For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નેહાની કોલેજમાં જ હત્યા, લવ જેહાદ કે ડીપ્રેશનનું પરિણામ ?

Updated: Apr 22nd, 2024

નેહાની કોલેજમાં જ હત્યા, લવ જેહાદ કે ડીપ્રેશનનું પરિણામ ?

- છેલ્લા ત્રણ દિવસથી હુબલી બંધ છે. ભાજપે પણ સમગ્ર કર્ણાટકમાં દેખાવો કરતાં લોકસભાની ચૂંટણી વખતે જ લવ જિહાદનો મુદ્દો ગાજવા માંડયો છે

- કર્ણાટકમાં ૨૩ વર્ષની નેહા હીરેમથની હુબલીના કોલેજ કેમ્પસમાં ફયાઝ ખોંડુનાઈક નામના મુસ્લિમ યુવકે ચાકુના ઘા મારીને હત્યા કરી નાંખી એ ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. હિંદુવાદી સંગઠનો નેહાની હત્યાને લવ જેહાદનો કેસ ગણાવીને ઉગ્ર દેખાવો કરી રહ્યાં છે જ્યારે કર્ણાટકની સિધ્ધરામૈયા સરકાર નેહાની હત્યાને અંગત મામલો ગણાવી રહી છે. ફયાઝની માતાનો દાવો છે કે, નેહા અને ફયાઝ એકબીજાના પ્રેમમાં હતાં તેથી લવ જેહાદની વાત ખોટી છે. સત્ય શું છે એ ખબર નથી પણ ફયાઝનું વર્તન શંકાસ્પદ હતું કેમ કે દોઢ વર્ષ પહેલાં ભણવાનું છોડીને એ ઘરે બેસી ગયેલો, ઘરે એ શું કરતો એ રહસ્ય છે..

હુબલીની કેએલઈ ટેકનોલોજિકલ યુનિવર્સિટીની બીવીબી કોલેજમાં માસ્ટર ઓફ કોમ્પ્યુટર ઓપ્લિકેશન (એમસીએ)માં ભણતી નેહા સાંજે છૂટીને બહાર નિકળતી હતી ત્યારે જ ફયાઝ સામે આવી ગયો. નેહા કંઈ સમજે એ પહેલાં ચાકુ કાઢીને ઘા કરી દીધો. નીચે પડી ગયેલી નેહા પર એ પછી ઉપરાછાપરી સાત ઘા કરીને ફયાઝ ભાગી ગયો હતો પણ પોલીસે તેને ઝડપી લેતાં જેલભેગો કરી દીધો છે. 

કોલેજના સીસીટીવીમાં નેહાની હત્યાની ઘટના કેદ થઈ છે. આઘાતજનક વાત એ છે કે, કેટલાક વિદ્યાર્થી દૂરથી ફયાઝ નેહાને ચાકુથી મારી રહ્યો છે એ જોઈ રહ્યા છે પણ કોઈ બચાવવા વચ્ચે પડતું નથી. ફયાઝ ભાગી ગયો પછી કેટલાક વિદ્યાર્થીઓએ ફયાઝને પકડી લીધો પણ તમાશો જોનારા વિદ્યાર્થીઓએ આ હિંમત પહેલાં બતાવી હોત તો નેહા કદાચ બચી ગઈ હોત. ફયાઝ ભાગ્યો પછી નેહાને હોસ્પિટલ લઈ ગયાં પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયેલું અને નેહા ગુજરી ગઈ હતી. 

હિંદુવાદી સંગઠનો નેહાની હત્યાને લવ જિહાદનો કેસ ગણાવીને ઉગ્ર દેખાવો કરી રહ્યાં છે અને છેલ્લા ત્રણ દિવસથી હુબલી બંધ છે. ભાજપે પણ સમગ્ર કર્ણાટકમાં દેખાવો કરતાં લોકસભાની ચૂંટણી વખતે જ લવ જિહાદનો મુદ્દો ગાજવા માંડયો છે. 

