For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તુ જૂઠી મૈં મક્કાર, રાજ કુંદ્રા-શિલ્પાની જુગતે મળેલી જોડી

Updated: Apr 20th, 2024

તુ જૂઠી મૈં મક્કાર, રાજ કુંદ્રા-શિલ્પાની જુગતે મળેલી જોડી

- રાજ કુંદ્રાની કંપનીએ 100 કરતાં વધારે પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવી છે : શિલ્પા સામે અશ્લીલતા ફેલાવવા બદલ કેસ થયા છે

શિલ્પાનો પરિવાર સંખ્યાબંધ કેસોમાં ફસાયેલો છે. શિલ્પા સામે અશ્લીલતા ફેલાવવા બદલ કેસ થયા છે અને ચીટિંગના પણ કેસ થયા છે. શિલ્પાને હોલીવુડના એક્ટર રીચર્ડ ગીયરે જાહેરમાં કિસ કરી લીધી તેનો વિવાદ પણ બહુ ચગેલો. શિલ્પા નિર્દોષ છૂટેલી પણ શિલ્પાએ ગીયર સાથે મળીને આ કાંડ પ્લાન કરેલો એવું કહેવાય છે. શિલ્પાના પિતા સુરેન્દ્ર અને માતા સુનંદા લાંબો સમય જેલની હવા પણ ખાઈ ચૂક્યાં છે. સુરતની સાડી બનાવતી કંપની પાસેથી બાકી નિકળતા ૮૦ લાખ કઢાવવા શિલ્પાનાં માતા-પિતાએ મલેશિયામાં રહેતા ગેંગસ્ટર ફઝલુર રહેમાનને સોપારી આપેલી. રહેમાને સુરતના બિઝનેસમેનને ધમકી આપતાં તેણે પોલીસ ફરિયાદ કરી દીધી તેમાં શિલ્પાનાં માતા-પિતાએ જેલની હવા ખાવાનો વારો આવી ગયેલો. 

હિંદી ફિલ્મોની એક જમાનાની હોટ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીને પરણીને જાણીતા બની ગયેલા લંડનના બિઝનેસમેન રાજ કુંદ્રાનો પગ પાછો કુંડાળામાં પડયો છે. ઈડીએ ૬૬૦૦ કરોડ રૂપિયાના બિટકોઈન સ્કેમમાં ઈડીએ કુંદ્રાની ૯૮ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. આ પહેલાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની મેચોમાં સ્પોટ ફિક્સિંગ અને પોર્ન ફિલ્મો બનાવીને સમાજમાં વૈચારિક ગંદકી ફેલાવવા બદલ કુંદ્રા જેલભેગો થઈ ચૂક્યો છે. દાઉદ ઈબ્રાહીમના સાથી ઈકબાલ મિર્ચી સાથે પ્રોપર્ટીના સોદાના કેસમાં પણ ઈડીની નજરે ચડેલો કુંદ્રા પાછો ભારતની જેલની હવા ખાતો થઈ જાય એવા પૂરા સંજોગો છે.  

કુંદ્રાના વકીલે કુંદ્રાને બિટકોઈન સ્કેમ સાથે કંઈ લેવાદેવા નહીં હોવાની રેકર્ડ વગાડી છે પણ ઈડીનું કહેવું છે કે, કુંદ્રાના એકાઉન્ટમાં અભય ભારદ્વાજે આપેલા બિટકોઈનમાંથી હજુ ૨૮૫ બિટકોઈન પડેલા છે. અત્યારના હિસાબે તેની કિંમત લગભગ ૧૫૦ કરોડ  રૂપિયા છે. આ બિટકોઈન કઈ રીતે કુંદ્રા પાસે કઈ રીતે આવ્યા તેનો પૂરો હિસાબ ઈડી પાસે છે તેથી કુંદ્રા દૂધે ધોયેલો હોવાની વાતમાં માલ નથી.  કુંદ્રા યુકેનો નાગરિક છે તેથી તેને તાત્કાલિક ઉઠાવીને જેલમાં નાંખી શકાય તેમ નથી એટલે ઈડીએ કુંદ્રાની ૯૮ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છે. મુંબઈના જુહુનો શિલ્પા શેટ્ટીનો ફ્લેટ, પૂણેનો બંગલો અને કુંદ્રાના કેટલાક શેર ઈડીએ જપ્ત કર્યા છે. 

