For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રશિયા સામે અમેરિકાનું કરન્સી વેપન દુનિયાને ડામાડોળ કરશે

Updated: Apr 24th, 2024

રશિયા સામે અમેરિકાનું કરન્સી વેપન દુનિયાને ડામાડોળ કરશે

- યુરોપના દેશોને લાગે છે કે, અમેરિકા પોતાના અહમને સંતોષવા માટે 'કરન્સી વેપન'નો ઉપયોગ કરીને વાતને વધારે લાંબી ખેંચી રહ્યું છે. યુરોપીયન યુનિયનની કંપનીઓ પણ અમેરિકાને સાથ નહીં આપવા દબાણ કરી રહી છે. યુરોપીયન યુનિયનના દેશો ફાયનાન્સિયલ સર્વિસીસના કારણે તગડા થયેલા છે. દુનિયાના દેશો તેમની કંપનીઓ મારફતે યુરો અને ડોલરમાં રોકાણ કરે છે. આ દેશો ખસવા માંડશે તો યુરોપીયન યુનિયનની મોટી મોટી બેંકો અને ફાયનાન્સિયલ ઈન્સ્ટિટયુટ્સ ધરાશાયી થઈ જશે.

અમેરિકાએ રશિયા સામે 'કરન્સી વેપન' વાપરવાનું નક્કી કરતાં અમેરિકા અને રશિયા વચ્ચે નવો મોરચો ખૂલી ગયો છે. સાથે સાથે અમેરિકા અને યુરોપના દેશોની દોસ્તીમાં તિરાડનાં પણ એંધાણ છે. 

રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું પછી અમેરિકા તથા તેના સાથી દેશોએ રશિયાની અમેરિકા અને યુરોપમાં આવેલી લગભગ ૩૦૦ અબજ ડોલરની એસેટ્સ ફ્રીઝ કરી દીધી હતી. મતલબ કે, સંપત્તિને ટાંચમાં લઈને રશિયા તેનો ઉપયોગ ના કરી શકે એ સ્થિતી સર્જી દીધી હતી.

હવે અમેરિકાની સંસદે રશિયા સામે રેપો એક્ટનો ઉપયોગ કરવાના ખરડાને મંજૂરી આપી છે. 

રેપો એક્ટ હેઠળ અમેરિકા રશિયાની સંપત્તિ જપ્ત કરીને તેમાંથી ઉભાં થનારાં નાણાંનો ઉપયોગ યુક્રેનના પુનર્નિર્માણ માટે કરી શકશે. 

રેપો એક્ટ હેઠળ અમેરિકાના પ્રમુખ જો બિડેનને યુએસ બેંકોમાં ફ્રીઝ કરાયેલી રશિયાની રકમ યુક્રેન માટેના ફંડમાં ટ્રાન્સફર કરવાની સત્તા મળી છે.

રશિયાને તેની સામે બહુ વાંધો નથી પણ અમેરિકાએ તેના જી-૭ના તથા યુરોપના સાથી દેશોને પણ રશિયાની સંપત્તિ જપ્ત કરીને યુક્રેન માટે વાપરવા કહેતાં રશિયા ભડક્યું છે. જી-૭માં અમેરિકા અને યુકે ઉપરાંત કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન અને ઈટાલી છે. 

રશિયાની પશ્ચિમના દેશોમાં ફ્રીઝ થયેલી ૩૦૦ અબજ ડોલરની સંપત્તિમાંથી અમેરિકામાં માત્ર ૬ અબજ ડોલરની આસપાસની સંપત્તિ છે પણ યુરોપીયન યુનિયનના દેશોમાં ૨૨૫ અબજ ડોલરની સંપત્તિ છે. પુતિને રશિયાના રૂબલને સ્થિર રાખવા માટે યુરો અને ડોલરમાં મોટા પાયે રોકાણ કરેલું. આ પૈકીની મોટા ભાગનું રોકાણ ફ્રાન્સ, જર્મની અને બેલ્જિયમની બેંકોમાં છે.

આ સંપત્તિ જપ્ત કરાય તો રશિયા પણ જેવા સાથે તેવું થઈને અમેરિકા અને યુરોપના સરકારોની જ નહીં પણ કંપનીઓની સંપત્તિ પણ જપ્ત કરશે એવી ખુલ્લી ધમકી રશિયાએ આપી છે. રશિયાની ધમકીના કારણે યુરોપના -દેશો આઘાપાછા થવા માંડયા છે. 

અમેરિકાના કારણે યુરોપના દેશો યુક્રેન યુદ્ધને મુદ્દે રશિયા સામે બાંયો ચડાવીને બેસી ગયા, રશિયા પર પ્રતિબંધો મૂકી દીધા, તેની સાથેના સત્તાવાર વ્યાપાર પર પ્રતિબંધ મૂક્યો, યુક્રેનને મદદ કરી એ બધું કર્યું પણ રશિયાની સંપત્તિ જપ્ત કરવા જતાં પોતાનાં અર્થતંત્ર ડામાડોળ થઈ જશે એવો ફફડાટ તેમને સતાવી રહ્યો છે. તેનું કારણ એ કે, રશિયામાં યુરોપના દેશોમાં આર્થિક હિતો વધારે પ્રમાણમાં છે. અમેરિકા અને યુરોપના દેશોની રશિયામાં ૩૦૦ અબજ ડોલરની એસેટ્સ છે જ્યારે બંનેની કંપનીઓની એસેટ્સ તો તેના કરતાં પણ વધારે છે. તેમાંથી ૮૦ ટકા એસેટ્સ તો યુરોપના દેશોની છે. 