બીજી તરફ કર્ણાટકની સિધ્ધરામૈયા સરકાર નેહાની હત્યાને અંગત મામલો ગણાવી રહી છે. 

ભાજપ રાજકીય ફાયદા માટે નેહાની હત્યાને લવ જિહાદ ગણાવીને વાતાવરણ ડહોળી રહ્યો હોવાનો આક્ષેપ સિધ્ધરામૈયાએ પોતે કર્યો છે. નેહાના પિતા નિરંજનય્યા હીરેમથ હુબલી-ધારવાડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના કોર્પોરેટર છે. નિરંજનય્યા હીરેમથે પોતે આક્ષેપ કર્યો છે કે, નેહાની હત્યા લવ જિહાદના કારણે કરાઈ છે. 

ફયાઝ નેહાને મુસ્લિમ બનાવીને તેની સાથે નિકાહ કરવા માગતો હતો એવો હીરેમથનો આક્ષેપ છે. હીરેમથના કહેવા પ્રમાણે, તેમણે થોડા દિવસ પહેલાં જ ફયાઝને ફોન કરીને કહેવું કે, અમે હિંદુ છીએ અને તમે મુસ્લિમ છો તેથી નેહા સાથે તેનાં લગ્ન શક્ય નથી. પોતે બે હાથ જોડીને ફયાઝને નેહાથી દૂર કરહેવા વિનંતી કરી હતી. 

ફયાઝ કોલેજનો જૂનો વિદ્યાર્થી હતો. તેણે નેહાને પ્રપોઝ કરેલું પણ નેહાએ ના પાડી દીધી તેથી એ ઉશ્કેરાયો અને હત્યા કરી નાંખી. હીરેમથે હિંદુવાદીઓની વાતને સમર્થન આપતાં કોંગ્રેસની હાલત કફોડી છે. 

ફયાઝનાં માતા-પિતા પણ સિધ્ધારામૈયાની લવ જિહાદની વાતને ખોટી ગણાવી રહ્યાં છે. ફયાઝના પિતા બાબાસાહેબ સુબાની અને માતા મુમતાઝ બંને શિક્ષક છે. બંનેએ નેહાની હત્યા બદલ ફયાઝને આકરામાં આકરી સજા કરવાની માગ કરી છે અને નેહાના પરિવારની માફી પણ માગી છે. સાથે સાથે દાવો કર્યો છે કે, નેહા અને ફયાઝ એકબીજાના પ્રેમમાં હતાં. 

બાબાસાહેબ સુબાનીએ પોતે ફયાઝને નેહા સાથે લગ્નની જીદ છોડી દેવા બે હાથ જોડીને વિનંતી કરી હતી એવો દાવો કર્યો છે. મુમતાઝના કહેવા પ્રમાણે, ફયાઝ યુનિવસટીમાં બોડી બિલ્ડિંગમાં ચેમ્પિયન બન્યો પછી નેહાએ સામેથી મોબાઈલ નંબર માંગીને દોસ્તીની શરૂઆત કરી હતી. દોસ્તી પ્રેમમાં પરિણમી અને ફયાઝ નેહાને પરણવા માગતો હતો પણ પોતે જ તેને આ લગ્ન શક્ય નથી એવું કહીને નેહાથી દૂર થવા કહેલું. મુમતાઝના કહેવા પ્રમાણે ફયાઝ છેલ્લા કેટલાક સમયથી ડીપ્રેશનમાં હતો. 

પોલીસની પૂછપરછમાં ફયાઝે દાવો કર્યો છે કે, પોતે અને નેહા રીલેશનશીપમાં હતાં પણ પછી અચાનક નેહા પોતાને અવગણવા માંડી હતી. નેહા પોતાના ફોન નહોતી લેતી કે મળવા પણ તૈયાર નહોતી તેથી પોતે ઉશ્કેરાઈને હત્યા કરી નાંખી. ફયાઝની વાત સાચી છે કે નહીં તેની પોલીસ તપાસ કરી રહી છે પણ અત્યાર સુધી તો ફયાઝ-નેહા રીલેશનશીપમાં હતાં એવા કોઈ પુરાવા મળ્યા નથી. 

