For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સ્મોકિંગ ફ્રી યુકે, સુનકને યુવાઓની નહીં તિજોરીની ચિંતા

Updated: Apr 18th, 2024

સ્મોકિંગ ફ્રી યુકે, સુનકને યુવાઓની નહીં તિજોરીની ચિંતા

- બ્રિટનમાં દર વરસે સ્મોકિંગના કારણે થતા કેન્સરથી 80 હજાર લોકો મરે છે જ્યારે ભોગ બનનારની સંખ્યા તો લાખોમાં છે

- યુકે સરકાર દર વર્ષે સ્મોકિગ પર પ્રતિબંધ માટેની વય મર્યાદામાં એક-એક વર્ષનો વધારો કરતી જશે. મતલબ કે, આવતા વર્ષે 16 વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ ટીનેજર કે છોકરા-છોકરી સિગારેટ સહિતનાં તમાકુ ઉત્પાદનો ખરીદી નહીં શકે ને દુકાનદાર તેને સિગારેટ સહિતનાં તમાકુનાં ઉત્પાદનો વેચી નહીં શકે. આ રીતે દર વરસે વયમર્યાદા વધશે તેથી એક આખી પેઢી જ સ્મોકિંગ કર્યા વિના મોટી થશે. જે લોકો અત્યારે સ્મોકિંગ કરે છે એ લોકો ધીરે ધીરે મરતાં જશે તેથી સ્મોકિંગ નહીં કરનારાંનુ પ્રમાણ વધતું જશે ને ધીરે ધીરે યુકેમાં એક પણ વ્યક્તિ સ્મોકિંગ નહીં કરતી હોય એવો સુનકનો આઈડિયા છે.

યુનાઈટેડ કિંગડમ (યુકે)ની ઋષિ સુનક સરકારે સંસદમાં ધુમ્રપાન (સ્મોકિંગ) પર પ્રતિબંધ માટે ધ ટોબેકો એન્ડ વેપ્સ બિલ નામે રસપ્રદ બિલ રજૂ કર્યું છે. આ રસપ્રદ એટલા માટે છે કે, તેનો ઉદ્દેશ ભવિષ્યમાં આખા યુકેને સ્મોકિંગ ફ્રી અથવા ટોબેકો ફ્રી બનાવી દેવાનો છે.  હાલની પેઢીને અત્યારથી જ સિગારેટની આદતમાંથી મુક્ત કરાવીને ધીરે ધીરે યુકેનાં તમામ લોકોને સ્મોકિંગની લતમાંથી છૂટકારો અપાવવાનો નિર્ધાર આ બિલ દ્વારા વ્યક્ત કરાયો છે. આ બિલ અંતર્ગત પહેલા તબક્કામાં ૧૫ વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ ટીનેજર કે છોકરા-છોકરી સિગારેટ સહિતનાં તમાકુ ઉત્પાદનો ખરીદી નહીં શકે ને દુકાનદાર તેને સિગારેટ સહિતનાં તમાકુનાં ઉત્પાદનો વેચી નહીં શકે.  

વેપ એટલે કે ઈલેક્ટ્રોનિક સિગારેટ સહિતની બેટરી ઓપરેટેડ ઈલેક્ટ્રોનિક ડીવાઈસ ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાં લોકોને વેચવા પર પહેલાંથી પ્રતિબંધ છે તેથી આ બિલમાં માત્ર સિગારેટ સહિતનાં તમાકુનાં ઉત્પાદનો પર પ્રતિબંધ છે પણ વેપ પર પણ નિયંત્રણો મૂકાવાનાં છે. તેનું કારણ એ કે, યુકેમાં બાળકોમાં વેપનો વપરાશ વધી રહ્યો છે. બાળકોને આકર્ષવા માટે કંપનીઓ જાત જાતની ફ્લેવર્સ સાથેનાં વેપ બજારમાં મૂકે છે. આ ફ્લેવર્સ તથા તેના પેકેજિંગ પર પણ નિયંત્રણો આવશે કે જેથી બાળકોને વેપની લતમાંથી પણ મુક્ત કરાવી શકાય. 

કોઈ દુકાનદાર ટીનેજર કે છોકરા-છોકરીને સિગારેટ કે વેપ વેચતો ઝડપાયો તો તેને ૧૦૦ પાઉન્ડ (લગભગ ૧૦,૫૦૦ રૂપિયા)નો દંડ થશે. આ દંડની રકમ એક ચોક્કસ ફંડમાં જમા કરાશે જેનો ઉપયોગ યુકેને સ્મોકિંગ ફ્રી બનાવવાની ઝુંબેશ માટે કરાશે. 

અત્યારે તો પોલીસ જ આ કાયદાનો અમલ કરાવશે પણ જરૂર પડશે તો સિગારેટ અને વેપના વેચાણના અમલ માટે અલગથી તંત્ર ઉભું કરાશે. 

