For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગેંગસ્ટર છોટા રાજન જીવે છે એવો મેસેજ કોણે અપાયો ?

Updated: Apr 23rd, 2024

ગેંગસ્ટર છોટા રાજન જીવે છે એવો મેસેજ કોણે અપાયો ?

- છોટા રાજનની 2020ની કોરોનાકાળની તસવીરો અચાનક સોશિયલ મીડિયા પર વાયરલ થવાનું કંઇક રહસ્ય હશે

- છોટા રાજન સામે હત્યાના 17 સહિત ઢગલાબંધ કેસ હતા. તેમાંથી બનાવટી પાસપોર્ટના કેસમાં ૭ વર્ષની જ્યારે પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યાના કેસમાં આજીવન કારાવાસની સજા થઈ છે. રાજનને સરકારની ચુસ્ત સુરક્ષા વચ્ચે રાખી શકાય માટે આ સજા કરાઈ હોવાનું કહેવાય છે. રાજને જેલમાં બેઠાં બેઠાં પાકિસ્તાનમાં દાઉદના દુશ્મનો કોણ છે તેની તમામ વિગતો ભારતીય એજન્સીઓને આપી છે. તેના કારણે જ રો ધીરે ધીરે પાકિસ્તાનમાં પોતાનું નેટવર્ક ઉભું કરી શક્યું છે. અત્યારે રો પાકિસ્તાનમાં ઘૂસીને એક પછી એક આતંકવાદીઓને મારી રહી છે તેના મૂળમાં રાજનની મદદથી ઉભું થયેલું નેટવર્ક હોવાનું કહેવાય છે.

લોકો જેને મરેલો માનીને સાવ ભૂલી ગયેલા એ ગેંગસ્ટર છોટા રાજન બે જૂની તસવીરો વાયરલ થતાં પાછો લાઈમલાઈટમાં આવી ગયો છે. મોટા ભાગના મીડિયાએ એવું અર્થઘટન કર્યું કે, આ તસવીર છોટા રાજન જીવતો હોવાનો પુરાવો છે. ઘણાંએ કોમેન્ટ પણ કરી છે કે, દાઉદ ઈબ્રાહીમ આ તસવીરો જોઈને ટેન્શનમાં આવી જશે. આ અર્થઘટન મૂર્ખામીપૂર્ણ છે કેમ કે રાજનની તસવીરો અત્યારની નથી પણ ૨૦૨૦ની કોરોના કાળની છે. એક તસવીરમાં છોટા રાજન હોસ્પિટલના બિછાને પડયો છે અને બીજી તસવીરમાં એમ્બ્યુલન્સમાં બેઠો છે. ૨૦૨૦ની તસવીરોના આધારે રાજન અત્યારે જીવિત છે એવો દાવો ના કરી શકાય. 

પત્રકાર જ્યોતિર્મય ડે ઉર્ફે જે.ડે.ની હત્યા માટે આજીવન કારાવાસની સજા ભોગવી રહેલો રાજન ૨૦૧૫થી તિહાર જેલમા બંધ છે. કોરોના કાળમાં તિહાર જેલના ઘણા કેદીઓને કોરોના થઈ ગયેલો. છોટા રાજન તેમાં એક હતો. એ વખતે રાજન કોરોનામાં ગુજરી ગયો હોવાની વાતો ચાલેલી. તિહાર જેલના સત્તાધીશો દ્વારા કે કેન્દ્ર સરકાર દ્વારા રાજન જીવે છે કે મરી ગયો એવી કોઈ સ્પષ્ટતા કરવાની તસદી સુધ્ધાં નહોતી લેવાઈ. એ પછી પણ રાજન વિશે કદી કોઈ માહિતી બહાર પડાઈ નથી ને હવે અચાનક જ રાજનની તસવીરો વાયરલ થઈ તેની પાછળ કંઈક તો રહસ્ય છે જ. સ્વાભાવિક રીતે જ આ તસવીરો સરકારના ઈશારે જ ફરતી થઈ છે કેમ કે બીજા કોઈની પાસે હોત તો બહુ પહેલાં જ બહાર આવી ગઈ હોત.

