For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પતિ, પત્ની ઔર વો, ભાજપ સાંસદ રવિ કિશન શંકાના દાયરામાં

Updated: Apr 19th, 2024

પતિ, પત્ની ઔર વો, ભાજપ સાંસદ રવિ કિશન શંકાના દાયરામાં

- અપર્ણાના આક્ષેપોના પગલે રવિની ધર્મપત્ની પ્રીતિ શુકલા મેદાનમાં આવી છે. પ્રીતિ કહે છે કે  અપર્ણા બ્લેકમેલર છે

- લખનઉની અપર્ણા ઠાકુરે આક્ષેપ કર્યો છે કે, રવિ કિશને ૧૯૯૪માં તેની સાથે લગ્ન કરેલાં અને બંનેને શીનોવા નામની ૨૫ વર્ષની દીકરી છે. રવિએ વરસો સુધી અપર્ણા સાથે શરીર સંબંધો રાખેલા અને  નિયમિત રીતે મા-દીકરીને મળ્યા કરતો હતો. ગયા વરસે અચાનક તેણે સંબંધો તોડી નાંખ્યા. અપર્ણાના આક્ષેપો પછી રવિની પત્નીએ અપર્ણા સામે પોલીસ ફરિયાદ કરી છે પણ રવિ આખા કાંડમાં રહસ્યમય રીતે ગાયબ છે. અપર્ણા ને શિનોવા મુદ્દે રવિ ચૂપ છે. આ મુદ્દો ચૂંટણીમાં નડી શકે તેમ છે છતાં રવિ કિશને પોતે પ્રચારમાં વ્યસ્ત હોવાથી વાત કરી શકે તેમ નથી એમ કહીને વાતને ટાળી દીધી છે.

ભાજપના સાંસદ અને ભોજપુરી ફિલ્મોના સુપરસ્ટાર રવિ કિશનનો પગ કુંડાળામાં પડી ગયો છે. ઉત્તર પ્રદેશના લખનઉની અપર્ણા ઠાકુરે આક્ષેપ કર્યો છે કે, રવિ કિશને ૧૯૯૪માં તેની સાથે બીજાં લગ્ન કરેલાં અને આ લગ્નથી શીનોવા નામની ૨૫ વર્ષની દીકરી છે. રવિ કિશને વરસો સુધી અપર્ણા સાથે શરીર સંબંધો રાખેલા અને  ગયા વરસ સુધી નિયમિત રીતે મા-દીકરીને મળ્યા કરતો હતો. ગયા વરસે અચાનક તેણે સંબંધો તોડી નાંખ્યા.

અપર્ણાના આક્ષેપો પ્રમાણે, રવિ હવે પોતાના ફોન પણ લેતો નથી અને શીનોવાને પોતાની દીકરી તરીકે સ્વીકારવા પણ તૈયાર નથી. અપર્ણાએ રવિ પોતાને પત્ની તરીકે અને શીનોવાને દીકરી તરીકે ના સ્વીકારે તો કાનૂની પગલાં લેવાની ધમકી આપી છે. 

અપર્ણાના આક્ષેપોના પગલે રવિની ધર્મપત્ની પ્રીતિ શુકલા મેદાનમાં આવી છે. પ્રીતિ અને રવિનાં લગ્ન ૧૯૯૩ના ડીસેમ્બરમાં થયેલાં. પ્રીતિએ લખનઉના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં અપર્ણા સામે ફરિયાદ નોંધાવી છે. પ્રીતિનો આક્ષેપ છે કે, અપર્ણા બ્લેકમેઈલર છે અને તેણે રવિ સામે બળાત્કારનો ખોટો કેસ કરવાની ધમકી આપીને ૨૦ કરોડ રૂપિયા માગ્યા હતા. પ્રીતિની ફરિયાદ પ્રમાણે, અપર્ણાના અંડરવર્લ્ડ સાથે સંબંધો છે તેથી અપર્ણાએ ધમકી આપેલી કે, પોતાને ૨૦ કરોડ રૂપિયા ના મળે તો આખા પરિવારને ખતમ કરી નંખાવશે.