ફયાઝનું વર્તન બીજી રીતે પણ શંકાસ્પદ છે. ફયાઝનાં માતા-પિતાનો દાવો છે કે, ફયાઝ ભણવામાં બહુ હોંશિયાર હતો અને આઈએએસ બનવા માંગતો હતો. સવાલ એ છે કે, આટલા હોંશિયાર વિદ્યાર્થીએ અચાનક ભણવાનું કેમ છેડી દીધું ? છેલ્લાં દોઢ વર્ષથી એ ઘરે શું કરવા બેઠો હતો ? 

ફયાઝ પણ નેહાની કોલેજમાં જ ભણતો હતો. નેહાના પિતાએ ફયાઝ નેહા કરતાં આગળ ભણતો હતો એવું કહ્યું છે પણ કેટલાક મીડિયા રીપોર્ટ પ્રમાણે ફયાઝ અને નેહા બીસીએમાં ક્લાસમેટ હતાં. બીસીએ કર્યા પછી ફયાઝે એમસીએમાં એડમિશન લીધેલું પણ પછી અચાનક ભણવાનું છોડી દીધેલું. ફયાઝના પરિવારનો દાવો સાચો માનીએ તો ફયાઝ સાથે નેહા જેવી સુદંર અને સુશીલ પ્રેેમિકા હતી, એમસીએમાં ભણતો હતો તેથી ઉજ્જવળ ભવિષ્ય હતું. કર્ણાટક તો ભારતમાં ઈન્ફર્મેશન ટેકનોલોજી (આઈટી)નું હબ છે તેથી ભણવાનું પૂરું કર્યા પછી નેહા અને ફયાઝ બંને સારી કારકિર્દી બનાવી શક્યાં હોત અને સ્વતંત્ર થયા પછી પરણી પણ શક્યાં હોત. 

ફયાઝ માટે દોઢ વર્ષ પહેલાં વર્તમાન અને ભાવિ બંને ઉજ્જવળ હોવા છતાં કેમ ભણવાનું છોડીને ઘરે બેસી ગયો એ સવાલનો જવાબ મળતો નથી. ફયાઝે કોઈના પ્રભાવ હેઠળ આવીને આ નિર્ણય લીધેલો એ સવાલ સ્વાભાવિક રીતે જ ઉઠે. કટ્ટરવાદીઓના પ્રભાવ હેઠળ ઘણા યુવકો ખોટા માર્ગે વળી જાય છે એ આપણે જોયું જ છે.

 ફયાઝ પણ એ તરફ વળ્યો હોય એ શક્યતા નકારી ના શકાય. નેહા પર એ પોતાની કટ્ટરવાદી માનસિકતા થોપવા માંડયો હોય એ કારણ નેહા સાથેના સંબંધોમાં પણ તિરાડ પડી ગઈ હોય એ પણ શક્ય છે. 

ફયાઝનું કૃત્ય અક્ષમ્ય છે પણ નેહા અને ફયાઝની સ્ટોરીમાં સત્ય શું છે એ ખબર કદી નહીં પડે. જો કે આ ઘટના આ દેશની યુવતીઓ માટે એક બોધપાઠ છે. દરેકને પોતાની અંગત જીંદગી વિશે નિર્ણય લેવાનો અધિકાર છે પણ ક્યારેક જુવાનીના જોશમાં કે આકર્ષણના કારણે લેવાયેલા નિર્ણયો જીવલેણ સાબિત થાય છે. આ સ્થિતી ના આવે એટલા માટે વિચારીને નિર્ણય લેવા ને યોગ્ય નિર્ણય લીધા પછી પણ કોઈ પરેશાન કરતું હોય તો તરત પરિવારને જાણ કરવી. 

