર આક્ષેપો મૂક્યા છે.  ટિકટોક બાળકોની સલામતી માટે જોખમરૂપ છે, તેના પર લોકોમાં દ્વેષભાવ ફેલાવે એવું કન્ટેન્ટ મૂકાય છે, બેફામ જૂઠાણાં ફેલાવાય છે, બાળકોને તેની લત લાગી જાય છે. આતંકવાદને પોષે છે, કટ્ટરવાદને પ્રોત્સાહન આપે છે વગેરે એવા આક્ષેપો મૂકાયા છે. સૌથી મોટો આક્ષેપ એ છે કે, ટિકટોકના માધ્યમથી ચીન અમેરિકા પર જાસૂસી કરે છે તેથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો છે. 

બંને પક્ષન દલીલોને જોતાં આ મુદ્દે કાનૂની લડાઈ તો લડાશે જ પણ એ પહેલાં અમેરિકાની જનતામાં જંગ જામ્યો છે. આ સંભવિત પ્રતિબંધ સામે મેદાનમાં આવીને ઉગ્ર વિરોધ કરી રહેલા યુવાનોના કારણે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં 'બાન-ઓર-સેલ' મોટો મુદ્દો બની જવાનાં એંધાણ છે. બલ્કે પ્રમુખપદની ચૂંટણી ટિકટોક પર જ લડાય એવાં એંધાણ છે કેમ કે ટિકટોક યુઝર્સ બાઇડેન સામે આક્રોશ ઠાલવતા વીડિયો પોસ્ટ કરવા માંડયા છે કે જેને કરોડો વ્યૂ મળી રહ્યા છે. તેમના મતે, બાઇડેનનો નિર્ણય દંભ અને કુપ્રચારની ચરમસીમા જેવો છે. બાઇડેનને ટેકો આપતા વીડિયો પણ ટિકટોક પર મૂકાઈ રહ્યા છે તેથી અત્યારથી ટિકટોક પર વોર શરૂ થઈ ગઈ છે. 

બાઇડેને બિલ પર સહી કરી એ પહેલાં ટિકટોક પર વીડિયો બનાવતા ન્યુ યોર્કના ડચ દ કારવાલ્હો નામના યુવકે વીડિયો મૂકીને બિલ અંગે પોતાના વિચારો રજૂ કરેલા. ડચે કહેલું કે, અમેરિકનોને સંખ્યાબંધ સમસ્યાઓ સતાવે છે. અમેરિકન યુવાઓને સસ્તાં પરવડે એવાં મકાન નથી મળી રહ્યાં, વિદ્યાર્થીઓને લોનના દેવામાંથી રાહત નથી મળી રહી,  મિનિમમ વેજમાં વધારો નથી મળી રહ્યો અને કોવિડના ફ્રી ટેસ્ટની સવલત પણ મળી રહી નથી. 

આ બધી તકલીફો વચ્ચે અમે મજાક-મસ્તી કે ધમાલ કરતા લોકોના વીડિયો જોઈને હળવા પણ ના થઈ શકીએ ?  અમારી આસપાસની દુનિયા વિશે જાણી પણ ના શકીએ ? 

આ વીડિયો વાયરલ થયો છે અને જોરદાર સમર્થન મળી રહ્યું છે. વિશ્લેષકો માને છે કે, હજુ તો આ શરૂઆત છે અને જાન્યુઆરી નજીક આવશે ત્યારે ટિકટોક ખરીદવા માટે કોઈ અમેરિકન કંપની આગળ નહીં આવે તો યુવાનો આક્રોશ ફાટી નિકળશે ને ટિકટોક યુઝર્સ  નવેમ્બરમાં થનારી પ્રમુખપદની ચૂંટણીમાં જ બાઇડેનનું બોર્ડ પતાવી દેશે. બાઇડેને ભલે ચાલાકી વાપરીને પ્રમુખપદની ચૂંટણી પતે પછીની મુદતા રાખી પણ યુવાનોમાં એટલી ધીરજ હોતી નથી તેથી બાઇડેન માટે વિમો જ છે. 