પ્રીતિએ ફરિયાદમાં દાવો કર્યો છે કે, અપર્ણાના રાજેશ સોની સાથે લગ્ન થયેલાં અને બંને ૩૫ વર્ષથી પતિ-પત્ની તરીકે જ રહે છે. રાજેશ-અપર્ણાને ૨૭ વર્ષની દીકરી અને ૨૫ વર્ષનો દીકરો છે. 

અપર્ણાએ સમાજવાદી પાર્ટીના નેતા વિવેક પાંડે અને ખુરશીદ ખાન નામના યુ-ટયુર સાથે મળીને ચૂંટણીમાં રવિ કિશનને નુકસાન કરી શકાય એ માટે કાવતરું ઘડયું છે. પ્રીતિના દાવા પ્રમાણે એક વર્ષ પહેલાં પણ અપર્ણાએ તેના પરિવારને બ્લેકમેઈલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ વખતે પોતે મુંબઈ પોલીસને ફરિયાદ કરી હતી.  

મુંબઈ પોલીસે શું કર્યું તેનો ખુલાસો પ્રીતિએ કર્યો નથી પણ પ્રીતિની પોલીસ ફરિયાદ પછી અપર્ણાની દીકરી શિનાવો મેદાનમાં આવી છે. શિનોવાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે મળવાનો સમય માંગ્યો છે કે જેથી પોતે રવિ કિશનની જ પુત્રી હોવાનું સાબિત કરી શકે. શિનોવાએ પોતાના બાળપણના રવિ કિશન સાથેના કેટલાક ફોટા પણ બતાવ્યા છે. 

શિનોવાનો દાવો છે કે, પોતે ૧૫ વર્ષની હતી ત્યાં સુધી રવિ કિશન પોતાના પિતા છે તેની ખબર નહોતી. પોતે રવિ કિશનને ચાચુ કહીને જ બોલાવતી હતી પણ અપર્ણાએ તેને હકીકત જણાવી પછી પોતે રવિ કિશનને પપ્પા કહેવા લાગેલી. 

રવિ કિશનને પણ તેની સામે વાંધો નહોતો. અપર્ણા અને શિનોવાને મળવા આવે ત્યારે એ પ્રેમથી વર્તતા પણ જાહેરમાં બંને સાથેના સંબંધો સ્વીકારવા કે સામાજિક રીતે માન્યતા આપવા તૈયાર નથી. 

અપર્ણા-શિનોવા અને પ્રીતિમાં સાચું કોણ છે એ કળવું મુશ્કેલ છે પણ આશ્ચર્યની વાત એ છે કે, રવિ કિશન આખા કાંડમાં રહસ્યમય રીતે ગાયબ છે. અપર્ણા પોતાની પત્ની છે કે નહીં ને શિનોવા તેની દીકરી છે કે નહીં એ મુદ્દે રવિ ચૂપ છે. ઉત્તર પ્રદેશની ગોરખપુર બેઠકના સાંસદ રવિ કિશનને ભાજપે ફરી ગોરખપુર બેઠક પરથી ટિકિટ આપી છે તેથી રવિ કિશન અત્યારે પ્રચારમાં વ્યસ્ત છે. 

આ મુદ્દો ચૂંટણીમાં નડી શકે તેમ છે છતાં રવિ કિશને કોઈ ચોખવટ કરવાનં મુનાસિબ માન્યું નથી. 

