For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોડાસાના જીગર શાહ અને પ્રિયંવદા : બ્રેઈન ડ્રેઈનનો અંત ક્યારે ?

Updated: Apr 25th, 2024

મોડાસાના જીગર શાહ અને પ્રિયંવદા : બ્રેઈન ડ્રેઈનનો અંત ક્યારે ?

- ક્લિન એનર્જી માટે જીગર શાહે કામ કર્યું છે, તેમણે સ્થાપેલી કંપની વિશ્વમાં સૌથી મોટી સોલર સર્વિસ કંપની છે જ્યારે પ્રિયંવદા એસ્ટ્રોફિઝીસ્ટ છે

- 'ટાઈમ'ની વિશ્વના સૌથી પ્રભાવશાળી 100 લોકોની યાદીમાં સામેલ બે મૂળ ભારતીય વ્યક્તિનો જીગર શાહ અને પ્રિયંવદાના કારણે ભારતના બ્રેઈન ડ્રેઈનની ચર્ચા પાછી છેડાઈ છે. અમેરિકામાં ભણેલાં પ્રિયંવદા-શાહે સાયન્સ અને ટેકનોલોજીમાં બહુ મોટું યોગદાન આપ્યું છે. બંને ભારતમાં જન્મ્યાં પણ યોગ્ય તકોના અભાવે બંનેના પરિવારો ભારત છોડીને ગયાં. આ રીતે લાખો ભારતીયો ભારત છોડીને જતા રહે છે તેના કારણે નુકસાન ભારતને થાય છે. 

જાણીતા મેગેઝિન 'ટાઈમ'ની વિશ્વના સૌથી પ્રભાવશાળી ૧૦૦ લોકો (મોસ્ટ ઈન્ફ્લુઅન્શિયલ ૧૦૦ પીપલ)ની યાદી દુનિયાભરમાં રસ જગાવે છે કેમ કે તેમાં અણધાર્યા આશ્ચર્યો હોય છે. સાથે સાથે પોતાના દેશમાંથી કોનો સમાવેશ કરાયો એ જાણવાની ઉત્સુકતા પણ હોય છે. 'ટાઈમ'ની ગયા અઠવાડિયે બહાર પડેલી નવી યાદીમાં એવાં આશ્ચર્યો છે જ તેથી તેની દુનિયાભરમાં ચર્ચા છે. 

ભારતીયો માટે પણ આ યાદી રસપ્રદ છે કેમ કે તેમાં બે એવી મૂળ ભારતીય વ્યક્તિનો સમાવેશ કરાયો છે કે જેમના વિશે લોકો બહુ જાણતાં નથી. તેમાંથી એક જીગર શાહ તો પાછા ગુજરાતી છે. 

અમેરિકન સરકારમાં ક્લીન એનર્જી માટે કામ કરતા ૪૭ વર્ષના જીગર શાહનું નામ સાવ અજાણ્યું નથી પણ તેમનું યોગદાન તેમને વિશ્વમાં મોસ્ટ ઈન્ફ્લુઅન્શિયલ ૧૦૦ પીપલમાં સ્થાન અપાવી શકે એટલું મોટું છે તેની મોટા ભાગનાં લોકોને ખબર જ નથી. બીજી વ્યક્તિ પ્રિયંવદા નટરાજન છે કે જેમનું નામ મોટા ભાગનાં લોકોએ સાંભળ્યું જ નથી. પ્રિયંવદા એસ્ટ્રોફિઝિશિસ્ટ છે અને યેલ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. ૫૫ વર્ષનાં પ્રિયંવદાએ બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ વિશે વરસો પહેલાં થીયરી આપેલી. આ થીયરીના આધારે વિજ્ઞાાનીઓ બ્રહ્માંડ વિશે નવી નવી વાતો જાણી રહ્યા છે અને પૃથ્વીની બહારની સૃષ્ટિનો તાગ મેળવી રહ્યા છે. 