આ આગાહીઓ સાવ અધ્ધરતાલ પણ નથી. અમેરિકન યંગસ્ટર્સમાં ટિકટોકનો જબરદસ્ત ક્રેઝ છે. અમેરિકામાં ટિકટોકના ૧૭ કરોડ યુઝર્સ હોવાનું કહેવાય છે. તેમાંથી ૫૨ ટકા યુઝર્સ ૨૪ વર્ષથી ઓછી ઉંમરના છે જ્યારે ૮૭.૪ ટકા યુઝર્સ ૪૫ વર્ષથી ઓછી ઉંમરના છે. ૧૮ વર્ષથી વધુ ઉંમરના યુવાઓ ટિકટોક પર દરરોજ સરેરાશ ૫૪ મિનિટ ગાળે છે એવું બિઝનેસ ઓફ એપ્સનો સર્વે કહે છે. ૧૪ વર્ષથી ૧૮ વર્ષનાં ટીનેજર્સ તો રોજના ત્રણ-ચાર કલાક ટિકટોકમાં ખર્ચે છે.  તેમની પાસે મતાધિકાર નથી તેથી તેમની ચિંતા નથી પણ ૧૮ વર્ષથી વધારે ઉંમરનાં યુવક-યુવતીઓ બાઇડેનની બેન્ડ બજાવી શકે છે. 

ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ સ્થિતીનો લાભ લેવા પહેલેથી તૈયાર થઈને બેઠા છે. ટ્રમ્પ વરસોથી ટિકટોક પર પ્રતિબંધની તરફેણ કરતા હતા અને પ્રેસિડેન્ડ હતા ત્યારે ખાસ આદેશ બહાર પાડીને સરકારી કર્મચારીઓ દ્વારા ટિકટોકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકેલો. બાઇડેને ટિકટોક પર પ્રતિબંધની વાત કરતાં ટ્રમ્પે  અચાનક પલટી મારીને એલાન કરી દીધું કે,  ટિકટોક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાશે તો અમેરિકાના કરોડો યુવાનો ગાંડા થઈ જશે ને ડીપ્રેશનમાં જતા રહેશે તેથી આ ખતરો લેવા જેવો નથી. 

 ટિકટોક પર પ્રતિબંધના કારણે લોકોના સૌથી મોટા દુશ્મન એવા ફેસબુક પાસે રાક્ષસી તાકાત આવી જશે ને એ અમેરિકા માટે ઘાતક છે એવો પણ ટ્રમ્પનો દાવો છે. ટ્રમ્પના કહેવા પ્રમાણે,  ટિકટોક દેશની સુરક્ષા માટે ખતરો છે પણ ફેસબુક લોકોનો વધારે મોટો દુશ્મન છે તેથી તેને તાકાતવર બનાવવા જેવો નથી.  ટ્રમ્પના વલણને જોતાં ટિકટોકતરફી યુવાઓ ટ્રમ્પને મત આપશે જ તેમાં શંકા નથી તેથી ટ્રમ્પ મજબૂત બનશે. 

ટિકટોક પણ નાની કંપની નથી તેથી તે પણ બાઇડેન સત્તામાં ફરી ના આવે એ માટે પૂરી તાકાત લગાવશે જ. બાઇડેન અને ફેસબુકની સાંઠગાંઠના કારણે અમેરિકાની બીજી મોટી કંપનીઓ પણ નારાજ છે તેથી ટ્રમ્પ અને ટિકટોકને તેમનું પણ સમર્થન મળશે. સામે બાઇડેન પણ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાનું કાર્ડ ઉતર્યા છે તેથી તેનો જુવાળ ફરી વળે એવું પણ બને. 