બલ્કે મીડિયાએ સામેથી સંપર્ક કર્યો ત્યારે પણ રવિ કિશને પોતે હમણાં પ્રચારમાં વ્યસ્ત હોવાથી વાત કરી શકે તેમ નથી એમ કહીને તેમને ટાળી દીધા પણ અપર્ણા-શિનોવા સાથેના સંબંધ મુદ્દે કશું નથી કહ્યું. અપર્ણાએ રવિ કિશન સામે સીધા આક્ષેપો કર્યા છે એ સંજોગોમાં રવિએ પોતે ફરિયાદ નોંધાવવા માટે આગળ આવવું જોઈતું હતું. તેના બદલે રવિએ પોતાની પત્ની પ્રીતિને આગળ કરી દીધી છે અથવા પ્રીતિ જાતે જ સામે આવીને પોલીસ પાસે પહોંચી ગઈ છે. 

આ બધું જોતાં રવિ કિશન શંકાના દાયરામાં છે જ પણ અપર્ણા પણ દૂધે ધોયેલી હોવાનું માનવાને કારણ નથી. 

મનોરંજન જગતમાં આ પ્રકારના સંબંધો નવી વાત નથી. 

પરસ્પર સંમતિથી આ પ્રકારના સંબંધો બંધાતા હોય છે ને વરસો સુધી કોઈને ખબર પણ ના પડે એ રીતે ચાલતા પણ હોય છે પણ અચાનક કશુંક વાંકું પજે કે કોઈ એક પાત્ર જાહેરમાં આવી જાય ત્યારે ભાંડો ફૂટતો હોય છે.  

અપર્ણા-રવિના કિસ્સામાં પણ એવું  બન્યું હોઈ શકે. 

અપર્ણાએ રવિ સાથે લગ્નનો જે સમયગાળો વર્ણવ્યો એ વખતે રવિ સંઘર્ષ કરતો હતો. 

અપર્ણાના કહેવા પ્રમાણે રવિએ પોતાને પણ હીરોઈન બનાવવાની લાલચ આપેલી. રવિનાં ઠેકાણાં નહોતાં પડતાં ત્યારે પોતાને શું હીરોઈન બનાવશે એમ સમજીને અપર્ણા પરણીને થાળે પડી ગઈ હોય એ શક્ય છે. પછીનાં વરસોમાં રવિને અંધાધૂંધ સફળતા મળી ત્યારે તેનો ફાયદો લેવા એ મેદાનમાં આવી હોય એ પણ શક્ય છે. 

સત્ય શું છે એ ખબર નથી ને કદાચ બહાર ના પણ આવે કેમ કે આવા કિસ્સામાં મોટા ભાગે કુલડીમાં ગોળ ભાંગીને સમાધાન કરી લેવાતું હોય છે.

રવિને સૌરવ ગાંગુલીની પ્રેમિકા નગમા સાથે પણ અફેર હતું

રવિ કિશન પહેલી વાર લગ્નેતર સંબંધોના કારણે વિવાદમાં નથી આવ્યો. આ પહેલાં એક્ટ્રેસ નગમા સાથે રવિ કિશનના અફેરની ગરમાગરમ વાતો પણ ચગી હતી. ૧૯૯૦માં સલમાન ખાન સાથે બાગી ફિલ્મમાં કામ કરીને ફિલ્મી કારકિર્દી શરૂ કરનારી નગમા મૂળ ગુજરાતી છે. નગમાની માતા શમા કાઝી મુસ્લિમ હતી. પોરબંદરના અને મુંબઈમાં સ્થાયી થયેલા ગોકુલદાસ મોરારજી પરિવારના અરવિંદ મોરારજી સાથે શમાએ લગ્ન કરેલાં પણ પાંચ વર્ષમાં જ ૧૯૭૪માં બંનેના ડિવોર્સ થઈ ગયા ત્યારે નગમા જન્મી પણ નહોતી. માતા-પિતાના ડિવોર્સના ત્રણ મહિના પછી નગમાનો જન્મ થયો ત્યારે તેનું નામ નંદિતા રખાયેલું. ફિલ્મોમાં આવવા તેણે નગમા નામ રાખેલું. 

નગમા હિન્દી ફિલ્મોમાં કારકિર્દી શરૂ કર્યા પછી તેલુગુ ફિલ્મો તરફ વળી. તેલુગુ ફિલ્મોમાં તેને ભારે સફળતા મળી હતી. એ વખતે નગમાનું સાઉથના એક્ટર શરથ કુમાર સાથે અફેર ચાલ્યું હતું. 