'ટાઈમ'ની યાદીમાં એકટ્રેસ આલિયા ભટ્ટ પણ છે અને લંડનમાં રેસ્ટોરન્ટ ધરાવતાં મૂળ ભારતીય અસ્મા ખાન પણ છે. બંનેની સિધ્ધીઓને ઓછી ના આંકી શકાય પણ તેમનું યોગદાન દુનિયા બદલી શકે એવું નથી. આલિયાને બદલે બીજી કોઈ પણ એક્ટ્રેસ કે અસ્મા ખાનને બદલે બીજા કોઈ શેફનો સમાવેશ કરાયો હોત તો બહુ ફરક ના પડયો હોત પણ પ્રિયંવદા કે જીગર શાહનું સ્થાન બીજું કોઈ ના લઈ શકે. તેમના યોગદાનની તોલે બીજા કોઈનું યોગદાન ના આવી શકે એ રીતે તેમની વાત મહત્વની છે. 

જીગર શાહે ક્લાઈમેટ ચેન્જના કારણે ભવિષ્યમાં પડનારી તકલીફો અને ગ્રીન એનર્જીનું મહત્વ બહુ પહેલાં જ સમજી લીધું હતું. 

૨૦૦૦ના દાયકામાં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ નવા નવા શબ્દો હતા ત્યારે જીગર શાહે ક્લીન એનર્જીમાં રોકાણ કરીને નવો રસ્તો બતાવેલો. શાહ અમેરિકામાં એલીમેન્ટરીથી માંડીને માસ્ટર્સ ડીગ્રી સુધી સરકારી સ્કૂલમાં જ ભણ્યા છે. મિકેનિકલ એન્જીનિયરિંગમાં બી.એસ. થયેલા શાહે સોલર એનર્જીનો બિઝનેસ શરૂ કર્યો ત્યારે ભાગ્યે જ કોઈ તેમાં જતું. શાહે સોલર એનર્જીથી ઊબજોનો બિઝનેસ કરી શકાય છે એઅ સાબિત કર્યું. શાહે સ્થાપેલી સનએડિશન વિશ્વની સૌથી મોટી સોલર સર્વિસ કંપની છે.

ક્લાઈમેટ ચેન્જની અસરોને ખાળવા માટે સરકાર ખેરાત કરે તેની શાહ તરફેણ કરતા નથી. તેના બદલે એવા રસ્તા શોધાય કે જે કંપનીઓને ફાયદાકારક થાય. ફાયદાની આશામાં કંપનીઓ મોટા પ્રમાણમાં રોકાણ કરે તેથી એક ફાયદાકારક બિઝનેસ ઉભો થાય અને પર્યાવરણ પણ બચે એ શાહની થીયરી છે. 

શાહે ગ્રીન એનર્જી દ્વારા કંપની, લોકો અને પર્યાવરણને પણ ફાયદો થઈ શકે છે એ સાબિત કર્યું છે. શાહે પોતાના પુસ્તક અને પોડકાસ્ટ દ્વારા લોકોમાં ક્લાઈમેટ ચેન્જ અંગે જાગૃતિ પણ ફેલાવી છે.  

પ્રિયંવદાનું યોગદાન વધારે મોટું છે કેમ કે તેમણે તો વિજ્ઞાાનીઓને નવો રસ્તો જ બતાવી દીધો. પ્રિયંવદાની થીયરી વિજ્ઞાાનીઓને સમજાય એવી ટેકનિકલ વધારે છે તેથી તેની ચર્ચા નથી કરતા પણ સાયન્સના ક્ષેત્રે કરાતી કોઈ પણ શોધની દૂરોગામી અસરો હોય છે એ જોતાં પ્રિયંવદાને ટ્રેન્ડ સેટર તરીકે સ્વીકારવામાં આવે છે. 