અમેરિકાના નિર્ણયના કારણે રશિયાએ ૩૦૦ અબજ ડોલરની એસેટ્સથી હાથ ધોવા પડે પણ સામે રશિયાને ૩૦૦ અબજ ડોલરથી વધારેની એસેટ્સ મળી જાય તેથી રશિયા નુકસાનમાં નથી. અમેરિકા પણ રશિયાની ૬ અબજ ડોલરની સંપત્તિ જપ્ત કરીને ફાયદામાં જ રહે પણ યુરોપના દેશોની હાલત બે આખલાની લડાઈમાં ઝાડનો ખો નિકળવા જેવી થાય. 

જે નુકસાન થાય એ યુરોપના દેશોને થાય તેથી યુરોપના દેશો રશિયન સંપત્તિ જપ્ત કરવા તૈયાર નથી. બહુ બહુ તો રશિયાના રોકાણ પરનું વ્યાજ જપ્ત કરીને કે તેના પર ટેક્સ લગાવીને એ રકમ યુક્રેનને આપવાની તેમની તૈયારી છે. 

યુરોપના દેશોને લાગે છે કે, અમેરિકા પોતાના અહમને સંતોષવા માટે 'કરન્સી વેપન'નો ઉપયોગ કરીને વાતને વધારે લાંબી ખેંચી રહ્યું છે. યુરોપીયન યુનિયનની કંપનીઓ પણ અમેરિકાને સાથ નહીં આપવા દબાણ કરી રહી છે. 

યુરોપીયન યુનિયનના દેશો ફાયનાન્સિયલ સર્વિસીસના કારણે તગડા થયેલા છે. દુનિયાના દેશો તેમની કંપનીઓ મારફતે યુરો અને ડોલરમાં રોકાણ કરે છે. આ દેશો ખસવા માંડશે તો યુરોપીયન યુનિયનની મોટી મોટી બેંકો અને ફાયનાન્સિયલ ઈન્સ્ટિટયુટ્સ ધરાશાયી થઈ જશે. 

અમેરિકાના રશિયા સામે રેપો એક્ટનો ઉપયોગ કરવાના પગલાને અમેરિકન અર્થશાસ્ત્રીઓ પણ આત્મઘાતી ગણાવી રહ્યા છે. તેના કારણે દુનિયાના બીજા દેશોમાં ગભરાટ ઉભો થશે. અમેરિકા સાથે વાંકું પડે તો રશિયા સાથે કર્યો એવો વ્યવહાર પોતાની સાથે પણ કરી શકે એવા ડરના કારણે આ દેશો અમેરિકામાં કરેલું રોકાણ ધીરે ધીરે પાછું ખેંચશે એવું તેમનું માનવું છે.

અત્યારે દુનિયામાં રશિયા-ચીન અને અમેરિકાતરફી દેશો એવી  ધરી રચાઈ જ ગઈ છે. સાઉદી અરેબિયા, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા, આર્જેન્ટિના વગેરે દેશો અમેરિકાને છોડીને વિરોધી છાવણીમાં છે. 

રશિયા-ચીનને ટેકો આપવાની સજારૂપે અમેરિકા આપણી સાથે પણ આ પ્રકારનો વ્યવહાર કરી શકે છે એવો ડર સૌથી પહેલાં તેમને જ લાગશે તેથી સૌથી પહેલાં આ દેશો અમેરિકામાંથી રોકાણ પાછું ખેંચવા માંડશે. તેના કારણે લાંબા ગાળે અમેરિકાના અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર પડશે એવું અર્થશાસ્ત્રીઓ માને છે.

અમેરિકાના નિર્ણયથી ડી-ડોલરાઈઝેશનની પ્રક્રિયા પણ ઝડપી બનશે. અમેરિકાનો ડોલર વરસોથી વિશ્વમાં સર્વોપરિ ચલણ મનાય છે કેમ કે અમેરિકાની આર્થિક હાલત મજબૂત છે. દુનિયાભરના દેશો અમેરિકાના સરકારી બોન્ડ્સ તથા બીજાં ઈન્સ્ટ્રમેન્ટ્સમાં ઉંચા વળતર અને સલામતીના કારણે રોકાણ કરે છે. આ રોકાણ કરવા માટે ડોલર ખરીદે છે તેથી ડોલરની સતત માંગ રહે છે, ડોલર મજબૂત થાય છે. 

રશિયાની સંપત્તિ જપ્ત કરવાના નિર્ણયને કારણે અમેરિકામાં રોકાણ અને એસેટ્સ સલામત નથી. આ એસેટ્સ ગમે ત્યારે અમેરિકા દાદાગીરી કરીને ઝૂંટવી શકે છે એવો ખોટો મેસેજ ગયો છે. 