રાજનની તસવીરો બહાર આવવા પાછળ એવું કારણ ચર્ચાય છે કે, તિહાર જેલમાં છોટા રાજન પર હુમલો થયો છે અથવા રાજન પર હુમલો કરીને તેને પતાવી દેવાયો છે એવી વાત ફેલાવાઈ છે. આ કારણે રાજને ભારતને મદદ કરવા ઉભા કરેલા નેટવર્ક સાથે સંકળાયેલા લોકો ચિંતિત છે. દાઉદના માણસો તિહાર જેલમાં રાજન સુધી પહોંચી ગયા તો પોતાના સુધી પણ પહોંચી જશે, પોતાના પર ખતરો ઉભો થશે એવા ડરે એ લોકો ભાગી ના જાય એટલે રાજન સલામત છે એવો મેસેજ આપવો જરૂરી હતો. રાજનના દુશ્મનોને પણ રાજનનો વાળ પણ વાંકો થયો નથી, રાજન ભારત સરકારની છત્રત્રાયામાં સલામત છે એવો મેસેજ આ તસવીરો દ્વારા આપી દેવાયો છે. 

છોટા રાજન પર તિહારમાં હુમલો કરાયો હોવાની વાતને સત્તાવાર રીતે સમર્થન નથી મળ્યું પણ રાજન દાઉદ ગેંગનું ટાર્ગેટ છે જ.  રાજન વિદેશમાં હતો ત્યારે છોટા શકીલે રાજનની હત્યા માટે બે વાર પ્રયત્ન કરેલો. રાજનને તિહારમાં ખસેડાયો ત્યારે પણ છોટા શકીલે ફિશિયારી મારેલી કે, દુનિયાની ગમે તે જેલમાં ખસેડો પણ અમારા માણસો રાજનને પતાવી જ દેશે. રાજન વિશે સત્તાવાર માહિતી બહાર આવતી નથી તેથી શકીલે ડંફાશ મારવા રાજનને જેલમાં જ પતાવી દીધો હોવાની વાત ફેલાવી હોય એ શક્ય છે.

રાજન પર વિદેશમાં પહેલી વાર ૨૦૦૦ની સાલમાં હુમલો કર્યો. શાર્પશૂટર મુન્ના ઝિંઘાડાએ બેંગકોકમાં હુમલો કર્યો ત્યારે છોટા રાજન ગોળીઓ વાગવા છતાં ભાગવામાં સફળ રહ્યો હતો. રાજન એ પછી ૧૫ વર્ષ સુધી ગાયબ રહ્યો.  આ ૧૫ વર્ષમાં તેણે ભારતીય એજન્સીઓને દાઉદના સાઉદી અરેબિયા, યુએઈ વગેરે દેશોમાં ફેલાયેલા હવાલા અને બીજાં ક્રાઈમ નેટવર્ક વિશે ભરપૂર માહિતી આપી. તેનો ઉપયોગ દાઉદના નેટવર્કને ખતમ કરવા કરાયો. 

છોટા રાજન ઓસ્ટ્રેલિયાના ન્યુકેસલમાં હોવાની ખબર પડતાં ૨૦૧૫માં છોટા શકીલે તેને મારવા ફરી શાર્પશૂટર મોકલ્યા હતા. રાજન ફરી બચી ગયો અને બનાવટી પાસપોર્ટ પર ઈન્ડોનેશિયાના બાલી પહોંચ્યો. પાસપોર્ટમાં તેનું નામ મોહન કુમાર લખાયેલું પણ ઈમિગ્રેશન ચેકિંગમાં પોતાનું સાચું નામ બોલી ગયો. રો સાથે થયેલી ગોઠવણ પ્રમાણે રાજન પોતાનું સાચું નામ બોલેલો એવું કહેવાય છે. 