ટિકટોક જાય તો આર્થિક રીતે અમેરિકાને કંઈ ફરક ના પડે

અમેરિકામાં લાખો યુવક-યુવતીઓ માટે ટિકટોકના આધારે પોતાની આજિવિકા રળે છે. આ ઉપરાંત અમેરિકાના નાના નાના બિઝનેસને પણ ટિકટોકથી ફાયદો છે. ટિકટોકના પોતાના રીપોર્ટ પ્રમાણે, ૨૦૨૩માં ટિકટોકના કારણે અમેરિકાના નાના બિઝનેસને ૧૫ અબજ ડોલરનો ધંધો મળ્યો હતો. ટિકટોક પરથી ૫.૫૦ કરોડ લોકોએ ખરીદી કરી હતી તેથી અમેરિકાના અર્થતંત્રમાં ટિકટોકનું યોગદાન ૨૫ અબજ ડોલરનું છે. 

અમેરિકા આર્થિક મામલે હાથી નહીં પણ ડાયનાસોર છે. અમેરિકાની ૨૫ ટ્રિલિયનની ઈકોનોમીમાં ૨૫ અબજ ડોલર ઓછા થાય તો કાનખજૂરાનો એક પગ તૂટયા જેટલી પણ અસર ના થાય. બલ્કે રીંછનો એક વાળ ખર્યો તો શું એવું લાગે. આ સંજોગોમાં ટિકટોકની આર્થિક અસરોની અમેરિકાને બહુ ચિંતા નથી પણ રાજકીય અસરોની ચિંતા છે. ટિકટોકના કારણે સ્ટાર બનેલાં યુવક-યુવતીઓનું સ્ટારડમ રાતોરાત છિનવાઈ જાય તેથી ગિન્નાયેલાં યુવક-યુવતી બાઇડેન વિરોધી વલણ લઈ શકે છે. 

ચીન ટિકટોક પરનો કંટ્રોલ નહીં છોડે

ટિકટોક અમેરિકન કંપનીને વેચી દેવાનો મતલબ નાણાંની લેવડદેવડ એવો થતો નથી પણ ટિકટોકને સફળ બનાવનારું અલ્ગોરિધમ અમેરિકન કંપનીને વેચી દેવું પડે. અલ્ગોરિધમ ટેકનિકલ શબ્દ છે ને તેનો સરળ ભાષામાં અર્થ એ થાય કે, ટિકટોકની આખેઆખી સિસ્ટમ અમેરિકન કંપનીને વેચી દેવી પડે. તેનાં સોફ્ટવર સહિતનું બધું અમેરિકન કંપનીને આપી દેવું પડે કે જેથી અમેરિકન કંપનીના માણસો આવીને બેસે પછી અત્યારે જે રીતે ટિકટોક ચાલે છે એ રીતે જ ચલાવી શકે. ટિકટોકની અમેરિકામાં ૨૦૨૩માં આવક ૨૩ અબજ ડોલર હતી તેથી તેનો ધીકતો ધંધો છે. 

આ કારણે માઈક્રોસોફ્ટ, મેટા, વોલમાર્ટ અને ઓરેકલે અગાઉ ટિકટોક ખરીદવામાં રસ બતાવ્યો હતો પણ તેનું કારણ તેનું અલગોરિધમ હતું. ૨૦૨૦માં ચીને ટિકટોકના અલગોરિધમને તેના એક્સપોર્ટ કંટ્રોલ લિસ્ટમાં ઉમેર્યું પછી ચીનનો તેના પર અંકુશ છે. ચીનમાં કંપનીઓએ ટેકઓવર કે વેચાણને લગતા કોઈ પણ નિર્ણય લેવા માટે ચીનની સરકારની મંજૂરી લેવી પડે છે. ચીનની સામ્યવાદી સરકાર ટિકટોકના અલ્ગોરિધમ પરથી પોતાનો કંટ્રોલ હટાવીને અમેરિકન કંપનીને સોંપવાની મંજૂરી કોઈ સંજોગોમાં નહીં આપે. ચીનનો કંટ્રોલ હોય એવા અલગોરિધમનો મતલબ નથી. કોઈ અમેરિકન કંપની અબજો ખર્ચીને એ રીતે ટિકટોક ના ખરીદે એ જોતાં અમેરિકામાંથી ટિકટોકના વાવટા સંકેલાઈ જવાનાં એંધાણ છે.

Gujarat