For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમરમણિ કે મિસ્ટર ઈન્ડિયા ? નજર સામે પણ યુપી પોલીસને દેખાતો નથી

Updated: Apr 15th, 2024

અમરમણિ કે મિસ્ટર ઈન્ડિયા ? નજર સામે પણ યુપી પોલીસને દેખાતો નથી

- ઠાકુરોની દાદાગીરીને પડકારનારા અમરમણિના નામની હજુ ફેં ફાટે છે કેમ કે તેનો દીકરો અમનમણિ બાપ કરતાં પણ મોટો ગુંડો છે

- અમરમણિ સામેનો રાહુલ ગુપ્તા ઉર્ફે રાહુલ મદેસિયાના અપરહણનો કેસ  છેક ૨૦૦૧નો છે. આ કેસમાં અમરમણિ સામે ૨૦૧૧માં બિનજામીનપાત્ર વોરંટ નિકળેલું છે. અમરમણિ અને  તેની પત્ની મધુમણિ ૨૦૦૩થી જેલમાં હતાં. ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે ૨૦૨૩ના ઓગસ્ટમાં છેલ્લાં ૨૦ વર્ષથી જેલમાં સજા ભોગવતાં અમરમણિ અને મધુમણિને સારા આચરણના નામે છોડી મૂક્યાં ત્યારે પણ રાહુલ અપહરણ કેસમાં અમરમણિ સામે બિનજામીનપાત્ર વોરંટ નિકળેલું જ હતું પણ પોલીસે તેમની ધરપકડ ના કરી  

ઉત્તર પ્રદેશના કુખ્યાત રાજકારણી કમ ગેંગસ્ટર અમરમણિ ત્રિપાઠીની સંપત્તિ જપ્ત કરાતાં ત્રિપાઠી ફરી ચર્ચામાં છે. પોતાની પ્રેમિકા એવી કવયિત્રી મધુમિતા શુકલાની હત્યાના કેસમાં આજીવન કારાવાસની સજાનાં ૨૦ વર્ષ ભોગવીને ગયા વરસે જ જેલમાંથી બહાર આવેલા અમરમણિ ત્રિપાઠી સામે થોડા દિવસ પહેલાં જ મધુમિતાની બહેન નિધીએ પોતાની હત્યા કરાવવા ઘર પર ગોળીઓ છોડાવી હોવાનો આક્ષેપ કરેલો. હવે સંપત્તિ જપ્ત કરાતાં ત્રિપાઠી પર ફરી તવાઈ આવી રહી છે કે શું એ સવાલ ચર્ચાઈ રહ્યો છે. 

આ કાર્યવાહી ૨૦૦૧માં બિઝનેસમેન ધર્મરાજ ગુપ્તાના પુત્ર રાહુલ ગુપ્તાના અપહરણના કેસમાં કરાઈ છે. પોલીસે રાહુલને જે ઘરમાંથી છોડાવ્યો એ ઘર અમરમણિ ત્રિપાઠીનું હતું પણ આ કેસમાં અમરમણિ ત્રિપાઠી હાજર ના થતાં છેવટે કોર્ટે સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો. તેના પગલે પોલીસે મહારાજગંજ જિલ્લાના ત્રિપાઠીના પૈતૃક ગામ નૌતનવામાં જઈને ત્રિપાઠીના ઘરને સીલ કરી દીધું. ત્રિપાઠીની બીજી કેટલી સંપત્તિ પણ ટાંચમાં લેવાઈ હોવાનો પોલીસનો દાવો છે. 

અમરમણિની સંપત્તિ જપ્તીની કાર્યવાહી ભારતમાં ન્યાયના નામે કેવાં નાટક ચાલે છે તેનો વધુ એક નાદાર નમૂનો છે. અમરમણિના મામલે યુપી પોલીસ બગલ મેં છોરા ઔર ગાંવ મેં ઢિઢોરા કરી રહી છે. અમરમણિ ત્રિપાઠી નજર સામે છે, જાહેર સભાઓ કરે છે, ચૂંટણી પ્રચાર કરે છે, દરબાર ભરે છે અને લોકોને મળે છે પણ પોલીસને જ દેખાતો નથી. પોલીસે ન જાણે કેવાં ચશ્માં પહેર્યાં છે કે યુપી પોલીસ માટે અમરમણિ ત્રિપાઠી મિસ્ટર ઈન્ડિયા બની ગયો છે. 