ભારતીયો માટે જીગર શાહ અને પ્રિયંવદાના યોગદાન જેટલો જ મહત્વનો મુદ્દો બ્રેઈન ડ્રેઈનનો પણ છે. ભારતમાંથી શ્રેષ્ઠ ભેજાં વિદેશમાં જતાં રહે છે અને વિદેશમાં વિકાસમાં યોગદાન આપે છે તેનો ખરખરો વરસોથી થાય છે. પ્રિયંવદા અને જીગર શાહ બ્રેઈન ડ્રેઈનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બંનેને મળેલા બહુમાનના કારણે બ્રેઈન ડ્રેઈનની ચર્ચા પાછી છેડાઈ છે. 

પ્રિયંવદા તમિલનાડુના કોઈમ્બતુરમાં જન્મ્યાં અને દિલ્હીમાં ઉછર્યાં છે. દિલ્હીના આર.કે. પુરમની સ્કૂલમાં ભણેલાં પ્રિયંવદા ગ્રેજ્યુએશન માટે અમેરિકાની ખ્યાતનામ મેશેશ્યુએટ્સ ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી)માં ગયાં પછી વિદેશમાં જ રહી ગયાં. 

કેમ્િબ્રિજમાંથી પીએચ.ડી. કરનારાં પ્રિયંવદા કેનેડામાં થોડોક સમય કામ કર્યા પછી યેલ યુનિવર્સિટીમાં વરસોથી ભણાવે છે. પ્રિયંવદાએ પોતે સ્વીકાર્યુ છે કે, પોતે રીસર્ચમાં જવા માગતાં હતાં પણ ભારતમાં એવી સવલતો નહોતી તેથી અમેરિકા જવું પડયું. શાહના કિસ્સામાં તેમનો પરિવાર અમેરિકા ગયેલો તેથી તેમની સાથે બ્રેઈન ડ્રેઈનનો મુદ્દો સંકળાયેલો નથી પણ જીગર શાહ અમેરિકામાં જે કરી શક્યા એ ભારતમાં કરી શક્યા હોત કે કેમ તેમાં શંકા જ છે. 

યોગાનુયોગ હજુ બે દિવસ પહેલાં જ સમાચાર આવ્યા કે, ૨૦૨૨માં લગભગ ૬૬ હજાર ભારતીયોએ અમેરિકાનું નાગરિકત્વ લીધું. 

અમેરિકામાં ૫ લાખ ડોલર એટલે કે લગભગ સવા ચાર કરોડ રૂપિયાનું રોકાણ કરીને સિટિઝનશીપ લઈ શકાય છે. અમેરિકાના નાગરિક બનનારા ભારતીયોમાં કેટલાક પરિવારો એવા પણ હશે પણ મોટા ભાગના એવા હોય છે કે જેમને પ્રિયંવદા જેવી સમસ્યા હોય છે. ભારતમાં પૂરતી તકો નથી મળતી કે રીસર્ચનો માહોલ નથી એ કારણે એ લોકો અમેરિકાના નાગરિક બને છે. 

શાહ અને પ્રિયંવદા બંને સાયન્સ અને ટેકલોનોજી સાથે સંકળાયેલાં છે ત્યારે બંનેના  બહાને આ સમસ્યાના ઉકેલ વિશે પણ વિચારવું જોઈએ.

47 વર્ષીય જીગર શાહ 400 અબજ ડોલરની લોનનો વહીવટ કરે છે

જીગર શાહ મૂળ ઉત્તર ગુજરાતના મોડાસાના છે પણ એક વર્ષના હતા ત્યારે જ તેમનો પરિવાર અમેરિકા જતો રહેલો. ૪૭ વર્ષના શાહના માથે યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ એનર્જીમાં લોન પ્રોગ્રામ ઓફિસના ડિરેક્ટર તરીકેની જવાબદારી છે. શાહની ઓફિસ પ્રદૂષણ ના ફેલાવે એવી ક્લીન એનર્જીના પ્રોજેક્ટ્સ માટે લોન આપે છે. ક્લાઈમેટ ટેકનોલોજી અને ક્લીન એનર્જી પર કામ કરતી નવી નવી કંપનીઓને સ્થિર થવામાં મદદ કરે છે. 