આ બિલનો સૌથી રસપ્રદ પાર્ટ હવે આવે છે. સ્મોકિંગ પર પ્રતિબંધનો કાયદો અમલમાં આવે પછી બીજા તબક્કામાં યુકે સરકાર દર વર્ષે આ પ્રતિબંધ માટેની વય મર્યાદામાં એક-એક વર્ષનો વધારો કરતી જશે. મતલબ કે, આવતા વર્ષે ૧૬ વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ ટીનેજર કે છોકરા-છોકરી સિગારેટ સહિતનાં તમાકુ ઉત્પાદનો ખરીદી નહીં શકે ને દુકાનદાર તેને સિગારેટ સહિતનાં તમાકુનાં ઉત્પાદનો વેચી નહીં શકે. એ પછીના વરસે વય મર્યાદા ૧૭ વર્ષ કરાશે ને પછીના વરસે ૧૮ વર્ષ કરાશે. 

આ રીતે દર વરસે વયમર્યાદા વધતી જશે તેથી એક આખી પેઢી જ સ્મોકિંગ કર્યા વિના મોટી થશે. બીજી તરફ જે લોકો અત્યારે સ્મોકિંગ કરે છે એ લોકો ધીરે ધીરે ગુજરતાં જશે તેથી સ્મોકિંગ નહીં કરનારાંનુ પ્રમાણ વધતું જશે ને ધીરે ધીરે સો ટકા થઈ જશે. સુનક સરકારે દર વર્ષે એક-એક વર્ષનો વધારો કરવાના બદલે પહેલા ધડાકે જ ૧ જાન્યુઆરી, ૨૦૦૯ પછી જન્મેલાંને સિગારેટ ખરીદવા કે વેચવા પર પ્રતિબંધનો વિકલ્પ પણ વિચાર્યો છે કે જેથી કાયમ માટે શાંતિ થઈ જાય અને દર  વરસે કાયદો સુધારવો ના પડે. 

અત્યારે સંસદમાં આ બિલ પર ચર્ચા શરૂ થઈ છે અને પછી મતદાન થશે. બ્રિટનમાં કન્ઝર્વેટિવ પાર્ટી (ટોરી) અને લેબર પાર્ટી બે મુખ્ય પક્ષો છે. સુનક કન્ઝર્વેર્ટિવ પાર્ટીના છે પણ તેમના જ પક્ષના સંખ્યાબંધ સાંસદો આ બિલની વિરૂધ્ધ છે પણ મુખ્ય વિરોધ પક્ષ લેબર પાર્ટીએ આ બિલને ટેકો આપ્યો છે તેથી સંસદમાં આ બિલ પસાર થઈ જશે અને આ વર્ષના અંત સુધીમાં તેનો અમલ પણ શરૂ થઈ જશે એવું મનાય છે. 

આ બિલ પાછળનો ઈરાદો સારો છે તેમાં શંકા નથી. સ્મોકિંગ જીવલેણ છે અને યુવા પેઢીને સ્મોકિંગની લતથી છોડાવવા કંઈ પણ કરવામાં આવે તો એ સારું જ ગણાય પણ સુનકને યુવાઓનું ભલું કરી નાંખવાના શુભ ઉદ્દેશથી આ બિલ લાવ્યા છે એવું માનવાની ભૂલ કરવાની જરૂર નથી. આ બિલનો મુખ્ય ઉદ્દેશ તો બ્રિટનની સરકાર પર પડી રહેલા જંગી આર્થિક બોજને ઓછો કરવાનો છે. 

બ્રિટનમાં તમામ લોકોના આરોગ્યની સાર-સંભાળ લેવાની જવાબદારી સરકારની છે. સામાન્ય તાવ હોય કે કેન્સર જેવી ગંભીર બિમારી હોય, નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) હેઠળ તમામ લોકોને મફતમાં સારવાર આપવી યુકે સરકારની ફરજ છે. યુકે સરકાર આ ફરજ સારી રીતે નિભાવે છે અને અબજો પાઉન્ડ ખર્ચે છે તેથી બ્રિટનની સરકારી હેલ્થ સર્વિસ દુનિયામાં સૌથી સારી આરોગ્ય સેવાઓમાં સ્થાન પામે છે. 

હવે તકલીફ એ થઈ છે કે કે, છેલ્લાં કેટલાંક વરસોમાં બ્રિટનમાં સ્મોકિંગનું પ્રમાણ વધ્યું તેના કારણે બ્રિટનમાં કેન્સરના દર્દીઓ વધ્યા છે. બ્રિટનમાં દર વરસે સ્મોકિંગના કારણે થતા કેન્સરથી ૮૦ હજાર લોકો મરે છે જ્યારે ભોગ બનનારની સંખ્યા તો લાખોમાં છે. તેમની સારવાર પાછળ એનએચએસે દર વરસે ૧૭ અબજ પાઉન્ડ (લગભગ રૂપિયા ૧.૮૦ લાખ કરોડ)નું આંધણ કરવું પડે છે. તેની સામે સરકારને સિગારેટ સહિતનાં તમાકુનાં ઉત્પાદનો પરના ટેક્સમાંથી ૧૦ અબજ પાઉન્ટ (લગભગ ૧.૦૫ લાખ કરોડ રૂપિયા)ની આવક થાય છે. 