અમરમણિ સામેનો રાહુલ ગુપ્તા ઉર્ફે રાહુલ મદેસિયાના અપરહણનો કેસ  છેક ૨૦૦૧નો છે. આ કેસમાં અમરમણિ સામે ૨૦૧૧માં બિનજામીનપાત્ર વોરંટ નિકળેલું છે. અમરમણિ અને  તેની પત્ની મધુમણિને અમરમણિની પ્રેમિકા કવયિત્રી મધુમિતા શુકલાની હત્યાના કેસમાં ૨૦૦૭માં આજીવન કારાવાસની સજા થયેલી પણ બંને ૨૦૦૩ના સપ્ટેમ્બરથી જેલમાં હતાં.

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે ૨૦૨૩ના ઓગસ્ટમાં છેલ્લાં ૨૦ વર્ષથી જેલમાં સજા ભોગવતાં અમરમણિ અને મધુમણિને છોડી મૂકવાનો નિર્ણય લીધેલો. યોગી સરકારે સારા આચરણના નામે બંનેને છોડી મૂક્યાં ત્યારે પણ રાહુલ અપહરણ કેસમાં અમરમણિ સામે બિનજામીનપાત્ર વોરંટ નિકળેલું જ હતું પણ પોલીસે તેમની ધરપકડ ના કરી.  અમરમણિ અને મધુમણી જેલમાંથી બહાર આવ્યાં પછી વાજતેગાજતે વરઘોડો કાઢીને ઘરે ગયેલાં.  અમરમણિ એ વખતે આખી દુનિયાની નજર સામે હતા પણ પોલીસને ધરપકડ કરવાનું ના સૂઝયું. 

અમરમણિ એ પછી પણ રાજકીય રીતે સક્રિય છે. મહારાજગંજમાં ત્રિપાઠીની હુકુમત ચાલે છે. અમરમણિ મહારાજગંજ લોકસભા વિસ્તારમાં સક્રિય છે જ પણ પોલીસે તેમને પકડયા નથી. પોલીસ સાવ વાહિયાત કારણ આપીને હાથ અધ્ધર કરી દે છે કે, અમરમણિ ત્રિપાઠી મળતા નથી. આ કારણે એમપી-એમએલએ કોર્ટે સંપત્તિ ટાંચમાં લેવાનું ફરમાન કર્યું. તેમાં પણ પોલીસે નાટક જ કર્યું છે કેમ કે પોલીસે અમરમણિનું જે ઘર સીલ કર્યું છે એ ગામડામાં આવેલું સાવ ખખડધજ મકાન છે. ઢોર-ઢાંખરને રાખવા માટે પણ ઉપયોગમાં ના લેવાય એવા મકાનમાં અમરમણિ પરિવાર સાથે રહેતો હોય એ વાત જ કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના જેવી છે. આ મકાનને સીલ કરીને પોલીસે કોર્ટના આદેશનું પાલન ભલે કર્યું પણ એ કોર્ટ અને લોકોને બંનેને ઉલ્લુ બનાવી રહી છે એ સ્પષ્ટ છે. 

યુપી પોલીસ અમરમણિને કોના ઈશારે બચાવી રહી છે એ કહેવાની જરૂર નથી. યોગી આદિત્યનાથે સારા આચરણના બહાને અમરમણિને છોડયો ને હવે એ જ અમરમણિના તારણહાર છે કેમ કે ભાજપને અમરમણિ જેવા ગેંગસ્ટરની લોકસભાની ચૂંટણીમાં જરૂર છે. અમરમણિ ભલે ૨૦ વર્ષ જેલમાં રહ્યો પણ તેના કારણે તેનું સામ્રાજ્ય ધરાશાયી થયું નથી. ઉત્તર પ્રદેશના રાજકારણમાં બ્રાહ્મણ ગેંગસ્ટર્સ ઉભા કરીને ઠાકુરોની દાદાગીરીને પડકારનારા હરિશંકર તિવારીના ચેલા અમરમણિના નામની હજુ ફેં ફાટે છે કેમ કે તેનો દીકરો અમનમણિ બાપ કરતાં પણ મોટો ગુંડો છે. 