ઈડી કુંદ્રાને સાણસામાં કઈ રીતે લેશે એ ખબર નથી પણ ઈડીની કાર્યવાહીએ સાબિત કર્યું છે કે, કૂતરાની પૂંછડી વાંકી એ વાંકી, કદી સીધી થાય જ નહીં. સાથે સાથે એ પણ સાબિત કર્યું છે કે, રાજ કુંદ્રામાં નૈતિકતા કે નીતિમત્તા જેવું કશું નથી ને પૈસા કમાવવા ગમે તે હદે જઈ શકે છે. રાજ કુંદ્રા છાપેલું કાટલું છે ને જાકુબીના ધંધા કરીને લોકોનું કરી નાંખીને પોતાનું ઘર ભરવાની તેની આદત બદલાવાની નથી. 

છેલ્લા એક દાયકામાં રાજ કુંદ્રા સામે ભારતમાં જ થયેલો આ ત્રીજો મોટો કેસ છે કે જેમાં રાજ કુંદ્રા ધરાર અનૈતિકતા આચરીને પૈસા કમાવવા જતાં ભેરવાયો છે. રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી પહેલાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની રાજસ્થાન રોયલ્સ ટીમમાં ભાગીદાર હતાં. એ વખતે રાજ કુંદ્રા બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ શ્રીનિવાસનના જમાઈ મૈયપ્પન સાથે સ્પોટ ફિક્સિંગમાં ઝડપાયેલો. શ્રીસંત સહિતના ઘણા ક્રિકેટરોને સાધીને કુંદ્રા અને મૈયપ્પને ફિક્સિંગ કરેલું. 

કુંદ્રા લેવિશ પાર્ટીઓ આપતો ને તેમાં હોટ ગર્લ્સને બોલાવીને ક્રિકેટરો તથા બીજી સેલિબ્રિટીઝને ખુશ કરી દેતો. આઈપીએલમાં ફિક્સિંગની વાત બહાર આવતાં ખળભળાટ મચી ગયેલો. તેના કારણે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સને બે વર્ષ માટે આઈપીએલમાંથી સસ્પેન્ડ કરી દેવાયેલાં. આ કેસની તપાસ દિલ્હી પોલીસ પાસે હતી. કુંદ્રા અને મૈયપ્પને બેફામ પૈસા વેરતાં દિલ્હી પોલીસે બંનેને ક્લીન ચીટ આપી દીધેલી પણ રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીએ રાજસ્થાન રોયલ્સમાંનો પોતાનો હિસ્સો વેચીને આઈપીએલમાંથી બહાર નિકળી જવું પડેલું.

રાજ કુંદ્રા સામે ૨૦૨૧માં મુંબઈની ફાઈવ સ્ટાર હોટલોમાં પોર્નોગ્રાફિક ફિલ્મો શૂટ કરીને ઓટીટી પ્લેટફોર્મને વેચવાનો કેસ નોંધાયેલો અને તેની ધરપકડ પણ થઈ હતી. સોશિયલ મીડિયા પર ઉત્તેજક તસવીરો મૂકવા માટે જાણીતી પૂનમ પાંડે અને શર્લિન ચોપરાના પોર્ગોગ્રાફિક વીડિયો બનાના પ્રાઈમ નામે ઓટીટી પ્લેટફોર્મ પર મૂકાતા હતા. રાજ કુંદ્રાની કંપનીએ ૧૦૦ કરતાં વધારે પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવી હોવાનો આરોપ મુંબઈ પોલીસે તેની સામે મૂકેલો. એક યુવતીએ રાજ કુંદ્રાએ પોતાને ફિલ્મોમાં કામના બહાને પોર્નોગ્રાફિક ફિલ્મમાં કામ કરવાની ફરજ પાડી હોવાનો આક્ષેપ કરતાં રાજ કુંદ્રાનો ભાંડો ફૂટેલો. રાજ કુંદ્રાએ પોતાને એક પોલીસ ઓફિસરના ઈશારે ફસાવાઈ રહ્યો હોવાનો બચાવ કરેલો પણ જેલવાસથી બચી શક્યો નહોતો. ત્રણ મહિના જેલની હવા ખાધા પછી જામીન પર છૂટેલા  કુંદ્રાએ પોતાન જેલના અનુભવ વિશે યુટી૬૯ નામે ફિલ્મ પણ બનાવી હતી. 