- નેહાની હત્યાને યોગ્ય ઠેરવતી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકાઈ

નેહા ભણતી હતી એ કેએલઈ ટેકનોલોજિકલ યુનિવસટીની બીવીબી કોલેજ લિંગાયત એજ્યુકેશન સોસાયટીની છે. ભાજપના નેતા પ્રભાકર કોરે કર્ણાટક લિંગાયત એજ્યુકેશન સોસાયટીના ચેરમેન છે. લિંગાયત સોસાયટી કર્ણાટકમાં ૨૮૦ શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે. કર્ણાટકમાં સૌથી મોટી મતબેંક લિંગાયત જ્ઞાાતિની છે. લિંગાયત જ્ઞાાતિ વરસોથી ભાજપ સાથે છે તેથી લિંગાયત આગેવાનોને ભાજપ બહુ મહત્વ આપે છે. પ્રભાકર કોરેને પણ ભાજપે ત્રણ વાર રાજ્યસભાના સભ્ય અને એક વાર વિધાન પરિષદના સભ્ય બનાવ્યા છે. 

નેહાના પિતા હીરેમથ પણ વીરશૈવ એટલે કે લિંગાયત છે. આ કારણે લિંગાયત સમાજ નેહાની હત્યાના મુદ્દે ઉગ્ર દેખાવો કરી રહ્યો છે. લિંગાયત સમુદાયની રાજકીય તાકાતના કારણે ભાજપે આ મુદ્દો ઉઠાવી લીધો છે. 

બીજી તરફ નેહાની હત્યાને યોગ્ય ઠેરવવાની કોશિશ પણ સોશિયલ મીડિયા પર થઈ રહી છે. નેહા ફયાઝના પ્રેમમાં હતી પણ તેણે દગો દીધો તેથી ફયાઝે યોગ્ય કર્યું એવી પોસ્ટ મૂકનારી બે વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે. આ પોસ્ટ મૂકનારા કોણ છે એ કહેવાની જરૂર નથી.

- નેહા પરીક્ષા આપવા આવી અને ફયાઝનો શિકાર બની ગઈ

કર્ણાટકના મીડિયામાં છપાયેલા રીપોર્ટ પ્રમાણે, નેહા અને ફયાઝ બીસીએમાં ક્લાસમેટ હતાં. બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી પણ નેહાના પરિવારને ખબર પડતા તેમણે કોલેજ મેનેજમેન્ટને જાણ કરી હતી. કોલેજ મેનેજમેન્ટે ફયાઝને ચીમકી આપીને નેહાથી દૂર રહેવા કહેલું. પરિવારે નેહાને પણ ફયાઝથી દૂર રહેવા કહેલું. નેહાએ પરિવારની વાત માનીને ફયાઝ સાથેની મિત્રતાનો અંત લાવી દીધેલો પણ ફયાઝ નેહાને છોડવા તૈયાર નહોતો તેથી ગમે તે રીતે તેને મળવા પ્રયત્ન કરતો. 

આ કારણે નેહાના પરિવારે તેને કોલેજ મોકલવાનું બંધ કરી દીધું હતું. 

હત્યા થઈ એ દિવસે નેહા એમસીએ ફર્સ્ટ સેમેસ્ટરની પરીક્ષા આપવા આવી હતી. ફયાઝ મગજમારી ના કરે એટલા માટે નેહાની મમ્મી તેને લેવા આવી હતી અને કોલેજના ગેટ પર ઉભી હતી પણ ફયાઝ કોલેજ કેમ્પસમાં ઘૂસી ગયો. તેણે પરીક્ષા આપીને ક્લાસમાંથી નિકળતી નેહાને આંતરીને હત્યા કરી નાંખી. ગેટ પર ઉભી રહે નેહાની મમ્મી શોરબકોર સાંભળીને અંદર આવ્યાં ત્યાં સુધીમાં નેહાનો ખેલ ખતમ થઈ ગયો હતો.  


Gujarat