અમરમણિ પોતાનાથી ૨૦ વર્ષ નાની મધુમિતા સાથેના શરીર સંબંધોના કારણે ફસાઈ ગયા ને તેમાંથી છૂટવા જતાં જેલવાસી થઈ ગયા હતા. બંનેના સંબંધોની શરૂઆત વખતે મધુમિતા ૨૧ વર્ષની હતી જ્યારે અમરમણિ ૪૫ વર્ષના હતા પણ મધુમિતા તરફના આકર્ષણને ના રોકી શક્યા તેમાં ૨૦ વર્ષ જેલમાં રહેવું પડયું. 

અમનમણિ વધારે સફાઈથી કામ કરે છે તેથી તેની સામે કોઈ ગંભીર અપરાધ નોંધાયેલા નથી. લખનઉના ધનિક પરિવારની દીકરી સારા સિંહ સાથે અમનમણિએ ૨૦૧૩માં આર્યસમાજમાં લગ્ન કર્યાં હતાં. ૨૦૧૫માં અમનમણિ-સારા લખનઉથી દિલ્હી જઈ રહ્યાં હતાં ત્યારે અકસ્માતમાં સારાનું મોત થઈ ગયું. અકસ્માતમાં અમનમણિને ઘસરકો પણ નહોતો વાગ્યો. 

સારાના પરિવારે અમનમણિએ સારાની હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો પણ અમનમણિને કશું ના થયું. આ સિવાય અમનમણિ સામે બીજો કોઈ ગંભીર ગુનો નથી. અમનમણિ પણ તેના બાપની જેમ ધારાસભ્ય બનેલો પણ છેલ્લી ચૂંટણીમાં હારી ગયેલો. એ રીતે રાજકીય રીતે બાપ જેવો શક્તિશાળી નથી પણ સ્માર્ટ છે તેથી ભાજપ સાથે સારા સંબંધો રાખ્યા છે. 

એક તરફ અમરમણિના ગુંડાગીરીના સામ્રાજ્યને ખંડણીખોરીના જોરે સાચવીને પૂર્વાંચલમાં ત્રિપાઠીનો દબદબો યથાવત રાખ્યો  છે તો બીજી તરફ યોગીના શરણે જઈને પરિવારને પણ સલામત કરી દીધો છે. અમનમણિ ગયા મહિને જ કોંગ્રેસમાં જોડાયો છે એ પણ યોગીની વ્યૂહરચનાનો ભાગ મનાય છે. અમનમણિ ૨૦૧૭માં યુપી વિધાનસભામાં ધારાસભ્ય હતો ત્યારે યોગી સરકારને ટેકો આપેલો તેથી અમનમણિ યોગીની નજીક મનાય છે.  પોતાનાં મા-બાપને જેલમાંથી બહાર લાવવાનું મિશન અમનમણિએ આ સંબંધોનો ઉપયોગ કરીને પાર પાડેલું. 

અમરમણિને આજીવાન કારાવાસની સજા થઈ હોવાથી એ ચૂંટણી લડી શકે તેમ નથી પણ પોતાના પ્રભાવનો ભાજપના ફાયદા માટે ચોક્કસ ઉભો કરી શકે.  પૂર્વાંચલમાં ભાજપ ઓમપ્રકાશ રાજભર અને દારાસિંહ ચૌહાણ જેવા દિગ્ગજ ઓબીસી નેતાઓને સમાજવાદી પાર્ટીમાંથી તોડીને લઈ આવ્યો છે. તેના કારણે ઓબીસી મતબેંક તેના તરફ વળશે પણ પૂર્વાંચલમાં બ્રાહ્મણ મતદારો વધારે નિર્ણાયક છે.

પૂર્વાંચલમાં બ્રાહ્મણ મતદારોની વસતી વધારે છે અને બ્રાહ્મણો માથાભારે પણ છે. યોગી કે ભાજપના બીજા કોઈ નેતાઓનું તેમને નાથવાનું ગજું નથી પણ ત્રિપાઠી તેમને નાથી શકે કેમ કે ત્રિપાઠી પૂર્વાંચલના બ્રાહ્મણ ગેંગસ્ટર્સના ગોડફાધર છે. આ કારણે બ્રાહ્મણ મતદારો પર પણ ત્રિપાઠીનો ભારે પ્રભાવ છે.  લોકસભાની ચૂંટણીમાં ભાજપ તેનો ઉપયોગ કરી રહી છે તેથી યુપી પોલીસ અમરમણીની વાત આવે ત્યારે મિસ્ટર ઈન્ડિયા બની જાય છે. 