ઈન્ડોનેશિયાએ તરત ભારતને જાણ કરી પછી તેને ૨૦૧૫માં ભારત લવાયેલો. રાજન વિદેશમાં રહ્યો હોત તો દાઉદ ગેંગે તેને પતાવી દીધો હોત તેથી તેને ભારત લઈ અવાયેલો એવું કહેવાય છે. છોટા રાજન સામે  હત્યાના ૧૭ સહિત ઢગલાબધ કેસ હતા. આ બધા કેસ સીબીઆઈને સોંપાયેલા. તેમાંથી બનાવટી પાસપોર્ટના કેસમાં ૭ વર્ષની જ્યારે પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યાના કેસમાં આજીવન કારાવાસની સજા થઈ છે. આ સજા પણ રાજનને સરકારની ચુસ્ત સુરક્ષા વચ્ચે રાખી શકાય એ માટે કરાઈ હોવાનું કહેવાય છે.

રાજન જેલમાં બેઠાં બેઠાં ભારત સરકારને મદદ કરે છે. પાકિસ્તાનમાં દાઉદના દુશ્મનો કોણ છે તેની તમામ વિગતો રાજને ભારતીય એજન્સીઓને આપી છે. તેના કારણે જ રો ધીરે ધીરે પાકિસ્તાનમાં પોતાનું નેટવર્ક ઉભું કરી શક્યું છે. અત્યારે રો પાકિસ્તાનમાં ઘૂસીને એક પછી એક આતંકવાદીઓને મારી રહી છે તેના મૂળમાં રાજનની મદદથી ઉભું થયેલું નેટવર્ક હોવાનું કહેવાય છે. રાજન એ રીતે ભારત માટે બહુ મહત્વનો છે તેથી ભારત સરકાર તેને સાચવે છે. રાજનની તસવીરો બહાર આવવા પાછળ બીજું કારણ પણ હોઈ શકે પણ એ પણ કોઈને ખબર નહીં પડે. આ બધી વાતો કાગળ પર હોતી નથી તેથી એ રહસ્ય જ રહેશે.

રાજને પોતાને 'દેશપ્રેમી હિંદુ ડોન' તરીકે પ્રોજેક્ટ કર્યો

છોટા રાજને પોતાની 'દેશપ્રેમી હિંદુ ડોન' તરીકેની ઈમેજ ઉભી કરવા ભરપૂર પ્રયત્ન કર્યા હતા. દાઉદ ઈબ્રાહીમે ૬ ડીસેમ્બર, ૧૯૯૨ના રોજ થયેલા બાબરી મસ્જિદ ધ્વંશનો બદલો લેવા માટે મુંબઈમાં ૧૯૯૩માં એક ડઝન સ્થળે બોમ્બ બ્લાસ્ટ કરાવેલા. દાઉદ એક મુસ્લિમ તરીકે વર્ત્યો તેથી પોતે તેનાથી અલગ થઈ ગયો એવો દાવો છોટા રાજને કર્યો હતો. છોટા રાજને એ પછી દાઉદને ખતમ કરવાના સોગંદ લીધા હતા. છોટા રાજને ટીવી ચેનલોને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતે ભારતની જાસૂસી સંસ્થા રીસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ (રો)ને મદદ કરી હોવાનો દાવો પણ કરેલો. 

