For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કેરળનાં લોકોએ 3 દિવસમાં 33 કરોડ આપીને રહીમને મોતથી બચાવ્યો

Updated: Apr 17th, 2024

કેરળનાં લોકોએ 3 દિવસમાં 33 કરોડ આપીને રહીમને મોતથી બચાવ્યો

- સાઉદીના કાયદા પ્રમાણે રહીમ પાસે બે જ વિકલ્પ બચ્યા હતા. કાં ધડથી પોતાનું માથું અલગ કરાવે કાં છોકરાના પરિવારને બ્લડ મની પેટે રૂપિયા ચૂકવી દે

- રહીમની સ્ટોરી બિલકુલ ફિલ્મી છે. રહીમ 2006માં રિયાધના શેખના પરિવારમાં ડ્રાઈવર તરીકે કામ કરતો અને પરિવારના 15 વર્ષના દિવ્યાંગ છોકરાની સંભાળ રાખતો હતો. 25 ડીસેમ્બર, 2006ના રોજ રહીમ છોકરાને લઈને જતો હતો ત્યારે છોકરાએ રેડ સિગ્નલ પાસે કાર ઉભી નહીં રાખવા કહેલું. તેમાં ઝપાઝપી થતાં છોકરાના ગળામાંથી બ્રીધિંગ પાઈપ નિકળી જતાં છોકરો ગુજરી ગયો હતો. આ કેસમાં રહીમને મૃત્યુદંડ થયેલો. સાઉદીના કાયદા પ્રમાણે રહીમ પાસે ધડથી માથું અલગ કરાવે કેં છોકરાના પરિવારને બ્લડ મની પેટે રૂપિયા ચૂકવી દે એ જ વિકલ્પ બચ્યા હતા.

સાઉદી અરેબિયાની જેલમાં ૧૫ વર્ષના છોકરાની હત્યા માટે ૧૮ વર્ષથી બંધ કેરળના અબ્દુલ રહીમની મુક્તિનો તખ્તો તૈયાર છે. ૧૫ વર્ષના દિવ્યાંગ છોકરાની હત્યા માટે રહીમને મૃત્યુદંડની સજા થઈ હતી પણ ઈસ્લામના કાયદા પ્રમાણે, છોકરાના પરિવારે ૧.૫૦ કરોડ સાઉદી રિયાલ (લગભગ ૩૩.૨૫ કરોડ રૂપિયા) સ્વીકારીને રિયાઝને માફી આપવાની તૈયારી બતાવી હતી. કેરળનાં લોકોએ ૩૫.૪૫ કરોડ રૂપિયા એકઠા કરી દેતાં બે દિવસમાં રહીમ જેલની બહાર આવી જશે. 

રહીમની મુક્તિએ તેના પરિવારને તો રાહત આપી જ છે પણ રહીમની મુક્તિનું અભિયાન ચલાવી રહેલાં લોકોને પણ ભારે રાહત આપી છે કેમ કે રહીમની મુક્તિનું અભિયાન છેલ્લે છેલ્લે ધરાર નિષ્ફળ જવાય એવો ખતરો ઉભો થઈ ગયેલો. ગુજરાતમાં તો આ કેસ વિશે લોકોને ખબર નહોતી પણ કેરળમાં તો છેલ્લા બે મહિનાથી રહીમની મુક્તિના અભિયાન વિશેના સમાચાર રોજ છપાતા હતા. ચૂંટણીના પરિણામ વિશે ઉભી થાય એવી ઉત્સુકતા લોકોમાં ઉભી થઈ ગયેલી.  

હજુ અઠવાડિયા પહેલાં સુધી એવું લાગતું હતું કે, રહીમની મુક્તિ માટે જરૂરી રકમ એકઠી નહીં કરી શકાય કેમ કે રહીમની મુક્તિ માટે બનાવાયેલી સમિતીએ માત્ર ૨.૪૦ કરોડ રૂપિયા એકઠા કરેલા. માત્ર અઠવાડિયામાં ૩૨ કરોડ રૂપિયા એકઠા કરવાનું કામ અશક્ય લાગતું હતું ત્યાં અચાનક બિલકુલ ફિલ્મી સ્ટાઈલમાં બોબી ચેમ્માનુરની એન્ટ્રી થતાં જ સ્થિતી બદલાઈ ગઈ. 