- અમરમણિએ ૨૪ વર્ષ નાની પ્રેમિકાને પ્રેગનન્ટ કરી દીધી ને...

મધુમિતા શુકલા હત્યા કેસે એક સમયે ભારે ચકચાર જગાવેલી. મધુમિતાની હત્યા થઈ ત્યારે એ ૨૪ વર્ષની હતી અને અમરમણિ ૪૮ વર્ષના હતા. બંને વચ્ચે  ૨૪ વર્ષનો તફાવત હતો પણ મહત્વાકાંક્ષી  અમરમણિના કારણે મોટા થવામાં રસ હતો તેથી તેણે અમરમણિને પકડી લીધા હતા. 

માયાવતી સરકારમાં મંત્રી અમરમણિના કારણે મધુમિતાને મહત્વ મળવા માંડયું તેથી મધુમિતા અમરમણિને સંપૂર્ણ સમર્પિત થઈ ગઈ. બંને વચ્ચે શરીર સંબંધ બંધાયા લગભગ ત્રણ વર્ર્ષના સંબંધ પછી મધુમિતા પ્રેગનન્ટ થઈ ત્યારે અમરમણિએ એબોર્શન કરાવવાની સલાહ આપી પણ મધુમિતા તૈયાર ના થતાં અમરમણિએ ૯ મે, ૨૦૦૩ના રોજ મધુમિતાની હત્યા કરાવી દીધી. મધુમિતાના ઘરમાં ઘૂસીને બે હુમલાખોરે તેને ગોળી મારીને પતાવી દીધી ત્યારે ૨૪ વર્ષની મધુમિતાના પેટમાં સાત માસનો ગર્ભ હતો. આ ગર્ભ અમરમણિનો જ હતો એવું સાબિત થયેલું. 

અમરમણિ અને તેની પત્નીને કવયિત્રી મધુમિતા શુકલાની હત્યાના કેસમાં આજીવન કેદ થઈ હતી. મધુમિતાની ડાયરી અને ડીએનએ રીપોર્ટના આધારે અમરમણિ, મધુમણિ, અમરમણિનો ભત્રીજો રોહિતમણિ તથા બે શૂટર્સ સંતોષ રાય અને પવન પાંડે આ કેસમાં દોષિત ઠરેલા.

- અમરમણિ બ્રાહ્મણ ગેગસ્ટર્સના ગોડફાધર કોંગ્રેસી તિવારીનો શિષ્ય 

 યુપીના રાજકારણમાં બ્રાહ્મણ ગુંડાઓનો દબદબો બનાવવાનું શ્રેય કોંગ્રેસના નેતા હરિશંકર તિવારીને જાય છે. યુપીમાં માથાભારે ઠાકુરો સામે બ્રાહ્મણ ગુંડાઓને ઉભા કરીને તિવારીએ યુપીના રાજકારણની તસવીર બદલી નાંખી. અમરમણિ પણ તિવારીનો શિષ્ય છે અને તિવારીના આશિર્વાદથીવિદ્યાર્થી નેતા તરીકે યોગી આદિત્યનાથના શહેર ગોરખપુરથી રાજકીય કારકિર્દી શરૂ કરી હતી.  

અમરમણિ ૧૯૮૦માં પહેલી વાર ઠાકુર ગેંગસ્ટર વિરેન્દ્ર પ્રતાપ શાહી સામે લડેલા પણ હારી ગયેલા. અમરમણિ ૧૯૮૫માં પણ હારી ગયેલા પણ તિવારીના કારણે ૧૯૮૯માં કોંગ્રેસે અમરમણિને ટિકિટ આપતાં પહેલી વાર જીતીને ધારાસભ્ય બન્યા. અમરમણિ ૧૯૯૧ અને ૧૯૯૩માં હારી ગયેલા પણ ૧૯૯૬માં ફરી કોગ્રેેસની ટિકિટ પર જીતીને ધારાસભ્ય બનેલા. જીત્યા પછી અમરમણિ  કોગ્રેેસ છોડીને ભાજપમાં જતા રહેલા ને મંત્રી બનેલા. 

અમરમણિને યુપીના રાજકારણમાં પાવર બ્રોકર કહેવામાં આવે છે. તોડફોડના રાજકારણમાં ઉસ્તાદ અમરમણિ સપા અને બસપા સરકારોમાં પણ મંત્રી બન્યા છે.

Gujarat