કોઈ પણ દેશની બીજા દેશમાં એસેટ્સની વાત કરીએ ત્યારે તેમાં સરકારી બોન્ડ્સ, બેંકોમાં મૂકેલી ડીપોઝિટ્સ સહિતનાં તમામ રોકાણ આવી જતાં હોય છે. વાસ્તવમાં બીજા દેશમાં કોઈ દેશની એસેટ્સમાં તેનું પ્રમાણ જ વધારે હોય છે. 

એક રીતે એસેટ્સ કોઈ પણ દેશે કરેલી બચત છે. આ બચત ગુમાવવાના ડરે દેશો અમેરિકાથી દૂર થશે અને રશિયા-ચીન તરફ ઢળશે. 

ચીન ડોલરના વિકલ્પ તરીકે પોતાના સત્તાવાર ચલણને માન્યતા અપાવવા પ્રયત્નશીલ છે જ.

 અત્યાર લગી ચીને ઘણા દેશોને પોતાની જાળમાં ફસાવેલા છે. હવે બીજા દેશો આ જાળમાં ફસાશે અને ચીન તરફ ઢળશે તેથી કરન્સી વોર તીવ્ર બનશે. કરન્સી વોર તીવ્ર બને તેની અસર દુનિયાની ઈકોનોમી પર પડે છે તેથી બધું ડામાડોળ થઈ જશે. 

રશિયા યુરોક્લીયરને સાણસામાં લે તો યુરોપના દેશો બરબાદ થઈ જાય

રશિયાનું યુરોપીયન યુનિયનમાં મોટા ભાગનું રોકાણ બેલ્જિયમની ટોચની ફાયનાન્સિયલ સર્વિસીસ કંપની યુરોક્લીયરમાં છે. યુરોક્લીયરમાં રશિયાનું ૨૧૦ અબજ ડોલરની વિદેશી હૂંડિયામણ એસેટ્સ પડી હોવાનું કહેવાય છે. જેપી મોર્ગન આ કંપનીની સ્થાપક છે. 

રશિયા સરકાર ઉપરાંત રશિયાના ધનિકોની પણ અબજોની એસેટ્સ આ બેંકમાં હોવાનું કહેવાય છે. આ બેંક લગભગ ૩૭ ટ્રિલિયન ડોલરની એસેટ્સ મેનેજ કરે છે ને તેમાંથી મોટા ભાગની રશિયા તથા તેના સાથી દેશોની તેમજ તેના ધનિકોની છે. અમેરિકાન રવાડે ચડીને બેલ્જિયમ રશિયાની એસેટ્સ જપ્ત કરે તો રશિયાના દેશો યુરોક્લીરમાંથી નાણાં પાછાં ખેંચી લે ને યુરોક્લીયર બેસી જાય. છ હજાર કર્મચારી ધરાવતી યુરોક્લીયરનો બેલ્જિયમ ઉપરાંત નેધરલેન્ડ્સ, ફિનલેન્ડ, ફ્રાન્સ, સ્વીડન, યુકેમાં પણ પથારો છે.

રશિયાએ યુરોક્લીયરમાં રોકાણ કર્યું તેના બદલામાં યુરોક્લીયરે યુરોપીયન યુનિયનના દેશોનું રશિયાની બેંકોમાં રોકાણ કરાવડાવ્યું છે. આ રોકાણને પણ યુરોક્લીયરે ભૂલી જ જવું પડે એ જોતાં રશિયાને ફટકો મારવા જતાં માત્ર  બેલ્જિયમની નહીં પણ આ દેશોની ઈકોનોમીને પણ બહુ મોટો ફટકો પડી જાય. 

અમેરિકાની ખોરી દાનત, યુરોપના પૈસે યુક્રેનને મદદ ને જશ પોતાને

રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણને કારણે ૪૦૦ અબજ ડોલરનું નુકસાન થયું હોવાનો વર્લ્ડ બેંક અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સહિતની સંસ્થાઓનો અંદાજ છે. અમેરિકાની ગણતરી છે કે, રશિયાની ૩૦૦ અબજ ડોલરની એસેટ્સ જપ્ત કરાય તો તેમાંથી ૭૫ ટકા રકમ કવર થઈ જશે જ્યારે બાકીની રકમ અમેરિકા તથા યુરોપના દેશો ભોગવી લેશે.

યુરોપીયન યુનિયનને આ ફોર્મ્યુલા મંજૂર નથી કેમ કે અમેરિકા યુરોપીયન યુનિયનના દેશોનાં નાણાંથી યુક્રેનને બેઠું કરવાનો જશ ખાટવા માગે છે. 

અમેરિકાએ યુક્રેનને મદદ કરવી હોય તો સંસદમાં અટવાયેલું યુક્રેન એઈડ પેકેજ મંજૂર કરાવે એવો યુરોપીયન દેશોનો મત છે. અમેરિકા તેના માટે તૈયાર નથી કેમ કે અમેરિકામાં પણ યુક્રેનને મદદ કરવાના મુદ્દે તીવ્ર આંતરિક મતભેદો છે.

Gujarat