ચેમ્માનુરે કેરળમાં ફંડ ઉઘરાવવા માટે પોતાના ટ્રસ્ટ દ્વારા ટી ચેલેન્જ શરૂ કરી. ચેમ્માનુરે કેરળમાં મોટાં શહેરોમાં ફરીને ચા અને લકી ડ્રો ટિકિટો વેચીને રૂપિયાનો વરસાદ કરાવી દીધો. ચેમ્માનુરની ઝુંબેશ સફળ થઈ અને માત્ર ત્રણ જ દિવસમાં કેરળનાં લોકોએ ૩૩ કરોડ રૂપિયા આપીને રહીમની મુક્તિનો માર્ગ રસ્તો તૈયાર કરી દીધો. આ રકમ ભારતીય દૂતાવાસને મોકલી અપાઈ છે કે જે ૧૬ એપ્રિલે સાઉદી સરકારમાં જમા કરાવી દેશે. સાઉદી સરકાર છોકરાના પરિવારને આ રકમ આપશે એ પછી ૧૭ કે ૧૮ એપ્રિલે રહીમની ફાંસીની સજા માફ થઈ જશે. 

રહીમની સ્ટોરી બિલકુલ ફિલ્મી છે. રહીમ ૨૦૦૬માં કેરળથી સાઉદી ગયો પછી રિયાધના એક શેખના પરિવારમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. આ પરિવારમાં ૧૫ વર્ષનો એક દિવ્યાંગ છોકરો હતો કે જે માત્ર મેડિકલ ઈક્વિપમેન્ટ્સની મદદથી શ્વાસ લઈ શકતો હતો. રહીમે આ છોકરાની સારસંભાળ પણ રાખવાની હતી. ૨૫ ડીસેમ્બર, ૨૦૦૬ના રોજ રહીમ છોકરાને લઈને કારમાં જતો રહ્યો હતો ત્યારે એક રેડ સિગ્નલ પાસે કાર ઉભી રહી ત્યારે છોકરાએ કાર નહીં રોકવા કહ્યું. 

રહીમ રેડ સિગ્નલ તોડવા તૈયાર નહોતો તેથી છોકરાએ તેનો શર્ટ પકડીને ગુસ્સો કાઢયો. રહીમ પોતાનો બચાવ કરવા ગયો તેમાં છોકરાના ગળામાંથી બ્રીધિંગ પાઈપ નિકળી ગઈ તેમાં છોકરાને ઓક્સિજન મળતાં બંધ થઈ ગયો ને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી. રહીમને આ વાતની ખબર પડી ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું. રહીમ કાર લઇને હોસ્પિટલ પહોંચ્યો ત્યાં સુધીમાં છોકરો ગુજરી ગયો હતો. 

છોકરાના પરિવારે રહીમ પર હત્યાનો આક્ષેપ મૂકી દીધો. રહીમે પોતે ઈરાદાપૂર્વક કશું નહીં કર્યું હોવાનો દાવો કરીને માફી આપવા આજીજી કરેલી પણ છોકરાના પરિવારે રહીમને માફી આપવાનો ઈન્કાર કરી દીધેલો. સાઉદીના કાયદા પ્રમાણે કેસ ચાલ્યો અને ૨૦૧૨માં રહીમને મૃત્યુદંડની સજા થઈ. રહીમે તેની સામે કરેલી અપીલ ૨૦૧૭માં ફગાવી દેવાઈ. રહીમે ફરી અપીલ કરી પણ ૨૦૧૮માં એ અરજી પણ ફગાવી દેવાતાં સાઉદીના કાયદા પ્રમાણે રહીમ પાસે બે જ વિકલ્પ બચ્યા હતા. કાં ધડથી પોતાનું માથું અલગ કરાવે કાં છોકરાના પરિવારને બ્લડ મની પેટે રૂપિયા ચૂકવી દે. 