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની જુગતે મળેલી જોડી છે કેમ કે શિલ્પાનો પરિવાર પણ સંખ્યાબંધ કેસોમાં ફસાયેલો છે. શિલ્પા સામે અશ્લીલતા ફેલાવવા બદલ કેસ થયા છે અને ચીટિંગના પણ કેસ થયા છે. શિલ્પાને હોલીવુડના એક્ટર રીચર્ડ ગીયરે જાહેરમાં કિસ કરી લીધી તેનો વિવાદ પણ બહુ ચગેલો. શિલ્પા સામે જાહેરમાં અશ્લીલતા ફેલાવવાનો કેસ થયેલો પણ કિસ ગીયરે કરી હોવાથી શિલ્પા નિર્દોષ છૂટેલી. અલબત્ત શિલ્પાએ ગીયર સાથે મળીને આ કાંડ પ્લાન કરેલો એવું કહેવાય છે. 

શિલ્પાના પિતા સુરેન્દ્ર અને માતા સુનંદા લાંબો સમય જેલની હવા પણ ખાઈ ચૂક્યાં છે. શિલ્પાએ સુરતની સાડી બનાવતી કંપનીની જાહેરખબરમાં કામ કર્યું તેના બાકી નિકળતા ૮૦ લાખ કઢાવવા શિલ્પાનાં માતા-પિતાએ મલેશિયામાં રહેતા ગેંગસ્ટર ફઝલુર રહેમાનને સોપારી આપેલી. રહેમાને સુરતના બિઝનેસમેનને ધમકી આપતાં તેણે પોલીસ ફરિયાદ કરી દીધી તેમાં શિલ્પાનાં માતા-પિતાએ જેલની હવા ખાવાનો વારો આવી ગયેલો. સુરેન્દ્ર શેટ્ટી તો લાંબો સમય જેલમાં રહેલા. 

શિલ્પાની માતા સામે બીજા પણ કેસ થયેલા છે. લખનઉની બે વ્યક્તિઓ પાસેથી વેલનેસ સેન્ટર ખોલવાના નામે કરોડો રૂપિયા લીધા પછી વેલનેસ સેન્ટર ના ખોલાતાં શિલ્પા-સુનંદા સામે ચીટિંગની ફરિયાદ નોંધાયેલી. એ પહેલાં શિલ્પાના પિતા સુરેન્દ્ર શેટ્ટી ૨૦૨૧માં ગુજરી ગયા ત્યારે પરશાદ ફિરોઝ આમરા નામના મુંબઈમાં ઓટોમોબાઈલ એજન્સીના માલિકે સુનંદા સામે ચીટીંગની ફરિયાદ નોંધાવેલી. આમરાનો આક્ષેપ હતો કે, તેની કંપનીએ શિલ્પાના પરિવારની કંપનીને ૨૧ લાખની લોન આપેલી પણ સુરેન્દ્ર ગુજરી જતાં શેટ્ટી પરિવારે હાથ ઉંચા કરી નાખેલા. આ કેસમાં સુનંદા જામીન પર છૂટી છે. રાજ કુંદ્રાનો ભૂતકાળ ભવ્યાતિભવ્ય છે. આ તો તેનાં છાપે ચડેલાં કરતૂતો છે. બીજું શું શું કર્યું હશે તેની આપણને ખબર નથી પણ આ કરતૂતો જોયા પછી કુંદ્રાને ફરી જેલમાં નંખાય તો અફસોસ કરવા જેવો નથી.

રાજની પહેલી પત્ની કવિતાને રાજના જ બનેવી સાથે શરીર સંબંધ હતા

રાજ કુંદ્રાએ શિલ્પા સાથે લગ્ન કર્યાં એ પહેલાં કવિતા સાથે લગ્ન કરેલાં. લંડનના ધનિક પરિવારની દીકરી કવિતા સાથેનાં લગ્નથી રાજને એક દીકરી ડેલિના થઈ કે જે અત્યારે ૧૮ વર્ષની છે. ૨૦૦૬માં ડેલિના માત્ર ૪૦ દિવસની હતી ત્યારે રાજે કવિતાને ડિવોર્સની નોટિસ આપી દીધી હતી. કવિતા-રાજના ડિવોર્સ થયા ત્યારે કોર્ટે રાજને દીકરીને મળવાની છૂટ આપેલી પણ રાજ કદી દીકરીને મળવા ગયો જ નહીં. લગભગ બે વર્ષ પહેલાં રાજ તેની દીકરીને મળ્યો પછી બંને વચ્ચે સંબંધો સ્થાપિત થયા છે. 