બ્રિટનની આર્થિક હાલત ખરાબ થતી જાય છે ત્યારે સુનક સરકાર માટે આ ૭૦૦ કરોડ પાઉન્ડ એટલે કે લગભગ ૭૫ હજાર કરોડ રૂપિયાનો ખાડો કઈ રીતે પૂરવો એ મોટો સવાલ છે. સુનક માટે સમસ્યા પાછી અહીં સમાપ્ત થતી નથી. કેન્સરના દર્દીઓ વધતા જ જાય છે તેથી દર વરસે એનએસએસ પર વધારાનો ૧ અબજ પાઉન્ડનો ખર્ચ વધતો જશે એવો અંદાજ મૂકાય છે. અત્યારે જ બે છેડા ભેગા થતા નથી ત્યારે ભવિષ્યમાં તો શું હાલત થાય એ વિચારે સુનક ફફડી ગયા છે તેથી યુવાઓનું ભલું કરવાનો વિચાર આવી ગયો છે. આ પ્રતિબંધના કારણે તમાકુનાં ઉત્પાદનો પરનો ટેકસ થોડો ઘટશે પણ તેની સામે સારવારનો ખર્ચ ઘટશે તેથી સરવાળે યુકે સરકાર ફાયદામાં રહેશે.

સુનક પોતાના સ્વાર્થના કારણે યુકેને સ્મોકિંગ ફ્રી બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે પણ આ વિચાર બીજા દેશોએ પણ અમલી બનાવવા જેવો તો છે જ. સ્મોકિંગના કારણે થતા કેન્સરના કારણે લોકો રીબાઈ રીબાઈને મરે છે એ જોતાં સ્વાર્થવશ તો સ્વાર્થવશ પણ આ વિચારનો અમલ ખોટો નથી.

સુનકની પાર્ટી જ વિરોધમાં, સુનકનું બિલ તુઘલખી તુક્કો

સુનકની પાર્ટીના ઘણા સાંસદો સુનકના બિલને તુઘલખી તુક્કો ગણાવી રહ્યા છે. તેમના મતે, વાસ્તવિક રીતે આ પ્લાનનો અમલ શક્ય નથી. તેના કારણે ટીનેજર કે છોકરાં-છોકરીઓને જાહેરમાં સિગારેટ નહીં મળે તેથી ખાનગીમાં ખરીદવા માંડશે અને અત્યારે ડ્રગ્સનો ગેરકાયદેસર બિઝનેસ ચાલે છે એ રીતે સિગારેટનો ગેરકાયદેસર બિઝનેસ શરૂ થશે. તેના માટે હપ્તા અપાશે ને પોલીસમાં ભ્રષ્ટાચાર વધશે. પરિણામે સરકાર ટેક્સની આવક પણ ખોશે અને સ્મોકિંગની આદતમાંથી છૂટકારાનો ઉદ્દેશ પણ પાર નહીં પડે.

આ સાંસદોનો મત છે કે, સરકારે પ્રતિબંધોના બદલે છોકરાં-છોકરીઓ નાનાં હોય ત્યારે તેમનામાં સિગારેટના દૂષણને કારણે સર્જાતી સમસ્યાઓ અંગે સમજ કેળવવી જોઈએ કે જેથી મોટાં થઈને સિગારેટ તરફ ના વળે.

 બાળકોમાં આ આદત પરિવારનાં મોટાં લોકોના કારણે આવતી હોય છે તેથી ખરી જરૂર પરિવારમાં મોટાં લોકોને સ્મોકિંગથી દૂર કરવાની છે.

બે ભૂતપૂર્વ વડાપ્રધાનનો વિરોધ, સ્મોકિંગ પર પ્રતિબંધ આઝાદી પર તરાપ

સુનકના ધ ટોબેકો એન્ડ વેપ્સ બિલને બ્રિટનના નાગરિકોની આઝાદી પર તરાપ ગણાવાઈ રહી છે. બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાનો બોરિસ જોનસન અને લીઝ ટ્રુસ સ્મોકિંગ પર પ્રતિબંધની વિરૂધ્ધ છે. લિઝ ટ્રસે સાફ શબ્દોમાં કહ્યું છે કે, યુકે એક મુક્ત દેશ છે અને  સરકાર કોઈ પણ વ્યક્તિને સિગારેટ નહીં પીવાનું ના કહી શકે. આ પ્રકારના પ્રતિબંધો આ દેશને કઈ તરફ લઈ જશે એ વિચારી જ શકાતું નથી. બોરિસ જોનસને તો સુનકના વિચારને બાર્મી (મૂર્ખામીપૂર્ણ અથવા ગાંડપણ) ગણાવ્યો છે. 

સુનકના સમર્થકો બોરિસ અને ટ્રુસના વિચારોને રાજકીય ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, આ બિલ દ્વારા સુનક છવાઈ જશે અને આવતા વરસે યોજાનારી ચૂંટણીમાં જંગી બહુમતીથી ચૂંટાશે એવા ડરે બોરિસ અને ટ્રુસ વિરોધ કરી રહ્યાં છે.

Gujarat