રહીમને બચાવવા માટે એ વખતે જ સમિતી બનાવી દેવાયેલી. સમિતીએ છોકરાના પરિવાર સાથે બ્લડ મની માટે સોદાબાજી શરૂ કરી. છોકરાના પરિવારે પહેલાં તો બહુ જંગી રકમ માગેલી પણ ભારે સમજાવટ પછી દીયા (બ્લડ મની) પેટે ૧.૫૦ કરોડ સાઉદી રિયાલ (લગભગ ૩૩.૨૫ કરોડ રૂપિયા) સ્વીકારવા તૈયારી બતાવી હતી. ૧૬ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ રિયાઝ અને છોકરાના પરિવાર વચ્ચે સોદો થયો કે, રિયાઝનો પરિવાર છોકરાના પરિવારને છ મહિનામાં એટલે કે ૧૬ એપ્રિલ, ૨૦૨૪ સુધીમાં ૧.૫૦ કરોડ સાઉદી રિયાલ ચૂકવી દેશે તો રિયાઝને માફ કરી દેશે.

રહીમના ગરીબ પરિવાર પાસે આટલી રકમ નહોતી તેથી આ રકમ લોકો પાસેથી ઉઘરાવવી પડશે એ નક્કી હતું. સમિતીએ  લીગલ એક્શન કમિટી બનાવીને રિયાઝને છોડાવવા માટે નાણાં એકઠાં કરવાનું અભિયાન શરૂ કર્યું પણ તેને ધારી સફળતા નહોતી મળતી.  દિવસો પસાર થતા થતા જતા પણ બહુ સામાન્ય રકમ મળતી તેથી રહીમને બચાવી શકાશે કે કેમ એ વિશે શંકા-કુશંકાઓ પેદા થઈ ગયેલી. રહીમના પરિવારે તો આશા છોડી જ દીધેલી ત્યાં બોબીએ અભિયાન હાથમા લેતાં જ ૩૫.૪૫ કરોડ રૂપિયાની જંગી રકમ એકઠી થઈ ગઈ. રહીમ તો મુક્ત થઈ જશે પણ આ અભિયાનથી સાઉદીની જાહેરમાં માથું ધડથી અલગ કરીને વાઢી નાંખવાની જંગલી પધ્ધતિ ચર્ચામાં આવી ગઈ છે. સાઉદીમાં હજુ શરીયા કાયદાનો અમલ થાય છે તેથી લગભગ ૧૫ જેટલા અપરાધો માટે મૃત્યુદંડની સજા થાય છે. આ પૈકી હત્યા, બળાત્કાર. દેશદ્રોહ જેવા અપરાધો માટે મૃત્યુદંડ થાય એ હજુ સમજી શકાય પણ હોમોસેક્સ્યુઆલિટી, પરીણિત સ્ત્રી-પુરૂષ વચ્ચે લગ્નેતર શરીર સંબંધ, ડ્રગ સ્મગલિંગ, સશસ્ત્ર ધાડ, ચોરી, જાસૂસી, તંત્ર-મંત્ર જેવા અપરાધો માટે પણ ફાંસીની સજા થાય એ વધારે પડતું છે એવું સૌ માને છે. ઈશનિંદા  અને અલ્લાહની ટીકા જેવા અપરાધો માટે પણ ફાંસીની સજા થાય છે.  આ મુદ્દે વારંવાર ઉહાપોહ થાય છે પણ સાઉદી બદલાતું નથી.

રિયાધામાં 'ચોપ ચોપ સ્ક્વેર', દર વર્ષે 180નાં જાહેરમાં માથાં વાઢી નંખાય છે

સાઉદી અરેબિયામાં મૃત્યુદંડની સજાની દુનિયાભરમાં ટીકા થાય છે કેમ કે સાઉદી અરેબિયામાં જાહેરમાં દોષિતનું માથું વાઢીને મૃત્યુદંડનો અમલ કરાય છે. આ રીતે મૃત્યુદંડ આપવાની પધ્ધતિ અમાનવીય ગણાય છે પણ સાઉદી હજુય ઈસ્લામના કાયદા પ્રમાણેની મૃત્યુદંડની પધ્ધતિને વળગી રહ્યું છે. 