૨૦૦૧માં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સૌરવ ગાંગુલી સાથેના નગમાના અફેરે પણ ભારે ચકચાર જગાવી હતી. સૌરવનું દામ્પત્યજીવન તેના કારણે ખતરામાં આવી ગયેલું. 

નગમા ૨૦૦૦ના દાયકામાં ભોજપુરી ફિલ્મો તરફ વળી ત્યારે તેનું રવિ કિશન સાથે અફેર શરૂ થયું હોવાનું કહેવાય છે. રવિ એ વખતે ભોજપુરી ફિલ્મોનો સુપરસ્ટાર હતો. 

દસ વર્ષથી વધારે સમય સુધી બંનેનું અફેર ચાલ્યું હોવાનું કહેવાય છે. આ લગ્નના કારણે રવિના જીવનમાં વિખવાદ થતાં રવિએ નગમાને છોડી દીધી હોવાનું કહેવાય છે. એ પછી રવિના હરીફ મનાતા ભોજપુરી એક્ટર મનોજ તિવારી સાથે નગમાનું અફેર ચાલેલું. તિવારી પણ ભાજપનો સાંસદ છે.

'હું એક્ટર ના હોત તો જિગોલો કે ગુંડો બની ગયો હોત...'

રવિ કિશને એક ઈન્ટરવ્યૂમાં પોતાના પિતાએ પોતાને એક્ટર બનાવવામાં આપેલા યોગદાનને યાદ કરતાં કહેલું કે, મારા પિતા શ્યામ નારાયણ શુકલાએ મને નાનપણમાં ફટકાર્યો ના હોત તો હું નશેડી, ગુંડો કે જિગોલો (પુરૂષ વેશ્યા) બની ગયો હોત. રવિ કિશને જિગોલો બનવાની વાત ક્યા સંદર્ભમાં કરી એ ખબર નથી પણ આ વાત ઘણાંને વિચિત્ર લાગી હતી. કેટલાકે સવાલ પણ કરેલો કે, રવિ કિશને પહેલાં જિગોલો તરીકે કામ કર્યું છે કે શું ?

રવિ કિશન બહુ સંઘર્ષ કરીને એક્ટર બન્યો છે. રવિ કિશનનું મૂળ નામ રવિન્દ્ર નારાયણ શુકલ છે. રવિના પિતા મુંબઈમાં ડેરી ચલાવતા અને સાથે સાથે કર્મકાંડ પણ કરતા પણ ભાઈ સાથે ઝગડો થતાં પરિવાર સાથે જૌનપુર પાછા જતા રહેલું પડેલું. એ વખતે કાચા મકાનમાં આખો પરિવાર રહેતો. લગભગ સાત વર્ષ સુધી જૌનપુર રહ્યા પછી પરિવાર પાછો મુંબઈ આવી ગયેલો. પાંચ સંતાનોમાં સૌથી નાના રવિ કિશન બારમા ધોરણ સુધી જ ભણ્યા છે. રવિ કિશન એક્ટર બનવા માગતા હતા પણ તેમના પિતા વિરૂધ્ધમાં હતા તેથી રવિ કિશને ઘર છોડી દીધેલું. રવિ કિશનને ૧૯૯૦માં ૨૨ વર્ષની ઉંમરે હિંદી ફિલ્મોમાં પહેલો બ્રેક મળેલો પણ બહુ સામાન્ય રોલ હતો. હિંદી ફિલ્મોમાં લાંબા સમય સુધી ફાલતુ રોલ કર્યા અને સીરિયલોમાં કામ કર્યા પછી ૨૦૦૪માં રવિ કિશને પહેલી ભોજપુરી ફિલ્મમાં કામ કર્યું અને તેમના દિવસો બદલાઈ ગયા.

Gujarat