કવિતાએ શિલ્પા શેટ્ટીના કારણે પોતાનું ઘર ભાંગ્યું હોવાના આક્ષેપ કરેલા. કવિતાના આક્ષેપ પ્રમાણે, પોતે પ્રેગનન્ટ હતી ત્યારે જ રાજ-શિલ્પા વચ્ચે અફેર ચાલુ થઈ ગયેલું. પ્રેગનન્સી દરમિયાન પોતે પિયરમાં હતી ત્યારે રાજ મળવા આવતો પણ એ વખતે શિલ્પાની જ વાતો કરતો હતો. કવિતા-રાજના ૨૦૦૬માં ડિવોર્સ થયા હતા. કવિતાએ ૨૦૦૯માં રાજ સામે આક્ષેપો કર્યા પછી રાજે દાવો કરેલો કે, પોતે ત્રણ મહિના પહેલાં જ શિલ્પાને મળ્યો છે.

રાજે વરસો પછી દાવો કરેલો કે, કવિતાના રાજના બનેવી વંશ સાથે શરીર સંબંધ હતા. મારી માતાએ બંનેને ઘણી વાર વાંધાજનક સ્થિતીમાં જોયાં હતાં. આ કારણે પોતે ડિવોર્સ લીધા હતા. રાજની બહેન રીના અને વંશ લંડન સેટ થવા માગતાં હોવાથી રાજના પરિવાર સાથે રહેવા ગયેલાં પણ કવિતા-રાજના સંબંધોને પગલે રીના-વંશને ભારત પાછાં મોકલી દેવાયેલાં. રીનાએ પણ પતિ વંશ પોતાને ચીટ કરતો હોવાના આક્ષેપને સમર્થન આપેલું.

રાજ કુંદ્રાએ કઈ રીતે લોકોને 6600 કરોડનો ચૂનો લગાડયો ? 

રાજ કુંદ્રાએ ૨૦૧૭માં તેના સાગરીતો સાથે મળીને ગેઈન બિટકોઈન પોન્ઝી સ્કીમ શરૂ કરેલી. અભય ભારદ્વાજ આ સ્કીમનો કર્તાહર્તા હતો પણ સૂત્રધાર રાજ કુંદ્રા હતો એવું કહેવાય છે. આ સ્કીમમાં બિટકોઈન ધરાવનારા લોકો પાસેથી ૧૦ મહિનામાં એક બિટકોઈનના બદલામાં બે બિટકોઈન આપવાની લાલચ આપીને બિટકોઈન ઉધરાવાયેલા, તેમને એવું કહેવાયેલું તેમના બિટકોઈનની મદદથી યુક્રેનમાં માઈનિંગ કરીને નવા બિટકોઈન પેદા કરાશે તેથી બધા માલામાલ થઈ જઈશું. લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે એ હિસાબે લોકોએ હજારોની સંખ્યામાં બિટકોઈન આપી દીધા કે જે લઈને કુંદ્રા આણિ મંડળી છૂ થઈ ગઈ. 

સામાન્ય રીતે આવા કેસોમાં કોઈ ફરિયાદ કરતું નથી કેમ કે બિટકોઈનનો ધંધો જ ગેરકાયદેસરનો છે પણ મુંબઈ અને દિલ્હીમાં કેટલાક લોકોએ ફરિયાદ નોંધાવી પછી ઈડીની એન્ટ્રી થઈ. ઈડીએ તપાસ કરી તેમાં અભય ભારદ્વાજ સહિતનાં લોકોનાં નામ બહાર આવ્યાં. ઈડીની તપાસની ખબર પડતાં અભય તો છૂ થઈ ગયો પણ તેની પત્ની સિમ્પી હાથ લાગી ગઈ. સિમ્પીની પૂછપરછમાં નીતિન ગૌર અને નિખિલ મહાજનનાં નામ બહાર આવ્યાં પછી પોલીસે બંનેને ઉઠાવીને જેલમાં નાંખ્યા. તેમની પૂછપરછમાં કુંદ્રાનું નામ બહાર આવતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ કુંદ્રા સામે મની લોન્ડરિંગનો કેસ નોંધેલો.

Gujarat