૨૦૨૧માં અમેરિકાની સંસદે એક કાયદો પસાર કરીને લોન પ્રોગ્રામ શરૂ કર્યો ત્યારે ૪૦ અબજ ડોલરનું ફંડ મંજૂર કરેલું જ્રે અત્યારે તેનું ફંડ ૪૦૦ અબજ ડોલર છે. મતલબ કે, જીગર શાહ ૪૦૦ અબજ ડોલરની લોનનો વહીવટ કરે છે. શાહના મતે ક્લીન એનર્જી દુનિયાના મોટા ભાગના દેશોને સતાવતી બેરોજગારીની સમસ્યાનો પણ ઉકેલ છે કેમ કે ક્લીન એનર્જી નેક્સ્ટ ઈકોનોમી છે. વરસે ૧૦ કરોડ ડોલરનું ટર્નઓવર હોય એવી ૧ લાખ ક્લીન એનર્જી કંપનીઓ દુનિયામાં ઉભી કરી શકાય તેમ છે. આ કંપનીઓ સ્થાનિક સ્તરે જ કામ કરશે તેથી જંગી રોજગારી ઉભી થશે. અમેરિકામાં જ ૧૦ હજારથી વધારે 

શાહે એક નવી પહેલ અમેરિકામાં અંદરના વિસ્તારોમાં સોલર ગ્રીડ્સ ઉભી કરવા આતુર કંપનીઓને પ્રોત્સાહન આપવાની કરી છે. અમેરિકામાં નેટિવ્સ એટલે કે આદિવાસી વસતી ૫૦ લાખની આસપાસ જ છે પણ તેમનો વિસ્તાર બહુ મોટો છે. આ વિસ્તારનો ઉપયોગ સોલર જેવી ક્લીન એનર્જીના ઉત્પાદન માટે કરવાની યોજના શાહે અમલમાં મૂકાવી છે. કેલિફોનયામાં આલ્પાઈન પર્વતનાં જંગલોમાં રહેતાં મૂળ અમેરિકનોના વિસ્તારમાં શાહે તેની શરૂઆત કરી છે. 

પ્રિયંવદા ફિઝિક્સના નોબલ પ્રાઈઝનાં પ્રબળ દાવેદાર

પ્રિયંવદા સાયન્સનાં વિદ્યાર્થીની છે પણ સાહિત્ય પણ પુષ્કળ વાંચ્યું છે. રસપ્રદ વાત એ છે કે, અમેરિકામાં એમઆઈટીમાં ભણતાં હતાં ત્યારે મેથેમેટિક્સ અને સાયન્સ પ્રિયંવદાના મુખ્ય વિષયો હતા પણ સાથે સાથે હિસ્ટરી અને ફિલોસોફી પણ ભણ્યાં છે. 

પ્રિયંવદાએ કરેલી શોધનું મહત્વ બહુ છે એ જોતાં ભવિષ્યમાં તેમને ફિઝિક્સનું નોબલ પ્રાઈઝ મળે એવી પૂરી શક્યતા છે. યુનિવર્સની રચનામાં વિજ્ઞાાનીઓને સતાવતો સૌથી મોટો સવાલ એ હતો કે, તમામ ગેલેક્સીમાં વિશાળ બેલ્ક હોલ્સ દેખાય છે એ કઈ રીતે સર્જાયા હશે ? પ્રિયંવદાએ ધારણા બાંધેલી કે, અબજો વરસ પહેલાં અચાનક જ ગેસનાં વાદળોના કારણે બ્લેક-હોલ સીડ સર્જાયાં હશે કે જે ધીરે ધીરે મોટાં થતાં ગયાં ને દરેક ગેલેક્સીમાં બ્લેક હોલ બન્યા.

Gujarat