કેન્દ્ર સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીતકુમાર ડોવાલ પહેલાં જાસૂસી સંસ્થા રોમાં કામ કરતા હતા. ડોવાલ પાકિસ્તાનમાં લાંબો સમય રહેલા અને દાઉદ ઈબ્રાહીમને પતાવી દેવાનું મિશન હાથ ધરેલું. દુશ્મન કા દુશ્મન દોસ્ત એ હિસાબે દાઉદને પતાવવા ડોવાલે છોટા રાજનની મદદ લીધેલી. ડોવાલ દાઉદને ખતમ કરી દેવામાં સફળ નહોતા થયા અને ભારત પાછા આવી જવું પડેલું પણ રાજને કરેલી મદદને એ ભૂલ્યા નહોતા.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બન્યા પછી છોટા રાજને સાથે મળીને તેમણે ફરી દાઉદને પતાવી દેવાનું મિશન ફરી હાથ ધર્યું હોવાની વાતો વહેતી થયેલી. રાજનની માહિતીના કારણે છેલ્લાં કેટલાંક વરસોમાં દાઉદના નેટવર્કને ફટકો મારવામાં રો સફળ રહી હોવાનું પણ કહેવાય છે. છોટા રાજન ને દાઉદ એક જમાનામાં એક થાળીમાં જમતા તેથી રાજન દાઉદને વધારે નજીકથી ઓળખતો હતો. દાઉદની ગેંગમાં રાજનના ઇન્ફોર્મર હતા. તેમની પાસેથી મળેલી ઇન્ફર્મેશનનો ઉપયોગ ડોવાલે દાઉદના નેટવર્કને ખતમ કરવા કર્યો હોવાનું કહેવાય છે.

'સ્કૂપ' વેબ સીરિઝના જેડેની હત્યા માટે જનમટીપ થઈ

છોટા રાજનને મુંબઈના જાણીતા ક્રાઈમ રીપોર્ટર જ્યોર્તિમય ડે (જેડે)ની હત્યાના કેસમાં આજીવન કારાવાસની સજા થઈ છે. હંસલ મહેતાની જોવી ગમે એવી વેબ સીરિઝ 'સ્કૂપ' જેડેની હત્યા પરથી બની છે. જ્યોર્તિમય ડે  મુંબઈના ટોચના અંગ્રેજી અખબારમાં ક્રાઈમ એડિટર હતા. જેડે છોટા રાજનની વિરૂધ્ધ લખતા અને રાજનના કટ્ટર દુશ્મન દાઉદ ઈબ્રાહીમની પ્રસંશા કર્યા કરતા તેથી છોટા રાજને જેડેની હત્યા કરાવી નાંખી હતી એવું કહેવાય છે. 

જેડેની હત્યા છોટા રાજનના ઈશારે થયેલી એવું મકોકા કોર્ટમાં સાબિત થયું છે.  તેના પુરાવા તેણે પોતે જ આપી દીધેલા. જેડેની હત્યા વખતે છોટા રાજન વિદેશમાં હતો તેથી કેટલીક ન્યૂઝ ચેનલોની ઓફિસમાં ફોન કરીને પોતે જેડેની હત્યા કરાવી હોવાનીં ફિશિયારી મારેલી. છોટા રાજનનો દાવો હતો કે, પોતે જેડેને ધમકાવવા માગતો હતો અને તેને પતાવી દેવાનો કોઈ ઈરાદો ન હતો પણ જેડે બહુ ચગેલો એટલે મરાવી નંખાવ્યા છૂટકો નહોતો. છોટા રાજને ચેનલોને કરેલા આ ફોન ટેપ થયા તેમાં રાજનને આજીવન કારાવાસની સજા થઈ ગઈ.

મુંબઈ પોલીસે આ કેસમાં મૂળ ગુજરાતી પત્રકાર યુવતી જિજ્ઞા વોરાને આરોપી બનાવીને જેલમાં ધકેલી દીધી હતી. જીજ્ઞાએ પ્રોફેશનલ રાઇવલરીને કારણે જેડેની હત્યા કરાવી હોવાનો આરોપ મૂકાયેલો પણ મકોકા કોર્ટે જીજ્ઞાને નિર્દોષ છોડી દીધી હતી. એ પહેલાં જીજ્ઞાએ ભારે માનસિક અને શારીરિક યાતનાઓ સહન કરવી પડેલી. કરિશ્મા તન્નાએ જીજ્ઞા વોરાની ભૂમિકા અસરકારક રીતે ભજવી હતી.

Gujarat