સાઉદી દુનિયામાં મૃત્યુદંડની સજા આપવામાં ચીન અને ઈરાન પછી ત્રીજા નંબરે છે. ૨૦૨૩માં સાઉદીમાં ૧૭૨ લોકોનાં જાહેરમાં માથાં વાઢીને મૃત્યુદંડ અપાયેલો. ૨૦૨૨માં ૧૯૬ લોકોને મૃત્યુદંડની સજા અપાયેલી જ્યારે ૨૦૨૧માં ૧૪૧ને મૃત્યુદંડ અપાયેલો. ૨૦૨૨ના માર્ચમાં એક જ દિવસમાં ૮૧ લોકોને જાહેરમાં મૃત્યુદંડ અપાયો હતો. એ પહેલાંના વરસોમાં દર વરસે ૧૫૦થી વધારે લોકોનાં માથાં વઢાયાં છે. 

સાઉદીમાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ઘણા બધા સુધારા કર્યા છે. સાઉદીની મૃત્યુદંડની સજા વિશે થતી ટીકાઓને પગલે સલમાને મૃત્યુદંડની સજામાં ઘટાડો કરવા વચન આપેલું પણ તેના બદલે મૃત્યુદંડનું પ્રમાણ વધતું જ જાય છે. સલમાનના પિતા કિંગ સલમાન અને મોહમ્મદ બિન સલમાન ૨૦૧૫માં સત્તામાં આવ્યા પછી ૧૬૦૦થી વધારે લોકોને મૃત્યુદંડ અપાયો છે. દર વર્ષે સરેરાશ ૧૮૦ લોકોને મૃત્યુદંડ અપાય છે. મતલબ કે દર બીજા દિવસે કોઈ ને કોઈનું માથું ધડથી અલગ થાય છે. રિયાધના ચોકમાં ધડથી માથું અલગ કરાય છે તેથી પશ્ચિમના મીડિયામાં આ ચોકનું નામ જ 'ચોપ ચોપ સ્ક્વેર' પડી ગયું છે.

બોબીની ઈમેજ પબ્લિસિટી ભૂખ્યા માણસની 

રહીમને બચાવવાનું અભિયાન શરૂ કરવા માટે બોબી ચેમ્માનુરે પોતે ૧ કરોડ રૂપિયાનું દાન આપ્યું તેથી આ ઝુંબેશમાં બોબી કેન્દ્રસ્થાને આવી ગયો છે પણ કેરળમાં બોબીની થાપ પબ્લિસિટી માટે જાત જાતનાં તિકડમ કરનારા માણસ તરીકેની છે. બોબી મૂળ બિઝનેસમેન છે અને ફિલ્મોમાં એક્ટિંગ પણ કરે છે. બોબીના પોતાના જ્વેલરી શોરૂમ છે. આ પૈકી ત્રિસૂરમાં એક જ્વેલરી સ્ટોરનું ઉદઘાટન કરવા મહાન ફૂટબોલ સ્ટાર ડીયેગો મેરેડાનોના બોલાવેલો. બોબીએ મેરેડોનાનું મ્યુઝિયમ પણ બનાવ્યું છે. 

બોબીએ ૨૦૧૬માં કોઝીકોડમાં શેરીઓમાં રખડતાં કૂતરાંને પકડીને તેમને પોતે બનાવેલા વૃધ્ધાશ્રમમાં રાખવાનું શરૂ કરેલું. તેના કારણે વૃધ્ધાશ્રમની પાસે રહેતાં લોકોએ ભારે ઉહાપોહ કરતાં બોબી સામે કેસ થયો હતો. આ મુદ્દો બહુ ચગ્યો હતો ને બોબી હાઈકોર્ટમાં પણ ગયેલો.

Gujarat